Get The App

વાર્તા : અવૈધ સંબંધ .

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
વાર્તા : અવૈધ સંબંધ                                                 . 1 - image

- થોડીક પળો મૌનમાં વીતી ગયા પછી સીમાએ ઊંડો શ્વાસ લીધો અને પછી દ્દઢ અવાજે બોલી,  ''નીરજ, મેં એકાંતમાં ઘણી વાર રોઈ લીધા પછી તમને ફોન કર્યો છે. જે પળે આજે મને અહેસાસ થયો છે કે સમીરને આપણા પ્રેમસંબંધ વિશે ખબર પડી ગઈ છે, એ જ પળથી હું મારી જાતને શરમની મારી ધરતીમાં સમાતી જોઉં છું.''

સીમા રવિવારની સવારે મોડે સુધી સૂવા  ઇચ્છતી હતી, પણ એનાં બંને બાળકોએ એની આ ઇચ્છા પૂરી થવા ન દીધી.      

''આજે આપણે બધાં ફરવા જઈ રહ્યા છીએ. મને યાદ પણ નથી આવતું કે આપણે બધાંએ રજાનો કોઈ દિવસ સાથે વિતાવ્યો હોય.'' એના દીકરા સમીરે ઊંચા અવાજે ફરિયાદ કરી.

''બાળકો, રવિવાર આરામ કરવા માટે બન્યો છે  અને...''

''અને બાળકો, આપણે ફરવા માટે આપણાં મમ્મીપપ્પાને ઓફિસેથી રજા અપાવવી જોઈએ.'' શિખાએ પોતાના પિતા રાકેશના અવાજની એવી તો સરસ નકલ કરી કે ત્રણેય ખડખડાટ હસી પડયાં.

''પપ્પા, તમે પણ એક નંબરના આળસુ  છો. મમ્મી અને અમને બધાને ફરવા લઈ જવાની પહેલા તમારે જ કરવી જોઈએ. શું તમને ખબર નથી કે જે પરિવારના સભ્યો સાથે મળીને મનોરંજનમાં ભાગ નથી લેતા, એ પરિવાર તૂટીને વિખેરાઈ પણ શકે છે.'' સમીરે પોતાના પિતાને આ ચેતવણી મજાકિયા સ્વરે કહી.

''યાર, તારે જે કહેવું હોય તે સ્પષ્ટ કહી દે. આપણામાંથી કોણ કુટુંબથી છૂટું પડી રહ્યું છે ?'' રાકેશે કપાળે કરચલી પાડી.

''મેં તો મારા કહેવામાં વજન પડે તે માટે  આમ જ એક વાત કરી છે. ચાલો, હું આજે તમને મમ્મી કરતાં સ્માર્ટ રીતે તૈયાર કરું છું.'' સમીર પોતાના પિતાનો હાથ પકડી એમના બેડરૂમ તરફ ચાલ્યો. 

સીમાને આકર્ષક રીતે તૈયાર કરવા માટે શિખાએ બહુ જ મહેનત કરી હતી. સમીરે પોતાના પિતાની પાછળ પડીને એમને એટલા સરસ તૈયાર કર્યા હતા કે જાણે કોઈ પાર્ટીમાં જવાના હોય.

''આજે બહુ જ જામી રહી છે તમારા બેની જોડી.''  શિખાએ એમને સાથે ભેગાં ઊભા જોઈને કહ્યું અને પછી નાની છોકરીની માફક ખુશ થઈને તાળીઓ પાડી.

''તમારી મા તો સાચે જ બહુ જ સુંદર દેખાય છે.''  રાકેશે પોતાની પત્ની તરફ પ્રેમાળ નજરે જોયું.

''જો વ્યવસ્થિત કપડાં પહેરશો તો તમે પણ આવા જ સરસ લાગશો. હવે ગળામાં મફલર ના લપેટતા.''  સીમાની આ ટકોર સાંભળીને રાકેશ જ સૌથી જોરથી હસ્યો હતો.

કારમાં બેઠા પછી સીમાએ પૂછયું, ''આપણે  જઈએ છીએ ક્યાં?''

''પહેલાં લંચ થશે પછી ફિલ્મ જોયા પછી શોપિંગ કરીશું.''  સમીરે પ્રસન્ન શૈલીમાં એમને માહિતી આપી.

''આપણે સાગર રત્નામાં જઈએ છીએ ને?'' દક્ષિણ ભારતીય ભોજનના શોખીન રાકેશે આંખો ચમકાવીને પૂછયું.

''નો પપ્પા. આજે આપણે મમ્મીની પસંદનું ચાઈનીઝ ખાવા જઈ રહ્યા છીએ.''  સમીરે પોતાની મા તરફ જોઈને સ્મિત કર્યું.

''બહુ સરસ. ક્યા રેસ્ટોરન્ટમાં જઈએ છીએ?'' સીમા એકદમ ખુશ થઈ ગઈ.

''નવું રેસ્ટોરન્ટ ઇસ્ટર્ન ડિલાઈટમાં.''

''એ તો બહુ દૂર છે.''  સીમાએ તરત એમને કહી તો દીધું, પણ તરત જ તેને આમ માંે ખોલવાનો અફસોસ પણ થયો.

''તો શું થયું મમ્મી? તમને ખુશ કરવા અમે ગમે તેટલે દૂર જવા તૈયાર છીએ.''

''તું ક્યારે આવી છે આ રેસ્ટોરન્ટમાં?'' રાકેશે એને પૂછયું.

''મારી ઓફિસમાં કોઈ વાત કરી રહ્યું હતું કે રેસ્ટોરન્ટ સારું છે, પણ બહુ દૂર પણ છે.''  આમ જૂઠું બોલતાં સીમાના હૃદયના ધબકારા વધી ગયા હતા.

''ત્યાં ખાવાનું બહુ મોંઘું તો નહીં હોય ને?''  રાકેશનો સ્વર ચિંતિત હતો.

''પપ્પા, અમારા આનંદ અને મનોરંજન માટે ખર્ચ કરવામાંથી હંમેશાં છટકો છો, પણ હવે એ નહીં ચાલે.'' સમીરે પોતાના દિલની વાત સ્પષ્ટપણે કહી દીધી.

''ભાઈ બરાબર કહી રહ્યો છે. આપણે બધાં સાથે ક્યાંય ફરવા જઈએ છીએ જ ક્યાં?''  શિખા એકદમ ભાવુક બની ગઈ, ''તમે બંને અઠવાડિયામાં ૬ દિવસ ઓફિસ જાવ છો અને અમે બંને કોલેજ. પણ હવે અમે નક્કી કર્યું છે કે દરેક રવિવારે આપણે બધાં સાથે ક્યાંક ને ક્યાંક ફરવા જરૂર જઈશું. જો આપણે આમ ન શરૂ કરીએ તો એક જ છત નીચે રહેતાં અજનબી જેવા બની જઈશું.''

''આવું કશું નહીં થાય. તમે બધાં સમજતાં કેમ નથી કે આવી બેકાર વાતોમાં વધારે પૈસા ખર્ચવા જેવા નથી. હજુ તમારા બંનેનો અભ્યાસ બાકી છે, પછી લગ્ન પણ કરવાનાં છે. 

માણસે પૈસો બચાવીને રાખવો જોઈએ.''  રાકેશે સહેજ નારાજીના ભાવ સાથે એમને સમજાવવાની કોશિશ કરી.

''પપ્પા બહુ મન મારીને જીવવું પણ સારું

નથી. શું હું ખોટું કહું છું મમ્મી?''  સમીર બોલ્યો.

''આ વાતો તારા પપ્પાને ક્યારેય સમજાશે નહીં અને ન એ પોતાની કંજૂસાઈની ટેવ બદલશે.''  સીમાએ ફરિયાદ કરી અને પછી આ ચર્ચામાં ન પડવું હોય તેમ આંખો બંધ કરી દીધી.

''પ્રેમથી સમજાવવાથી માણસ જરૂર બદલાય છે, મોમ. આપણે બદલીશું પપ્પાને.''  સમીરે એને આશ્વસ્ત કરતાં કહ્યું.

''બસ, તમે અમને મદદ કરતાં રહેજો તો જોજો કેટલી ઝડપથી આપણા ઘરનું વાતાવરણ આનંદ અને મોજમસ્તીભર્યું થઈ જશે.'' શિખા ભાવુક થઈને માને ગળે વળગી ગઈ.

''અરે, હું શું કોઈ નાનું બાળક છું કે તમે બધાં મને બદલવાની વાતો મારી સામે જ કરી રહ્યા છો?'' રાકેશ નારાજ થઈ ગયો.

''પપ્પા, તમે ઘરમાં સૌથી મોટા છો, પણ હવે અમે નાનાંઓની વાત તમારે જરૂર માનવી પડશે. ભાઈ અને હું ઇચ્છીએ છીએ કે આપણી વચ્ચે પ્રેમનો નાતો બહુ જ મજબૂત બને.''

''આ વાત મને કંઈક સમજાઈ રહી છે, મારી ઢીંગલી, મને કહે કે એ માટે મારે શું કરવું જોઈએ?''

પિતાના આ હકારાત્મક વલણને જોઈ શિખાએ પ્રેમથી એમનો હાથ ચૂમી લીધો.

આ પળ પછી સીમા તો કંઈક મૌન રહી, પણ બાકીના ત્રણેય નિખાલસપણે હસવા-બોલવા લાગ્યા હતા.

ઇસ્ટર્ન ડિલાઈટમાં સમીરે ખૂણાનું ટેબલ - બેસવા માટે પસંદ કર્યું. જો કોઈ ત્યાં બેઠેલી સીમાના ચહેરા પરના ભાવો વાંચત, તો એના મનની બેચેની જરૂર સમજી જાત.

વેઈટર આવ્યા પછી સમીરે બધાંને માટે ઓર્ડર આપ્યો, ''અમારાં બધાં માટે પહેલા ચિકન કોર્ન સૂપ લઈ આવો. પછી મંચૂરિયન અને પછી ફાઈડ રાઈસ લાવો. મમ્મી, આ જ છે ને તમારી પસંદની વાનગીઓ?''

''હા, હા. તે જે ઓર્ડર કર્યો છે તે બરાબર છે.'' સીમાએ પરેશાન ઢબે પોતાની સંમતિ આપી અને પછી અહીંતહીં જોવા લાગી.

સીમાએ પણ બધાંની પેઠે ભરપેટ ખાધું, પણ એણે અનુભવ્યું કે એ જબરદસ્તી અને બનાવટભર્યું હસી રહી હતી અને આ વાત એને મોડે સુધી ખૂંચતી રહી.

રેસ્ટોરન્ટથી બહાર આવ્યાં તો સમીરે હસતાંહસતાં બધાને કહ્યું, ''તમને બધાને યાદ હશે કે ફિલ્મ 'બ્લેક' મમ્મીને બહુ ગમી હતી. એના મોંએથી એ ફિલ્મ બીજીવાર જોવાની વાત મેં ઘણી વાર સાંભળી તો એ જ ફિલ્મની ટિકિટો મેં મારા મિત્ર મયંક પાસે કાલે સાંજે મંગાવી લીધી, જે કાલે અહીં ફરવા આવ્યો હતો. મમ્મી, આ ફિલ્મ બીજી વાર તમે જોશો ને?''

''હા, હા, જરૂર જોઈશ. આ ફિલ્મ છે જ બહુ સરસ.'' પોતાના મનની બેચેની અને તાણ છુપાવવા માટે સીમાએ હવે બહુ કોશિશ કરવી પડતી હતી.

ફિલ્મ જોતાં જો સીમા ઇચ્છતા તો લગભગ આવનારા દરેક સીન વિશે એમને પહેલાંથી માહિતી આપી શકત. જો કોઈ ર૪ કલાકની અંદર કોઈ ફિલ્મને ફરી જુએ તો એને આખીય ફિલ્મ સારી રીતે યાદ તો રહે જ છે.

ફિલ્મ જોયા પછી એ બધાં બજારમાં ફરવા નીકળ્યા. બધાંએ આઇસક્રીમ ખાધો, પણ સીમાએ ઈન્કાર કર્યો. હવે એનું મન ફરવામાં નહોતું લાગતું.

''ચાલો, હવે ઘરે જઈએ. મારું માથું બહુ  દુઃખી રહ્યું છે.''  એણે ઘણી વાર આવું કહ્યું પણ કોઈ આટલી જલદી ઘરે પાછા ફરવા તૈયાર ન હતું.

સમીર અને શિખાએ પોતાના પપ્પા પર દબાણ કર્યું અને એમની પાસેથી સીમાને એનું મનપસંદ સેન્ટ, લિપસ્ટિક અને નેલપોલિશ અપાવ્યું.

ઘરે પહોંચતાં સુધી ચિંતિત દેખાતી સીમાનું માથું દર્દથી ફાટફાટ થતું હતું. એણે કપડાં બદલ્યાં અને માથે દુપટ્ટો બાંધીને પલંગ પર સૂઈ ગઈ. કોઈ એને ડિસ્ટર્બ ન કરે એ માટે એણે દરવાજો અંદરથી બંધ કરી દીધો.

એને ખબર પણ ન પડી કે ક્યારે એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. પછી અચાનક એનું રુદન ફૂટી નીકળ્યું અને એ ઓશીકામાં મોં છુપાવીને રડી પડી.

ત્યારે સમીરે બહારથી દરવાજો ખખડાવ્યો તો સીમાએ ધીમા સ્વરે કહ્યું, ''મારી તબિયત સારી નથી. મને આરામ કરવા દે.''

''મમ્મી, તમે થોડી વાર જરૂર આરામ કરી લો. શિખા પુલાવ બનાવી રહી છે. તૈયાર થાય તો હું તમને બોલાવીશ.''  સમીરે કોમળ સ્વરમાં કહ્યું.

''હું સૂઈ જાઉં તો મને ઉઠાડીશ નહીં.''  સીમાએ એને રોતલ અવાજે સૂચના આપી.

થોડી ક્ષણોના મૌન પછી સમીરનો જવાબ સીમાના કાન સુધી પહોંચ્યો, ''મમ્મી, અમે બધાં તમને ખૂબ ચાહીએ છીએ. પપ્પામાં લાખ ઊણપ હશે પણ એક વાત સાચી કે એમને તમારાં સુખદુઃખની ફિકર રહે છે. હું તમને એ ખાતરી પણ અપાવું કે અમે ક્યારેય કોઈ એવું કામ નહીં કરીએ કે જેનાથી તમને મનદુઃખ થાય કે કદી તમારે શરમથી આંખો ઝુકાવીને સમાજમાં જીવવું પડે. હવે તમે થોડો આરામ કરો, પણ ભૂખ્યા પેટે સૂવું યોગ્ય નથી. હું થોડી વાર પછી તમને જગાડવા જરૂર આવીશ.''

'તેં મને જગાડી તો દીધી મારા લાલ.' એના

દૂર જઈ રહેલાં પગલાં સાંભળતાં સીમા મનોમન ગણગણી અને પછી એણે તરત જ ઊઠીને એ જ વખતે મોબાઈલ ફોન કાઢી પોતાના સહયોગી નીરજનો નંબર ડાયલ કર્યો.

''સ્વીટહાર્ટ, આ વખતે મને કેમ યાદ કર્યો?''  નીરજે ખુશહાલ અવાજે પૂછયું.

''તમારી સાથે આ જ સમયે એક જરૂરી વાત કરવી છે.''  સીમાએ ગંભીર અવાજે કહ્યું.

''કહો.''

''સમીરને એના દોસ્ત મયંક દ્વારા ખબર પડી ગઈ છે કે કાલે દિવસના સમયે હું તમારી સાથે ફરવા ગઈ હતી.''

''ઓહ.''

''આજે એ અમને એ જ રેસ્ટોરન્ટમાં લઈ ગયો, જ્યાં આપણે કાલે ગયા હતા અને ખાવામાં એ જ ચીજો મંગાવી હતી, જે તમે કાલે મંગાવી હતી. એ જ ફિલ્મ બતાવી, જે આપણે જોઈ હતી અને એ જ દુકાનેથી એ જ ચીજો ખરીદવી જે કાલે તમે મારે માટે ખરીદી હતી.''''શું એણે તારી સાથે આ વાતે ઝઘડો કર્યો છે?''

''ના, બલકે આજે તો બધાંએ મને ખુશ રાખવાનો પૂરો પ્રયાસ કર્યો છે.''

''તું કોઈ બહાનું વિચારીને એના સવાલોનો જવાબ આપવાની તૈયારી કરી લે, સ્વીટહાર્ટ આપણે હવે પછી ક્યાંય સાથે ફરવા જવામાં વધુ સાવધાની રાખીશું.''

થોડીક પળો મૌનમાં વીતી ગયા પછી સીમાએ ઊંડો શ્વાસ લીધો અને પછી દ્દઢ અવાજે બોલી,  ''નીરજ, મેં એકાંતમાં ઘણી વાર રોઈ લીધા પછી તમને ફોન કર્યો છે. જે પળે આજે મને અહેસાસ થયો છે કે સમીરને આપણા પ્રેમસંબંધ વિશે ખબર પડી ગઈ છે, એ જ પળથી હું મારી જાતને શરમની મારી ધરતીમાં સમાતી જોઉં છું.''

''હું મારા દીકરા સાથે આંખો મેળવી શકતી નથી. મને હસવું બોલવું, ખાવું-પીવું કશું જ ગમતું નથી. વારંવાર હું એવું વિચારીને કાંપી જાઉં છું કે જો તમારી સાથેના પ્રેમસંબંધની વાત મારી દીકરી અને પતિને પણ ખબર પડી તો મારે જિંદગીભર બધાં સામે શરમિંદા થઈને જીવવું પડશે.''

''આજે એક ઝાટકે મને એક વાત સારી રીતે સમજાઈ ગઈ છે કે પોતાના મોટાં થતાં બાળકોની નજરમાંથી ઊતરી જઈને જીવવું એનાથી વધારે દુઃખદ વાત મારે માટે કોઈ હોઈ શકે નહીં નીરજ. હું ક્યારેય નહીં ઈચ્છું કે મારા ખોટા, અનૈતિક વ્યવહારને લીધે એ સમાજમાં શરમિંદા થઈને જીવે.''

''એ વિચારીને મારું દિલ લોહીનાં આંસુએ રડે છે કે જ્યારે સમીરના મિત્ર મયંકે એને એમ જણાવ્યું હશે કે એની મા કોઈ પરપુરુષ સાથે મજા માણતી ફરી રહી છે, ત્યારે એને કેટલી શરમ આવી હશે. ના, મારા મોટાં થતાં બાળકોના માનસન્માન માટે આજથી તમારી અને મારી વચ્ચે ચાલતા અવૈધ પ્રેમસંબંધોને હું હંમેશ માટે ખતમ કરી રહી છું.''

''મારી વાત તો...''

''મારે કંઈ સાંભળવું નથી. કેમ કે મેં આ મામલે મારો અંતિમ નિર્ણય તમને જણાવી દીધો છે.''  સીમાએ આ ફેંસલો સંભળાવીને ફોન સ્વિચ ઓફ કરી દીધો.

સીમાનું પરેશાન મન એને હજુ રોવડાવવા જ ઇચ્છતું હતું, પણ એણે એક ઊંડો શ્વાસ લીધો અને ફ્રેશ થવા માટે બાથરૂમમાં જતી રહી.

હાથમોં ધોઈને એ સમીરના રૂમમાં ગઈ. પોતાના દીકરાની સામે એ મોંએથી એક શબ્દ પણ બોલી ન શકી. બસ, પોતાના સમજદાર દીકરાને ગળે વળગીને બહુ રોઈ. આ આંસુઓ સાથે સીમાના મનનો અપરાધભાવ અને દુઃખદર્દ વહી ગયા.

જ્યારે રોઈને મન હલકું થઈ ગયું, તો એણે સમીરને કપાળે ચુંબન કર્યું અને સહજ સ્મિત હોઠો  પર લાવીને કહ્યું, ''જોઉં, શિખા રસોડામાં શું કરી  રહી છે... હું તારા પપ્પા માટે ચા બનાવી લાવું છું. મારા હાથની બનેલી ચા અમે બંનેએ સાથે પીધાને જમાનો વીતી ગયો છે.''

''જે વીતી ગયું તે વીતી ગયું, મમ્મી. હવે આપણે બધાએ પોતાની જાતને એક વાયદો જરૂર કરવાનો છે કે એકબીજા સાથે પ્રેમનો મજબૂત નાતો બનાવવામાં આપણે કોઈ કસર નહીં રાખીએ.'' સમીરે માના કપાળે ચુંબન કરતાં પોતાના મનની ઈચ્છા જાહેર કરી.

''હા, જ્યારે સવારનું ભૂલેલું સાંજે ઘરે આવે તો એને ભૂલ્યું નથી કહેતાં.''  સીમાએ મજબૂત સ્વરમાં એની વાતને ટેકો આપ્યો અને પછી પોતાના પતિ સાથે પોતાના સંબંધ સુધારવાનો મજબૂત ઇરાદો લઈ ડ્રોઈંગરૂમ તરફ ચાલી.