વાર્તા : પતિનો પ્રેમ .
- હજુ સુધી સંદીપ તરફથી કોઈ પહેલ ન થઈ એટલે મંજુ સ્વયં તેની પાસે વધુ સરકવા લાગી. વાતવાતમાં તે સંદીપ સાથે મશ્કરી કરતી. ક્યારેક તેના ઝૂલફોમાં આંગળીઓ ફેરવતી તો ક્યારેક તેના શરીરને પંપાળતી. ક્યારેક ચૂંટલો ભરી ખડખડાટ હસી પડતી. તો ક્યારેક તેનો હાથ પોતાની છાતી પર રાખી કહેતી, ''દિયરજી, જુઓ મારું દિલ કેવું ધકધક કરી રહ્યું છે?''
પ્રદીપ પતિ તરીકે મંજુની જિંદગીમાં પ્રવેશ્યો ત્યારે મંજુના તમામ સપનાં ધૂળમાં રોળાઈ ગયાં. પ્રદીપ ઠીંગણો, શ્યામ રંગનો તથા મંજુથી ઉંમરમાં પણ મોટો હતો. મંજુ ઝાઝું ભણી નહોતી, પરંતુ ખૂબસૂરત હતી. તેણે તો ફિલ્મી હીરો જેવા રાજકુમાર પતિની કલ્પના કરી હતી.
પ્રદીપ સીધોસાદો, પ્રામાણિક આદમી હતો. તે મંજુને બેહદ પ્રેમ કરતો હતો. તેને આનંદમાં રાખવા માટે કિંમતી ભેટ લાવતો હતો, પરંતુ મંજુ મોં મચકોડી ભેટને એક તરફ રાખી દેતી. તે કાયમ તાણમાં જીવતી. તેને પતિ સાથે હરવાફરવામાં પણ શરમ આવતી હતી.
અસંતુષ્ટ મંજુ તેના દિયર સંદીપ પર ઓળઘોળ હતી. પહેલી નજરમાં તેની પાછળ દીવાની બની ગઈ હતી. સંદીપ અને મંજુ લગભગ ઉંમરમાં સરખાં હતાં. બંને દેખાવડાં પણ હતાં. મંજુને લાગતું હતું કે તેના સપનાંનો રાજકુમાર સંદીપ જ છે, પ્રદીપ નહીં.
પ્રદીપને હજુ હમણાં નોકરી મળી હતી એટલે કામમાંથી નવરાશ ઓછી મળતી હતી. મોટાભાગે તે બહાર જ રહેતો. એવા સમયે મંજુને દિયર સાથે ઘણું ગમતું હતું. તે તેની સાથે મજાકમશ્કરી કરતી રહેતી.
સંદીપને રિઝવવા માટે મંજુ તેની આસપાસ આંટા માર્યા કરતી. જાણીજોઈને પોતાની સાડીના છેડાને છાતી પરથી સરકાવેલો રાખતી. તેના ગોરા રૂપાળા બદનને સંદીપ ચોર નજરે નિહાળી લેતો. મંજુને તેનો અંદાજ આવતાં હૈયામાં શરણાઈના સૂરો ગુંજવા લાગતા. તે ઈચ્છતી કે સંદીપ પણ તેની સાથે મજાકમશ્કરી કરે, પરંતુ લોકલાજના ડરે અને ગભરાહટના કારણે સંદીપ આવું કશું કરી શકતો નહોતો.
હજુસુધી સંદીપ તરફથી કોઈ પહેલ ન થઈ એટલે મંજુ સ્વયં તેની પાસે વધુ સરકવા લાગી. તે તેની નાની મોટી બાબતોનું ખૂબ જ ઘ્યાન રાખતી. વાતવાતમાં તે સંદીપ સાથે મશ્કરી કરતી. ક્યારેક તેના ઝૂલફોમાં આંગળીઓ ફેરવતી તો ક્યારેક તેના શરીરને પંપાળતી. ક્યારેક ચૂંટલો ભરી ખડખડાટ હસી પડતી. તો ક્યારેક તેનો હાથ પોતાની છાતી પર રાખી કહેતી, ''દિયરજી, જુઓ મારું દિલ કેવું ધકધક કરી રહ્યું છે?''
યુવાન અને ખૂબસૂરત ભાભીની મોહક અદાઓથી સંદીપ પાણીપાણી થઈ જતો. તેના શરીરમાં આગ ફેલાઈ જતી. તે ક્યાં સુધી પોતાને રોકી રાખી શકે? ધીરે ધીરે તે પણ છૂટછાટ લેવા લાગ્યો.
હવે દિયર-ભોજાઈ એકબીજાની ખૂબ નજીક રહેવા લાગ્યાં. બંને એકબીજાની ઠઠ્ઠામશ્કરી કરવાનું, એકબીજાની છેડછાડ કરવાનું, કોળિયા ભરવાનું, ફરવા જવાનું. તો ક્યારેક પાર્કમાં ગપસપ મારવા જતાં તેમજ કોઈવાર ફિલ્મ પણ જોવા લાગ્યાં. તેઓને એકબીજાના સંગાથે અપાર સુખ મળતું હતું.
બંને વચ્ચેની નિકટતા ખૂબ વધવા લાગી. સંદીપનો પ્રેમ મળતાં મંજુને બેહદ આનંદ થતો. હસતીરમતી મંજુને સંદીપ બાથમાં લઈ ચૂમી લેતો, ક્યારેક મજબૂત હાથમાં ઉઠાવી લેતો. ક્યારેક તેની ઉન્નત છાતી પર મસ્તક રાખી કહેતો, આ હૈયામાં મારી જગ્યા શોધી રહ્યો છું.''ચાલો દિયરજી, ફિલ્મ જોવા જઈએ.'' એકદિવસ મંજુ બોલી.
''હા, ભાભી ચાલો. અજંતા ટોકીઝમાં એકદમ નવી ફિલ્મ લાગી છે.'' સંદીપ પણ આનંદમાં આવીને બોલ્યો અને કપડાં બદલવા ચાલ્યો ગયો.
મંજુ પણ વસ્ત્રો બદલીને અરીસા સામે ઊભી રહી વાળ ઓળવા લાગી. પોતાનો ચહેરો જોઈ તે ખુદ શરમાઈ ગઈ. જ્યારે તે બનીઠનીને બહાર આવી ત્યારે સંદીપ તો તેને જોતો જ રહી ગયો.
''આ રીતે શું જોઈ રહ્યા છો, દિયરજી?'' મંજુએ અંગને મરોડ આપી સવાલ કર્યો.
અચાનક જ સંદીપે મંજુની પાછળ આવી, તેને બાથમાં લઈ ચકચાવી પોતાની દેહની સાથે ચાંપી ચુંબન આપ્યું અને કહ્યું, ''ખૂબ જ સુંદર લાગે છે ભાભી. જો તારા અને મારા વચ્ચે દિયર-ભોજાઈનો સંબંધ ન હોત તો... તો કેટલું સરસ રહેત.''
''એમ? તો તું શું કરત?'' મંજુએ તોફાની નજર કરી સવાલ કર્યો.
''તો હું ઝટપટ લગ્ન કરી લેત,''
''ધત્...'' મંજુ શરમાઈ ગઈ, પરંતુ તેના હોઠ પર માદક સ્મિત ફરી વળ્યું. દિયરની વાત તેને ખૂબ જ ગમી ગઈ.
બંને ફિલ્મ જોવા ચાલી નીકળ્યાં.
ફિલ્મ જોઈ જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે અંધારું થઈ ચૂક્યું હતું. તેઓ તેમની ધૂનમાં વાતો કરતાં ઘર તરફ ચાલતાં હતાં ત્યારે બે બદમાશો તેમનો પીછો કરી રહ્યા હતા. તે બંને જાણતાં નહોતાં.
સૂનકાર રસ્તો આવતાં જ બદમાશો બંનેને ઘેરી વળ્યા અને તેમની મશ્કરી કરવા લાગ્યાં. સંદીપ તો ડરનો માર્યો ધ્રૂજવા લાગ્યો.
''જીવ વહાલો હોય તો તું ભાગ અહીંથી. નહીં તો આ ચપ્પુ તારા પેટમાં ઉતારી દઈશ.'' એક બદમાશે દાંત પીસી ધમકી ઉચ્ચારી.
''મને ના મારશો. હું મરવા નથી ઈચ્છતો.'' સંદીપ હાથ જોડી વિનંતી કરવા લાગ્યો.
''જા તને જવા દઈએ છીએ. હવે ભાગ અહીંથી. નહીં તો...''
''મને છોડીને ન જા સંદીપ, મને બચાવી લે.'' મંજુ ગભરાતાં બોલી.
પરંતુ સંદીપ જાણે કશું સાંભળ્યું જ ન હોય તેમ ભાગી ગયો. બદમાશો હા... હા... કરી હસવા લાગ્યાં. મંજુ તેમની પકડમાંથી છૂટવા તરફડિયા મારવા લાગી, પરંતુ તેમાં તે સફળ થઈ નહીં. બદમાશો મંજુને પોતાની જાળમાં ફસાયેલી જોઈ તેને બળજબરીથી ખેંચતા રહ્યા.
''બચાવો... બચાવો...'' મંજુ ચીસો પાડવા લાગી.
''બૂમો ન પાડ મારી રાણી, ગળું છોલાઈ જશે. તને બચાવનારો અહીં કોઈ નહીં આવે. તારે અમારી તરસ બુઝાવવી પડશે.''
''હાય રે જાન, કેટલી સુંદર છે. મજા આવી જશે. તને મેળવવા માટે અમે ક્યારનાય તડપતા હતા.'' એક બદમાશ બોલ્યો.
બદમાશોએ મંજુના મોં પર હાથ મૂકી દીધો અને જોરથી ખેંચવા લાગ્યા. મંજુના મુખમાંથી હજુ પણ આછી ચીસો નીકળતી હતી.
અચાનક જ એ સમયે પ્રદીપ તેના મિત્ર અજય સાથે એ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ચીસો સાંભળી તેના કાન સરવા થઈ ગયા.
''અરે, આ તો મંજુની ચીસ લાગે છે. જલદી ચાલ.'' પ્રદીપે તેના મિત્ર અજયને કહ્યું.
બંને ઝડપથી ઘટનાસ્થળે પહોંચ્યા. અજયે ટોર્ચનો પ્રકાશ ફેંક્યો ત્યારે બદમાશો પર તેનો પ્રકાશ પડયો. મંજુ સાથે તેઓ બળજબરી કરી રહ્યા હતા.
પ્રદીપ અને અજય ઝડપથી બદમાશો પર તૂટી પડયાં. મામલો બગડતો જોઈ બદમાશો ભાગી ગયા, પરંતુ જતાં જતાં પ્રદીપને જખ્મી કરતા ગયા.
મંજુ પ્રદીપને વળગીને ડુસકે ડુસકે રડવા લાગી. તેણે આંસુથી પ્રદીપની છાતીને ભીંજવી દીધી.
''ચાલ, ઘરે ચાલ...'' પ્રદીપે મંજુને ટેકો આપ્યો.
બંનેને ઘરે પહોંચાડી અજય પાછો ચાલ્યો ગયો. મંજુ હજુ પણ ગભરાયેલી હતી.
''આ શું? તમારા હાથમાંથી તો લોહી વહી રહ્યું છે. હું પાટો બાંધી દઉં.'' પ્રદીપનો ઘા જોઈ મંજુ બોલી.
''આ તો મામૂલી ઘા છે. જલદી સારું થઈ જશે.'' પ્રદીપે પ્રેમથી મંજુ તરફ નજર કરી કહ્યું.
મંજુના હૈયામાં પતિ તરફ પ્રેમ ઊભરાતો હતો. પ્રદીપ સાથે નજર મળતાં જ તે શરમાઈ ગઈ. તે નિર્દોષ દેખાતી હતી. તેના પ્રેમને જોઈ પ્રદીપની આંખો ભરાઈ આવી.
પત્નીનો સાચો પ્રેમ મેળવી તેના વેરાન હૈયામાં હરિયાળી છવાઈ ગઈ. તેને મંજુને બાથમાં લેવાનું મન થઈ આવ્યું.
''તું તો મને બદમાશોને હવાલે કરીને નાસી આવ્યો હતો. જો મારો પતિ સમયસર ન આવ્યો હોત તો હું લૂંટાઈ ગઈ હોત. કેવો દિયર છે તું?'' જ્યારે મંજુએ સંદીપના મોંઢે ચોપડાવ્યું ત્યારે તેનું મસ્તક શરમથી ઝૂકી ગયું.