વાર્તા : ઇન્સાનિયત .
- 'છોડી દે આને, બદમાશ' કહેતાં એણે શ્રીપાદને પીઠમાં છરીથી વાર કર્યો. શ્રીપાદ લથડયો. હસને તરત જ બીજો વાર કર્યો. આ વખતે છરી શ્રીપાદની પાંસળીમાં ખૂંપી ગઈ. હવે આ ઓરડીમાં શ્રીપાદની ચીસો ગાજવા લાગી. એની પકડમાંથી છૂટીને અનસુયા ઝડપથી ઊભી થઈ ગઈ. પોતાની દીકરીને ઉપાડીને એ બહાર દોડી ગઈ.
ગંગાધર પોતાની પત્ની સાથે વડાલા પોલીસ સ્ટેશનના વરંડામાં ઊભો હતો. થાણાના ઘડિયાળમાં રાતના સાડાનવ વાગ્યા હતા. એ ખૂબ જ અસ્વસ્થ હતો. થાણામાં એ આવ્યો તો હતો, પણ એને લાગતું હતું કે એનું કામ નહીં થાય. એની પત્ની અનસુયાના ખોળામાં એક નાની બાળકી હતી અને ચારેક વર્ષનો એક છોકરો ગંગાધરની આંગળી પકડીને ઊભો હતો.
એ જે બસ્તીમાં રહેતો હતો ત્યાં પોતાની અસામાજિક ધંધા ચલાવતો અને દાદાગીરી કરતો. એક શ્રીપાદ નામનો માણસ પણ રહેતો હતો. ગંગાધર એક સાધારણ મિલમજદૂર હતો. શ્રીપાદ વિરુધ્ધની ફરિયાદ લઈને એ થાણામાં આવ્યો હતો, પણ સામાન્ય ગાળાગાળી અને સાધારણ મારામારીના કિસ્સામાં ફરિયાદ લખી તો લેવાતી પણ ખાસ પગલાં લેવાતાં નહીં.
પોલીસની આ જાતની રીતભાતથી ગંગાધર મૂંઝાઈ ગયો હતો. એ ફક્ત એટલું જ ઈચ્છતો હતો કે પોલીસ શ્રીપાદ દાદાનો કંઈક બંદોબસ્ત કરી દે. વધારે કંઈ નહીં તો એની સામે એને બોલાવીને ઠપકો આપે, પણ એમ થતું નહોતું. ગંગાધર એક કલાક પહેલાં પણ થાણામાં આવ્યો હતો, ને કહ્યું હતું કે 'શ્રીપાદ એને અને એની પત્નીને ધમકાવે છે, ને ગાળાગાળી કરે છે.'
ફરિયાદ લખાવીને એ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે ફરિયાદ કરવા બદલ શ્રીપાદે એને ગાળો આપી, ને તમાચા માર્યા. ફરીવાર આની ફરિયાદ લખાવવા એ આવ્યો હતો.
એના સદ્ભાગ્યે વડાલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રભુ વરંડામાં ઊભા હતા. થોડી વારમાં જ એને ફરી વાર આવતો જોઈને એમને નવાઈ લાગી. અનસુયાની રાડો આખી ચાલી સાંભળતી હતી, પણ કોઈ મદદ માટે બહાર ન આવ્યું.
શ્રીપાદે અનસુયાના કપડાં ફાડી નાખ્યાં. એને નીચે પાડી દીધી અને તદ્દન નિર્વસ્ત્ર કરવાના પ્રયત્નો કરવા લાગ્યો. અનસુયા એનો સામનો કરતાં કરતાં રાડો પાડતી રહી, પણ કોઈ એની મદદે ન આવ્યું. ચાલીમાં એવું કોણ હતું જે શ્રીપાદની સામે આવવાની હિંમત કરે? દ્રૌપદીના ચીરહરણ સમયે સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન હાજર થયા હતા. વડાલાની આ બેઠી ચાલમાં પણ એક જણ ભગવાનના રૂપમાં આવી ચડયો હતો. બિચારો ગરીબ, ફળ વેચવાવાળો.
જે મોસમમાં જે ફળ મળે એ વેચવાનો ધંધો હતો હસનનો. હમણાં એ કલીંગર વેચતો હતો. ચાલી પાસે આવતાં એણે અનસુયાની ચીસો સાંભળી. એનાં છોકરાને રડતો જોયો. અંદર આવતાં એણે જે દ્રશ્ય જોયું એથી એ હચમચી ગયો. પળવારમાં જ એને બધી વાતનો ખ્યાલ આવી ગયો. દરવાજામાં ઊભા રહીને એણે જોરથી કહ્યું, 'એય, છોડી દે બિચારીને.'
હસનનો અવાજ કદાચ શ્રીપાદના કાન સુધી પહોંચ્યો જ નહીં. હસનનું માથું ભમી ગયું. તરબૂચ કાપવાની ધારદાર છરી લઈને એ ઓરડીમાં ઘૂસ્યો.
'છોડી દે આને, બદમાશ' કહેતાં એણે શ્રીપાદને પીઠમાં છરીથી વાર કર્યો. શ્રીપાદ લથડયો. હસને તરત જ બીજો વાર કર્યો. આ વખતે છરી શ્રીપાદની પાંસળીમાં ખૂંપી ગઈ. હવે આ ઓરડીમાં શ્રીપાદની ચીસો ગાજવા લાગી. એની પકડમાંથી છૂટીને અનસુયા ઝડપથી ઊભી થઈ ગઈ. પોતાની દીકરીને ઉપાડીને એ બહાર દોડી ગઈ.
પણ અનસુયા દરવાજાથી બહાર ન નીકળી શકી કારણ કે દરવાજો રોકાઈ ગયો હતો. એ ઘટનામાંથી બીજી અને બીજીમાંથી ત્રીજીનો સંયોગ બનતો ગયો હતો. ઇન્સ્પેક્ટર જયકરના સહયોગી સબ ઇન્સ્પેક્ટર કામત સંજોગવશાત ત્યાં આવી ચડયા હતા.
કોલાબામાં થયેલી એક હત્યાની તપાસનું પગેરું વડાલામાં મળ્યું હતું. કામતને જયકરે વડાલા તપાસ માટે મોકલ્યા હતા. પૂછપરછ કરતા કામત આ ચાલ પાસે પહોંચ્યા હતા ત્યાં આ ચીસાચીસ સાંભળીને એ દોડી આવ્યા હતા.
ઓરડીનું દ્રશ્ય જોઈને એ સ્તબ્ધ થઈ ગયા. સૌ પહેલાં એમણે હસન પાસેથી છરી ઝૂંટવી લીધી. પોલીસને જોઈને એ ગભરાઈ ગયો. હાંફતાં હાંફતાં એણે કહ્યું, 'સાહેબ, આ માણસ પેલી બાઈની ઇજ્જત લૂંટતો હતો.'
ઓરડીમાં શું બન્યું હશે? એ કામતને સમજાઈ ગયું.
શ્રીપાદ બહુ બૂરી રીતે ઘવાયો હતો. હજી મરી નહોતો ગયો, પણ હતો મરવામાં જ.
કામતે અનસુયાને પાડોશીની ઓરડીમાં મોકલી આપી. ઘાયલ શ્રીપાદને હૉસ્પિટલમાં લઈ જવાનું જરૂરી હતું. ચાલીના રહેવાસીઓને એનું નામઠામ પૂછતા હતા એ ત્યાં જ શ્રીપાદે માથું ઢાળી દીધું.
પાસેની દુકાનમાંથી કામતે પોતાની ઑફિસે ફોન જોડયો. સામે જયકરનો અવાજ સંભળાયો.
'સર, હું કામત બોલું છું. અહીં વડાલામાં એક ખૂન થયું છે.'
'અપરાધી ક્યાં છે?'
'અહીં જ છે. અમે એને ઘટનાસ્થળ પર જ પકડયો છે. એક માણસ એક બાઈ પર બળાત્કાર કરવાની કોશિશ કરતો હતો ત્યારે આ ફળ વેચવાવાળાએ એને છરી મારી દીધી. આ કેસ હવે હું વડાલા પોલીસ સ્ટેશનને સોંપી દઉં?'
'જુઓ, તમે વડાલા પોલીસ સ્ટેશનને જાણ કરો, હું પણ ફોન કરું છું. પંચનામું વગેરે એ લોકોને કરવા દેજો. તમે આસપાસના લોકોનાં બયાન લઈ લ્યો.'
ખબર મળતાં જ વડાલા પોલીસ સ્ટેશનમાંથી ઇન્સ્પેક્ટર પ્રભુ પોતાના સાથીઓ સાથે આવી પહોંચ્યા. તપાસનું કામ એમણે શરૂ કરી દીધું. અનસુયાની બંગડીઓ તૂટી ગઈ હતી. એના ટુકડા કબજે કર્યા. અનસુયાના કાડામાંથી લોહી નીકળ્યું હતું અને એના માથામાં પાછળ ચોટ આવી હતી.
અનસુયા પાડોશીના ઘરમાં હતી. હજી એ સ્વસ્થ નહોતી થઈ. સાડી અને બ્લાઉઝ એણે બદલી લીધાં હતાં. એના ઊતારેલા કપડાં અને હસનની લોહીભીની છરી પણ કબજે કરવામાં આવી.
સાંજે ચાર વાગ્યે ગંગાધર મિલમાંથી પાછો વળ્યો. ચાલીમાં અને પોતાના ઘરના દરવાજા પાસે ભીડ જોઈને એ દોડયો. પોતાની ઓરડીનું દ્રશ્ય જોઈને એના પગ ધૂ્રજવા લાગ્યા. એને જોઈને અનસુયા જોરજોરથી રડવા લાગી ને માથું કૂટવા લાગી. કામતે એને શાંત કરીને ગંગાધરને પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી.
બધી વાત જાણીને ગંગાધર ખિન્ન થઈ ગયો હતો. ફળ વેચનાર હસન પ્રત્યે આભાર અને હમદર્દીથી એનું મન છલોછલ થઈ ગયું. એને ખબર હતી કે હસનના કારણે જ એની પત્નીની ઇજ્જત બચી ગઈ હતી, પણ હવે હસનનું શું થશે? એને બચાવી શકાશે? કેમ?
હસન પણ ડરી તો ગયો હતો, પણ એને બિલકુલ પસ્તાવો નહોતો થતો કાયદો હાથમાં લેવાનું સાચું હતું કે ખોટું, એ વિચારવાનો સમય જ ક્યાં મળ્યો હતો? એણે તો પોતાની ઇન્સાની ફરજ નિભાવી હતી.
શ્રીપાદની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી. અનસુયા, ગંગાધર, હસન અને બીજા બેત્રણ જણને સાથે લઈને કામત સી.આઈ.ડી. ઑફિસે પહોંચ્યા ત્યારે સાંજના સાત વાગી ગયા હતા.
કામતના રિપોર્ટ પરથી જયકર મામલો સારી રીતે સમજી ગયા. હસનની સામે જોઈને એ ધીમેધીમે એકએક વાતો પૂછતા ગયા. હસન જયકરના સવાલોના જવાબ આપતો રહ્યો. વચ્ચે વચ્ચે જયકર અનસુયાને પણ સવાલ પૂછતા હતા. અનસુયાએ એમને કહ્યું, 'આ ફળવાળો આવ્યો એટલે હું બચી ગઈ, સાહેબ નહીંતર...'
અનસુયા ભાંગી પડી. હસને દ્રઢ સ્વરે કહ્યું, 'સાહેબ એક ઓરતની ઇજ્જત બચાવતા, એની જાન બચાવવા માટે, મને જો આખી જિંદગી જેલમાં વીતાવવી પડશે, તો એ પણ મંજૂર છે.'
'જેલમાં રહેવું પડશે? શા માટે? હસન, તે કર્યું શું છે?' જયકરે હસી પડતાં, કામત સામે નજર કરતાં કહ્યું, 'આનો કોઈ વાંકગુનો નથી. એણે જે કર્યું છે એ બરાબર કર્યું છે. શ્રીપાદને મારી નાખવાનો અધિકાર એને કાનૂને જ આપ્યો છે.
ભારતીય દંડસંહિતાની કલમ ૧૦૦ પર વિચાર કરીએ, તો મારી વાત સાચી છે એની ખાતરી ્થઈ જશે. બળાત્કાર કરનાર કે બળાત્કારનો પ્રયાસ કરનારને મારી નાખવાનો અધિકાર એનો ભોગ બનનાર સ્ત્રીને તો છે જ, પણ એ જગ્યાએ હાજર હોય એવી કોઈ પણ વ્યક્તિને છે. હસને સારું કામ કર્યું છે. ઈન્સાની ફરજ નિભાવવી એ ગુનો નથી. હસન અને અનસુયાનાં બયાન લઈ લો. પછી એને છોડી મૂકીએ.'
જયકરે હસનની સામે જોતાં કહ્યું, 'તેં કોઈ ગુનો કર્યો નથી. તારી જગ્યાએ જો હું હોત તો હું પણ એ જ કરત, જે તેં કર્યું. હું તને છોડી મૂકું છું, હસન.'
હસન ભાવવિભોર થઈ ગયો. એની આંખો ભરાઈ આવી. અનસુયાની અને ગંગાધરની હાલત પણ એવી જ હતી.