Get The App

વાર્તા : સુખદ અંત આવ્યો... .

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
વાર્તા : સુખદ અંત આવ્યો...                                       . 1 - image


- ''અરે દીદી, હવે બહુ આગતાસ્વાગતા કરી... હવે એ બોલ કે આપણી વહુ ક્યાં છે?''  મને જાણે દીદી નજર છુપાવતી હોય તેમ લાગ્યું, મારો અને સોમનો ચહેરો  જોઈને પણ તેમણે આંખ આડા કાન કર્યા.  તે ફરી આડીઅવળી વાતો કરવા લાગી. ત્યારે સોમથી ન રહેવાયું અને તેમણે જ કહ્યું,''દીદી, તમે કંઈ છુપાવી તો નથી રહ્યા છે... વહુ અને રાજુ ક્યાં છે?''

ઘણા સમય પછી  દીદીના  ઘરે જવાનું  થયું.  સોમની પણ બદલી થઈ ગઈ હતી .  આટલે દૂર જામનગર  આવવું સરળ નહોતું. જ્યારે  દીદીના  દીકરાના લગ્ન થયા ત્યારે બાળકોની વાષક પરીક્ષા ચાલી રહી હતી. હું ત્યારે નહોતી જઈ શકી અને પછી સોમને રજાઓ પણ નહોતી મળતી. માસીની હાજરી વિના જ તેના ભાણિયાના લગ્ન થઈ ગયા. હું આ વખતે ઘણી અપેક્ષાઓ સાથે પિયર, સાસરે અને દીદીના ઘરે આવી. મનમાં તો નવી વહુને મળવાની ઇચ્છા સૌથી વધારે હતી.

અમે ઘણા ઉત્સાહથી દીદીના ઘરમાં પગ મૂક્યો.  સાંભળ્યું હતું કે  દીદીની વહુ ઘણી પ્રેમાળ છે. માબાપની લાડકી અને એક જ ભાઈની એકની એક બહેન. દીદી સાસુ બનીને કેવી લાગતી હશે, એ જોવાની પણ મને ઉત્કટ ઇચ્છા હતી.

હંમેશાં એવું બનતું હોય છે કે સાસુ બનીને સ્ત્રી સહજ નથી રહી શકતી. ક્યાંક ને ક્યાંક કડક થઈ જાય છે, જાણે પોતાની સાસુ પ્રત્યેની દબાયેલી કડવાશને તે પોતાની વહુ સાથે બદલો લઈને કાઢવા માગતી હોય.

દીદીએ ઘણા લાડ લડાવ્યા, અમને તો ત્યાં પહોંચતા જ માથે ચડાવી લીધા. પણ મને વહુ ક્યાંય નહોતી દેખાતી.

''અરે દીદી, હવે બહુ આગતાસ્વાગતા કરી... હવે એ બોલ કે આપણી વહુ ક્યાં છે?''  મને જાણે દીદી નજર છુપાવતી હોય તેમ લાગ્યું, મારો અને સોમનો ચહેરો  જોઈને પણ તેમણે આંખ આડા કાન કર્યા.  તે ફરી આડીઅવળી વાતો કરવા લાગી. ત્યારે સોમથી ન રહેવાયું અને તેમણે જ કહ્યું,''દીદી, તમે કંઈ છુપાવી તો નથી રહ્યા છે... વહુ અને રાજુ ક્યાં છે?''

''તે અમારી સાથે નથી રહેતા... મોટા ઘરની દીકરીનું અમારા ઘરમાં મન ન લાગ્યું.''

આ સાંભળીને અમે બંને અવાક રહી ગયા, મોટા ઘરની છોકરી છે, એટલે?'' મેં કહ્યું, ''સંબંધ બરાબરી વાળા સાથે નહોતો કર્યો કે શું?'' દીદી ચુપ હતી. જીજાજીની નજરમાં દીદી માટેની નારાજગી મને સ્પષ્ટ દેખાઈ રહી હતી.

 અફસોસ  થયો  બધું જીજાજીનું કુટુંબ મધ્યમવર્ગનો છે. ત્યાં ૧-૧ પૈસો વિચારી વિચારીને વાપરવામાંઆવે છે.

જે છોકરીએ પોતાના ઘરમાં ક્યારેય પાણીનો ગ્લાસ ઉઠાવીને ન પીધો હોય, દીદી તેની પાસે સવારે ૪ વાગ્યે ઊઠીને ઘર સંભાળવાની આશા રાખતી હતી.

''અમે પણ કરતા હતા.' દીદીના કહેલા આ શબ્દો સાંભળીને તો જીજાજી વધારે ભડક્યા.

''તું કંઈ ટાટા-બિરલાની દીકરી નહોતી, જેના ઘરમાં નોકરોની ફોજ હોય. તારી માતા પણ સૂર્યોદય સમયે ઘરની ચક્કીમાં પિસાવાનું શરૂ કરતી હતી અને મારી મા પણ. નોકરાણીના નામે માત્ર વાસણ ઉટકવાવાળી જ હતી બંને ઘરમાં. તારું જીવનધોરણ અમારી સાથે મેચ નહોતું થતું. પાઈપાઈ બચાવીને ખર્ચ કરવો બંને ઘરની ટેવ હતી અને જરૂરિયાત પણ. તેથી પડયું પાન નિભાવી લીધું.

''અને બિચારી તે છોકરી પણ કોઈ પણ રીતે નિભાવી જ રહી હતી ને. ડરતાં ડરતાં તેણે મને કહ્યું પણ હતું કે પપ્પા, મને રસોડાના કામની ટેવ નથી... રસોઈયો અને ફુલટાઈમ નોકર રાખી લો.

''૪-૫ હજાર દર મહિને ક્યાંથી લાવું?''

''તો પછી એ ઘરની છોકરી આ ઘરમાં લાવવાની શું જરૂર હતી જ્યાં નોકર પાછળ જ મહિનાના ૨૦-૨૫ હજાર ખર્ચાઈ  જતા હોય. સંબંધ અને મિત્રતા બરાબરીવાળા સાથે જ કરાય. હું તને હંમેશાં સમજાવતો રહ્યો, પણ ત્યારે તને પૈસાવાળા ઘરની લાલચ હતી.''

''તો પછી નહોતી આપવી દીકરી આપણા ઘરમાં... ત્યારે જ આપણા ઘરની તપાસ કરી લેતા.

''તેમને લાયક સમજુ છોકરો મળતો હતો. જેણે લગ્ન બાદ ૬ મહિનામાં જ તેમનો કારોબાર સંભાળી લીધો હતો. તેમની તપાસ તો સાચી હતી, તેમની ઇચ્છા પૂરી થઈ ગઇ. તેઓ ખુશ છે, દુ:ખી તું છે.''  એટલું કહીને જીજાજી ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયા.

ખબર પડી લગ્નના  ૩ મહિના પછી રાજુ મેઘાને લઈને અલગ થઈ ગયો હતો. તે પણ વળી શું કરતો? પહેલા જ દિવસથી દીદીએ વહુ પાસે એટલી અપેક્ષાઓ બાંધી દીધી હતી. નાનીનાની વાતે પોતાનું અપમાન તેનાથી સહન ન થયું.

રાજુએ સમજાવ્યું હતું મમ્મીને, ''શું વાત છે મમ્મી તારી પસંદની વહુ લાવી છે અને હવે તને જ પસંદ નથી... તેની સાથે આ રીતે કેમ વાત કરે છે, તે કંઈ આપ સમજ બાળકી તો છે નહી. ૨૬-૨૭ વર્ષની એમ.બી.એ છોકરીને તું વહુ બનાવીને લાવી છે અને તેની સાથે તે ૪-૫ વર્ષના બાળકની જેમ તને નાની નાની વાતે પૂછે એવી અપેક્ષા રાખે છે... હવે તારો જમાનો નથી રહ્યો જ્યારે ઘરના જ્યાં બેસાડે ત્યાં બિચારી મજબૂર વહુ બેસી જતી હતી. 

''ના બેટા, મજબૂર એ શા માટે થવા લાગી. મજબૂર તો હું છું, જેણે છોકરો મોટો કર્યો  અને કોઈને સોંપી દીધો.'' 

''મમ્મી, કેવી ધડમાથા વિનાની વાતો કરી રહ્યા છો તમે?''

જીજાજી આવીને આગ પર પાણી રેડવાનો ખૂબ પ્રયત્ન કરતા હતા, પણ આગ દિવસે ને દિવસે વધતી જ જતી હતી.

''તું ભૂતકાળમાં જોઈને આગળ ન વધી શકે, દીદી. જે કામની અપેક્ષા તું વહુ પાસે રાખે છે તે તો તું ઓછું ભણેલી પણ કરતી આવી છે ને. તો પછી તેનું એમ.બી.એ કરવું શું કામનું. જરા વિચાર તો ખરી? બાળકો કમાય  છે. જો રૂપિયા ૫ હજારનો પગારદાર નોકર પોતાની જવાબદારી પર રાખી લે તો તને શું વાંધો હોય?''

દીદી ચુપચાપ સાંભળતી મોઢું ચડાવીને બેસી રહી.

''રાજુ અને વહુને ફોન લગાવો. અમે તેમને મળવા માગીએ છીએ. તે બંને અહીં આવે અથવા તો અમને સરનામું આપો તો અમે તેમને મળવા જતા રહીએ,'' સોમે પોતાનો નિર્ણય સંભળાવી દીધો.

આ સાંભળતા જ દીદીનો પારો આસમાને ચડી ગયો. તે બોલી, કોઈ નહીં જાય તેના ઘરે અને તે છોકરી અહીં આવશે પણ નહીં,

''જોયું શોભા આનું વલણ જોયું? રાજુ બિચારો બે ભાગમાં વહેંચાઈ ગયો છે, અરે, જેવું ઘર જેવી છોકરી ને પસંદ કરી રાજુએ હા પાડી દીધી... હવે ઇચ્છે છે કે બાળકો સાથે પણ ન રહે, આવું કેવી રીતે શક્ય છે? જીવવું હરામ કરી દીધું છે તેં બધાનું... નથી તો મને તેમને મળવા દેતી કે નથી તેમને અહીં આવવા દેતી.

 જીજાજી એકના એક સંતાનના વિયોગથી પાગલ થતા જઈ રહ્યા હતા. હંમેશાં પોતાનો જ કક્કો ખરો કરાવતી દીદી સમજી જ નહોતી શકતી કે તે બાવળ વાવીને કેરી નહોતી ખાઈ શકવાની. છેલ્લા ૭-૮ મહિનાથી એકધારી તાણમાં રહેવાથી જીજાજીની તબિયત પર પણ ખરાબ અસર થઈ રહી હતી. ટેબલ પર દવાઓનો ઢગ પડયો હતો. 

''હું મારા ઘરની સમસ્યા કોને કોને જણાવું? કોણ સમજાવશે આ સ્ત્રીને જ્યારે હું જ નથી સમજાવી શકતો? મેઘા દરરોજ ફોન કરીને અમારા હાલચાલ પૂછે છે. રાજુએ તો પોતાનું ઘર પણ લઈ લીધું છે.''

દીદીનો રાતોપીળો ચહેરો જોઈને સોમ અને હું સમજી ન શક્યા કે શું કરવું. આજના જમાનામાં આટલી સહનશક્તિ કોઈનામાં નથી જે તાણને પી જાય.

ત્યાં જ સોમે ઇશારો કરીને મને બહાર બોલાવી અને કંઈક સમજાવ્યું. પછી જીજાજીને પણ બહાર બોલાવ્યા.

દીદી અંદર વાસણ ગોઠવી રહી હતી. ૧૦ મિનિટમાં હું અંદર આવતી રહી અને સોમ જીજાજી સાથે રાજુના ઘરે જતા રહ્યા. 

''ક્યાં ગયા બંને?'' દીદીની આંખમાં વિચિત્ર ભાવ હતા.

''જીજાજીની છાતીમાં દુ:ખવા લાગ્યું છે.. કેટલા હેરાન થઈ ગયા છે રાજુના કારણે. સોમ તેમને ડોક્ટર પાસે લઈ ગયા છે.'' મેં જૂઠું કહ્યું. આ સાંભળી દીદી ગભરાઈ ગઈ, પણ કંઈ ન બોલી.

''આખો દિવસ ઘરમાં કકળાટ હોય તો આવું જ થાય. તેમાં નવું શું છે... સહન કરવાની પણ કોઈ હદ હોય છે. તું તો રડી લે, જીજાજી તો રડી પણ ન શકે પછી બીમાર ન થાય તો શું થાય? 

 કંઈ આડુંઅવળું થઈ ગયું તો શું થશે ખબર છે? જુવાનીમાં પણ આજકાલ લોકોની સહનશક્તિ જવાબ આપી દે છે અને તું ૬૦ વર્ષના માણસ પાસે એવી આશા રાખીને બેઠી છે. શું તારી જિંદ પાછળ તે પોતાનું વૃદ્ધત્વ બરબાદ થવા દે?''

''શું મતલબ છે, તારો?'' 

''મતલબ એ છે કે ખોટી જિદ છોડ અને બાળકો સાથે મળવાનું શરૂ કર. 

તું ન મળવા માગતી હોય તો ન મળે, પણ જીજાજીને ન રોક, જો હાર્ટએટેક આવી  જશે તો હાથ મસળતી રહી ઈશ. ત્યારે પસ્તાવા સિવાય બીજું કંઈ જ નહીં રહે તારી પાસે. વહુ મોટા ઘરની છે તો તેનું રહેવાનું પણ એવું છે તો તેમાં તેનો શું વાંક? તારા જેવા ઘરની કેમ કોઈ ન લઈ આવી, જેનું જીવનધોરણ તારી સાથે મળતું હોય અને તારા મનમાં પણ કોઈ હીનભાવના ન આવતી.''

''દીદી, શું એ જ સત્ય નથી કે તું મોટા ઘરની દીકરીને સહન ન કરી શકી. જે છોકરી પોતાના પિતાના કામમાં મદદ કરીને કમાઈ લેતી હતી તેણે તારા જેવા મધ્યમવર્ગ પરિવારમાં લગ્ન માટે હા પાડી તે માત્ર એટલે કે તેને આ ઘરની સાદાઈ અને સંસ્કાર ગમી ગયા હતા. રાજુ તેને સારો લાગ્યો હતો અને...

''બસ કર શોભા... તું પણ રાજુની બોલી બોલવા લાગી.'' દીદી વચ્ચે જ બોલી ઊઠી.

''તેનો મતલબ તો એવો જ થાય કે હું પણ તે જ સમજી જે રાજુની સમજમાં આવ્યું હતું... મેઘા એક સારી છોકરી છે... તે તો તને અપનાવવા માગે છે, બસ તું જ તેની નથી બનવા માગતી.''

 દીદી કંઈ ન બોલી.

''તમે બંને હવે વૃદ્ધ થઈ રહ્યા છો... શરીર કમજોર થશે ત્યારે બાળકોનો જ આધાર જોઈશે... બાળકો ન બોલાવતા હોય તો સમજાય, પણ તને તો તારા છોકરાઓ હાથમાં રાખે છે.''

અડધો કલાક સન્નાટો છવાયેલો રહ્યો. સોમનો ફોન આવ્યો. તેમણે મને કંઈક સમજાવ્યું. ''જીજાજીની છાતીમાં હજી વધારે દુ:ખે છે શું? રાજુને તમે બોલાવી લીધો? સારું કર્યું. આપણે વળી આ શહેરમાં કોને ઓળખીએ છીએ.'' મારો અવાજ થોડો ઓછો થયો તો દીદીના પણ કાન સરવા થઇ ગયા.

''રાજુને બોલાવી લીધો... એટલે? એને બોલાવવાની શું જરૂર હતી.'' દીદીએ પૂછયું. હું અવાક થઈ ગઈ કે દીદીને જીજાજીની તબિયતની બિલકુલ ચિંતા નથી, રાજુને કેમ બોલાવ્યો બસ આ જ પ્રશ્ન પૂછયો, હું હેરાન થઈ ગઇ કે એક સ્ત્રી  આટલી જિદ્દી  પણ હોઈ શકે, એક સ્ત્રીની હઠ એટલી ન વધવા દેવી જોઈએ કે જે ઘરને જ બરબાદ કરી દે.

 દીદીને જીજાજીની પીડા નહોતી સમજાતી તો પછી તે જ ભાષા બોલવી પડશે જે  દીદીની સમજમાં આવે છે. ૨ કલાકમાં સ્થિતિ બદલાઈ ગઈ હતી, રાજુ અને મેઘા અમારી સામે હતા. આવતા જ તેઓ મારા ને દીદીના પગે લાગ્યા.

''પપ્પાને હળવો હૃદયનો હુમલો થયો છે

મમ્મી.... માસા અને ડોકટર સાથે ત્યાં છે...  તમે પણ ચાલો ત્યાં.

દીદીને અમારી પર શંકા હતી એટલે જ તે આ સાંભળીને પણ ચિંતિત થઈ.

 ''હાહા, ચાલો દીદી રાજુના ઘરે.'' મેં તરત કહ્યું.  રાજુ અને મેઘા  અંદ૨ ઓરડામાં જતા રહ્યા અને જ્યારે બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં દીદી  અને જીજાજીની એટેચી હતી. ''ચાલો  મમ્મી પપ્પાને સંપૂર્ણ આરામ અને દેખભાળની જરૂર છે... જે તમે એકલા નહીં કરી શકો... ચાલો, ઊઠો ને મમ્મી શું વિચારી રહ્યા છો પપ્પાને તમારી જરૂર છે... જલદી ઊઠો,''  ''મમ્મી, આ તમારો ઓરડો છે.'' મેઘાનો ચહેરો સંતોષથી ચમકી રહ્યો હતો. ''આ તમારો કબાટ છે, આ બાથરૂમ છે, સામે ટીવી. આ ઉપરાંત તમારે કંઈ જોઈતું હોય તો તે પણ આવી જશે.''

''તારા પપ્પા ક્યાં છે?''  દીદીનો અવાજ કડવો જ હતો.

''તે ત્યાં ઓરડામાં સૂતા છે. ડોક્ટર અને માસા પણ ત્યાં જ છે.''

દીદીના ચહેરા પર થોડી ચિંતા દેખાઈ આવી પછી તે ઊભી થઈને તેમની પાસે પહોંચી ગઈ. ખરેખર જીજાજી સૂતા હતા.

ડોક્ટર તેમને સમજાવી રહ્યા હતા, ''ટેન્શનથી બચી, ખુશ રહેવાનો પ્રયાસ કરો... શું પરેશાની છે તમારે એ તો જણાવો? તમારો દીકરો નિપુણ છે, વહુ પણ સારી છે, તમારી કોઈ જવાબદારી પણ નથી તો પછી કેમ હૃદયરોગને ભેટવા જાઓ છો, તમે?

જીજાજી ચુપ હતા. દીદીની આંખ ભરાઈ આવી. કદાચ હવે દીદીને બીમારીનો વિશ્વાસ થઈ ગયો હતો. સોમે મને જોઇને મંદ મંદ સ્મિત કર્યું. મેઘા બધા માટે ચા-નાસ્તો લઈ આવી. જીજાજી માટે સૂપ અને બ્રેડ લાવી. હવે  જીજાજીના ચહેરા પર  આરામ  દેખાઈ રહ્યો હતો...પણ આંખ બંધ કરી ચુપચાપ આડા પડયા હતા. દીદી જીજાજી માથે હાથ ફેરવી રહી હતી. શરૂઆત થઈ ગઈ  હતી. હવે આશા છે કે પરિણામ  પણ સુખદ જ આવશે.

Tags :