- અર્ચનાએ નિર્ણય કર્યો કે એ મોકો મળતાં જ પરાગને ઝપટમાં લેશે. બની શકે કે એ એમને રંગ્યા હાથે જ પકડી લે. કોણ જાણે જુલીએ શો જાદુ કર્યો હતો કે બાળકો પણ જાણે એનાથી દૂર થઈ ગયાં હતાં. અર્ચનાએ જોયું કે જુલી છેલ્લા કેટલાક દિવસોથી પરાગ અને બાળકો સાથે બેસીને કશીક ગુસપુસ કરતી રહેતી હતી, પણ જેવી અર્ચના ત્યાં પહોંચતી કે તરત બધાં ચૂપ થઈ જતાં અથવા વિખેરાઈ જતાં.
નવેમ્બરની ૧૫ તારીખ. અર્ચનાએ રાહત અનુભવી. હવે એ નિરાંતે સૂઈ શકે છે. ભવિષ્યવાણી પર વિશ્વાસ મૂકીને તો અર્થનો અનર્થ થઈ જતાં રહી ગયો. ત્રણ મહિનાથી માનસિક રીતે એ કેટલી વ્યગ્ર રહેતી હતી, પરંતુ એ જ વાતો હવે યાદ કરે છે તો પોતાની નાદાની પર હસવું આવી જાય છે. એને એ દિવસ યાદ આવ્યો જ્યારે મમતાનો ફોન આવ્યો હતો...
''શું કરે છે અર્ચના ?'' મમતાએ ફોન પર પૂછયું.
''કંઈ નહીં, અત્યારે તો નવરી જ છું.'' અર્ચનાએ કહ્યું.
''નવરી જ હોય તો અહીં આવી જા ને. આનંદ પંડયા આવવાનો છે. યાદ છે તને ? મેં પહેલાં પણ કહ્યું હતું કે એને જન્માક્ષર જોતાં બહુ સારા આવડે છે.''
''હા હા, મને ખબર છે. તું કહેતી હતી કે એની ભવિષ્યવાણી સાચી જ પડે છે.''
''તું પણ તારા અને પરાગભાઈના જન્માક્ષર લઈને આવી જા. આનંદ બહુ વ્યસ્ત રહે છે, ફરી હાથમાં નહીં આવે. એમ કર અત્યારે જ આવી જા. હું તારી રાહ જોઉં છું. એમ કહીને મમતાએ ફોન મૂકી દીધો. કોનો ફોન હતો ?અર્ચનાના પતિ પરાગે પૂછયું.
કરતી હતી કે આનંદ આવ્યો
''મમતા એ કહેતી હતી કે આનંદ આવ્યો છે. અહીં આવી જો જન્માક્ષર પણ લેતી આવજે તમે પણ ચલો ને.'' અર્ચનાએ કહ્યું.
''જન્માક્ષરના કે જ્યોતિષીના ચક્કરમાં ના પડીશ. એ બધું બોગસ હોય છે. તેને ખબર તો છે કે હું એ બધામાં નથી માનતો.''
''સારું, ચાલ.'' પરાગે કહ્યું.
અર્ચના અને પરાગ જન્મકુંડળીઓ લઈને મમતાના ઘેર પહોંચ્યાં.
''આવો, આવો.'' દિલીપભાઈએ બારણું ખોલતાં કહ્યું, ''જન્માક્ષર લાવ્યા છો ને ? આ છે આનંદ, મારી સાથે બેંકમાં જ છે. જન્માક્ષર સારા જુએ છે. અત્યાર સુધી મારું કશું ખોટું નથી પડયું. હું તો એને મારી કુંડળી બતાવ્યા પછી જ મહત્ત્વના નિર્ણયો લેવા માંડયો છું.''
થોડી વાર પછી કુંડળી જોવાનું શરૂ થયું. સૌ પહેલી અર્ચનાની જન્મકુંડળી જોવાનું શરૂ થયું. ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી આનંદ બોલ્યો, ''આમની કુંડળીમાં શું જોવાનું, બધું બરાબર જ ચાલે છે. ગયા નવેમ્બરથી શનિની દશા છે, શારીરિક અને માનસિક કષ્ટ રહેશે. કમરનો દુખાવો રહેતો હતો. બસ, તમે તમારા શરીરનું ઘ્યાન રાખો. બાકી બધું બરાબર છે.''
મમતા વચ્ચે જ બોલી ઊઠી, ''હા, અર્ચનાને હમણાંથી કમરનો દુખાવો તો રહે છે જ.''
બસ, અર્ચના પણ આનંદની ભવિષ્યવાણીના પ્રભાવમાં આવી ગઈ.
એ પછી પરાગનો વારો આવ્યો, ''તમારા જેવી જન્મકુંડળી તો લાખોમાં માંડ એકાદની હશે. તમને અભ્યાસ ક્ષેત્રે બહુ ઈનામો મળ્યાં હશે.'' આનંદે કહ્યું.
''હા, સાચી વાત છે.'' અર્ચનાએ કહ્યું. સાચું જ તો કહ્યું હતું એણે. અત્યાર સુધીમાં પરાગને સ્કૂલ-કોલેજમાં ઘણા પુરસ્કારો મળ્યા હતા.
''અત્યાર સુધી નોકરીમાં તમારે બહુ વેઠવું પડયું હશે, પરંતુ ૧૫મી જાન્યુઆરીથી સૂર્ય તમારા જન્મસ્થાનમાં પ્રવેશ કરી રહ્યો છે અને હવે તમારો રાજયોગ શરૂ થશે.''
''રાજયોગ એટલે ?'' પરાગે કુતૂહલતાથી પૂછયું.
''ધન પ્રાપ્ત થશે... અત્યાર સુધી સરસ્વતીએ તમને સાથ આપ્યો અને હવે લક્ષ્મી પણ આપશે.''
''અર્ચના જ સરસ્વતી છે. એણે જ તો અત્યાર સુધી પરાગભાઈનો સાથ નિભાવ્યો છે.'' મમતાએ અર્ચનાનાં વખાણ કરતાં કહ્યું.
''આ વર્ષ તમારા માટે બહુ મહત્ત્વનું છે અને શુભ પણ. તમારો રાજયોગ છે. બીજી એક વાત એ કે, કોઈ ગોરી સ્ત્રી તમારા જીવનમાં આવે તેવી શક્યતા છે. કદાચ એ કોઈ વિદેશી સ્ત્રી હશે અને હું ખાતરીપૂર્વક કહી શકું છું કે ઓગસ્ટ સુધીમાં આ બધું થઈ જશે. એક વાત યાદ રાખજો, આ ગોરી સ્ત્રી તમારાથી ઉંમરમાં ઘણી નાની હશે.''
અત્યાર સુધી આનંદની બધી વાતો સાચી પડે છે, તો શું ગોરી સ્ત્રીવાળી વાત પણ સાચી પડશે ? અર્ચનાનું મન શંકા-કુશંકાથી ઘેરાઈ ગયું.
સૌ મજાકમસ્તી કરતાં હતાં. અર્ચના અનિચ્છાએ યંત્રવત્ બધાની વાતોમાં ભાગ લેતી રહી, પણ પેલી ગોરી સ્ત્રીવાળી વાત એને વારંવાર ડંખ્યા કરતી હતી.
જુલિયાને વિદેશથી આવ્યે હજી દસ દિવસ જ થયા હતા. એને ઘરમાં પ્રેમથી સૌ 'જુલી' કહેતા. જુલી અર્ચનાની ખાસ બહેનપણી લિન્ડાની દીકરી હતી. આમ તો લિન્ડા અર્ચના કરતાં ૫ વર્ષ મોટી હતી, પણ બંનેને એકબીજા સાથે બહુ ફાવતું. વિદેશમાં ડોક્ટરની ડિગ્રી મેળવ્યા પછી સેટલ થતાં પહેલાં ભારતની હોસ્પિટલોનો અભ્યાસ કરવા માટે એ અહીં આવી હતી. જ્યારથી જુલિયા ઘરમાં આવી હતી ત્યારથી ઘરનું વાતાવરણ જાણે બદલાઈ ગયું હતું. પરાગ અને બાળકો બહુ વ્યવહારુ થઈ ગયાં હતાં. અર્ચનાને આ બધું બહુ અટપટુ લાગતું હતું. બધાં જુલીને ઘેરાયેલાં રહેતાં અને રસપૂર્વક એની વાતો સાંભળતાં. એ બહુ જલદી સૌ સાથે હળીમળી ગઈ હતી.
ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. અર્ચનાનું મન હંમેશાં શંકાથી ભયભીત રહ્યા કરતું. એને એવું લાગવા માંડયું હતું કે પરાગ અને જુલીને એકબીજાનો સંગાથ ખૂબ ગમે છે. જમવાનું બનાવવાનું હોય તો જુલીની પસંદગીનું, પિકનિક જવું હોય તો જુલી કહે ત્યાં જવાનું. અત્યાર સુધી પરાગ હંમેશાં કારનો સ્ટીયરિંગ બાજુનો દરવાજો ખોલી પોતે કારમાં બેસી જતા અને અર્ચનાની સીટ બાજુનો દરવાજો ખોલવાનું ભૂલી જતા. જ્યારે જુલીને તો બહુ નમ્રતાથી એ દરવાજો ખોલી ગાડીમાં બેસાડતા.
અર્ચનાને લાગતું કે ધીરે ધીરે જુલી બધી જગ્યાએ અધિકાર જમાવવા લાગી છે. એને વારેવારે આનંદની ભવિષ્યવાણી યાદ આવી જતી. 'શું ખરેખર આ ગોરી અમારી વચ્ચે દીવાલ ઊભી કરશે ?'
આમ તો જુલી અર્ચના સાથે પણ બહુ પ્રેમથી વર્તતી. અર્ચનાએ પણ એને દીકરી જેવી જ ગણી હતી, પણ ત્રણ દિવસ પહેલાં પરાગને જુલીના પલંગ પર માથા સાથે માથું અડાડીને હસતા જોઈ અર્ચના અંદર સુધી કાંપી ગઈ હતી. અર્ચનાને લાગતું હતું કે હવે પાણી છેક માથા સુધી આવી ગયું છે.
એટલે જ એણે નિર્ણય કર્યો કે એ મોકો મળતાં જ પરાગને ઝપટમાં લેશે. બની શકે કે એ એમને રંગ્યા હાથે જ પકડી લે. કોણ જાણે જુલીએ શો જાદુ કર્યો હતો કે બાળકો પણ જાણે એનાથી દૂર થઈ ગયાં હતાં. અર્ચનાએ જોયું કે જુલી છેલ્લા કેટલાક દિવસોથી પરાગ અને બાળકો સાથે બેસીને કશીક ગુસપુસ કરતી રહેતી હતી, પણ જેવી અર્ચના ત્યાં પહોંચતી કે તરત બધાં ચૂપ થઈ જતાં અથવા વિખેરાઈ જતાં. અર્ચનાને થતું કે એનો હર્યોભર્યો સંસાર જડમૂળથી ઉખાડવા કોઈ મથી રહ્યું છે. એ કોને કહે પોતાનું દુ:ખ ? જુલીને મહેમાન તરીકે ઘરમાં રોકાવા દેવા બદલ એને પસ્તાવો થઈ રહ્યો હતો.
૧૭મી ઓગસ્ટ, અર્ચનાની વર્ષગાંઠ હતી. સવારે એ ઊઠી ત્યારે પરાગ રૂમમાં નહોતા કે નહોતું દર વર્ષની જેમ એના ઓશીકા નીચે રાખેલું બર્થ-ડે કાર્ડ. એ વિચારમાં પડી ગઈ કે છેલ્લાં ૧૫ વર્ષથી દર વર્ષે એની વર્ષગાંઠના દિવસે સવારે પરાગ એને બર્થ ડે કાર્ડ અને બુકે અચૂક આપતા. તો શું જુલીના આવતાં જ એ બધું ભૂલી ગયા ? અને અર્ચનાની આંખો આંસુથી છલકાઈ ગઈ. એને એ વાતનું પણ આશ્ચર્ય હતું કે બાળકો પણ એનો જન્મદિવસ ભૂલી ગયાં. કોને કહે ? શું કરે ? કશું સમજાયું નહીં. એને મમતા પાસે દોડી જવાનું મન થયું.
પરંતુ મમતાય કોણ જાણે ક્યાં જતી રહી હતી. અર્ચના ધૂંધવાયેલી જ ઘેર પાછી ફરી. હવે એની સહનશક્તિની હદ આવી ગઈ હતી. આજે ફેંસલો થઈ જ જવો જોઈએ. ઘેર પહોંચી ત્યારે જુલી ઘરમાં એકલી હતી. ભારતીય નારીની જેમ સાડી લપેટેલી, સજીધજીને તૈયાર થયેલી.
અર્ચના એના પર તૂટી પડે એ પહેલાં જ જુલીએ કહ્યું, ''મેં તમારા માટે આ સાડી અને ઘરેણાં પસંદ કર્યાં છે. જલદી પહેરી લો, બરાબર ૭ વાગે આપણે ક્યાંક પહોંચવાનું છે.''
''મુન્નો, સ્વીટી હમણાં સ્કૂલેથી આવશે. એમને ભૂખ લાગી હશે.'' અર્ચનાએ કહ્યું.
''આજે એ લોકો મોડાં આવવાનાં છે.'' જુલીએ કહ્યું. જુલીની જીદ આગળ હારી જઈને અર્ચનાએ તૈયાર થઈ એની સાથે જવું જ પડયું. થોડી જ વારમાં એમની કાર શહેરની એક જાણીતી હોટલ પાસે ઊભી રહી. જુલી અર્ચનાનો હાથ પકડી લગભગ ખેંચતી જ અર્ચનાને અંદર લઈ ગઈ. એક વિશાળ હોલ રંગબેરંગી રોશનીથી ઝળહળતો હતો.
અર્ચના કશું સમજેવિચારે તે પહેલાં જ ત્યાં હાજર સૌ કુટુંબીજનો અને મિત્રોએ એકસાથે કહ્યું, ''હેપ્પી બર્થ ડે ટુ યૂ.'' પરાગે અર્ચના પાસે જઈને પ્રેમના પ્રતીકસમા લાલ ગુલાબનો બુકે એને ધરતાં કહ્યું, ''કેવી લાગી જન્મદિવસની ભેટ ?''
અર્ચનાની આંખોમાં ખુશીનાં આંસુ છલકાઈ આવ્યાં. એ નવાઈ સાથે બધું જોતી જ રહી ગઈ.
''ઘણા દિવસોથી અમે છાનીછપની આની જ તો તૈયારી કરતાં હતાં.'' જુલી બોલી અને બાળકોએ પણ સૂર પૂરાવ્યો.
અર્ચનાને થયું કે એક અનર્થ થતાં થતાં રહી ગયો. હવે એ કદી કોઈની ભવિષ્યવાણીનો ભરોસો નહીં કરે. ''ભાવિ આપણા જ હાથમાં છે જન્મકુંડળીમાં નહીં.'' અર્ચના મનોમન બોલી.


