- મમ્મી તો પ્રદીપભાઈ પ્રત્યેનો સ્નેહ જોઈને ધરાને વધુ ડર લાગવા માંડયો. તેના નવા પિતા તેના પ્રત્યે આકર્ષિત થશે તો તે શું કરશે? અખબારોમાં રોજને રોજ જાતજાતના બનાવો અંગે વાંચવા મળે છે. સંબંધોનો કોઈ અર્થ રહ્યો નથી. યુવાન છોકરી પોતાના ઘરના ઘરમાં પણ સુરક્ષિત નથી. આ વાતને જાણી ચૂકી હતી.
આજે સવારથી માથું દુ:ખતું હતું એટલે ધરા કોલેજમાંથી વહેલી ઘરે આવી ગઈ હતી. મમ્મી હજુ ઓફિસમાંથી આવી નહોતી અને તેના સાવકા પિતા પણ ઘરમાં નહોતા.
સાવકા પિતાનો વિચાર આવતા જ ધરાના શરીરમાંથી કંપારી છૂટી ગઈ. કોણ જાણે કેમ છેલ્લા એકાદ-બે મહિનાથી તેના પિતાનો વ્યવહાર તેને ખૂંચતો હતો. તેના પિતાની નજરમાં વાસનાના સાપોલિયા સળવળતા તે જોઈ શકતી. પરંતુ પોતાના મનનો ભય તે જોઈ શકતી. પરંતુ પોતાના મનનો ભય તે તેની મમ્મી પાસે વ્યક્ત કરી શકતી નહીં.
કેટલું દુ:ખ સહન કર્યું હતું તેની મમ્મી અમિતા બહેને, ધરા સમજણી થયા પૂર્વે જ તેના પપ્પા તેને અને મમ્મીને છોડીને જતા રહ્યા હતા. પપ્પાના જીવનમાં તેની મમ્મી સિવાય કોઈ અન્ય સ્ત્રી હતી તેના જન્મ પછી તેના મમ્મી-પપ્પા વચ્ચે રોજ ઝઘડા થતાં. કેટલીકવાર પપ્પા મમ્મીને મારતા પણ હતા. છેવટે એ સ્ત્રી ખાતર પપ્પા તેને અને મમ્મીને નીર્ધારે છોડી જતાં રહ્યા. આજે પપ્પાએ સ્ત્રી સાથે સંસાર માંડયો છે. આ સ્ત્રી દ્વારા તેમને બે સંતાનો પણ છે. પરંતુ કોઈ દિવસ પપ્પાએ તેની અને તેની મમ્મીની ખબર કાઢવાની દરકાર કરી નથી.
પપ્પાએ મમ્મીનો ત્યાગ કર્યા પછી મમ્મીએ કેટકેટલી મુસીબતો ઉઠાવી તેને ભણાવી-ગણાવી હતી અને આજે મમ્મીના પરિશ્રમને કારણે જ તે મેડિકલ કોલેજમાં દાખલ થઈ શકી હતી. વર્ષો પછી મમ્મીના જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો છે. આથી ધરા મમ્મીને દુ:ખ થાય એવું પગલું ભરવા માગતી નહોતી. માત્ર શકને કારણે તે વાતનું વતેસર કરવા માગતી નહોતી.
રૂમમાં તેના પલંગ પર સૂતેલી ધરા ભૂતકાળમાં સરી પડી.
પિતા છોડીને ગયા પછી અમિતા પર પુત્રીનું અને પોતાનું ભરણપોષણ કરવાની જવાબદારી આવી પડી, સ્વમાની અમિતા કોઈના માથા પર બોજ બનવા માગતી નહોતી. આથી તેણે નોકરી કરી પોતાનું ભરણપોષણ કરવાનો નિશ્ચય કર્યો. સૌ પ્રથમ તેણે શહેર બદલી તેના માતા-પિતાના ઘર નજીક નવું ઘર લીધું. ધરાની જવાબદારી તેની મમ્મીને સોંપી તે નોકરી પર જતી સાંજે ઘરે લઈ જતી. ધરાના મામા બહારગામ રહેતા હોવાથી તેના નાના-નાનીનો પણ ધરાને ઉછેરવામાં સમય પસાર થઈ જતો.
સમજણી થઈ ત્યાંરથી જ ધરાએ તેની મમ્મીને ઉદાસ જોઈ હતી. કોઈ પણ કામમાં તેને રસ રહેતો નહીં. ધરાના નસીબે જે બની છે તે બની શકી. ધરાએ કોઈ દિવસ તેની મમ્મીના ચહેરા પર હાસ્ય તો જોયું જ નહોતું. આ રીતે તેમણે પંદર વર્ષ પસાર કર્યા હતાં.
ધરા ભણવામાં હોશિયાર હતી. આથી તેને આસાનીથી મેડિકલમાં પ્રવેશ મળી ગયો. બસ એ જ દિવસે તેણે તેની મમ્મીના ચહેરા પર મલકાટ જોયો હતો. એક ક્ષણ તેને લાગ્યું કે કદાચ હવે તેની મમ્મી તેની ઉદાસીની દુનિયામાંથી બહાર આવશે. પરંતુ તેણે કોલેજ જવાની શરૂઆત કરી કે ફરી પાછા અમીતા બહેન તેમની વિષાદની દુનિયામાં ગરકાવ થઈ ગયા.
તે દિવસે ધરા ઘરમાં જ હતી. ડોરબેલ વાગી ત્યારે તેણે દરવાજો ખોલ્યો, તો સામે એક પુરુષ ઊભો હતો, મારું નામ પ્રદીપ છે મારી ગાડીમાં એક મહિલા છે. આસપાસના લોકોએ કહ્યું કે તેઓ આ ઘરમાં રહે છે. જરા તમે આવીને જોઈ લો...
ગભરાયેલી ધરા ઘર બંધ કરી નીચે દોડી ગઈ તે તેની મમ્મી જ હતી. રડતી રડતી તે તેની મમ્મીને બાઝી પડી. ''શું થયું તેમને?'' ''કોને ખબર'' તે મહાશય બોલી પડયા, ''રસ્તામાં ચાલતા ચાલતા પડી ગયા હતા, બેભાન હતા. મેં લોકોની સહાયતાથી તેમને ઊંચક્યા. કોઈએ કહ્યું તેઓ આ જ મકાનમાં રહે છે. એટલે હું તમને પૂછવા આવ્યો.''
તેમની સાથે તે મમ્મીને જેમ તેમ કરીને ઊંચકીને ઘરમાં લઈ આવી. પલંગ પર સુવડાવી મોં પર ઠંડા પાણીની છાલકો મારી અમિતા બેન જરા સળવળ્યા પરંતુ ભાનમાં આવ્યા નહીં.
''ઘરમાં ફોન છે?''
''જી, ના પાડોશમાં છે.'' ધીમા સ્વરે ધરાએ જવાબ આપ્યો.
''હું મારા ડૉક્ટરને ફોન કરીને બોલાવી લઉં છું. તમે જરા પણ ફીકર કરો નહીં. તમારી મમ્મી જલ્દી ઠીક થઈ જશે. કહી તેઓ બાજુના ઘરમાં ફોન કરવા ચાલ્યા ગયા.
જ્યાં સુધી ડૉક્ટર ન આવ્યા, તેમણે મમ્મીને તપાસી જરૂરી દવા, ઈંજેક્શન ન આપ્યા ત્યાં સુધી પ્રદીપજી ઘરમાં જ રહ્યા. ઘરમાં એક પુરુષની હાજરી કેટલી અગત્યની છે એ વાત તે દિવસે ધરાને ખબર પડી.
સાજા થતાં તેની મમ્મીને ત્રણ-ચાર દિવસ લાગ્યા. ત્યાં સુધી પ્રદીપ રોજ જ તેમને ઘરે આવતા હતા. ધરા રોજ જ તેમને માટે ચા-નાસ્તો બનાવતી પ્રદીપભાઈ તેની મમ્મી સાથે વાતો કરતા બેસી રહેતા.
એક દિવસ ધરા કોલેજમાંથી ઘરે આવી ત્યારે તેણે ઘરમાં ટેલિફોનના તાર લગાડતા કર્મચારીઓને જોયા. તેણે મમ્મીને પૂછ્યું, ''આ શું છે મમ્મી?''
''શું કરું બેટા, પ્રદીપ માનતા જ નથી. મેં કેટલી ના પાડી પરંતુ તેઓ કહે છે કે ઘરમાં આપણે એકલા રહીએ છીએ ક્યારે કોઈ જરૂર પડે તો તેમને ફોન કરીને બોલાવી તો શકીએ.
આ વાક્ય બોલતા બોલતા અમિતા બહેન ઝંખવાઈ ગયા. મમ્મીનો ચહેરો જોતા જ ધરાને થોડો સંદેહ થયો. ધીરે ધીરે ધરાનો શક હકીકતમાં ફેરવાઈ ગયો. પ્રદીપભાઈ અને તેની મમ્મી એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. એક દિવસ પ્રદીપભાઈએ જ ધરાને પૂછ્યું, ''હું તમારી મમ્મી સાથે લગ્ન કરું તો તમને કોઈ વાંધો તો નથી?''
ધરા પ્રદીપભાઈ સામે જ જોતી રહી. બે મિનિટ સુધી તો તે કઈ પણ બોલી શકી જ નહીં. પછી તેણે કહ્યું, ''હું શું કહી શકું? તેમને વાંધો ન હોય તો મને શો વાંધો હોય. તેમની ખુશીમાં જ મારી ખુશી છે.
પ્રદીપભાઈને પત્ની ઘણા વર્ષો પૂર્વે મૃત્યુ પામી હતી. તેમને કોઈ સંતાન હતું નહીં. એકલદોકલ જીવ હતો અને પૈસે ટકે પણ કોઈ ચિંતા હતી નહીં. ધીખતો ધંધો હતો. જીવનમાં કમી હતી તો એક જીવનસાથીની અને અમિતા બહેનની મુલાકાત પછી આ કમી પણ દૂર થઈ ગઈ હતી.
એક સાદા સમારોહમાં અમિતા બહેન અને પ્રદીપભાઈ એકબીજાના જીવનસાથી બની ગયા. તેઓ પ્રદીપભાઈના મોટા મકાનમાં રહેવા જતા રહ્યા. પ્રદીપભાઈને પિતા તરીકે સ્વીકારવામાં ધરાને થોડો સમય લાગ્યો.
ધીરે ધીરે ધરાને તેનાં નવા પિતાના વ્યવહારમાં ફરક પડયો હોવાનો અનુભવ થવા લાગ્યો. તેઓ છાનામાના તેના ઓરડામાં આવતા અને તેની આંખો પર હાથ દાબી દેતા. આ સમયે તેઓ તેના ઉરોજોનો પણ સ્પર્શ કરી લેતા. તેમના આવા વર્તનથી ધરાને અકળામણ થવા લાગી. પોતાના મનનો ઉભરો તે કોઈની સમક્ષ ઠાલવી શકતી નહીં. મમ્મીની ખુશી ખાતર તે ચૂપ રહેતી. વર્ષો બાદ મમ્મીના જીવનમાં આવેલી ખુશી તે નષ્ટ કરવા માગતી નહોતી. કંઈ પણ બોલ્યા વિના ધરા તેના પિતાનો સંપર્ક ટાળવા લાગી. વ્યક્તિ બહારથી દેખાય છે તેવી અંદરથી હોતી નથી. આ વાતનો અનુભવ તેને થઈ ગયો.
આ ઉપરાંત ધરાની ઉંમર વધવા લાગી તેમ તેમ તેને એક વધુ ડર સતાવવા લાગ્યો, ધરાના લગ્નની ચિંતાને તેને કોરી ખાવા માંડી. લગ્નનો ખરચો કેવી રીતે કરશે એ વાતની ચિંતા તેનો કેડો મૂકતી નહીં. એક ત્યક્તા માતાની પુત્રી સાથે લગ્ન કરવા કોણ તૈયાર થશે? છોકરો શોધવા તે ક્યાં જશે? એવો ડર તેના મનમાંથી જતો નહીં.
એવું પણ નહોતું કે ધરાને ડર નહોતો. પણ તે ઉપરવાળાને ભરોસે હિંમત રાખી રહી હતી.
લગ્ન પછી ધરાએ મમ્મીમાં એક વધુ ફેરફાર નિહાળ્યો. પહેલા તેને માત્ર ધરાની જ ચિંતા હતી. હવે તે પ્રદીપભાઈની પણ ચિંતા કરવા લાગી. મમ્મી તો પ્રદીપભાઈ પ્રત્યેનો સ્નેહ જોઈને ધરાને વધુ ડર લાગવા માંડયો. તેના નવા પિતા તેના પ્રત્યે આકર્ષિત થશે તો તે શું કરશે? અખબારોમાં રોજને રોજ જાતજાતના બનાવો અંગે વાંચવા મળે છે. સંબંધોનો કોઈ અર્થ રહ્યો નથી. યુવાન છોકરી પોતાના ઘરના ઘરમાં પણ સુરક્ષિત નથી. આ વાતને જાણી ચૂકી હતી.
દિવસે દિવસે પ્રદીપભાઈની હિંમત વધવા લાગી. તે એને એકલી બહાર લઈ જવાના બહાના બનાવવા લાગ્યા, તે સાથે હોય ત્યારે પ્રદીપભાઈ તેની પસંદનું વધુ ધ્યાન રાખવા લાગ્યા. તેને માટે જાતજાતની ભેટો લાવતા. ધરા હવે સાધારણ છોકરી જેમ નહીં રહે તે એક રાજરાણી જેમ રહેશે'' પ્રદીપભાઈના આ વાક્યો સાંભળી તેની મમ્મીને ખૂબ જ આનંદ થતો. પ્રદીપભાઈના મનની વાત અમિતાબહેન જાણી શક્યા નહીં.
મેડિકલ કોલેજમાં માનસિક રોગો પર એક સેમિનાર થયો હતો. આ સેમિનાર તેણે ધ્યાન દઈને સાંભળ્યો હતો. આજે આ બધી વાતો યાદ કરતાં તેને લાગ્યું કે પ્રદીપભાઈ જરૂર કોઈ માનસિક રોગનો શિકાર બન્યા હશે અને જો એમ ન હોય અને તેઓ વાસનાના પૂજારી હોય તો...
આથી એક દિવસ મમ્મીએ થોડાં દિવસ માટે તેના ભાઈને ઘરે જવાની વાત કરી ત્યારે ધરા પ્રદીપભાઈની સામે તેની મમ્મીને મનાઈ કરી શકી નહીં. તેણે તેની પરીક્ષાનું બહાનું કાઢ્યું. પરંતુ પ્રદીપભાઈએ ઘરે રસોઈ કરવા માટે તેમની જૂની રસોઈયણને બોલાવવાનું સૂચન કરી અમિતાબહેનની ચિંતા પણ દૂર કરી નાંખી. આ પછી મમ્મી તેને પિયર જવા તૈયાર થઈ ગઈ. ધરાને સામે આવનાર સંકટના દર્શન થવા માંડયા. પિતા સાથે એકલી કેવી રીતે રહેશે એ ડર તેને સતાવવા લાગ્યો. મમ્મીએ પ્રદીપભાઈને સાથે આવવાનો આગ્રહ કર્યો પરંતુ ''હું કેવી રીતે આવી શકું?'' મારે કેટલું કામ છે તેની તો તને ખબર છે. આજકાલ ઓર્ડર પણ ઘણા છે. માલ તૈયાર કરવાનો છે. બીજીવાર આપણે સાથે જઈશું. અત્યારે તો તું એકલી જ જઈ આવ.''
પરંતુ ધરા સમજી રહી હતી કે તે તેના પિતા માત્ર બહાનું જ કાઢી રહ્યા છે. તેના યૌવનનો નશો જ તેમને અહીં રહેવા માટે પ્રેરીત કરી રહ્યો છે. પરંતુ આ બધુ તે મમ્મીને કેવી રીતે સમજાવે. તેણે મનમાં ને મનમાં પરિસ્થિતિનો સામનો કરવાનો નિર્ણય કર્યો.
પરંતુ બીજી બાજુ તેનું મન આશંકા અને ભયથી કાંપવા લાગ્યું. જો તેના પિતાનો સામનો કરી ન શકી તો...
મમ્મીના ગયા પછી ખૂબ જ સાવધાનીથી ધરાએ પ્રદીપભાઈની ઈચ્છાઓ અને ઉત્તેજનાઓ પર ઠંડું પાણી રેડી દીધું.
તેઓ એ સાંજે જ ઘણા વહેલા આવી ગયા. તેમના હાથમાં ફૂલોના ગુચ્છા હતા. ધરા હસીને બોલી, ''આટલા બધા પુષ્પો ક્યાંથી આવ્યા?
''આજે ઓફિસમાં વિદેશીઓ આવ્યા હતા. તેમના સ્વાગત માટે મંગાવ્યા હતા. ઓફિસમાં આ ફૂલો સૂકાઈ જાત એટલે હું તારે માટે લઈ આવ્યો.
''મારે માટે કેમ? તમારા રૂમમાં જ રાખો ને?'' કહી ધરાએ સ્મિત કર્યું.
''અરે ભાઈ અમારા ઓરડામાં આ ફૂલોની કદર કરનાર કોણ છે? તારી મમ્મી નથી તો આ ફૂલોનો અમારા ઓરડામાં રાખવા કરતા તારા જ રૂમમાં રાખ મારી ધરાનો ચહેરો મહેકશે તો તેની સુગંધ મારા સુધી આવશે.''
રાત્રે જમ્યા પછી ધરા પોતાના રૂમમાં જવા લાગી ત્યારે પ્રદીપભાઈએ કહ્યું, ''ક્યાં જાય છે? થોડીવાર બેસ ને?''
''બસ બે મિનિટ બેસું છું. પછી મારા ઓરડામાં વાચવા જતી રહીશ.''
''થેંક્યુ ડિયર'' પ્રદીપભાઈ ધરાનો હાથ ચૂમીને બોલ્યા.
ધરા પાસે પડેલા પુસ્તકોમાંથી એક પુસ્તક ઉઠાવીને તેના પાના ઉથલાવવા લાગી. થોડાં સમય પછી તે બોલી, ''તમારા જેવા સમજદાર વ્યક્તિ આવા વાહિયાત પુસ્તકો વાંચે છે. તે જોઈ મને ઘણું દુ:ખ થયું. આ નવલકથા તો યૌન અપરાધીની માનસિક સ્થિતિ પર અધારીત અમારી કોલેજમાં થોડાં દિવસ પૂર્વે જ માનસિક રૂપથી બીમાર લોકોની માનસિક હાલત પર એક સેમિનાર થયો હતો. એમાં આ પુસ્તકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એમાં મા સાથે લગ્ન કરી પુત્રીને પામવાની ઈચ્છા ધરાવનાર એક માનસિક રીતે વિહૃત પુરુષની કથા છે ને?''
આ સાંભળીને પ્રદીપભાઈનો ચહેરો ઊતરી ગયો. લાગ જોઈને ધરાએ સોગઠી મારી, ''આ સેમિનારમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કઈ કઈ માનસિક સમસ્યાને કારણે લોકો પાતાનાથી નાની ઉંમરની યુવતીઓ સાથે બળાત્કાર કરે છે. અને પારિવારીક સંબંધો ભૂલાઈ જાય છે. હું તો ઈચ્છતી હતી કે તમે અને મમ્મી પણ આ સેમિનારમાં આવો.''
''શું કામ? મારે એ સાંભળવાની શું જરૂર છે?'' ગભરાઈને પ્રદીપભાઈ બોલી ઉઠયા.
''તમારી પાસે આ પુસ્તક છે એટલે ''ધરાનો સ્વર જરા કઠોર થઈ ગયો.''
''તને મારા પર આવો ગંદો આરોપ લગાડતા શરમ નથી આવતી?''
''શરમ તો આવે છે પરંતુ હું ડૉક્ટરનું ભણી રહી છું. અમારે લોકોના રોગનો ઈલાજ કરવો પડે છે. રોગ શારીરિક હોય છે. તેમજ માનસિક પણ હોય છે.''
''હું મારી મમ્મીના સુખમાં બાધારૂપ બનવા માગતી નથી. પરંતુ મારી આંખોએ તમારા હૃદયમાં તમારા વ્યવહારે મારી શંકા દ્રઢ બનાવી છે. હું સમજતી હતી કે મારી વર્તણૂંક જોઈ તમે સમજી જશો. પરંતુ એમ ન થયું એટલે આજે તમને ચોખ્ખું કહી દેવું પડયું... '' થોડી મિનિટો સુધી ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. છેવટે ધરાએ કહ્યું. ''હું મારા રૂમમાં જાઉં છું.''
''એક વિનંતી કરું ધરા, મારી વાત માનશે?''
''બોલો''
''આ વાત તારી મમ્મીને ન કહેતી. તેને ખૂબ જ દુ:ખ થશે. કોઈ પણ વ્યક્તિ તેની પત્નીની નજરમાંથી ઊતરવા ઈચ્છતો નથી.'' પ્રદીપભાઈના વાક્યોમાં પસ્તાવો વ્યક્ત થતો હતો.
''એક શરત પર'' ધરા બોલી'' હવેથી તમે કોઈ દિવસ આવી હરકત નહીં કરો. જેનાથી મારી ભાવનાને ઠેસ પહોંચે હું તમને મારા પિતા માનું છું. પિતાની મર્યાદા તોડવાના પ્રયત્નો કરશો નહીં. આશા છે હવે તમે મને ફરિયાદની કોઈપણ તક આપશો નહીં.
''આઈ એમ સોરી હવે તેને મારા તરફથી કોઈ પણ ફરિયાદ નહીં રહે.'' ધરા નિર્ભય બની એક નવા વિશ્વાસ સાથે પોતાના ઓરડામાં જતી રહી.


