- ''હું તમને કહેવા નહોતો માગતો, પણ તમે મને ફરજ પાડી હોવાથી કહી રહ્યો છું. આજે અમારી પણ લગ્નતિથિ છે, મારી પત્ની પણ મારી રાહ જોતી હશે. આજે મેં તમારા બાબાનો જીવ બચાવ્યો. આની સજારૂપે જો એ મારું ઘર છોડી જતી રહે, તો શું મારી સાથે એ અન્યાય નહીં કહેવાય? પત્નીની ખુશી માટે જો હું તમારા ઘરના દીપકને બૂઝાવા દઉં તો શું એ ન્યાય કહેવાય?''
ગૌરીએ ઘરને તાળું માર્યું અને રીંકુને તેડી રસ્તા પર આવીને રેલવે સ્ટેશન જવા માટે રિક્ષા પકડી. એણે ઘડિયાળમાં જોયું. રાતના આઠ વાગ્યા હતા. ટ્રેન ઉપડવાને માત્ર દસ જ મિનિટની વાર હતી. અમદાવાદ જવા માટે એક જ ટ્રેન મળતી. જો એ નીકળી જાય તો સમયસર અમદાવાદ પહોંચી શકાય તેમ નહોતું.
ગૌરી અને રોહિતના છૂટાછેડાનાં કેસને લગભગ ત્રણ વર્ષ થઇ ગયાં હતાં. કાલે તેના કેસનો ચુકાદો હોવાથી એ સમયસર અમદાવાદ પહોંચવાની ઉતાવળમાં હતી.
ગૌરીએ રિક્ષાવાળાને જલદી ચલાવવાનું કહ્યું. સ્ટેશન આવતાં જ ગૌરી રિક્ષામાં બેઠી-બેઠી પૈસા આપી રહી હતી, એટલામાં સામેથી પૂર ઝડપે આવતી એક ટ્રકે રિક્ષાને અડફેટમાં લઇ લીધી.
ગૌરીને તો ખાસ કંઇ વાગ્યું નહીં, પણ રીંકુ ઊછળીને નીચે પડી ગયો. એનું માથું ફૂટી ગયું. ગૌરીએ એને તરત તેડી લીધો. એ બેહોશ થઇ ગયો હતો. એના માથામાંથી સતત લોહી વહી રહ્યું હતું. ગૌરી તો આ બધું જોઇને રડવા લાગી.
પાસે જ એક જાણીતા ડૉક્ટરનું દવાખાનું હતું. ગૌરી રીંકુને લઇ ત્યાં ગઇ. એજ વખતે ડૉ.ભરત દવાખાનું બંધ કરીને કારમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા.
ડૉ.સાહેબ, મારા બાબાને બચાવી લો. ગૌરીએ આજીજી કરતાં કહ્યું.
'સૉરી બેન, અત્યારે ક્લિનિક બંધ કરી દીધું છે.' ડૉ.ભરતે કારમાં બેસતાં કહ્યું.
''ડૉ.સાહેબ મારા દીકરાની હાલત બહુ ખરાબ છે. મહેરબાની કરીને તમે એને જોઇ લો.'' ગૌરીએ વિનંતી કરી.
''મેડમ, માફ કરજો. પણ અત્યારે હું બહુ ઉતાવળમાં છું. તમે બીજો કોઇ ડૉક્ટરને બતાવો.''
''ડૉ.સાહેબ, તમારા સિવાય અહીં બીજા કોઇ સારા ડૉક્ટર નથી. મારા દીકરાના સહારે તો હું જીવું છું. એને બચાવી લો. મારા ગુનાની સજા આ બાળકને ના કરશો. ગૌરીએ હાથ જોડી કહ્યું.''
ડૉ.ભરતે સહેજ વિચાર કરી કંપાઉન્ડરને ક્લિનિક ખોલવાનું કહ્યું. રીંકુની હાલત ખરેખર બહુ નાજુક હતી. ડૉક્ટર એને લઇને ઓપરેશન થિયેટરમાં ગયા. ઘા સાફ કરી ટાંકા લગાવ્યા અને ઇંજેક્શન પણ આપ્યાં. બે કલાક પછી રીંકુની હાલત થોડી સુધરતાં એને ઓપરેશન થિયેટરની બહાર લાવ્યા.
''હવે ચિંતા કરવા જેવું નથી. બે-ત્રણ કલાકમાં રીંકુ ભાનમાં આવી જશે.'' ડૉ.ભરતે કહ્યું.
''ડૉ.સાહેબ, હું તમારો ઉપકાર જીવનભર નહીં ભૂલું.'' ગૌૈરીએ હાથ જોડી કહ્યું.
''એમાં ઉપકાર શાનો? આ તો મારી ફરજ હતી. પણ તમે ક્યા ગુના અને કઇ સજાની વાત કરી રહ્યાં હતાં, એ મને સમજાયું નહીં?''
'ડૉ.ભરતનો પ્રશ્ન સાંભળી ગૌરીની આંખોમાં આંસુ આવી ગયાં. એની આંખો સામે ભૂત કાળની યાદો તાજી થઇ ગઇ. એ યંત્રવત્ બોલવા લાગી, ''વીરમગામના જમીનદાર મણીભાઇ પટેલને ઘરે પાંચ દીકરાઓ પછી ગૌરીનો જન્મ થયો હતો. બાળપણથી ગૌરી બહુ જ લાડકોડમાં ઊછરી હતી. પાણી માગે ત્યાં દૂધ હાજર થતું, એટલે જ કદાચ ગૌરી બહુ જિદ્દી બની ગઇ હતી. જોકે, ભણવામાં બહુ હોશિયાર હતી.
એમ.એ.માં ફર્લ્ટક્લાસ ફર્સ્ટ આવ્યા પછી શાંત અને સૌમ્ય ડૉ.રોહિત સાથે એનાં લગ્ન નક્કી થયાં. રોહિત એને ખૂબ જ પ્રેમ કરતો હતો. રોહિત જેવો પતિ મળવા બદલ ગૌરી પોતાની જાતને નસીબદાર માનતી હતી.
લગ્ન પછી થોડા જ દિવસોમાં બંને આણંદ આવી ગયા. રોહિતે સરકારી હોસ્પિટલની નોકરીમાંથી રાજીનામું આપી પોતાનું ક્લિનિક શરૂ કર્યું. સરળ સ્વભાવ અને હોશિયારીના લીધે રોહિતના ક્લિનિક પર દર્દીઓની ભીડ દિવસે-દિવસે વધતી જતી હતી, એટલે જ પહેલાં કરતાં એ વધુ કામમાં રોકાયેલો રહેતો. રાત્રે ઘરે આવતાં એને ઘણીવાર બહુ મોડું થઇ જતું.
સંયુક્ત કુટુંબમાં રહેવા ટેવાયેલી ગૌરીને અહીં બહુ એકલું લાગતું. એ એવું ઇચ્છતી કે પહેલાંની જેમ જ રોહિત જલદી ઘરે આવી જાય. આ બાબતમાં એ ઘણી વાર રોહિત સાથે ઝઘડતી પણ ખરી, પરંતુ શાંત અને ઠરેલ સ્વભાવનો રોહિત હંમેશાં એને પ્રેમથી સમજાવતો કે, કોઇ દર્દીની હાલત ગંભીર હોય ત્યારે એ કેવી રીતે એને છોડીને ઘરે આવી જાય?
એક સવારે જ્યારે રોહિત ક્લિનિક જવા માટે તૈયાર થતો હતો ત્યારે ગૌરીએ રોહિતને આલિંગનમાં લેતાં કહ્યું, ''આજે કઇ તારીખ છે, તે યાદ છે?''
''આજની તારીખ હું કેવી રીતે ભૂલી શકું?'' આજના દિવસે તો તું મારી જિંદગીમાં આવી હતી. રોહિતે ગૌરીની ફરતે બે હાથ વીંટી એના કપાળે ચુંબન કરતાં કહ્યું.
રોહિત ઘરેથી નીકળ્યો ત્યારે ફરી ગૌરીએ કહ્યું, ''રોહિત આજે સાંજે જલદી ઘરે આવી જજો. હું તમને એક ખુશખબર આપીશ.''
''ખુશખબર?''
''એ હું તમને સાંજે જ કહીશ, અત્યારે નહીં.'' ગૌરીએ હસીને કહ્યું.
સાંજે રોહિત ઘરે આવવા માટે નીકળવાની તૈયારી કરતો હતો, ત્યાં જ એક માજી પોતાના જુવાનજોધ દીકરાને લઇને આવ્યાં અને બોલ્યાં, ''ડૉક્ટર સાહેબ, મારા દીકરાને બચાવી લો.''
''માફ કરજો માજી, આજે હું બહુ જરૂરી કામે બહાર જાઉં છું. તમે બીજા કોઇ ડૉક્ટરને બતાવો.'' રોહિતની આંખો સામે ગૌરીનો ચહેરો તરવરી રહ્યો હતો.
''બેટા, હું બહુ આશા લઇને તારી પાસે આવી છું. બીજા ડૉક્ટર પાસે જતાં સુધીમાં બહુ મોડું થઇ જશે. મારો એકનો એક જુવાનજોધ છોકરો છે. એજ મારો સહારો છે. એને બચાવી લો.
રોહિતે એ છોકરા સામે જોયું તો ખરેખર એની હાલત બહુ ગંભીર હતી. એનું એંસી ટકા શરીર દાઝી ગયું હતું. એના બચવાની શક્યતા ઓછી હતી. રોહિત એને ઓપરેશન થિયેટરમાં લઇ ગયો. ડ્રાઇવરને કહ્યું કે, ''ઘરે જઇને ગૌરીને કહી દે કે જમી લે. મને આવતાં મોડું થઇ જશે.''
છોકરાને ભાનમાં આવતાં રાતના બાર વાગી ગયા. રોહિત જ્યારે ઘરે પહોચ્યો ત્યારે બારણે તાળું લટકતું હતું. ચોકીદારે કહ્યું કે, ''મેડમ બહુ ગુસ્સામાં હતાં અને એમના પિયર જતાં રહ્યાં છે.'' આ સાંભળીને રોહિતને પળવાર તો આંચકો લાગ્યો, પણ પછી સ્વસ્થ થઇ, તાળું ખોલીએ ભારે પગલે અંદર ગયો.
ટેબલ પર પડેલો પત્ર હાથમાં લઇએ વાંચવા લાગ્યો. ગૌરીએ લખ્યું હતું, રોહિત, તમને વારંવાર વિનંતી કરી હતી. ઘરેથી નીકળતી વખતે પણ યાદ દેવડાવ્યું હતું કે, આજે તમે જલદી ઘરે આવી જજો, પણ આજના દિવસેય તમે સમયસર ઘરે ન આવ્યા. આ પરથી મને ખાતરી થઇ ગઇ છે કે તમારી જિંદગીમાં મારું કોઇ મહત્ત્વ જ નથી. તમારા માટે તમારા દર્દી જ સર્વસ્વ છે, એટલા માટે જ હવે હું તમારું ઘર છોડીને જઇ રહી છું. જેથી તમે તમારા દર્દીઓ સાથે તમારી દુનિયામાં ખુશ રહી શકો.
હું તમને એક ખુશખબર આપવાની હતી, હવે જતાં-જતાં તમને કહી દઉં, જેથી તમને કોઇ અફસોસ ન રહે. કુદરતે મને મારી સૌથી અનોખી ભેટ આપી દીધી છે. હવે હું મારી જિંદગી મારા આવનારા બાળકના સહારે વિતાવી દઇશ. તમે મને મળવાની કોશિશ ન કરતાં.
પત્ર વાંચીને રોહિત ભાંગી પડયો. એને એ ન સમજાયું કે એને કઇ ભૂલની સજા મળી રહી છે.
બીજા જ દિવસે એ ગૌરીને મળવા એના પિયર ગયો. પણ ગૌરીએ એને મળવાની ના પાડી દીધી. એના ભાઇઓએ પણ રોહિતનું અપમાન કર્યું. એમણે તો એટલે સુધી કહી દીધું કે, જે વ્યક્તિ એમની બહેનને સુખ ન આપી શકે, એને એ લોકો ક્યારેય શાંતિથી જીવવા નહીં દે. છ મહિનામાં તો ગૌરીના ભાઇઓએ ગૌરી તરફથી રોહિતને છૂટાછેડાની નોટિસ પણ મોકલી દીધી.
શરૂઆતમાં તો ભાભીઓએ ગૌરીને બહુ સારી રીતે સાચવી, પણ ધીરે ધીરે એમનું વર્તન પણ બદલાતું ગયું. સંબંધ વણસી જાય તે પહેલાં જ ગૌરીએ નોકરી માટે અરજી કરવા માંડી. બહુ જલદી એને નાનકડા ગામની સ્કૂલમાં નોકરી મળી ગઇ અને નવજાત રીંકુને લઇને એ ગામ આવી ગઇ.
છેલ્લાં અઢી-ત્રણ વર્ષથી છૂટાછેડાનો કેસ ચાલે છે. ગૌરી દરેક મુદત વખતે નિયમિત અમદાવાદ જાય છે. ''કાલે તેનો ચુકાદો છે.'' ગૌરીએ થોડો શ્વાસ ખાધો અને રડતાં-રડતાં કહ્યું, ''હું જ એ ગૌરી છું સાહેબ.''
''ગૌરીના મોઢે આખો કિસ્સો સાંભળ્યા પછી. ડૉ.ભરતે કહ્યું, ''ભાભી......''
''ભાભી''નું સંબોધન સાંભળી ગૌરી ચોંકી ગઇ, ''શું તમે રોહિતને ઓળખો છો?''
''ના..... પણ ડૉક્ટર હોવાને નાતે એ મારો ભાઇ જ થાય ને. એ સંબંધથી મેં તમને 'ભાભી' કહ્યાં. આમ તો મને તમારી અંગત જિંદગીમાં માથું મારવાનો કોઇ હક નથી. છતાં એટલી વિનંતી જરૂર કરીશ કે તમારા પતિ તમને પૂરતો સમય નથી આપી શકતા, એટલા જ કારણસર એમની સાથે છૂટાછેડા ન લેતાં, કારણ કે ડૉક્ટરની જિંદગી પર એમનાં કુટુંબીજનો કરતાં વધારે હક એમના દર્દીઓનો હોય છે.'' ડૉક્ટરે સમજાવતાં કહ્યું.
''તમારી વાત હું સમજી શકું છું. પણ જો લગ્નતિથિના દિવસે પણ પતિ સમય ન ફાળવે, તો પત્ની કેવી રીતે વિશ્વાસ કરે કે એનો પતિ એને પ્રેમ કરે છે?'' ગૌરીએ કહ્યું.
''હું તમને કહેવા નહોતો માગતો, પણ તમે મને ફરજ પાડી હોવાથી કહી રહ્યો છું. આજે અમારી પણ લગ્નતિથિ છે, મારી પત્ની પણ મારી રાહ જોતી હશે. આજે મેં તમારા બાબાનો જીવ બચાવ્યો. આની સજારૂપે જો એ મારું ઘર છોડી જતી રહે, તો શું મારી સાથે એ અન્યાય નહીં કહેવાય? પત્નીની ખુશી માટે જો હું તમારા ઘરના દીપકને બૂઝાવા દઉં તો શું એ ન્યાય કહેવાય?''
''મારા લીધે તમારા લોકોનો કાર્યક્રમ રદ થયો? હું ખરેખર દિલગીર છું.'' ગૌરીએ ખેદ વ્યક્ત કર્યો.
''માફી જ જોઇતી હોય તો તમારે મારા ઘરે આવવું પડશે. નીતા તમને મળીને બહુ ખુશ થશે. રીંકુ હજુ મુસાફરી કરી શકે એવી હાલતમાં નથી. અહીંથી સવારે પાંચ વાગ્યે બસ ઉપડે છે. એમાં તમે જતાં રહેજો. રીંકુને નીતા સાચવશે.'' ડૉ.ભરતે એટલી આત્મીયતાથી કહ્યું કે ગૌરી ના ન પાડી શકી.
ક્લિનિક પરથી નીકળતાં પહેલાં ડૉ.ભરતે ઘરે ફોન કરી દીધો. ગૌરી બહુ સંકોચ સાથે એમના ઘરે પહોંચી. એ વિચારતી હતી કે નીતા એને જોઇને ચોક્કસ નારાજ થશે, પરંતુ નીતાએ એનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
બીજા દિવસે રીંકુને નીતા પાસે મૂકીને ગૌરીએ અમદાવાદ જવાની બસ પકડી. આખા રસ્તે એ નીતા સાથે પોતાની તુલના કરતી હતી. એને નીતાનું પલ્લું ભારે લાગ્યું, કારણ કે એ દરેક સ્થિતિમાં પોતાના પતિ સાથે ખુશ હતી.
અદાલતની બહાર બેંચ પર જ રોહિત બેઠો હતો. આ ત્રણ વર્ષમાં રોહિત કેટલો બદલાઇ ગયો હતો. હાલ બેસી ગયા હતા. અડધાથી વધારે વાળ સફેદ થઇ ગયા હતા અને આંખો પર જાડા ચશ્માં આવી ગયાં હતાં. અત્યાર સુધીની સુનવાણીમાં રોહિત વતી એનો વકીલ જ અદાલતમાં હાજર રહેતો હતો. આજે પહેલીવાર એ આવ્યો હતો.
''કેમ છે ગૌરી?'' પાસેથી નીકળતી ગૌરીને રોહિતે પૂછ્યા વગર ન રહી શક્યો.
''હવે ક્યા અધિકારથી તમે મારી ખબર પૂછી રહ્યા છો?'' ગૌરીએ કહ્યું.
''અધિકાર? સાચું કહે છે તું. અધિકાર તો એજ દિવસે મટી ગયો હતો, જે દિવસે તેં મારું ઘર છોડયું હતું.''
''ના આ અધિકાર તમે એ દિવસે ગુમાવી દીધો હતો, જે દિવસે તમારા વકીલે, તમારા વતી ભરી અદાલતમાં મારા ચારિત્ર્ય પર કાદવ ઉછાળ્યોે હતો.''
''ગૌરી, મારા બચાવ ખાતર વકીલે કહ્યું તેમ મેં કર્યું. મને પોતાને આ વાતનું બહુ દુ:ખ છે.'' રોહિતના અવાજમાં દર્દ હતું.
''વાહ, પોતાના બચાવ માટે કોઇ સ્ત્રીના ચારિત્ર્ય પર કલંક લગાડવું એજ તમારી સજ્જનતા છે?''
''સજ્જનતાની વાત તારા મોઢે શોભતી નથી. એક પણ પૈસો દહેજ ન લેનાર ડૉક્ટર પર દહેજ લીધાનો આરોપ મૂકીને મને જેલ ભેગો કર્યો હતો, એ વખતે તારી ભલમનસાઇ ક્યાં ગઇ હતી? તું જ કહે, મેં તારી પાસેથી ક્યારે અને કેટલો દહેજ માગ્યો હતો?''
''કેવી જેલ અને કેવો દહેજ? આશી વાત કરો છો? મને તો કંઇ ખબર નથી.'' ગૌરી એ અચકાતાં અચકાતાં પૂછ્યું.
''હવે ઢોંગ કરવાનો શો અર્થ છે? તારા ભાઇઓએ પહેલાં તો મને જેલની હવા ખવડાવી અને જ્યારે જામીન પર બહાર આવ્યો, ત્યારે એમના કહેવાથી નારીસંગઠનોએ મારું જીવવું દોહ્યલું કરી નાખ્યું, 'દહેજ દાનવ', 'નર પિશાચ' અને કોણ જાણે કેટલાંય નામોથી મને નવાજવામાં આવ્યો. છતાં તને ખબર પણ નથી?''
''રોહિત, મારો વિશ્વાસ કરો. મને આ વિશે કંઇ જ ખબર નથી.'' ગૌરીએ ભારે દુ:ખ સાથે કહ્યું.
''તો તો પછી તને એ પણ ખબર નહીં હોય કે તારા ભાઇઓની ફરિયાદના આધારે મેડિકલ કાઉન્સિલે મારો પ્રેક્ટિસ કરવાનો અધિકાર પણ છીનવી લીધો છે?'' રોહિતે પૂછ્યું.
''ગૌરી તું અહીં શું કરી છે? અંદર ચાલ, ચુકાદાનો સમય થઇ ગયો છે.'' ગૌરીના મોટાભાઇએ ત્યાં આવીને કહ્યું.
''ભાઇ, તમે લોકોએ રોહિત પર ખોટો આરોપ મૂકીને તેમને જેલમાં મોકલ્યાં.....? એમની જિંદગી બરબાદ કરી નાખી અને વાત પણ ન કરી?'' ગૌરીએ ફરિયાદ કરતાં કહ્યું.
''જેણે મારી બહેનની જિંદગી બરબાદ કરી નાખી છે, એને ક્યારેય શાંતિથી જીવવા નહીં દઉં.'' મોટાભાઇએ રોહિત સામે જોઇ દાંત ભીંસતા કહ્યું.
''આટલું મોટું પગલું ભરતાં પહેલાં તમારે એટલું તો જાણવાનો પ્રયત્ન કરવો હતો કે ખરેખર વાંક કોનો હતો?'' ગૌરીએ ગુસ્સો ઠાલવતાં કહ્યું.
''આ શું બોલી રહી છે તું?''
''હા, ભાઇ, મારી જ ભૂલ હતી. આવા પરોપકારી જીવને છોડી એમની બરબાદીનું કારણ બની તમે મને રોહિતના ઘરે મોકલવાની ફરજ પાડી હોત, તો આજે આટલી ખરાબ પરિસ્થિતિ ન હોત. એક સ્ત્રી માટે પતિથી વિશેષ મહત્ત્વનું બીજું શું હોઇ શકે? આ વાત હું મોડે-મોડે જાણી શકી. રીંકુને નડેલા અકસ્માતે મારી આંખો ખોલી નાખી છે. હવે મને સમજાઇ ગયું છે કે ડૉક્ટરની જિંદગી પર પહેલો હક્ક દર્દીનો હોય છે.
''શું થયું મારા રીંકુંને? ક્યાં છે એ?'' રોહિતે ગૌરીને પૂછ્યું.
''ગૌરીએ બધી હકીકત જણાવી દીધી. એ દરમિયાન રોહિત અને ગૌરીના વકીલ પણ ત્યાં આવી ગયા હતાં.
''ડૉ.સાહેબ. હજી કશું નથી બગડયું. તમે ભાભીને લઇને વહેલી તકે તમારા દીકરા પાસે પહોંચી જાવ.'' કેસ અમે પાછો ખેંચી લઇશું. રોહિતના વકીલે કહ્યું. ગૌરીના વકીલે પણ સંમતિ દર્શાવી.
''અમે કેસ લડીએ છીએ ખરા, પણ કોઇનું ઘર ભાંગવા માટે નહીં. તમે અજાણતાં જે કંઇ કર્યું, તે બદલ તમારા બનેવીની માફી માગી તમારી બહેનનું ઘર ભાંગતું અટકાવી દો.'' ગૌરીના વકીલે ભાઇને સમજાવ્યો.
''રોહિતકુમાર મને માફ કરી દો. હું... હું....'' મોટાભાઇએ હાથ જોડીને કહ્યું.
''તમે મોટા છો કેતનભાઇ, માફી માગીને મને શરમમાં ન નાખો. બસ, જેમ બને તેમ જલદી તમે રીંકુની પાસે પહોંચાય તેવી સગવડ કરો.'' રોહિતે તેમનો હાથ પકડીને કહ્યું.
''જલદી ચાલો, મારી ગાડી બહાર ઊભી છે.'' મોટાભાઇએ રોહિત અને ગૌરીને કહ્યું.
''અરે પણ, અમારી ફી?'' ગૌરીના વકીલે હસતાં હસતાં કહ્યું.
''પહેલાં મારા ભાણેજને મળી પ્રાયાશ્ચિત કરી લઉં. પછી આવી બંનેને બમણી ફી આપીશ.'' મોટાભાઇએ કહ્યું અને સૌ હસી પડયાં.


