Get The App

વાર્તા : વસંત વહેલી પધારજો .

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
વાર્તા : વસંત વહેલી પધારજો                   . 1 - image

- એક દિવસ મનીષાભાભી મારાં બા પાસે થોડું સિલાઈનું કામ લઈને આવ્યા. ત્યારે વાતવાતમાં જ તેમણે મારાં બા ને કહ્યું, ''મારી બા! મારા એક દૂરના સગામાં એક ભાઈનાં પત્નીનું હજી પાંચ-સાત મહિના પહેલાં જ અવસાન થઈ ગયું છે. તેને સંતાનમાં બે દીકરીઓ જ છે. આ છોકરીઓને ખાતર તેમને બને એટલાં જલદી પુનર્લગ્ન કરવાં છે. જો તમારી ઈચ્છા હોય તો...''

''બેટા અદિતિ, આ બે ઝાડ છેલ્લાં બે વર્ષથી ફળવા લાગ્યાં છે.'' માજીએ એક વખત વાતવાતમાં કહ્યું હતું, ''પહેલીવારનાં ફળ આવ્યા તેમાંથી થોડાંક મેં આખી સોસાયટીમાં વહેંચી દીધાં તો થોડાંક મંદિરોમાં મોકલ્યાં' તાં અને બીજા દીવો કરીને તુલસી ક્યારે ધરાવ્યાં હતાં, પણ તેની અડોઅડ વાવેલાં બીજાં બે ઝાડ હજીયે ફળ્યાં નથી.''

તેમની વાત પણ સાચી હતી. પાછળના આંગણામાં વાવેલાં વૃક્ષ મોટાં તો થઈ ગયાં હતાં, પણ તેમના પર ફળવાના કોઈ અણસાર જણાતા નહોતા. મને લાગ્યું કે કદાચ પાણી ઓછું પડતું હશે, પણ મેં એ અંગેની કોઈ ચર્ચા ન કરી, કારણ કે કોઈ બાબતમાં હું મારો સ્પષ્ટ અભિપ્રાય રજૂ નહોતી કરી શકતી.

ત્યારથી પાછળની બંને નાળિયેરીઓ જોડે મારો દોસ્તીનો સંબંધ બંધાઈ ગયો હતો. બપોરના સમયે થોડી ફુરસદ મળે, ત્યારે મારું ભરતગુંથણ લઈને એ વૃક્ષોની નીચે જઈ બેસતી એ વખતે પાણીનો રબર પાઈપ તેમના ક્યારામાં ગોઠવીને મનની સ્થિરતા માટે શાંતિનો આધાર લઈને મારી પ્રવૃત્તિ કરવા લાગતી.

''બપોરના સમયે થોડો આરામ કરવાનું રાખ. ઊંઘ પૂરી ન થાય તો તબિયત પર તેની વિપરિત અસર પડે છે.'' માજી લાગણી પૂર્વક કહેતાં.

માજી માનતાં હશે કે રાતના મોડે સુધી અશેષની ભુજાઓમાં જકડાઈને, પ્રણયગોષ્ઠિમાં મદહોશ બનીને મારે જાગવું પડતું હશે. પરંતુ એમને ક્યાં ખબર કે તેમના પ્રાંગણમાં અફળ ઊભેલું એક વૃક્ષ હું પણ છું.... મારાં તન.... મનને અકથ્ય વેદનાથી તડપાવનાર તેમની ધારણા મુજબના પ્રેમ અને વાસંતી અનુભવની તો હું પણ રાહ જોતી બેઠી છું. આ સ્થિતી માટે હું જ સંપૂર્ણ જવાબદાર હતી. અશેષે તો લગ્ન પહેલાં જ મારા ભાવિ જીવનનો નકશો ચિતરી આપ્યો હતો. મેં જાણી જોઈને જ અશેષના આ ઘરમાં ગૃહિણી બનીને પ્રવેશ કર્યો હતો. એ વખતે એમ માન્યું હતું કે, હંમેશા કંઈ થોડી જ પાનખર રહેતી હોય છે? બસ, હવે તો વસંતઋતુ આવી સમજો. હા, મારા જીવનને અભરેભરી દેનાર વસંત આ આવી...

આઠ-દસ દિવસથી સતત હેલી વરસી રહી હતી. મારાથી બગીચામાં જવાયું નહોતું. હું મારા નાનકડા ઓરડામાં કંટાળો અનુભવતી અનેક વિચારો કરતી રહેતી હતી.

મારા પતિ અશેષ પોતાની દવાઓની દુકાનના કારોબારમાં પરોવાયેલા રહેતા. મારા પતિની આગલીવારની પત્નીથી થયેલી બે દીકરીઓ હવે મોટી થઈ ગઈ હતી અને પોતાનાં અંગત અને સ્કૂલનાં કામોમાં ગળાડૂબ રહેવા લાગી હતી. સાસુજી થોડા દિવસ મારા દિયર મયંક પાસે ગયેલાં હતાં, આથી ફાજલ સમય ક્યાં વિતાવવો, તે મારા માટે વિકટ સમસ્યા હતી.

એકલતાની આ સુનકારભરી ક્ષણોમાં મને ઘણીવાર અમારું નાનકડું ઘર યાદ આવી જતું. પિયરનું એ ઘર અહીંથી લગભગ ત્રીસ કિલોમીટર જ દૂર હતું. પુરાણી ઢબના એ મકાનના બે ઓરડામાં અનેક અભાવોની વચ્ચે સ્નેહના વૈભવને વહેંચતા અમે રહેતાં હતાં. બાપુજીની આવક ઘણી ઓછી હતી. બા અને નાનાં ત્રણ ભાઈ-બહેનો સાથે અમારાં નાનીમાની જવાબદારી પણ પિતાની હતી. મારા પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. આવા વિકટ સંજોગો વચ્ચે જ્યારે મેં દસમું ધોરણ પાસ કરી લીધું. ત્યારે તેમણે મને એક વર્ષની મૉન્ટેસરી ટ્રેનિંગ અપાવીને નજીકના બાલમંદિરમાં શિક્ષિકાની નોકરી અપાવી દીધી.

આમેય હું અભ્યાસમાં બહુ તેજસ્વી નહોતી અને આગળ અભ્યાસ કરવાની બહુ ધગશ પણ નહોતી. મારો વાન ગોરો નહોતો કે મારો ચહેરો પણ એટલો સુંદર નહોતો. સામાન્ય ચહેરો અને સામાન્ય બુધ્ધિ ધરાવતી ગરીબ પરિવારની દીકરી માટે જીવન ગુજારવાનો નાનકડી નોકરી સિવાય બીજો કયો હાથવગો રસ્તો હોય?

હા, કુદરતે મને તંદુરસ્ત શરીર અને આનંદી મનની છૂટે હાથે લહાણી કરી હોવાથી મને થાક ન લાગતો કે વધારે પડતા કામના બોજાથી હું કંટાળતી પણ નહીં. નાનાં બાળકોને મમતા પૂર્વક ભણાવવા, તેમના જીવનમાં આનંદ અને જ્ઞાાનના બીજને અંકુરિત કરવા માટે જ કુદરતે મારું નિર્માણ કર્યું હશે.

સવારના અગ્યારથી સાંજના ચાર વાગ્યા સુધીનો મારો સમય ખૂબ આનંદમાં પસાર થતો હતો. ઘરના કામની પણ ઘણી ખરી જવાબદારી મે ં સ્વીકારી લીધી હતી. એટલે મારી બા ફાજલ મળતા સમયમાં આજુબાજુની મહિલાઓનાં કપડાં સીવીને અમારા કુટુંબની મર્યાદિત આવકમાં ઉમેરો કરતી હતી.

નાના બંને ભાઈઓને સારું ભણાવી ગણાવીને સારા કામ ધંધે વળગાડવા ઘરમાં અમે બને તેટલી વધારે કસરત કરતાં હતાં.

મારા જીવનની ત્રીસ વસંતો આમ જ વાયરા સાથે ઊડી ગઈ શરૂઆતના વર્ષોમાં કુટુંબ માટે ત્યાગની ઉમદા ભાવનાનો નશો મારા મગજ પર છવાયેલો રહેતો હતો, પણ ઉંમરનાં વહેણમાં મને ખ્યાલ આવવા લાગ્યો કે વયસ્ક અવસ્થાની પણ અમુક માગણીઓ હોય છે. સુંદર ન હોવા છતાંય શણગાર કરવાની, સારાં-સારાં વસ્ત્રો પહેરવાની અને આભૂષણો પહેરવાની તડપ સતાવવા લાગી. મારી આજુબાજુની સમવયસ્ક યુવતીઓને પતંગિયાંની માફક મુક્ત રીતે આનંદથી તરબોળ જીવન માણતી જોતી, ત્યારે મારા મનમાં એક કસક જાગતી... એ રાત હું ઊંધી ન શકતી અને પાસાં ઘસતી મારા જીવનની કરુણતા પર અફસોસ કર્યા કરતી. મારી આ નિયતી માટે હું મારા પરિવારને જ સંપૂર્ણ જવાબદાર માનતી હતી. આ દરમિયાન શારિરીક સુખની અપેક્ષા એ પણ સીધી કે આડકતરી પજવણી શરૂ કરી દીધી હતી.  મારી બહેનપણીઓ આકર્ષક યુવકો સાથે ચાર ફેરા ફરીને પરિણીત જીવનમાં પ્રવેશતી, તે જોઈને હું મનોમન ખૂબ સોસવાયા કરતી હતી. હું આનંદથી ચમકતા ચહેરા અને આંખોમાં  લહેરાતા પ્રણય અને યૌવન સહજ તોફાનના સાગર જોઈ રહેતી. તેઓને ઘેર પારણામાં ઝુલતાં નાજુક અને કોમળ બાળકોને સ્પર્શતી ત્યારે મારા શરીરમાં પણ ઝણઝણાટી પ્રસરી જતી અને કોઈની છાતી પર માથું મૂકીને, કોઈના આશ્લેષમાં બંધાઈને, આંખો મીંચીને, એ પળ માણવાની ઈચ્છા બળવત્તર બની જતી. જીવન જોડે કરી રાખેલા સમાધાનની અમિટ છાપ મારા વ્યક્તિત્વનો જાણે એક અભિન્ન હિસ્સો બની ગયો હોય તેમ લાગતું હતું. અમારી પરિસ્થિતિ જોઈને મારા માટે લગભગ કહેણ આવતાં જ નહીં અને જે કોઈ માગાં આવતાં, એ એટલા હલકી કોટિનાં કટુંબો તરફથી આવતાં કે મને એ કુટુંબમાં ધકેલવાની કલ્પના માત્રથી મારાં માતા-પિતા ધુ્રજી ઉઠતાં હતાં.

આવી પરિસ્થિતિમાં મારો સધિયારો માત્ર વાર્તા-નવલકથાઓ બની રહેતી. ઘરની પાસે જ લાઈબ્રેરી હતી. તેમાંથી હું નિયમિત પુસ્તકો લાવતી. તેના લીધે જ હું મન પર અંકુશ રાખવામાં સફળ રહી શકી હતી. પરંતુ કહેવાય છે કે તડકા પછી છાયડો આવે છે. એ ન્યાયે એક દિવસ અમારા પડોશમાં રહેતાં મનીષાભાભી મારાં બા પાસે થોડું સિલાઈનું કામ લઈને આવ્યા. ત્યારે વાતવાતમાં જ તેમણે મારાં બા ને કહ્યું, ''મારી બા! મારા એક દૂરના સગામાં એક ભાઈનાં પત્નીનું હજી પાંચ-સાત મહિના પહેલાં જ અવસાન થઈ ગયું છે. તેને સંતાનમાં બે દીકરીઓ જ છે. આ છોકરીઓને ખાતર તેમને બને એટલાં જલદી પુનર્લગ્ન કરવાં છે. જો તમારી ઈચ્છા હોય તો...''

''પણ... બે દીકરીઓ...? મારે આવી વાત અદિતિને કાને કઈ રીતે નાખવી?''

''જુઓ, આંબાવાડીમાં પોતાનું ઘર છે અને દવાની દુકાનનો પોતાનો ધંધો છે. બેલડાની બે દીકરીઓ ઉપરાંત એકદમ અશક્ત મા છે. તેમને સંધિવા હોવાથી  હાલીચાલી નથી શકતાં,

એટલે છોકરીઓની દેખભાળની મુશ્કેલી ઊભી થઈ ગઈ. મેં ચા બનાવતાં બનાવતાં તેમની બધી વાતો સાંભળી લીધી હતી. હું જાતે જ બહાર આવી અને મનીષાભાભીને સંબોધતાં બોલી,'' મનીષાભાભી તમારું સૂચન ખોટું નથી...

વધુ નહીં તો મળી જોવામાં શી હરકત છે?'' બા આભા બની ગયાં. મારા તરફથી તેમને આવા બેશરમ વર્તનની અપેક્ષા જ ન હોય, એ સ્વાભાવિક હતું. મનીષાભાભી પણ ક્ષણભર માટે મારી સામે જોઈ જ રહ્યાં, પરંતુ ત્રીસ-એકત્રીસને આરે ઊભેલી યુવતી માટે બેશરમ બની ગયા સિવાય કોઈ રસ્તો નથી રહેતો. જો એવી ન બની હોત તો આજે પણ પરિસ્થિતિ એની એ જ રહી હોત. બંને નાનાભાઈઓનો અભ્યાસ પૂરો થઈ ગયો હતો અને બંનેએ પોતાની આજીવિકાનાં સાધન અને જીવનસાથી પણ શોધી લીધાં હતાં, એટલું જ નહીં, પણ 'નાના' ઘરમાં જગ્યાની સંકડાશ પડતી હોવાથી પોતાપોતાનું અલગ ઘર પણ વસાવી લીધું હતું. નાની બહેને વીસની ઉંમરે પહોંચતા સુધીમાં પોતાની જ ઓફિસના એક સીધા-સાદા સહકર્મચારી જોડે લગ્ન કરી લીધાં હતાં. હું 'હા' માત્ર હું જ હવે મારી તમામ ઊણપો અને ખાસિયતોને કારણે આ પુરાણા ઘરમાં એક ઐતિહાસિક સ્મારક જેવી બાકી રહી ગઈ હતી. આવા સંજોગોમાં જો આ કોઠા યુધ્ધ જીતવાનો માર્ગ હું જાતે જ નક્કી ન કરું તો... ચા પીતાં પીતાં મનીષાભાભી પાસેથી મેં અશેષ અંગે વધારે માહિતી મેળવી એ વિગતો પ્રમાણે તેમની વય સાડત્રીસ કે આડત્રીસની આસપાસ હશે. બંને  દીકરીઓ લગભગ પાંચ-છ વર્ષની હતી અને કુટુંબના અન્ય સભ્યોમાં વિધવા માતા અને બે પરણેલી બહેનો હતી. બંને બહેનો અન્ય શહેરોમાં રહેતી હતી. એક ભાઈ પણ હતો... પરંતુ આ લોકોની એક માત્ર શરત એટલી જ હતી કે કન્યા ઘરનાં બધાં સભ્યોને પસંદ પડવી જોઈએ. આમ તો મારી પણ સામેથી એક શરત હતી, પરંતુ તેની જાહેરાત પસંદગીની મહોર લાગ્યા પછી જ રજૂ કરવાની મારી ધારણા હતી. એક બપોરે મનીષાભાભીની સાથે જઈને આંબાવાડીના આ ઘરમાં મેં પ્રથમ ડગ માંડયાં હતાં. ચોપાસ બગીચાની વચ્ચેની ખાલી જગ્યામાં સુરુચિપૂર્ણ સજાવટ અને સુંદર રંગોળી વાળી દીવાલોથી શોભતું ઘર મને ઘણું ગમી ગયું.

મુખ્ય દરવાજેથી અંદર પ્રવેશતાં જ સામે બે રૂપકડી કન્યાઓ તેમના પિતાની પીઠ પાછળથી અમારી સામે જોતી નજરે પડી. પિતા મધ્યમ દેખાવના અને તંદુરસ્ત તબિયતના જણાતા હતા. પણ એ વખતે મારું ધ્યાન તો પેલી ભલી-ભોળી અને નિર્દોષ બાલિકાઓ પ્રત્યે આકૃષ્ટ થયેલું હતું. તે બંને ઉપર નજર પડતાં જ મારો સ્નેહ ઝરણાંની માફક અનાયાસે પ્રવાહિત થઈ ઉઠયો.

''કોણ જાણે મને શું થઈ ગયું છે, ભાભી'' મેં બનાવટી ગભરાટ પ્રદર્શિત કરતાં બંને બાલિકાઓ સામે જોતાં કહ્યું, ''મને તો અત્યારે એકને બદલે બે-બે દીકરીઓ દેખાય છે...''

''અમે લોકો છીએ જ બે!'' ખડખડાટ હસતી એક છોકરી આગળ આવીને કહેવા લાગી, ''જુઓ, હું હિમાની અને આ શિવાની છે.''

હું જમીન પર ઊભડક બેસીને હથેળી પર દાઢી ટેકવતાં આંખો વિસ્ફારિત કરીને બોલી ઊઠી, ''પણ હવે હિમાની કોણ અને શિવાની કોણ, એ હું કઈ રીતે ઓળખી શકીશ?''

''એક ઉપાય છે'' હિમાની બોલી.

''ખરું ને પપ્પા? પણ હું તમને નહીં જણાવું...''

''જો હું તમને બંનેને સરસ મજાની એક વાર્તા સંભળાવું તો પણ નહીં? તમારી સાથે સંતાકૂકડી રમું, છતાં પણ નહીં?'' મેં હસી પડતાં કહ્યું.

''હા... તો તમને કહીશું'' આ વખતે શિવાનીએ જવાબ આપ્યો, ''પણ પહેલાં તમારે વાર્તા સંભળાવવી પડશે.''

''હા, પણ પહેલાં દૂધ પી લો...'' ઘરના બારણેથી દાદીનો આદેશ સંભળાયો, એટલે હું વાસ્તવિક્તાની ધરતી પર પાછી ફરી.

''ના અમારે દૂધ નથી પીવું.'' બંને બાલિકાઓનાં નખરાં શરૂ થઈ ગયાં.

''પણ મારે તો મારી નવી સહેલીઓ સાથે દૂધ જ પીવું છે.'' મેં મારો ચહેરો સહેજ ફૂલાવીને કહ્યું.

મારા સાદા-સીધા વર્તનથી ગાડી પાટે ચડી ગઈ અને ઘરનાં ચારે સભ્યોને હું પસંદ પડી હતી. પણ એ દિવસે મને આ હકીકતનો ખ્યાલ નહોતો અને ખરું કહું તો બહુ પરવા પણ નહોતી કે મારી પસંદગી થશે કે નહીં. મેં જે લગભગ ત્રણ કલાક નિર્ભેળ આનંદમાં પસાર કર્યા હતા. તેનું મારે મન અદકેરું મૂલ્ય હતું.

બીજા દિવસે સવારે શાળાના દરવાજા પાસે જ અશેષ મારી રાહ જોતા ઊભા હતા, મને જોઈને બોલ્યા, મારે તમારી સાથે થોડી સ્પષ્ટતા કરવી છે. તમને વાંધો ન હોય તો આજે સાંજે તમે થોડો સમય મારી સાથે ગાળી શકશો?''

એ સાંજે કોફી પાર્લરમાં કોફી પીને અમે થોડો સમય ગુજરાત કોલેજ રોડ પર ટહેલતાં ટહેલતાં પરિમલ ગાર્ડનમાં જઈ બેઠાં.

''હું તમને સૌ પ્રથમ જણાવી દેવા ઈચ્છું છું કે વાસંતી સાથે મારાં પ્રેમ લગ્ન હતાં. અમે બંને પરસ્પર ખૂબ જ ચાહતા હતાં. ખરું પૂછો તો હું પુનર્લગ્નનો સખત વિરોધી હતો...'' અશેષે કહ્યું.

''... પરંતુ મારાં માનો આગ્રહ હતો અને બંને દીકરીઓની યોગ્ય દેખભાળનો પ્રશ્ન હતો... તે સહેજ દબાતા અવાજે બોલતા હતા.'' મેં આયાને રાખીને પણ જોઈ જોયું. પણ પરાયા માણસોની દેખભાળ કેવી હોય, તે તમે જાણતાં જ હશો...''

''હા, હું સમજી શકું છું.'' મેં ધીમેથી જવાબ આપતા કહ્યું.

''એટલા માટે જ મેં પુનર્લગ્ન કરવાનો નિર્ણય માત્ર બાળકીઓના ભલા ખાતર લીધો છે. તમે બાળકીઓને અને માને ખૂબ જ અનુકૂળ છો. તેથી જ અમે સહુ તમને પસંદગીની  મહોર મારવા સંમત થયા છીએ.'' તેની વાત સાંભળીને મારું હૃદય આનંદથી છલકાઈ ગયું.

વાતનું અનુસંધાન ઝડપી લેતાં અશેષે કહ્યું, ''હું તમને ઘર, બે દીકરીઓ અને ગૃહિણીનો મોભો-સન્માન આપી શકીશ, પણ મારી પોતાની જાતને હું આ બધાથી વેગળી રાખવા માગું છું. મારી વાતનો અવળો અર્થ ન લેશો, પણ વાસંતીને વીસરવાનું મારા માટે બેહદ કપરું છે.''

''હું એ સમજી શકું છું.'' મેં અપાર ધૈર્યથી કહ્યું'' પરંતુ મારી પણ એક શરત સ્વીકારવાની વિનંતી મારે કરવાની છે. મને બપોરની ચાર કલાકની મારી નોકરી છોડાવવાનું દબાણ ન લાવશો, એટલું જ નહીં, પણ મારી નોકરીનો બધો પગાર મારાં મા-બાપ અને નાનીમાના ભરણપોષણ માટે આપી દેવાની સંમતિ આપવા અનુરોધ કરું છું. અશેષ આશ્ચર્યભરી નજરે ઘડીભર મારી સામે જોઈ રહ્યા, પછી કંઈક મનોમન નિર્ણય કરીને જવાબ આપતાં બોલ્યા, ''ભલે! તમે ઈચ્છો એમ જ થશે..''

પરસ્પર સમજૂતી થતાં વડીલોને કહેવાં પૂરતાં વચ્ચે રાખી હું આ ઘરમાં આવી પહોંચી. હું ખુશ હતી. દાદી અને બંને દીકરીઓના ચહેરા પર રોનક આવવા લાગી હતી. સહુની અધ્ધરતાલ જીવન ઘરેડમાં સ્થિરતા આવી ગઈ હતી. આ બાજુ મારા તરફથી આર્થિક ટેકાને પરિણામે મારાં માતા-પિતા પણ ચિંતા મુક્ત થઈ ગયા હતાં.

મારું વૈશાખી ધરતી જેવું કોરું ધાકોર મન અશેષની સ્નેહધારા માટે તરફડતું હતું. આમને આમ પાંચ પાંચ વરસ સુધી એક જ છત નીચે રહેવા છતાં હું તેમના પ્રેમભર્યા સ્પર્શથી વંચિત રહી ગઈ હતી. તેમના હૃદયમાં હજી વાસંતીનું સ્થાન અકબંધ હતું.

વરસાદ ધીમો પડી ગયો હતો. હું ચા બનાવવા માટે ઊભી થઈ. માજી વરંડામાં બેસીને બાળકીઓની રાહ જોતાં હતાં. એ આજે સવારની ટ્રેનમાં જ મયંકને લઈને આવી ગયાં હતા. મયંકભાઈ બીમાર હતા. ડૉક્ટરોએ તેમના રોગનું નિદાન પ્રાથમિક તબક્કાના ક્ષય રોગનું કર્યું હતું. હોસ્પિટલમાં નિદાન કરાવીને માજી તેમને સીધા જ ઘેર લઈ આવ્યાં હતાં.

મયંકની દેખભાળની જવાબદારી પણ મેં સ્વીકારી લીધી. તેનામાં મને મારા નાના ભાઈનો અણસાર મળતો હતો. તેના સંસર્ગમાં આવનારા અન્ય કોઈને ચેપ લાગવાનો સંભવ ડૉક્ટરોએ ભારપૂર્વક નકારી કાઢ્યો હોવાથી ડૉક્ટરોની સલાહ લીધા બાદ માજી તેમને અમદાવાદ જ લઈ આવ્યાં હતાં.

અચાનક દાદીને આવેલા જોઈને  ઉત્સાહમાં દોડીને આવતી શિવાની કમ્પાઉન્ડમાં લપસી પડી. એટલે તેનો પગ મચકોડાઈ ગયો. તેનો જલ્દી ખ્યાલ ન આવ્યો, પરંતુ સોજો વધતાં  અને સતત દુખાવાની તેની ફરિયાદને લીધે તેને લઈને હું જીવરાજ મહેતા હોસ્પિટલે પહોંચી ત્યાં એકસરે કઢાવીને પાટો બંધાવી દીધો. ત્યારબાદ તેને આઈસક્રીમ ખવરાવીને અશેષની દુકાને ગઈ, ત્યાં સુધીમાં એ શાંત થઈ ગઈ હતી.

અશેષની નજરમાં આ પરિસ્થિતિ જોઈને આશ્ચર્ય ચિંતા, પ્રશંસા અને નિશ્ચિતતાના ભાવ એક સાથે ચમકી ગયા, તે હું સ્પષ્ટ પણે જોઈ શકી હતી. તેણે શિવાનીને માથે હાથ પસરાવતાં મારી સમક્ષ કૃતાર્થતાભરી નજર કરતાં કહ્યું, ''તે બહુ યોગ્ય સમયે સમજપૂર્વક કામ લીધું અદિતિ? તારી જગ્યાએ હું હોઉં તો કદાચ મુંઝાઈ ગયો હોઉં...''

થોડાં દિવસોમાં જ શિવાની હરતી-ફરતી થઈ ગઈ અને મયંકભાઈની તબિયતમાં પણ વીસથી પચ્ચીસ ટકા સુધારો દેખાયો હતો. આ ખુશીમાં બાળકીઓનો જન્મ દિવસ અમે ધામધૂમથી ઉજવ્યો, એ રાતના મોડેથી મારાકાને અશેષના શબ્દો પડયા,'' ''આદિતી! જરા અહીં આવતો...!''

હું હાંફળીફાંફળી ઉઠી ગઈ. એ  ઓરડાની બાજુના રૂમમાં બંને દીકરીઓ સૂતી હતી. અને એક ખૂણામાં મયંકનો પલંગ હતો.

''ડરીશ નહીં... અહીં મારી પાછળ ચાલી આવ.'' તેમણે બાલ્કની તરફ જતાં મારો હાથ ઝાલી લીધો. તેનાથી મારું સમગ્ર શરીર  ઝંકૃત થઈ ઉઠયું.

બાલ્કનીમાં ઠંડક હતી. ચંદ્ર વાદળ પછવાડે ઢંકાઈ ગયો હતો. અચાનક તેમણે હથેળીમાં સંતાડી રાખેલી નાનકડી ડબ્બી ખોલીને સાચાં મોતીઓની માળા મારી સામે ધરી દીધી.

''આ તારા માટે છે!'' તેમણે ભારોભાર લાગણીપૂર્વક કહ્યું'' તારી કદર આંકવામાં મેં ઘણાં વર્ષો વેડફી નાખ્યાં... મને માફ કર. અદિતી!''

મારી આંખે આષાઢી મેઘનાં તોરણ બંધાયા. મને પાસે ખેંચીને મોતીઓની માળા મારા ગળામાં પહેરાવી દઈ, મારા કપાળે ચૂમી ભરીને એ ધીમેથી બોલ્યા, ''મારી અદિતી...''

આકાશ ધીમે ધીમે નિરભ્ર બનતું જતું હતું. ક્યારેક કોઈ છત પરનું રડયું-ખડયું બિંદુ જમીન પર ટપકી જતું હતું. ચોપાસ નિરવતા છવાઈ ગઈ હતી. અચાનક આટલા વખત પછી મારી નજર વિફલ વૃક્ષો તરફ ગઈ. નાનાં નાનાં નાળિયેર મારી નજરે પડયાં. એ વૃક્ષોની જેમ હું પણ ભલે મોડી મોડી, મ્હોરવાની રાહ પર હતી. એ રાતે મારા નાનકડા ઓરડાનાં દ્વાર પાંચ વર્ષ પછી પ્રથમ વખત બંધ થયાં અને તેની સાથે મારા ઉમંગોના દ્વાર ઊઘડી રહ્યા હતાં.