Get The App

વાર્તા : બદલતે રિશ્તે .

Updated: Mar 13th, 2023

GS TEAM

Google News
Google News
વાર્તા  : બદલતે રિશ્તે                         . 1 - image

- કવિતા અને શિખાએ એક દિવસ તેની સામે નીરજ સાથે લગ્ન કરવાની વાત કરી, તો તે બંનેને તેણે ઠપકો આપ્યો, 'મારે લગ્ન કરવા જ હોત તો 10 વર્ષ પહેલાં જ કરી લેત. આ ઝંઝટમાં હવે ફસાવાનો મારો બિલકુલ ઈરાદો નથી. મારી સામે આવી ચર્ચા ફરી ક્યારેય ન કરશો.' તેમને આ રીતે ઠપકો આપ્યા પછી તે તેના રૂમમાં ચાલી ગઈ. 

તે દિવસે પ્રથમ વખત નીરજ તેમના ઘરે બધા સાથે લંચ લેવા આવવાનો હતો. અંજલિના બંને નાના ભાઈ અને ભાભી તેનું શાનદાર સ્વાગત કરવાની તૈયારીમાં પડયા હતા. તેના બંને ભત્રીજા અને ભત્રીજી સુંદર કપડાંમાં સજીધજીને આતુરતાપૂર્વક નીરજના આગમનની રાહ જોઈ રહ્યાં હતાં.

અંજલિ બરાબર તૈયાર થાય તે માટે તેની નાની ભાભી શિખાએ ઘણી મદદ કરી હતી અને દરરોજ કરતા તે વધારે આકર્ષક અને સ્માર્ટ દેખાઈ રહી હતી. જો કે આ વાત તેના મનની ચિંતા અને બેચેનીને ઓછી કરવામાં નિષ્ફળ રહી.

'તમે બધા ૩૫ વર્ષની ઉંમરે મારી પર લગ્નનું દબાણ કેમ કરો છો? શું હું તમારી પર બોજ બની ગઈ છું? મને પરાણે ધક્કો મારવા માગો છો?, એમ કહીને અંજલિ પોતાનાં ભાઈભાભી સાથે આ ગયા અઠવાડિયે જ ઝઘડી હતી, પણ તેમણે તેના દરેક વિરોધને હસીને ટાળી દીધો હતો.'

થોડી વાર પછી અંજલિથી બે વર્ષ નાના તેના ભાઈ અરુણે રૂમમાં આવીને કહ્યું, 'દીદી, નીરજભાઈ આવી ગયા છે.'

અંજલિ ડ્રોઇંગરૂમમાં જવા ઊભી ન થઈ ત્યારે અરુણે ખૂબ પ્રેમથી તેનો હાથ પકડીને ઊભી કરી અને પ્રેમથી કહ્યું, 'દીદી, મનમાં કોઈ ટેન્શન ન રાખો. તમારી ઇચ્છા વિરુદ્ધ અમે કંઈ જ નહીં કરીએ.'

'હું લગ્ન કરવા નથી ઇચ્છતી.' અંજલિ રૂંધાયેલા અવાજે બોલી.

'તો ન કરીશ, પણ ઘરે આવેલા મહેમાનના સ્વાગત માટે તો ચાલ.' અને અરુણ તેનો હાથ પકડીને ડ્રોઇંગરૂમ તરફ ચાલવા લાગ્યો. અંજલિની આંખમાં ચિંતા અને બેચેનીના ભાવ તરવા લાગ્યા હતા.

ડ્રોઇંગરૂમમાં નીરજને ત્રણેય નાનાં બાળકોએ ઘેરી લીધો હતો. તેની સામે તેમણે કેટલાયે પેન્સિલ અને ડ્રોઇંગપેપર મૂક્યા હતા.

નીરજ ચિત્રકાર હતો. તે બધા પોતપોતાનું ચિત્ર પહેલા બનાવવા માટે બૂમાબૂમ કરી રહ્યા હતા. તેમના નિ:સંકોચ વ્યવહારથી એ તો સ્પષ્ટ થઈ ગયું હતું કે નીરજે મુલાકાતની ગણતરીની મિનિટોમાં જ એ ત્રણેયનાં દિલ જીતી લીધાં હતાં.

અરુણની છ વર્ષની દીકરી મહેકે ચિત્ર બનાવવા માટે ગાલ પર એ રીતે આંગળી મૂકીને પોઝ બનાવ્યો કે બધા પોતાનું હસવું ન ખાળી શક્યા.

અંજલિએ હસતાં ચહેરે મહેકનું માથું ચૂમીને અને હાથ જોડીને નીરજનું અભિવાદન કર્યું.

'આ તમારા માટે છે.' નીરજે ઊભા થઈને એક લાંબા કાગળનો રોલ અંજલિના હાથમાં પકડાવ્યો.

'તમે દોરેલું કોઈ ચિત્ર આમાં છે કે શું?' અરુણની પત્ની મંજુએ ઉત્સુકતાથી પૂછ્યું.

'હા, છે.' નીરજે શરમાઈને કહ્યું.

'દીદી, અમે બધા તે જોઈએ?' અંજલિના નાના ભાઈ અજયની પત્ની શિખાએ હરખાઈને પૂછ્યું.

અંજલિએ રોલ શિખાને પકડાવી દીધો. તે જેઠાણીની મદદથી રોલ ખોલવા લાગી.

નીરજે અંજલિને તેનું જ રંગીન પોર્ટ્રેટ બનાવીને ભેટ કર્યું હતું. પોર્ટ્રેટ ખૂબ જ સુંદર હતું. બધા એકસાથે તેની પ્રશંસા કરવા લાગ્યા.

અંજલિએ ધીમેથી નીરજને પ્રશ્ન કર્યો, 'આ ક્યારે બનાવ્યું તમે?'

'તમને પોર્ટ્રેટ ન ગમ્યું?' નીરજે હસીને પૂછ્યું.

'પોર્ટ્રેટ તો ખૂબ સુંદર છે.. પણ તમે બનાવ્યું કેવી રીતે?'

'શિખાએ તારો ૧ પાસપોર્ટ સાઈઝનો ફોટો આપ્યો હતો. થોડીક તેની મદદ લીધી અને બાકીનું કામ મારી કલ્પનાએ કર્યું.'

'કલાકારે તો સત્ય દર્શાવવું જોઈએ, નીરજ. હું તો જરાય સુંદર નથી.'

'મેં આ કાગળ પર સત્ય જ ઉતાર્યું છે.. મને તું એટલી જ સુંદર દેખાય છે.'

નીરજની આ વાત સાંભળીને અંજલિ થોડીક ગભરાઈ અને થોડું શરમાઈને નજર ઝુકાવી લીધી.

બધા નીરજ પાસે આવીને અંજલિના પોર્ટ્રેટની પ્રશંસા કરવા લાગ્યા. અંજલિએ ક્યારેય પોતાના રંગરૂપની આવી પ્રશંસા નહોતી સાંભળી એટલે અકળાઈને તે નીરજ માટે ચા બનાવવા રસોડામાં ચાલી ગઈ.

નીરજ સાથે તેની પ્રથમ મુલાકાત શિખાએ તેની બહેનપણી કવિતાના ઘરે લગભગ બે મહિના પહેલાં કરાવી હતી.

૪૨ વર્ષના ચિત્રકાર નીરજ કવિતાના જેઠ હતા. તેમણે લગ્ન નહોતાં કર્યાં. ઘરના ત્રીજા માળે એ રૂમના પાર્ટિશનમાં રહેતા હતા અને ત્યાં જ તેમનો સ્ટુડિયો હતો.

તે દિવસે નીરજના સ્ટુડિયોમાં પોતાનું પેન્સિલથી બનાવેલું પોર્ટ્રેટ જોઈને તે ચોંકી ઊઠી હતી. નીરજે ખુલાસો કરતા તે બધાને જણાવ્યું હતું, 'અંજલિ ગાર્ડનમાં ત્રણ બાળકો સાથે ફરવા આવી હતી. બાળકો રમવામાં વ્યસ્ત થઈ ગયા અને તે બેન્ચ પર બેસીને ઊંડા વિચારમાં ડૂબી ગઈ. મેં તેને ખબર ન પડે તે રીતે આ પોર્ટ્રેટમાં તેના ચહેરાના હાવભાવને ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.'

'બે દિવસ પહેલાં અંજલિ દીદીનું આ પોર્ટ્રેટ અહીં જોઈને હું ચોંકી ગઈ. મેં મોટાભાઈને દીદી વિશે કહ્યું, તો તેમણે દીદીને મળવાની ઇચ્છા  દર્શાવી ત્યારે મેં બે દિવસ પહેલાં તને ફોન કર્યો હતો, શિખા.' કવિતાનું આ સ્પષ્ટીકરણ સાંભળીને અંજલિને પૂરી વાત સમજાઈ ગઈ હતી.

થોડાક દિવસ પછી કવિતા તેને બજારમાં મળી અને પોતાના ઘરે ચા પિવડાવવા લઈ ગઈ. તેના દિકરાની વર્ષગાંઠની પાર્ટીમાં પણ તેણે અંજલિને બોલાવી. આ બંને અવસર પર તેની નીરજ સાથે ઘણી વાતો થઈ.

આ બે મુલાકાત પછી નીરજ તેને ગાર્ડનમાં કેટલીય વખત મળ્યો હતો. અંજલિ ત્યાં તેના ભત્રીજા-ભત્રીજી સાથે સાંજે ઓફિસથી આવ્યા પછી કેટલીય વાર જતી હતી ત્યાં જ નીરજે તેનો મોબાઈલ નંબર લીધો હતો. હવે તે ફોન પર પણ વાત કરી લેતા હતા.

પછી કવિતા અને શિખાએ એક દિવસ તેની સામે નીરજ સાથે લગ્ન કરવાની વાત કરી, તો તે બંનેને તેણે ઠપકો આપ્યો, 'મારે લગ્ન કરવા જ હોત તો ૧૦ વર્ષ પહેલાં જ કરી લેત. આ ઝંઝટમાં હવે ફસાવાનો મારો બિલકુલ ઈરાદો નથી. મારી સામે આવી ચર્ચા ફરી ક્યારેય ન કરશો.' તેમને આ રીતે ઠપકો આપ્યા પછી તે તેના રૂમમાં ચાલી ગઈ.

તે દિવસ પછી અંજલિએ નીરજ સાથે મળવાનું અને વાતો કરવાનું બિલકુલ બંધ કરી દીધું. તેણે ગાર્ડનમાં જવાનું બંધ કરી દીધું. ફોન પર પણ વ્યસ્ત હોવાનું ખોટું બહાનું આગળ ધરીને ફોન કાપી નાખતી.

તેની અનિચ્છાને અવગણીને તેનાથી નાનાં બંને ભાઈભાભી ઘણી વાર નીરજની વાત કરતા. તેને બધા કવિતાના ઘરે કે ગાર્ડનમાં મળી ચૂક્યા હતા. બધા તેને હસમુખ અને સીધોસાદો માણસ સમજતા હતા. તેમના મોંમાંથી નીકળેલા પ્રશંસાના શબ્દો એ સ્પષ્ટ કહેતા હતા કે તે બધાને નીરજ પસંદ છે.

અંજલિ કેટલીય વાર નારાજ થઈ છતાં તેમની આ ઇચ્છાને મૂળમાંથી દૂર કરવામાં નિષ્ફળ રહી હતી. કોઈને આ વાત ન ગમી કે અંજલિએ નીરજ સાથે વાત કરવાની ઓછી કરી દીધી છે.

તેમના દ્વારા રવિવારે નીરજને લંચ પર આમંત્રિત કર્યા પછી એ વાતની જાણ અંજલિને ગત રાત્રિએ જ થઈ હતી.

થોડી વાર પછી જ્યારે અંજલિ ચાની ટ્રે લઈને ડ્રોઇંગરૂમમાં દાખલ થઈ તો ત્યાં ખૂબ શોરબકોર હતો. નીરજે ત્રણેય બાળકોના પેન્સિલ સ્કેચ ખૂબ જ મનોરંજક રીતે બનાવ્યાં હતાં. નાના રાહુલની તેણે મોટીમોટી મૂંછો બનાવી હતી. મહેકને પાંખવાળી પરી બનાવી દીધી હતી અને મયંકના ચહેરા સાથે સિંહનું ધડ જોડી દીધું હતું.

આ ત્રણેય બાળકોએ ખૂબ પ્રયત્ન પછી નીરજને ચા પીવા દીધી. તેમને તો તેની સાથે હજી રમવું હતું.

'બિલકુલ મારી પસંદની ચા બનાવી છે, અંજલિ. ચા વધારે અને ખાંડ-દૂધ ઓછા. થેંક્યૂ.' પહેલો ઘૂંટડો ભરતા જ નીરજે અંજલિને ધન્યવાદ આપ્યા.

'કવિતાએ એક વાર દીદીને જણાવ્યું હતું કે તમે કેવી ચા પીઓ છો. દીદીએ તે કહેવાનું યાદ રાખીને તમારી પસંદની ચા બનાવી.' શિખાની આ વાત સાંભળીને અંજલિ શરમાઈ ગઈ હતી.

'ચા મારી કમજોરી છે. એક સમય હતો જ્યારે દિવસમાં ૧૦-૧૨ કપ ચા પી લેતો હતો.' નીરજે વાત આગળ વધારી.

'તમે જે પણ પોર્ટ્રેટ બનાવો છો, તેમાં ચહેરાના ભાવ ખૂબ બારીકાઈથી દર્શાવો છો.' શિખાએ તેમનાં વખાણ કર્યાં.

'એટલાં સુંદર પોર્ટ્રેટ પણ નથી બનાવતો.'

'એવું કેમ કહો છો?'

'કારણ કે મારા બનાવેલાં પોર્ટ્રેટ જો એટલા જ સુંદર હોત તો ખૂબ વેચાયા ન હોત. મારા પોર્ટ્રેટના જોરે દર મહિને હું માંડમાંડ ૫-૭ હજાર કમાઈ લઉં છું. મારું પોતાનું ગુજરાન મુશ્કેલીથી ચાલે છે એટલે આજ સુધી ઘર વસાવવાની હિંમત નથી કરી શક્યો.'

'લગ્ન કરવા અંગે હવે તમારો શું મત છે?' અરુણે પ્રશ્ન કર્યો તો નીરજ તરફ બધાનું ધ્યાન કેન્દ્રિત થયું.

'જીવનસાથીની જરૂર તો દરેક ઉંમરની વ્યક્તિને હોય છે, અરુણ. જો મારા જેવા કઢંગા કલાકાર માટે કોઈ છોકરી હશે, તો કોઈક દિવસ મારાં લગ્ન પણ થઈ જશે.' હસતાંહસતાં જવાબ આપીને નીરજે ખાલી કપ ટેબલ પર મૂક્યો અને ફરીથી બાળકો સાથે રમવા લાગ્યો.

નીરજ લગભગ સાંજે  પાંચ વાગે ત્યાંથી ગયો. ત્રણેય બાળકો તેના એવા પ્રશંસક બની ગયાં હતાં કે તેને જવા દેવા નહોતા ઇચ્છતા. વડીલોએ પણ તેને ખૂબ પ્રેમ અને આદરસત્કાર સાથે વિદાય કર્યો.

તેના જતા જ અંજલિ કોઈને કંઈ કહ્યાસાંભળ્યા વિના પોતાના રૂમમાં ચાલી ગઈ. અચાનક તેનું મન ભરાઈ આવ્યું. તેને થયું કે રડી લે પણ આંસુ હતાં કે પાંપણને ભીંજવવા માટે બહાર આવતા જ નહોતા.

લગભગ ૧૫ મિનિટ પછી અંજલિના બંને નાના ભાઈ અને ભાભી તેને મળવા રૂમમાં આવી ગયા, તેમના ગંભીર ચહેરા જોઈને જ અંજલિ તેમના આવવાનો હેતુ સમજી ગઈ અને કોઈ કંઈ બોલે તે પહેલાં જ તે ભડકી ઊઠી, 'હું કોઈપણ સંજોગોમાં લગ્ન નહીં કરું, આ બાબતે ચર્ચા કરીને કોઈ મારું મગજ ખરાબ કરવાનો પ્રયત્ન ન કરશો.'

અજય તેની સામે પલાંઠી વાળીને ફરસ પર બેસી ગયો અને તેનો બીજો હાથ પ્રેમથી પકડીને ગળગળો થઈને બોલ્યો, 'દીદી, ૧૨ વર્ષ પહેલાં પપ્પાના કસમયે થયેલા નિધન પછી તમે જ અમારો મજબૂત આધાર બન્યા હતા. તમે તમારી ખુશી અને સુખસુવિધાને ભૂલીને અમને કાબેલ બનાવ્યા. અમારા ઘર વસાવ્યા. અમે તમારું આ કરજ ક્યારેય નહીં ચૂકવી શકીએ.'

'ગાંડા, મારી ફરજોને તું બોજ સમજે છે? આજે તમને બંનેને ખુશ અને સુખી જોઈને મને ખૂબ ગર્વ થાય છે.' ઝૂકીને અજયનું માથું ચૂમતાં અંજલિ બોલી.

અરુણે ગળગળા થઈને વાતને આગળ વધારી, 'દીદી, તમારા આશીર્વાદથી આજે અમે એટલા સક્ષમ થયા છીએ કે હવે અમારો વારો છે અને તમે પ્લીઝ આ તકને અમારા બંને પાસેથી ન છીનવો.'

'ભાઈ, મને લગ્ન કરી લેવાનું દબાણ ન કરીશ. મારા મનમાં હવે લગ્નની ઇચ્છા જ નથી થતી. તદ્દન નવા વાતાવરણમાં એકદમ નવી વ્યક્તિ સાથે નવી જિંદગી શરૂ કરવાનો વિચાર જ મનને ડર ભરી દે છે.' અંજલિએ ધૂ્રજતા અવાજે પોતાનો ડર પ્રથમ વાર બધાને કહ્યો.

'પણ..'

'દીદી, નીરજભાઈ ખૂબ સીધા, સાચા અને ભલા વ્યક્તિ છે. તેમના જેવો સમજદાર જીવનસાથી તમને ખૂબ ખુશ રાખશે.. ખૂબ પ્રેમ કરશે.' અરુણે અંજલિને લગ્નના વિરોધમાં કંઈ જ બોલવા ન દીધી.

'હું તો તમારા બધા સાથે ખૂબ સુખી છું. મારે લગ્નની જંજાળમાં નથી પડવું.' અંજલિ રડી પડી.

'દીદી, અમે તમારા લગ્નજીવનમાં 

જંજાળ ઊભી જ ન થાય એવું કરીશું. અમારા રહેતા કોઈપણ કમી કે અભાવ તમને બંનેને ક્યારેય નહીં લાગે.' તેમના મોટા ભાભીએ હિંમત આપી.

'હું જાણું છું કે નીરજભાઈ પોતાના જોરે ક્યારેય મકાન નહીં બનાવી શકે, એટલે અમે નિર્ણય કર્યો છે કે અમારો નવો ફ્લેટ અમે તમારા બંનેના નામે કરીશું.' અરુણનો આ નિર્ણય સાંભળીને અંજલિ ચોંકી ગઈ.

અજયે પોતાના મનની વાત કહી, 'ભાઈ પાસેથી ભેટમાં મળેલા ફ્લેટને સુખસુવિધાની દરેક વસ્તુથી ભરવાની જવાબદારી હું ખુશીખુશી ઉઠાવીશ. જે વસ્તુઓ ઘરમાં છે તે તમારા ફ્લેટમાં પણ હશે, આ મારું વચન છે.'

'તમારા માટે તમામ ઘરેણાં હું તૈયાર કરાવીશ.' મંજુએ પોતાના મનની ઇચ્છા જણાવી. 'તમારા નવાં કપડાં, પડદા, ફ્લેટનું રંગકામ અને મોટરસાઈકલ પણ અમે તમને ભેટમાં આપીશું. બસ તમે હા પાડી દો, દીદી.' આંસુ સારતી શિખાએ હાથ જોડીને વિનંતી કરી, તો અંજલિએ ઊભા થઈને તેને ગળે લગાવી લીધી.

'દીદી 'હા' પાડી દો.' અંજલિ જેની સામે જોતી તે હાથ જોડીને આ જ વિનંતીનું પુનરાવર્તન કરતા.

'ઠીક છે, પણ લગ્નમાં મારે આટલું બધું નથી જોઈતું. તમે બંને કરોડપતિ નથી કે મને આટલું બધું આપવાનો આગ્રહ કરો.' આખરે ખૂબ ધીમેથી અંજલિએ હા પાડી દીધી.

'હુ.. ર્ર.. રે..' તે ચારેય નાના બાળકની જેમ ખુશીથી ઊછળી પડયાં.

અંજલિના મનમાં રહેલી તાણ દૂર થઈ ગઈ અને તેને પોતાની જિંદગી લીલીછમ અને ખુશહાલ લાગવા માંડી.