Get The App

વાર્તા : શુભ-અશુભ સંકેત .

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
વાર્તા : શુભ-અશુભ સંકેત                                       . 1 - image

- ગીતા પહેલાં ચુપચાપ સાંભળતી રહી, પછી ધીરેથી બોલી, ''પંડિતજી મને તો લાગે છે કે તમારું અહીં આવવું જ કાળસર્પ યોગ છે. તમારા જ આ યોગે મને મારી લાખોમાં એક વહુ થી દૂર રાખી.'' ગીતાના આ વાક્યમાં પંડિતજીને પોતાની પોલ ખુલ્લી પડતી દેખાઈ તો તે કાળસર્પની જેમ ઝડપથી ઘરમાંથી બહાર નીકળી ગયાં.

નીતાને તેની ગીતા દીદીએ ફોન પર જણાવ્યું કે રવિએ કોર્ટમેરેજ કરી લીધાં છે, હવે તેઓ તેની મરજી મુજબ ધામધૂમથી લગ્ન કરવાનું વિચારે છે. નીતા દંગ રહી ગઈ. ભાનમાં આવી ત્યારે વિસ્તૃત પૂછપરછ કરતાં ગીતાએ જણાવ્યું, 'રવિએ તેની સહકર્મચારી ઋતુ સાથે લગ્ન કરી લીધાં છે, હવે હું ઋતુને મળવા જઈ રહી છું.'

નીતા વિચારતી હતી કે દીદી આ સ્થિતિનો સામનો કેવી રીતે કરશે? દીદી અને પવન જીજાજીએ તો કદાચ જ તેમના પંડિતને પૂછયા વિના કોઈ કામ કર્યું હશે. નીતાના અનુસાર તેમના પરિવારના પંડિતજીએ તેમને હંમેશાં નચાવ્યાં હતાં. નીતા ગીતાથી ૮ વર્ષ નાની હતી, ગીતા સાથે દલીલ કરવાનો કોઈ ફાયદો નહોતો. નીતા ચુપચાપ દીદી અને જીજાજીને પંડિતજીના કહ્યા અનુસાર વર્તતાં જોઈ રહેતી. નીતા-ગીતાનાં માતાપિતાનું થોડાંક વર્ષ પહેલાં જ અવસાન થઈ ગયું હતું, ભાઈ તો હતો નહીં, બંને બહેનો ફૉન ઉપર સુખદુ:ખ વહેંચી લેતી હતી.

ભણેલીગણેલી ગીતા અને સફળ બિઝનેસમેન પવનને પંડિતજીને ત્યાં ચક્કર લગાવતાં જોઈને નીતાને ખૂબ ગુસ્સો આવતો પણ તે કંઈ કરી શકે તેમ નહોતી, તે નાની હતી એટલે ગીતા તેની વાત જ સાંભળતી નહોતી.

થોડાંક વર્ષ પહેલાં તો ધર્માંધતાની હદ વટાવી નાખી હતી. ઘણા લાંબા સમયથી ગીતા માઈગ્રેન અને અલ્સરની દર્દી હતી. તે એક વાર બીમાર પડી ત્યારે તેમના પંડિતજીએ કહ્યું, ''ઘર બનાવવામાં દિશાઓનું ઘ્યાન રાખવામાં આવ્યું નથી, ગૃહપ્રવેશ સમયે પૂજાપાઠમાં ખોટ રહી ગઈ છે અને ઘરની સામેનો ભાગ વધારે પહોળો છે, આવાં ઘર ગૌમુખી હોય છે. આ ઘરની સ્ત્રી હંમેશાં બીમાર રહે છે.''

બસ, સારું એવું મકાન તોડીને બીજીવાર બનાવવામાં આવ્યું, પૂરો નકશો બદલી નાખવામાં આવ્યો. લાખો ખર્ચાઈ ગયા, બીમારીમાં ખૂબ અગવડ વેઠવી પડી તે વધારામાં. પંડિતને પૂજાપાઠ માટે હજારો રૂપિયા આપવામાં આવ્યા. નીતા બેઠાં-બેઠાં એ જ વિચારતી હતી કે હવે દીદી શું કરશે. આટલાં વર્ષોથી રવિને નોકરી મળતાં જ છોકરીઓની કુંડળીઓ મેળવવામાં આવી હતી. દરેક સંબંધમાં કુંડળી જોઈને ખોટ કાઢતાં પંડિતજી અને હવે તો કુંડળી જોયા વગર ઋતુ ગીતાની પુત્રવધૂ બની ગઈ હતી અને તે પણ કાયસ્થ પરિવારની યુવતી. પવન અને ગીતા જૂના જમાનાના વિચારોનાં ગુલામ, ધાંધ, કટ્ટરપંથી બ્રાહ્મણ, જે પોતાની સામે દરેક જાતિને નીચી સમજતાં હતાં. નીતા તેના વિચારોમાં ડૂબેલી હતી, એટલામાં તેના પતિ અમિત અને બંને બાળકો રાહુલ અને નંદિતા પણ આવી ગયાં. નીતાએ રવિને લગ્ન વિશે જણાવ્યું તો બધાએ આનંદ વ્યક્ત કર્યો અને આ જ વિષય ઉપર વાતો કરતાં કરતાં ચા-નાસ્તો કર્યાં.

થોડાક દિવસ પછી ગીતાએ નીતાને જણાવ્યું યુવતી ખૂબ સિમ્પલ છે, શ્યામ રંગની છે અને ચહેરો પણ સુંદર નથી. ગીતા ખૂબ ઉદાસ હતી, પોતાના લાંબા અને ગોરા પુત્ર ઉપર તેને ખૂબ ઘમંડ હતો. આટલી સિમ્પલ યુવતીને પોતાની પુત્રવધૂ તરીકે જોવી ગીતા માટે કોઈ આઘાતથી ઓછું નહોતું. સૌથી મોટું દુ:ખ ગીતાને કુંડળી મેળવ્યા વગર લગ્ન થવાનું હતું.

ગીતા દરેક ચેનલ પર ગુરુમંત્ર, આજની રાશિ, તમારાં તારા, ગ્રહનક્ષેત્ર જેવા કાર્યક્રમ ખૂબ રસપૂર્વક જોતી અને તેના પર વિશ્વાસ કરતી હતી, પવનની નજર પણ અખબાર-મેગેઝિનોની ભવિષ્યવાણી કોલમ, જ્યોતિષ વિષયક ઘટનાઓ અને તેમની વિભિન્ન રાશિ પરની અસરથી ભરેલી ખબરો ઉપર રહેતી. આ વિષય ઉપર ગીતા અને પવન કલાકો વાત કરી શકે તેમ હતાં અને હવે તો રવિના આ નિર્ણય ઉપર તેમની નિરાશાની કોઈ મર્યાદા જ નહોતી રહી. રીતરિવાજ સાથે લગ્નની તિથિ સુનિશ્ચિત થઈ ત્યારે નીતા પણ મુંબઈથી સપરિવાર પહોંચી. સકુશળ પહોંચ્યા પછી એકાંતમાં ગીતાએ નીતાને જણાવ્યું, ''રવિએ લગ્ન કરી લીધાં છે એટલે ઋતુને સ્વીકારવાની જ હતી. નહીં તો રવિ સાથેનું અંતર વધી જાત, જે અમારા માટે અસહ્ય હતું. માત્ર સમાજમાં માન રાખવા માટે અને પોતાનાં અરમાન પૂરાં કરવા માટે રીતરિવાજ પ્રમાણે લગ્ન સંપન્ન થઈ જશે. જોકે દેખાવે તો ઋતુ કોઈ પણ રીતે રવિ માટે યોગ્ય નથી. તેનો પરિવાર આ લગ્ન માટે સરળતાથી તૈયાર થઈ ગયો અને કેમ ના થાય, તેમની સિમ્પલ દીકરીને આટલો સુંદર છોકરો જે મળી ગયો છે.''

નીતાએ કહ્યું, ''દીદી, યુવતીનો સ્વભાવ સારો હોવો જોઈએ, ચહેરો તો કુદરતે બનાવ્યો છે, તેમાં કોઈ ખોટ ન કાઢવી જોઈએ.''

ગીતાએ મોં ચડાવીને કહ્યું, ''સ્વભાવ પણ જોઈ લઈશું.'' 

લગ્ન સંપન્ન થયાં. પરંતુ પવન અને ગીતાના મનમાં એક વાત ખટકતી રહી કે હજુ સુધી એકવાર પણ પંડિતજીને ઋતુની કુંડળી દેખાડી શક્યાં નથી. નીતાએ કહ્યું, ''દીદી, હવે લગ્ન તો થઈ જ ગયાં છે. હવે કુંડળીનું ચક્કર રહેવા દો, તેને ખુલ્લા મને સ્વીકારી લો.''

ગીતા નીતા ઉપર ખિજાઈ, ''તું ચુપ રહે, તને આ બધી વાતોની કંઈ જ ન ખબર પડે.''

ગીતાએ ઋતુનાં માતાપિતા પાસે તેની કુંડળી માગી તો તેમણે પણ કહ્યું, ''હવે તો લગ્ન થઈ જ ગયાં છે અને આમ પણ અમે આ બધી વાતોમાં નથી માનતાં. અમે તો અમારાં બાળકોની કુંડળી બનાવડાવી જ નથી.'' ગીતા માથું પકડીને બેસી ગઈ. પવને કહ્યું, ''તમે ઋતુના જન્મનો સમય જણાવી દો, કુંડળી અમે બનાવડાવી દઈશું.''

પંડિતજીને સમય જણાવી દેવાયો. તે બીજા દિવસે જ કુંડળી બનાવીને લઈ આવ્યા, આવતાં જ નાસ્તો કર્યો અને બોલ્યા, ''આ તમે શું કરી નાખ્યું, આ લગ્ન તો થવાં જ જોઈતાં નહોતાં. આ લગ્ન દરેક પ્રકારે અશુભ છે.'' પવન ગભરાયા, બોલ્યા, ''પંડિતજી, કંઈક જણાવો, હવે શું થશે, હવે શું કરી શકીએ?''

પંડિતજી બોલ્યા, ''ખાસ પૂજા કરવી પડશે, પ હજાર રૂપિયાનો ખર્ચ થશે. યુવતીની કુંડળીમાં કાળસર્પ યોગ છે.''

પવને પૂછયું, ''તેનાથી શું થશે?''

પંડિતજીએ જાણકારી આપી, ''૩ પ્રકારે અશુભ બની શકે છે, પહેલું ઘરમાં કલેશ રહેશે, આથક નુકસાન થતું રહેશે. બીજું, બાળક નહીં થાય. જો થશે તો જન્મતાં જ મૃત્યુ પામશે. ત્રીજું, બંનેમાંથી કોઈ એકનું મૃત્યુ થઈ જશે.'' પવન અને ગીતાના કપાળે પરસેવો વળી ગયો, પવન બોલ્યા, ''પંડિતજી, તમે પૂજા ચાલુ કરો. હું કાલે જ તમને પૈસા આપું છું અને જે પણ ઉપાય હોય તે બધા અજમાવો,''

નીતા પૂરી વાત સાંભળતી હતી. પંડિતજીના ગયા પછી બોલી, ''સારું થયું રવિ અને ઋતુ અત્યારે બહાર ગયાં છે, તમે તેમને આ બધું ન જણાવતાં, નકામી માનસિક અશાંતિ વધશે, મનોવૈજ્ઞાાનિક રીતે પણ ખૂબ ફેર પડે છે આ વાતોથી.'' ગીતાએ તરત જ ટોકી, ''નીતા, તારી સાથે તો આ વિષય બાબતે વાત કરવી જ નકામી છે.'' નીતા હંમેશાંની જેમ ચુપ રહી.

પવન બોલ્યા, ''આથક નુકસાનનું તો પ્રમાણ પણ મળી ગયું. લગ્નમાં ખિસ્સું કપાઈ ગયું, ૧૦ હજાર રૂપિયા તો જોતજોતામાં જતા રહ્યા.''

હકીકતમાં, જાનના સમયે પવનનું ખિસ્સું કપાઈ ગયું હતું, જેની ખબર કેટલાક લોકોને જ હતી.

નીતા પરત મુંબઈ આવી ગઈ, જીવન તેની ગતિએ પસાર થઈ રહ્યું હતું. ગીતા ફોન પર ઋતુની વાતો જણાવતી રહેતી હતી, તેની રજાઓ પૂરી થઈ ગઈ હતી. હવે તે રવિ સાથે ઓફિસ જવા લાગી હતી. ગીતા કહેતી, ''ઋતુને કોઈ કામ નથી આવડતું, હું તેને બધું શિખવાડી રહી છું. કંઈક કહીશ તો ઘરમાં અશાંતિ થશે.''

નીતાને ગીતાના અવાજમાં અનુભૂતિ થતી હતી કે અત્યાર સુધી તે ઋતુથી ખુશ નથી.

પછી ૨-૩ મહિના વીત્યા, નીતાને જાણ થઈ કે ઋતુ પ્રેગ્નન્ટ છે, તે સાંભળીને તે ખૂબ ખુશ થઈ. ગીતાએ જણાવ્યું, ''પંડિતજી કહે છે કે બાળક બચશે નહીં અથવા ખૂબ અશુભ સમાચાર લાવશે.''

નીતાને ખૂબ ગુસ્સો આવ્યો, ''દીદી, તમે પંડિતજીને ભૂલીને ઋતુનું ધ્યાન રાખો, કંઈ જ નહીં થાય.''

ઋતુ અને રવિ ઓફિસ જતાં રહેતાં પછી ગીતા પંડિતજીને બોલાવતી અને ખબર નહીં કઈ-કઈ પૂજા માટે તેમના હાથમાં રૂપિયા મૂકતી રહેતી. પંડિતજી ક્યારેક ત્યાં મંત્રોચ્ચાર કરતા, ક્યારેક કહેતા બાકીની પૂજા મંદિરમાં એકાંતમાં કરવાની છે.

ઋતુએ એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો ત્યારે ગીતા અને પવન પંડિતજીનો આભાર માનતાં થાક્યાં નહીં. તેમની પૂજાએ જ તો આ સંકટ ટાળ્યું હતું. નીતા એ સાંભળીને મનોમન હસી. ઋતુને હજુ સુધી ગીતા મનથી સ્વીકારી શકી નહોતી. પંડિતજીના કહ્યા અનુસાર યુવતી ખૂબ અશુભ હતી અને આ વાત ગીતાના મનમાં ખટકતી હતી.

એક દિવસ પવન અને ગીતા ક્યાંક જઈ રહ્યાં હતાં, ભયાનક દુર્ઘટના બની. ટુકે તેમની કારને ટક્કર મારી તો ગીતા ગંભીર રીતે ઘવાઈ. પવનને નાની-મોટી ઈજા થઈ. બેભાન ગીતાને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી. ગીતાને ઘણાં ફેક્ચર થયાં હતાં, કોલર બોન તૂટી ગયું હતું. ૩ પાંસળીઓ તૂટી ગઈ હતી. રવિ અને ઋતુ ઝડપથી હોસ્પિટલ પહોંચ્યાં. નીતા પણ મુંબઈથી દોડતી આવી. તેનાં બાળકોની પરીક્ષાઓ હતી, તેથી અમિત ના ગયા. હોસ્પિટલમાં ગીતા ૧૦ દિવસ રહી. ઋતુ નાના યશને પણ સંભાળતી. ક્યારેક ઘર તો ક્યારેક હોસ્પિટલના ચક્કર મારતી રહેતી. નાના બાળકની સાથે બધાં કામ એટલી કુશળતાથી કરી લેતી કે નીતા મનમાંને મનમાં તેની પ્રશંસા કરતી. ઘરનું કામ પતાવીને, બધાંનું જમવાનું બનાવીને ઋતુ હોસ્પિટલમાં આવતી ત્યારે થોડીવાર નીતા ઘરે જતી રહેતી.

બંનેએ બધું સંભાળી લીધું હતું. પવન અને રવિએ પણ આ જ રીતે આવનજાવન વહેંચી લીધી હતી. નીતા ઘરે આવતી ત્યારે ગીતાની અનુપસ્થિતિમાં તેના દિલમાં અવાજ આવતો, ગીતા વગર ઘર જાણે ખાવા દોડતું હતું.

ગીતા ઘરે આવી ગઈ. હજુ દુખાવો ખૂબ હતો, હજુ કેટલાય દિવસ સુધી પથારીમાં રહેવાનું હતું. જમણો હાથ હાલતો નહોતો. ગીતાના ઘરે આવી જવાથી ઋતુને કંઈક શાંતિ થઈ. નીતાને કહેતી, ''માસીજી, બસ, તમે યશને ખોળામાં સુવડાવી દો, બાકીનું કામ હું કરી લઇશ.'' દિવસરાત ઋતુએ ગીતા અને ઘરને એવી કુશળતાથી સંભાળ્યાં કે બધાં જોતાં રહી ગયાં. ઓફિસમાંથી તેણે લાંબી રજાઓ લઈ લીધી. 

ગીતાની એવી સેવા કરી કે તેની આંખો ખૂલી ગઇ. ક્યારેક તો સૂતાંસૂતાં ગીતાની આંખો ભરાઈ આવતી કે જે યુવતીને અશુભ સમજીને તેણે ક્યારેક દિલથી સ્વીકારી નહોતી, તે જ રાતદિવસ તેની સેવામાં લાગેલી છે.

એટલામાં એક દિવસ પંડિતજી આવ્યા, ઋતુ ચુપચાપ તેમના માટે પાણી લેવા ચાલી ગઈ. પંડિતજી ધીમે-ધીમે દીદી પાસે બેસીને ગણગણ્યા, 

''બસ, આ વાતની બીક હતી. વહુનો કાળસર્પ યોગ તેની અસર બતાવી રહ્યો છે. આટલાં પૂજાપાઠથી તમારું જીવન તો બચી ગયું. પરંતુ હજુ પણ અનિષ્ટની આશંકા છે, બીજી વધુ પૂજા કરાવવી ઠીક રહેશે.''

ગીતા પહેલાં ચુપચાપ સાંભળતી રહી, પછી ધીરેથી બોલી, ''પંડિતજી મને તો લાગે છે કે તમારું અહીં આવવું જ કાળસર્પ યોગ છે. તમારા જ આ યોગે મને મારી લાખોમાં એક વહુ થી દૂર રાખી.'' ગીતાના આ વાક્યમાં પંડિતજીને પોતાની પોલ ખુલ્લી પડતી દેખાઈ તો તે કાળસર્પની જેમ ઝડપથી ઘરમાંથી બહાર નીકળી ગયાં.