Get The App

બાળકોના વિકાસમાં અવરોધક સ્ટિલ-એલ્યુમિનિયમના વાસણો

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
બાળકોના વિકાસમાં અવરોધક સ્ટિલ-એલ્યુમિનિયમના વાસણો 1 - image

કેટલાય દશકોથી ભારતીય રસોડાઓમાંથી તાંબા અને પિત્તળના વાસણોનું સ્થાન સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણોએ લઈ લીધું છે. તાંબા-પિત્તળના વાસણોની તુલનામાં સ્ટિલ અને એલ્યુમિનિયમના વાસણોની જાળવણી ઘણી સહેલી હોવાથી આમ થવું સહજ છે. પરંતુ તેને કારણે આપણે અગાઉના વાસણોમાં રાંધવા-ખાવાથી મળતાં લાભોથી વંચિત રહી ગયા છીએ. એટલું જ નહીં, એલ્યુમિનિયમના વાસણોમાં રાંધવા-ખાવાથી થતી હાનિના સપાટામાં આવ્યા છીએ તે જુદું. ખેર.., દશકોથી બદલાયેલી આ પરંપરા પાછી શરૂ કરવી લગભગ અસંભવ છે ત્યારે બાળકોને કેવા થાળી-વાટકામાં ભોજન આપવું એ સમજવું અત્યાવશ્યક બની ગયું છે.

તજજ્ઞાો તેના વિશે જાણકારી આપતાં કહે છે કે આજે બાળકોને સ્ટિલ, એલ્યુમિનિયમ, કાચ કે પ્લાસ્ટિકના થાળી-વાટકામાં ભોજન પીરસી દેવામાં આવે છે. પરંતુ શારીરિક-માનસિક રીતે વિકસી રહેલા બાળકોને તેનાથી સ્વાસ્થ્ય વિષયક કોઈ લાભ નથી થતો. એક સમય એવો હતો જ્યારે ભારતીય રસોડાઓમાં બાળકો માટે જ નહીં, દરેક વયના લોકો માટે ચાંદી-કાંસાના વાસણોનો ઉપયોગ થતો. એટલા માટે નહીં કે આવા વાસણોમાં ભોજન આરોગીને લોકો પોતાની શ્રીમંતાઈનું પ્રદર્શન કરવા માગતા હતાં, બલ્કે એટલા માટે કે તેઓ આવા વાસણોમાં ભોજન કરવાથી મળતા શારીરિક-માનસિક સ્વાસ્થ્યને લગતાં ફાયદાઓથી સુપેરે વાકેફ હતાં. આજે આપણે આ વિષય પર વાત કરીએ.

આપણી હજારો વર્ષ પુરાણી ચિકિત્સા પધ્ધતિ  આયુર્વેદ અનુસાર ચાંદી પિત્ત દોષ શાંત કરવા સાથે તન-મનને ટાઢક પહોંચાડે છે. સાથે સાથે આંખોની રોશની પણ વધારે છે. જ્યારે કાંસુ બુધ્ધિ અને ભૂખ વધારવામાં અગત્યનો ભાગ ભજવે છે. તેથી જો તમારું બાળક અભ્યાસમાં નબળું હોય, અભ્યાસમાં તેનું ચિત્ત ન ચોંટતુ હોય, તે સુસ્ત રહેતું હોય તો તેને કાચ-સ્ટિલ-પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમના થાળી-વાટકામાં ભોજન પીરસવાને બદલે કાંસાના વાસણમાં જમવાનું આપો. એ વાતમાં બે મત ન હોઈ શકે કે આજની તારીખમાં ચાંદીના વાસણોમાં જમવાનું ભાગ્યે જ કોઈને પોસાય. પરંતુ બાળક માટે કાંસાના વાસણોનો ઉપયોગ ચોક્કસ કરી શકાય. વાસ્તવમાં કાંસાના થાળી-વાટકા-ચમચી ઇત્યાદિનો ઉપયોગ કરવાથી ભોજન હળવું અને પચવામાં સહેલું બને છે. જો બાળક રક્તાલ્પતા, નબળાઈથી પીડાતું હોય તો તેના માટે કાંસાના વાસણો ઉત્તમ વિકલ્પ ગણાય.

અહીં એ વાતની નોંધ લેવી રહી કે આપણા પૂર્વજો સોના-ચાંદીની વીંટીઓ પહેરતાં અને ચમચીથી નહીં, બલ્કે હાથેથી ભોજન આરોગતા. ઘી-ભાત-સાકર કે દાળ એવી રીતે ખાતાં કે આ સઘળો આહાર છેક વીંટીને અડે અને આ કિંમતી ધાતુના ગુણોનો સીધો લાભ તેમના શરીર અને મગજને મળે. આ ધાતુઓ મગજનો વિકાસ કરવા સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વનો  ભાગ ભજવતી હોવાથી તેઓ વીંટીની પોલીશ ઉતરી જવાની પરવા ન કરતાં. આજે હાથેથી જમવું કે દાળના સબડકા બોલાવવા સભ્યતા-શિષ્ટાચારની વિરૂધ્ધ ગણાય છે. પરિણામે આપણે તેના લાભોથી વંચિત રહી ગયા છીએ. વળી આ ધાતુઓની કિંમત આસમાનને અડી રહી હોવાથી તેનો ઉપયોગ પણ નહીંવત બન્યો છે. પરંતુ બાળકના શારીરિક-માનસિક વિકાસ માટે આટલું ચોક્કસ કરી શકાય. ચાંદીના એક ગ્લાસમાં સોનાનો અડધા કે એક ગ્રામનો સિક્કો નાખો. તેમાં ઉકાળીને ઠારેલું પાણી ભરો. બાળકને દર વખતે આ પાણી પીવડાવો.

- વૈશાલી ઠક્કર