- પચાસ વર્ષની વય પછી મગજ સતેજ રાખવામાં સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું, માનસિક ઉત્તેજના મેળવવી, નિયમિત શારીરિક કસરત કરવી અને તાણનો અસરકારક સામનો કરવા જેવી ક્રિયાઓ સામેલ કરી શકાય.
વધતી વય સાથે મગજ પર પણ ઘડપણની અસર દેખાવા માંડે છે. મગજનું વૃદ્ધત્વ સ્મૃતિભ્રંશ અથવા સામાન્ય માનસિક નબળાઈ તરીકે સામે આવે છે જેના પરિણામે વૃદ્ધાવસ્થાનો ગાળો પડકારજનક બની જાય છે. આમ છતાં સ્વસ્થ જીવનશૈલી અપનાવીને અને આહારની પસંદગી ધ્યાનપૂર્વક કરવાથી શારીરિક તેમજ માનસિક વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને ધીમી પાડી શકાય છે.
માનસિક સ્વાસ્થ્ય અને વર્તણૂક વિજ્ઞાાનના નિષ્ણાતો જણાવે છે કે જ્ઞાાનાત્મક ક્ષમતાઓ સામાન્ય રીતે વધતી ઉંમર સાથે ઘટતી જાય છે, જેના કારણે યાદશક્તિની સમસ્યાઓ થાય છે, સમસ્યા હલ કરવાની કુશળતા તેમજ માનસિક ક્ષમતા ઘટી જાય છે. જો કે સંશોધનોથી સાબિત થયું છે કે આપણા મગજ પાસે સમગ્ર જીવનકાળ દરમ્યાન અનુકૂળ થવાની અને પરિવર્તિત થવાની અભૂતપૂર્વ ક્ષમતા હોય છે. મેડિકલ સાયન્સમાં મગજના આ ગુણને ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવાય છે.
નિષ્ણાંતોના મતે આપણી દિનચર્યામાં ચોક્કસ પ્રવૃત્તિઓ સામેલ કરવાથી આપણું મગજ સતેજ રહી શકે છે અને મગજની કાર્યશક્તિ ક્ષીણ થવાની શક્યતા ઘટી જાય છે. તેમની ભલામણ અનુસાર પાછલા વર્ષોમાં માનસિક સ્વસ્થતા જાળવી રાખવા મગજના આરોગ્ય પર નિયંત્રણ મેળવવું જરૂર છે. તેમના મતે ખાસ કરીને પચાસ વર્ષની વય પછી મગજ સતેજ રાખવામાં સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું, માનસિક ઉત્તેજના મેળવવી, નિયમિત શારીરિક કસરત કરવી અને તાણનો અસરકારક સામનો કરવા જેવી ક્રિયાઓ સામેલ કરી શકાય. આવા આદતો અપનાવીને વ્યક્તિઓ તેમની માનસિક શક્તિમાં વધારો કરી શકે છે તેમજ વધતી વય સાથે માનસિક આરોગ્યમાં સુધારાનો આનંદ માણી શકે છે.
૧. નિયમિત વ્યાયામ
એક વાતનો સ્વીકાર કરવો પડશે. પચાસ પછી તમને કસરતની એટલી જ જરૂર છે જેટલી યુવાન વયે હોય છે. પણ સાથે એ પણ નોંધવું જરૂરી છે કે પચાસ પછી યુવા કિશોર જેવી કસરતો તમારે નથી કરવાની, અને તમારુ શરીર કરી પણ નહી શકે. તો શરીરને નુકસાન ન થાય તેવી સરળ અને હળવી કસરતો નિયમિત કરવાનું ચાલુ રાખવાનું છે જેમાં ચાલવું, યોગ, જેવી ક્રિયાઓ પર ધ્યાન આપી શકાય. વ્યાયામથી સમગ્ર શરીરમાં લોહીનો પ્રવાહ નિયમિત રહેતા મગજને પણ પૂરતુ પોષણ મળી રહે છે. ચાલવું, સ્વિમિંગ અથવા કોઈ હળવી રમત પણ વ્યાયામ તરીકે અપનાવી શકાય.
૨. પૂરતી ઊંઘ મેળવવી
મગજના સ્વાસ્થ્ય માટે ઊંઘની ભૂમિકા મહત્વની છે. કેટલાક અભ્યાસ મુજબ પૂરતી ઊંઘથી મગજમાં રહેલા અસાધારણ પ્રોટીન નષ્ટ થાય છે અને સ્મરણ શક્તિ જળવાઈ રહે છે જે મગજના સ્વાસ્થ્ય માટે લાભકારક સાબિત થાય છે. એકસાથે સાતથી આઠ કલાક ઊંઘનું લક્ષ્યાંક રાખવું. સળંગ ઊંઘ મેળવવાથી મગજને શાંત પડવાનો અને સ્મરણશક્તિ જાળવી રાખવાનો પૂરતો સમય મળે છે. અપૂરતી ઊંઘ મગજના કોષોને નુકસાન પહોંચાડી શકે છે.
૩. શીખતા રહો
શિક્ષણનું ઉચ્ચ સ્તર મોટી વયે બહેતર માનસિક આરોગ્ય સાથે સંકળાયેલું છે. નિષ્ણાંતોના મતે વધુ શિક્ષણ વ્યક્તિને માનસિક રીતે સક્રિય રહેવાની ટેવ પાડીને યાદશક્તિ સતેજ રાખવામાં મદદ કરી શકે છે. માનસિક વ્યાયામ સાથે મગજને પડકારવાથી મગજના કોષોની જાળવણી કરતી અને તેમની વચ્ચેનો સંપર્ક ઉત્તેજિત કરતી પ્રક્રિયાઓ સક્રિય થાય છે. ઘણા લોકો તેમનું મગજ સક્રિય રહે એવા વ્યવસાય કરતા હોય છે. એના માટે ચોક્કસ શોખ કેળવવા, કલાત્મક અથવા રચનાત્મક પ્રવૃત્તિઓ મગજને સતેજ રાખી શકે છે. ચિત્રકામ, રંગકામ, નૃત્ય, ગાર્ડનિંગ જેવા કાર્યો રચનાત્મક હોવાને કારણે મગજને સતેજ રાખે છે તેમજ તાણ ઘટાડવા માટે પણ ઉપયોગી છે.
૪. સામાજિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો
ફોન કોલ, વીડિયો કોલ અથવા તેનાથી બહેતર વ્યક્તિગત મેળાપ દ્વારા અન્યો સાથે સતત સંપર્કમાં રહેવાથી મગજ સતેજ રહે છે. એનાથી મૂડ પણ બહેતર બને છે. અન્યો સાથે નિયમિત વાર્તાલાપ કરવાથી હતાશા અને નકારાત્મક વિચારો દૂર રહે છે તેમજ વધુ જાણકારી મળતા મગજ સક્રિય રહે છે.
૫. નિયમિત ચેક-અપ
પ્રાથમિક મેડિકલ ડોક્ટર પાસે નિયમિત ચેક-અપથી ડીમેન્શિયા જેવી સ્થિતિ ઉદ્ભવે તે પહેલા અથવા શરૂઆતમાં જ તેને ઓળખીને સારવાર શરૂ કરી શકાય છે. ઉપરાંત મગજની બહેતર કામગીરી માટે બ્લડપ્રેશરનું પણ ધ્યાન રાખવું જેના માટે નિયમિત ચેક-અપ જરૂરી થઈ પડે છે.
૬. મગજને વ્યસ્ત રાખો
મગજને ઉત્તેજિત કરે તેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. આવી પ્રવૃત્તિઓમાં વાંચન, કોયડા ઉકેલવા, ક્રોસવર્ડ, નવી સ્કિલ શીખવી અથવા હોબી કેળવવી જેવી ક્રિયાઓ સામેલ કરીને મગજને સક્રિય રાખી શકાય.
૭. જીવનશૈલી સ્વસ્થ રાખો
એકંદર આરોગ્ય જાળવી રાખવા સંતુલિત આહાર, પૂરતી ઊંઘ અને તણાવ ઘટાડતી ટેકનીક અપનાવી શકાય. શરીરને મળતા પૂરતા પોષણ અને આરામની અસર મગજની કામગીરી પર પણ થાય છે. નિષ્ણાંતો ખાસ કરીને આહારની પસંદગી પર વધુ ધ્યાન આપવા કહે છે. વધતી વયે ખાસ શાકાહાર યોગ્ય હોવાનું જણાયું છે.
૮. સુનિયોજિત રહો
પ્લાનર્સ અને રિમાઈન્ડર્સ જેવા સાધનોના ઉપયોગથી તમારા કાર્યો સરળ કરી શકશો અને સુનિયોજિત રહી શકશો. આમ કરવાથી મગજ પર દબાણ અને તાણ ઓછું થશે અને તેનું આરોગ્ય જાળવવામાં સહાય થશે.
૯. મદદ લેતા અચકાવવું નહિ
મગજની કામગીરીમાં કોઈપણ વિસંગતિ જણાય તો નિષ્ણાંત પાસેથી મદદ લેતા અચકાવવું નહિ. મગજની સમસ્યાનો તાત્કાલિક અને સમયસર ઉકેલ કરવાથી વધુ લાભ થશે.
- ઉમેશ ઠક્કર


