- સવારના ભાગમાં કસરત કરવાનું ન ચૂકો. જરૂરી નથી કે તમે જિમમાં જઇને જ વર્કઆઉટ કરો. તમે ઘરમાં જ વ્યાયામ માટે માત્ર 20 મિનિટ ફાળવશો તોય પૂરતું છે.
ભારતીય તહેવારો એટલે ખાણીપીણીની મોજ. આપણા દરેક પર્વો સાથે ચોક્કસ પ્રકારની વાનગીઓ સંકળાયેલી છે. અને તેમાં મીઠાઇઓ તો અચૂક હોવની જ. ગણેશોત્સવમાં લાડુ, શ્રાધ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક, નવરાત્રિમાં ઉપવાસમાં ખાઇ શકાય એવો કોપરાપાક,શીંગોડા કે રાજગરાનો શીરો અને દિવાળીમાં તો અનેકવિધ મીઠાઇઓ સાથે વિવિધ પ્રકારના નાસ્તા પણ ખરાં. સ્વાભાવિક રીતે જ લાગલગાટ આ પ્રકારના ખાદ્ય પદાર્થો ખાવાથી તમારું વજન વધે. અને તમારા શરીરમાં વિષારી તત્વોનો જમાવડો થાય તે જુદું. જોકે આનો અર્થ એવો નથી થતો કે તમે પર્વો દરમિયાન પણ રોજિંદુ સાદું ભોજન લો.તમે સઘળાં મીઠાઇ-ફરસાણ ખાઇને તહેવારોની ઊજવણી મોજથી કરો. પણ તમારા સ્વાસ્થ્યને હાનિ ન પહોંચે એટલા માટે કેટલીક બાબતો પણ ધ્યાનમાં રાખો.નિષ્ણાતો તેના વિશે જાણકારી આપતાં કહે છે કે....,
ભાવતી વસ્તુઓ જોઇને તેના ઉપર અકરાંતિયા થઇને તૂટી ન પડો. એકસાથે ભરપેટ ખાવાને બદલે દિવસમાં છએક વખત એક એક વસ્તુ ખાઓ. આમ કરવથી તમારા શરીરમાં કેલેરી જમા નહીં થાય. તમારી ચયાપચયની ક્રિયા સુચારુ રીતે ચાલશે.અને તમે તમારી સ્વાદેન્દ્રિયને પણ પોષી શક્શો. અલબત્ત, તમારા ખાદ્ય પદાર્થો સ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક હોય એ પણ એટલું જ જરૂરી છે.
તમારા નાસ્તામાં વિવિધ પ્રકારના તેલોનો ઉપયોગ કરવાથી પણ તે પૌષ્ટિક બને છે. જેમ કે કોઇક નાસ્તામાં રાઇનું તેલ વાપરો તો કોઇંકમાં શીંગનું, તલનું, ઓલિવનું કે સુરજમુખીનું.વાસ્તવમાં નિયમિત રીતે પણ અલગ અલગ તેલોનો ઉપયોગ કરવાથી આપણને પ્રત્યેક તેલમાં રહેલાં પૌષ્ટિક તત્વો મળી રહે છે. તેવી જ રીતે દરેક મીઠાઇમાં ખાંડ વાપરવાને બદલે કોઇક મિષ્ટાન મધ કે ખજૂર જેવા કુદરતી મીઠાશ ધરાવતા પદાર્થોથી બનાવો.મીઠાઇમાં જાયફળ,એલચી, બદામ, કાજુ, ચીરોળી જેવા સુકા મેવા નાખો.
તમારા નાસ્તા કે ભોજનના થાળમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફેટ્સ, ફાઇબર, વિટામીન્સ, ખનિજ તત્વો અને પ્રવાહી પૂરતા પ્રમાણમાં હશે તો જ તે સંતુલિત આહાર ગણાશે. તેથી તેમાં ઘઉં, કઠોળ, બ્રાઉન રાઇસ, કોટેજ ચીઝ,પનીર ,લીલા શાકભાજી ઇત્યાદિનો ઉપયોગ કરો.
તહેવારોમાં ઘરે મહેમાન આવે ત્યારે તેમની સાથે ભોજન લેવા બેસવાથી કે પછી કોઇના ઘરે મહેમાન બનીને મિજબાની માણવાથી થોડુંઘણું વજન તો વધવાનું જ. પણ તમારું વજન વધારે પડતું ન વધી જાય એટલે સવારના ભાગમાં કસરત કરવાનું ન ચૂકો. જરૂરી નથી કે તમે જિમમાં જઇને જ વર્કઆઉટ કરો. તમે ઘરમાં જ વ્યાયામ માટે માત્ર ૨૦ મિનિટ ફાળવશો તોય પૂરતું છે. તમને ગમતાં કે ફાવતાં કોઇપણ ચાર-પાંચ વ્યાયામ બબ્બે-ત્રણ-ત્રણ મિનિટ કરો. આમ કરવાથી તમારી કેલેરી પણ બળશે અને તમે દિવસભર હળવાશ અનુભવશો. જો તમને આટલો સમય પણ ન મળે તો કોઇના ઘરે જાઓ ત્યારે તમારી કાર થોડે દૂર પાર્ક કરીને થોડું ચાલી નાખો. લિફ્ટનો ઉપયોગ કરવાને બદલે પગથિયાં ચડીને જાઓ. બાકી જાહેર પરિવહનનો ઉપયોગ કરનારાઓને તો અમસ્તા પણ કસરત મળી જ જતી હોય છે.
બસ, આટલું કરશો તોય તહેવારોને મનભરીને માણવા સાથે આરોગ્યની જાળવણી પણ કરી શક્શો.


