Get The App

ઉનાળાને અનુરૂપ વસ્ત્રો પહેરીને રહો હળવા

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
ઉનાળાને અનુરૂપ વસ્ત્રો પહેરીને રહો હળવા 1 - image

છેલ્લાં કેટલાક વર્ષથી ભારતના મોટાભાગમાં ઉનાળો પોતાનો અસલ મિજાજ  બતાવતો હોય એવો તાલ જોવા મળે છે. ૩૭, ૩૮, ૪૦, ૪૧ ડિગ્રી ગરમી તો સાવ સામાન્ય થઇ ગઇ છે. આવી સ્થિતિમાં કોની મજાલ છે કે સિન્થેટિક કે ટાઇટ કપડાં પહેરે. જે લોકો સીઝનને સમજ્યા વગર શિયાળા કે ચોમાસામાં પહેરવામાં આવતા પરિધાન પહેરવાનું જારી રાખે છે તેઓ ભારે અકળામણ અનુભવે છે. આમ છતાં ઘણી ફેશનેબલ માનુનીઓ તેમના ચુસ્ત ડેનિમ કે લેગિંગ છોડવા રાજી નથી થતી. પરંતુ આવી મહિલાઓને ફેશન ડિઝાઇનરો કહે છે કે ફેશન તેને જ કહેવાય જે તમને સુંદર દેખાડવા સાથે કમ્ફર્ટેબલ પણ રાખે. જે કપડાંમાં તમે અસુખ અનુભવો તેને ફેશનના નામે પહેરવા નરી મૂર્ખતા છે. તમે જ્યારે ચોક્કસ પ્રકારના વસ્ત્રોમાં અકળામણ અનુભવો ત્યારે તમારો ચહેરો તેની ચાડી ખાધા વિના રહેતો નથી. આવી સ્થિતિમાં તમારું સૌંદર્ય પણ ઝંખવાઇ જાય છે. બહેતર છે કે ઉનાળામાં તમારી ત્વચાને અનુકૂળ હોય તેવા પોશાક જ પહેરવા. 

એક  ફેશન ડિઝાઇનર કહે છે કે મેં એક જાણીતા એક્ઝિબિશનમાં મારો સ્ટોલ રાખ્યો તેનાથી પહેલા ઇન્સ્ટાગ્રામ પર  મારા ગ્રીષ્મ કલેક્શનના કેટલાંક ફોટા મૂક્યાં હતાં. અને મારા આશ્ચર્ય વચ્ચે કંઇકેટલીય યુવતીઓ મારા આ કલેક્શનની ખરીદી કરવા આવી હતી. તેમની ફેશન સેન્સ જોઇને હું આભો બની ગયો હતો. મઝાની વાત એ છે કે તેમણે મારી પાસે ચોક્કસ પ્રકારના  સુતરાઉ વસ્ત્રોની માગ કરી ત્યારે મારા મગજમાં નવી નવી ડિઝાઇનોએ આકાર લીથો હતી. તે વધુમાં કહે છે કે મારા ગ્રીષ્મ કલેક્શનમાં ખુલતાં વસ્ત્રો વધારે હતાં. પરિણામે મહિલાઓને તેમાં કમ્ફર્ટ વિથ ફેશનનો અહસાસ થયો હતો. 

અન્ય એક ફેશન ડિઝાઇનર કહે છે કે ગ્રીષ્મમાં હવાની અવરજવર થઇ શકે એવા ખુલતાં વસ્ત્રો પહેરવા જોઇએ. ચુસ્ત કપડાંને કારણે ત્વચા પર લાલ ચકામા ઉપસી આવવાની કે અળાઇઓ થવાની ભીતિ રહે છે. આ સીઝનમાં હેન્ડલૂમ, ખાદી, મલમલ જેવા મટિરિયલ શ્રેષ્ઠ ગણાય છે. તેમાંય ગુલાબી, આસમાની, ગ્રે, સફેદ, ક્રીમ, બદામી જેવા રંગો ત્વચાને ટાઢક આપે છે. આ પ્રકારના ફેબ્રિક અને કલરમાં ચેક્સવાળી કે આડા-ઊભા પટ્ટા-લાઇનિંગવાળી ડિઝાઇન ખૂબ જચે છે. તમે ચાહો તો તેમાં લોંગ સ્કર્ટ પહેરો કે ઢીંચણ સુધી આવતું વન પીસ, તે કમ્ફર્ટેબલ અને ફેશનેબલ લાગે છે. 

કોલેજ કન્યાઓનું એક જૂથ કહે છે કે અમારી કોલેજમાં ચોક્કસ પ્રકારના વસ્ત્રો પહેરવાની મનાઇ છે. ખાસ કરીને મીની ડ્રેસીસ. ઉનાળામાં ટૂંકા ડ્રેસ બહુ કમ્ફર્ટેબલ લાગે. પરંતુ અમારી કોલેજમાં મીની ડ્રેસ પહેરવાની મનાઈ હોવાથી અમે સ્લીવલેસ ટોપ સાથે લોંગ સ્કર્ટ પહેરીએ છીએ. તેમાં અમને ફેશન કરવા સાથે સુવિધાનો અનુભવ પણ થાય છે. આ સિવાય ચેક્સની ડિઝાઇનવાળા ઢીંચણ સુધીની લંબાઇ ધરાવતા સ્કર્ટસ કે વન પીસ પણ અમારા જૂથમાં માનીતા છે. આ બધા પોશાક સાથે સફેદ રંગના શૂઝ ખૂબ સુંદર અને સગવડદાયક લાગે છે. તેથી અમે બધા મોટાભાગે સફેદ પગરખાં જ પહેરીએ છીએ. 

જોકે નોકરી કરતી માનુનીઓમાં આ સીઝનમાં સુતરાઉ સલવાર-કમીઝ વધુ પોપ્યુલર છે. લોકલ ટ્રેન કે અન્ય કોઇ જાહેર પરિવહનની ભીડમાં પ્રવાસ કરતી વખતે આવો ડ્રેસ સૌથી વધુ સુવિધાજનક લાગે છે. મુંબઇની એક કપડાં બજારના એક વેપારી કહે છે કે આ દિવસોમાં અમારી પાસે કોટનના પંજાબી સુટનો ઉપાડ સૌથી વધુ હોય છે. તેમાંય પ્રૌઢ કે ત્રીસી વટાવી ગયેલી મહિલાઓ દુપટ્ટાવૌળા ડ્રેસ પહેરવાનું વધુ પસંદ કરતી હોવાથી કોટનના દુપટ્ટાવાળા પંજાબી સુટ સૌથી વધું વેંચાય છે. આ પ્રકારના ડ્રેસમાં હવે ઘણી ડિઝાઇનો પણ મળી રહેતી હોવાથી તે પાર્ટીવેઅર તરીકે પણ ચાલે છે. હા, પ્રસંગોપાત  પહેરવા જેવા પંજાબી સુટમાં  ભરચક વર્ક કરેલા દુપટ્ટાની માગ વધુ રહે છે. આ  સિવાય જેમને સાદી સલવાર પહેરવાનું ન ગમતું હોય તે વધુ મટિરિયલ લઇને પટિયાલા સલવાર બનાવડાવે છે. કે પછી તૈયાર મળતી પટિયાલા સલવાર ખરીદવાનું પસંદ કરે છે. તેવી જ રીતે ઘણી સ્ત્રીઓ કોટનની સાડી પહેરવાનું પણ પસંદ કરે છે. ખાસ કરીન રાજસ્થાની કોટા,ે કોલકત્તાની કે પછી સાંબલપુરી કોટનની સાડીની માગ વધુ રહે છે. 

પાર્ટીમાં જતી યુવતીઓમાં જોકે મીની સ્કર્ટસ વધુ માનીતા છે.ઇવનિંગ પાર્ટીઝમાં આ સીઝનમાં પણ બ્લેક કલરના મીની સ્કર્ટ સાથે રેડ, ડાર્ક પિંક, બદામી જેવા કલરના સ્લીવલેસ ટોપ હોટ ફેવરિટ ગણાય છે. જ્યારે કેટલીક યુવતીઓ ટૂંકા બ્લેક્ સ્કર્ટ સાથે ઝાલરવાળી સ્લીવ્ઝ ધરાવતું વાઇટ ટોપ પહેરવાનું પસંદ કરે છે. આ ડ્રેસ સાથે બ્લેક અથવા વાઇટ પગરખાં ખૂબ જચે છે. 

ફેશન ડિઝાઇનરો કહે છે કે તમે ચાહે તે પહેરો, પરંતુ તે મોસમને અનુરૂપ હોવું જોઇએ. તેમાં તમે અસુખ અનુભવો તો તે ફેશનનો કોઇ અર્થ રહેતો નથી. તેઓ વધુમાં કહે છે કે તમે ટાઢ કે વરસાદ સહન કરી શકો. પરંતુ ગરમીમાં શેકાવાનું બહુ કપરું હોય છે. તેથી અન્ય કોઇ સીઝનમાં તમે ભલે તમારા પરિધાનમાં થોડી બાંધછોડ કરો. પરંતુ ગ્રીષ્મમાં આવી ભૂલ ક્યારેય ન કરો.