લગ્નસરા હોય કે અન્ય કોઈ ઉત્સવ, સેલિબ્રિટી પામેલાઓ હમેશાં કાંઈક એવું કરતી જોવા મળે છે જે તેમને અન્યો કરતાં નોખાં તારે. હમણાં હમણાં આ રમણીઓમાં સ્ટેટમેન્ટ એક્સેસરીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેનું મૂળ કારણ એ છે કે સ્ટેટમેન્ટ એક્સેસરીના એક કે બે પીસ તરત જ ઉડીને આંખે વળગે, સાથે સાથે તેમના ડિઝાઈનર વસ્ત્રો પર પણ અન્ય અલંકારોનો ઠઠારો છવાઈ ન જાય.
અભિનેત્રી સાન્યા મલ્હોત્રાની જ વાત કરીએ તો તેણે તેના ડિઝાઈનર પોલકા ડોટ ડ્રેસની નેકલાઈનમાં ગોલ્ડ-મેટાલિક બક્કલ લગાવ્યું હતું. તેના સિવાય તેણે એક નાની અમસ્તી વીંટી સિવાય એકય ઘરેણું નહોતું પહેર્યું તેથી તેનું ચંદ્રાકાર બક્કલ ઉડીને આંખે વળગતું હતું.
હવે અભિનેત્રી અલાયા એફની વાત કરીએ તો તેણે સરસ મઝાનું ઈયર કફ પહેરીને લોકોનું ધ્યાન આકર્ષ્યું હતું. આજે બજારમાં અનેક પ્રકારના ઈયર કફ આસાનીથી મળી રહે છે. તમે પણ તમારા પોશાકને અનુરૂપ ઈયર કફ ખરીદી શકો. હા, ઈયર કફ પહેરો ત્યારે તમારા વાળથી તે ઢંકાઈ ન જાય તેની કાળજી રાખો.
આપણે ત્યાં વાળમાં સોનાની વેણી કે બ્રોચ લગાવવાથી પ્રથા સેંકડો વર્ષોથી ચાલી આવે છે. જોકે હવે વાળમાં સુવર્ણાલંકારો પહેરવાની કલ્પના પણ થઈ શકે તેમ નથી. પરંતુ તાજેતરમાં કિંજલ રાજપ્રિયાએ રાતા રંગની ગુજરાતી સાડી સાથે તેના લાંબા વાળમાં બનાના કે બટરફ્લાય પીનના સ્થાને મોરપિચ્છ જેવું અત્યંત સુંદર બ્રોચ લગાવીને અનોખું આકર્ષણ પેદા કર્યું હતું.
બાજુબંધ પહેરવાની ફેશન પણ આપણા માટે નવી નથી. રાધા-કૃષ્ણના સમયથી ચાલી આવતી આ ફેશનના રંગરૂપ ભલે બદલાઈ ગયા છે. હવે તે સ્ટેટમેન્ટ એક્સેસરી બની ગઈ છે. તાજેતરમાં કરીના બેરીએ તેના વન-શોલ્ડર ડ્રેસ સાથે બાજુબંધ ધારણ કરીને સ્ટેટમેન્ટ એક્સેસરીનું સરસ ઉદાહરણ પૂરું પાડયું હતું.
- વૈશાલી ઠક્કર


