Get The App

સ્પર્મ ફ્રીઝિંગ: પુરુષની પ્રજનન ક્ષમતા અને ભાવિ પિતૃત્વ માટે એક આધુનિક કવચ

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
સ્પર્મ ફ્રીઝિંગ: પુરુષની પ્રજનન ક્ષમતા અને ભાવિ પિતૃત્વ માટે એક આધુનિક કવચ 1 - image

- વિપરીત પરિસ્થિતિમાં પણ પરિવાર વિસ્તારની આશા જીવંત રાખી શકાય

આજના ઝડપી અને અનિશ્ચિત યુગમાં આરોગ્ય અને પરિવાર બંને દ્રષ્ટિએ ભાવિ સુરક્ષિત રાખવાની ઈચ્છા વધુ પ્રબળ બની રહી છે. પોતાની પ્રજનન ક્ષમતા સુનિશ્ચિત રાખવા પુરુષને સહાય કરનાર આધુનિક પદ્ધતિમાં સ્પર્મ ફ્રીઝિંગ, શુક્રાણુ સંરક્ષણ સૌથી મહત્વની મેડિકલ અને ભાવનાત્મક સુરક્ષા તરીકે ઊભરી આવ્યું છે. પછી તે જીવનને પ્રભાવિત કરતી કેન્સર જેવી બીમારી હોય કે અંગત અથવા વ્યાવસાયિક કારણોસર પિતૃત્વ આઘુ ઠેલવાની યોજના હોય, સ્પર્મ  ફ્રીઝિંગથી પુરુષનું બાયોલોજિકલ પિતા બનવાનું સ્વપ્ન અકબંધ રહે છે, પછી ભલે ભાવિના ગર્ભમાં કંઈપણ હોય. વેળાસર વિશેષજ્ઞાોની સલાહ લેવી તેમજ યોગ્ય પગલા ભરીને ભવિષ્યમાં જૈવિક સંતાન પ્રાપ્તિની સંભાવના જાળવી રાખવા સ્પર્મ ફ્રીઝિંગ સૌથી બહેતરીન ઉપાય છે .

કેન્સરના દર્દીઓ માટે લાઈફલાઈન

વર્તમાન સમયમાં મોટી સંખ્યામાં પુરુષો વૃષણ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, રક્ત સંબંધી કેન્સર (લિમ્ફોમા, લ્યુકેમિયા), મોઢાના કેન્સર અને ફેફસાના કેન્સર જેવા વિવિધ પ્રકારના કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. એવામાં ઘણીવાર કીમોથેરેપી, રિડેયેશન થેરેપી અને સર્જરી જેવી કેન્સરની સારવાર દરમ્યાન શુક્રાણુ  ઉત્પાદન અને પ્રજનન અવયવ પ્રભાવિત થઈ શકે છે. જો કે, હમેંશા એવું થવાની સંભાવના નથી હોતી, પણ ઈલાજ પહેલા શુક્રાણુ સંરક્ષિત કરી લેવામાં આવે તો આગળ જતા પરિવાર વિસ્તારની સંભાવના જીવિત રહે છે.

સ્પર્મ ફ્રીિઝિંગનો સૌથી મહત્વનો ઉપયોગ કેન્સરની સારવાર લેતા પુરુષોની પ્રજનન ક્ષમતા જાળવી રાખવાનો છે. કીમોથોરપી, રેડિયેશન થેરપી અને અમુક પ્રકારની સર્જરી એક તરફ જીવન તો બચાવે છે, પણ તેની આડઅસર તરીકે શુક્રાણુ ઉત્પાદન અથવા પ્રજનન અવયવો પ્રભાવિત થઈ શકે છે. આ સારવાર અસ્થાયી અથવા કાયમી વંધ્યત્વ તરફ દોરી જાય છે જેના કારણે દર્દીઓને રિકવરી પછી કુદરતી રીતે પિતા બનવાની સંભાવના લગભગ નષ્ટ થઈ જાય છે.

પણ કેન્સરની સારવાર અગાઉ શુક્રાણુ સંરક્ષિત રાખીને પુરુષો તેમના સ્વસ્થ શુક્રાણુ તેની ગુણવત્તા શ્રેષ્ઠ હોય ત્યારે જાળવી શકે છે. જાળવી રખાયેલા સેમ્પલો વર્ષો સુધી સંગ્રહ કરી શકાય છે અને પછી યોગ્ય સમયે ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ) અથવા ઈન્ટ્રાયુટરીન એનસેમિનેશન (આઈયુઆઈ) જેવી પ્રજનન પદ્ધતિ માટે ઉપયોગમાં લઈ શકાય છે. આવા અગમચેતીના પગલાથી ઉગ્ર કેન્સર સારવાર પછી પણ પુરુષ પાસે જૈવિક બાળકો ધરાવવાનો વિકલ્પ બની રહે છે.

જો કે દુ:ખદ બાબત છે કે કેન્સરના દર્દીઓમાં સ્પર્મ ફ્રીઝિંગ બાબતે જાગરુકતા મર્યાદિત છે.  ઘણા પુરુષો સામાજિક બદનામીને કારણે અચકાય છે અથવા તો તેમને આ વિકલ્પની જાણ જ નથી હોતી. મેડિકલ નિષ્ણાંતોના મતે જાણકારીના અભાવના ગંભીર પરિણામ આવી શકે છે. વેળાસરની સલાહ અને નિર્ણય, કેન્સરની સારવાર શરૂ થવા અગાઉ, ભાવિમાં પરિવાર વિસ્તરણ માટે પુરુષની ક્ષમતા માટે અત્યંત મહત્વના સાબિત થઈ શકે.

વિલંબિત પિતૃત્વ માટે એક સ્માર્ટ પસંદગી

મેડિકલ કારણો ઉપરાંત સ્પર્મ ફ્રીઝિંગ વિલંબિત પિતૃત્વ ઈચ્છતા પુરુષો માટે પણ એક આદર્શ વિકલ્પ તરીકે ઊભરી આવ્યો છે. આધુનિક જીવનશૈલી, સમય અને પરિશ્રમ માગી લેતી કારકિર્દી અને બદલાતી પ્રાથમિકતાઓને કારણે આજના સમયમાં પુરુષો મોડેથી લગ્ન કરવાનું અથવા પરિવાર વિસ્તાર વિલંબથી, તેમની ચાલીસી અથવા પચાસ વર્ષની વયથી કરવાનો વિચાર કરતા હોય છે.

જો કે વિજ્ઞાને સાબિત કર્યું છે કે વધતી વય સાથે શુક્રાણુની ગુણવત્તા અને પુરુષોની પ્રજનન ક્ષમતા ઘટે છે. વૃદ્ધ શુક્રાણુઓમાં આનુવંશિક વિકૃતિ, ઘટેલી ગતિશીલતા અને સફળ ગર્ભધારણની ઓછી સંભાવના જેવા જોખમો રહે છે. પણ યુવા વયે શુક્રાણુ જાળવીને પુુરુષો તેના સ્વસ્થ તબક્કામાં જાળવી શકે છે. એનાથી પછીના તબક્કે ગૂંચવણનું જોખમ ઘટવા ઉપરાંત મનની શાંતિ પણ મળે છે. એક લાંબા ગાળાના રોકાણ તરીકે સ્પર્મ ફ્રીઝિંગ પુરુષોને તેમના ભાવિ પ્રજનન વિકલ્પો સુરક્ષિત રાખવાની તક આપે છે અને તેમણે વય સંબંધિત નુકસાનની ચિંતા નથી કરવી પડતી.

સરળ, સુરક્ષિત અને વૈજ્ઞાનિક પ્રક્રિયા

ઘણા લોકોની કલ્પનાથી વિપરીત સ્પર્મ ફ્રીઝિંગની પ્રક્રિયા સીધી, સાદી, સરળ અને પીડારહિત છે. શુક્રાણુના સેમ્પલ એકત્ર કરવાની શરૂઆત સાથે તેનું સંખ્યા, ગતિશીલતા અને આકારવિજ્ઞાન માટે વિશ્લેષણ કરવામાં આવે છે. એકવાર ખાતરી થયા પછી સેમ્પલને લગભગ -૧૯૬ ડીગ્રી સેલ્સિયસ જેટલા અત્યંત ઓછા તાપમાનમાં થીજેલા નાઈટ્રોજન પ્રવાહીમાં જાળવવા જેવી વિશેષ જાળવણી પ્રક્રિયા કરવામાં આવે છે.

આટલા ઓછા તાપમાનમાં તમામ જૈવિક ગતિવિધિ થંભી જાય છે અને શુક્રાણુ જાણે સમયમાં સ્થગિત થઈ જાય છે. આ સેમ્પલો વર્ષો સુધી, ક્યારેક તો દાયકાઓ સુધી તેમની ગર્ભાધાન ક્ષમતા ગુમાવ્યા વિના સધ્ધર રહી શકે છે.જ્યારે થીજવેલા શુક્રાણુનો ઉપયોગ કરવાનો સમય આવે ત્યારે સેમ્પલને પીગાળીને ફરી તેનું પરીક્ષણ કરવામાં આવે છે.

આ ટેકનોલોજી પુરુષોને અભૂતપૂર્વ સુગમતા પ્રદાન કરે છે, પુરુષો એકથી વધુ સેમ્પલો જાળવી શકે છે, જરૂર મુજબ તેના સમયગાળાનું નવીનીકરણ કરી શકે છે અથવા પછીના સમયે જરૂર ન હોય તો તેનો નિકાલ પણ કરી શકે છે. પ્રજનન નિષ્ણાંતો પ્રત્યેક તબક્કામાં પુરુષોનું માર્ગદર્શન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેમને માહિતી મેળવવામાં સહાય કરી શકે તેમજ તેમના પ્રજનન ભાવિ બાબતે વિશ્વસનીય નિર્ણયો લેવામાં સહાય કરી શકે છે.

સંકોચ દૂર કરીને ભાવિ સુરક્ષિત કરવું

સ્પર્મ ફ્રીઝિંગના આટલા સ્પષ્ટ લાભ હોવા છતાં આજના સમયમાં પણ અનેક પુરુષો શુક્રાણુ સંરક્ષણ વિશે વાત કરવામાં સંકોચ અનુભવે છે અથવા ભયને કારણે આગળ નથી આવતા. ઘણા પુરુષો પ્રજનન અથવા શુક્રાણુ જાળવણી વિશેની ચર્ચાને નબળાઈ અથવા શરમ સાથે સાંકળે છે.  પરિણામે અગણિત પુરુષો તેમની ભાવિ ખુશીને સુનિશ્ચિત કરવામાં અસફળ રહે છે.  આ સંકોચ અને આશંકા છોડીને યોગ્ય સમયે નિર્ણય કરવો જરૂરી છે. આ પ્રક્રિયા અપનાવીને પુરુષ નિશ્ચિંત બનીને પોતાના સ્વાસ્થ્ય અને ઉપચાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, કારણ કે તેઓ નિશ્ચિત બની જાય  છે કે ભાવિમાં પણ પરિવાર વિસ્તારની તેમની આશા સુરક્ષિત છે.

પ્રજનન ક્ષમતા જાળવી રાખવાની બાબત નબળાઈ નહિ પણ દૂરંદેશી છે જાણી લેવું જરૂરી છે. જેવી રીતે વ્યક્તિ પોતાની મિલકત, આરોગ્યની સુરક્ષા કરે છે તેવી રીતે પોતાની પ્રજનન ક્ષમતા  સુનિશ્ચિત કરવાની બાબત સમજદારી  અને જવાબદારીભર્યો વિકલ્પ છે. હાલના સમયમાં  પ્રજનન સારવાર તેમજ શિક્ષણ અને જાગરુકતા અભિયાનો દ્વારા સમાજ આ બાબતે વધુ ઉદાર બન્યો છે જેના પરિણામે ધીમે ધીમે વધુને વધુ પુરુષો આ ગેરમાન્યતામાંથી બહાર આવી રહ્યા છે.

પુુરષો માટે શુક્રાણુ સંરક્ષણ આજના સમયમાં એક સ્માર્ટ અને દૂરંદેશી યોજના છે. ચિકિત્સાનું કારણ હોય કે  પછી જીવનશૈલીની પ્રાથમિકતા હોય, શારીરિક અને માનસિક બંને દ્રષ્ટિએ આ આત્મવિશ્વાસ અને સુરક્ષા બક્ષે છે. સચેત પગલા, સમય પર યોગ્ય સલાહ અને નાનકડી તૈયારી, ભવિષ્યના સ્વપ્નોને સંભાળીને રાખવામાં મદદ કરી શકે છે.

સ્પર્મ ફ્રીઝિંગ એક મેડિકલ પ્રક્રિયાથી ઘણી વધુ છે, તે આશા, વિકલ્પ અને સશક્તિકરણનું પ્રતીક છે. નિષ્ણાંતોનો સંદેશ સ્પષ્ટ છે, ખૂબ મોડુ થાય ત્યાં સુધી રાહ ન જુઓ.

 - ઉમેશ ઠક્કર