ચોમાસામાં વાળની ખાસ સંભાળ
વરસાદના ભેજવાળા વાતાવરણને લીધે ત્વચા પણ તૈલી થઈ જાય છે ત્યારે જો વાળમાં તેલ હશે તો ભેજને લીધે થતો પસીનો અને તેલ ભળીને વાળને કમજોર બનાવી દેશે.
વાળ અને સ્કિનની દ્રષ્ટિએ સૌથી ખરાબ સીઝન એટલે મોન્સૂન. વરસાદના ભેજ અને તૈલી વાતાવરણમાં જેટલી પોતાની કેર કરવી પડે છે એટલી બીજી કોઈ સીઝનમાં નથી કરવી પડતી. સ્કિનકૅર તો જો કે મોટા ભાગે થઈ જાય છે, પણ વાળ પ્રત્યે જોઈએ એટલું ધ્યાન નથી અપાતું. પસીનાની તકલીફ ભલે ઉનાળામાં વધારે થતી હોય, પણ એનો ત્રાસ વરસાદમાં વધારે થાય છે. વાળને ન તો સારી રીતે બાંધી શકાય કે ન તો ખુલ્લા રાખી શકાય. વાળની આ તકલીફ કેવી રીતે દૂર કરી શકાય એ જોઈએ.
વાળની સફાઈ
લોકો સામાન્ય રીતે વાળને અઠવાડિયામાં બે કે ત્રણ વાર ધોવાનું પસંદ કરે છે જે બીજી સીઝન માટે ઓકે ગણાય, પણ જાણીતા હેર- એક્સપર્ટ જાવેદ હબીબના જણાવ્યા મુજબ ખાસ મોન્સૂનમાં રોજ વાળ ધોવા જરૂરી છે. આ વિશે જાવેદ કહે છે, 'ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં વાળ જેટલા સાફ રહેશે એટલા જ સ્વસ્થ રહેશે. એ માટે વાળમાં શેમ્પૂ કરવું જરૂરી છે. ચોમાસામાં વાળમાં થતી સૌથી મોટોે પ્રોબ્લેમ એટલે કે ડેન્ડ્રફ. એ માટે વાળને એન્ટિ - ડેન્ડ્રફ શેમ્પૂથી નહીં પણ સાદા શેમ્પૂથી જ ધોેવા, કારણ કે જો વાળ સાફ રહેશે તો એમાં ડેન્ડ્રફ થશે જ નહીં.
વાળમાં તેલ
વાળને હેરમસાજ આપવો જરૂરી છે, પણ વરસાદમાં નહીં. વરસાદના ભેજવાળા વાતાવરણને લીધે ત્વચા પણ તૈલી થઈ જાય છે ત્યારે જો વાળમાં તેલ હશે તો ભેજને લીધે થતો પસીનો અને તેલ ભળીને વાળને કમજોર બનાવી દેશે. આ વિશે જાવેદ હબીબ સલાહ આપતા કહે છે, 'વાળ નાના હોય કે મોટા, એમાં ચોમાસા પૂરતું તેલ ન જ નાખવામાં આવે તો સારું કારણ કે કમજોર વાળ તૂટે છે અને વાળમાં ભીનાશ રહેશે તો ડેન્ડ્રફની પણ તકલીફ થવાની જ છે. એટલે વાતાવરણમાં જે તેલ છે એના સિવાય વાળમાં વધુ તેલ ન ઉમેરો.'
હેરકટ અને હેરસ્ટાઈલ
ચોમાસામાં હેરકટ થોડી સ્ટાઈલીશ કરાવી શકાય. વાલમાં સ્ટેપ્સ હોય તો વાળ બાઉન્સી લાગે છે તેમ જ થોડી સ્ટાઈલ લાગે છે. આગળથી ફ્લિક્સ કે ફ્રિન્જિસ કરાવી શકાય. વાળ મોટા હોય કે નાના, એને બાંધીને ન રાખવા. આ માટે જાવેદ ઍડ્વાઈઝ આપતાં કહે છે, 'વાળને જો બાંધવા જ હોય તો ખૂબ લૂઝ બાંધવા. વાળ ખૂબ નાજુક હોય છે એટલે એના પર ક્લિપ્સ કે રબરબેન્ડનું પ્રેશર ન પડવું જોઈએ.
થોડા પ્રેશરથી પણ વાળ ડેમેજ થઈ જશે. વાળમાં કોઈ પણ પ્રકારની સ્ટાઈલિંગ પ્રોડક્ટ્સ ચોમાસા દરમિયાન ન વાપરવી. જેલ, મૂસ જેવી પ્રોડક્ટ્સ પર વરસાદનું પાણી પડતાં કે ભેજવાળા વાતાવરણમાં જતાં એ વાળને નુકસાન કરે છે. ચોમાસામાં વાળ બને એટલા નેચરલી સ્ટાઈલ કરવા અને જો કોઈ પાર્ટી ખાસ પ્રસંગ માટે વાળમાં સ્ટાઈલિંગ કરવું જ પડે તો ફક્ત બ્લો-ડ્રાય કરાવવું, કારણ કે એસીમાં સ્ટાઈલીંગ કરીને બહાર આવ્યા પછી વાળની હાલત પાછી હોય એવી જ થઈ જાય છે.