ટી-શર્ટને આજની યુવા પેઢીએ દિલથી અપનાવ્યું છે. શાળા - કોલેજોના વિદ્યાર્થીઓમાં સ્લોગન લખેલા ટી-શર્ટ પહેરવાનો જબરો ક્રેઝ છે. સ્ટુડન્ટસ એવું માને છે કે આવા પ્રકારના ટી-શર્ટ પહેરવાથી નોખું તરી અવાય છે. એટલું જ નહીં પણ ઘણી વખત તો ટી-શર્ટ પર એવું બધું લખ્યું હોય છે કે મુખેથી કશું બોલ્યા વગર જ દિલની વાત સીધી દિલ પરથી જ વાંચી લઈને છોકરા - છોકરીઓમાં દોસ્તી બંધાઈ જાય છે. જેમકે, 'હોપ યૂ લાઈક મી, ઈફ યસ ધેન ગિવ સ્માઈલ.'
બોરીવલીના અક્ષયનું કહેવું છે કે હું સાધારણ વિદ્યાર્થી બની રહેવા નથી માગતો હું મારી પ્રતિભાને ખાસ પ્રકારે વ્યક્ત કરું છું, તે માટે ટી-શર્ટ મારું ફેવરિટ છે.
જ્યારે કિરણ, સ્વાતિ, ડોલી, દેવાંગ અને પ્રિયમ પણ કેમ્પસમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેવા માટે જુદા જુદા સ્લોગનવાળા ટીશર્ટ પહેરવાનું પસંદ કરે છે.
આ બાબતે વાલીઓ તથા પ્રિન્સિપલોનો મત જાણવાની કોશિશ કરતા બધાએ જુદી જુદી રીતે પોતાના અભિપ્રાયો આપ્યા હતા. કેટલાક વાલીઓ દ્વિઅર્થી સ્લોગનોની બિલકુલ વિરોધમાં છે. જ્યારે કેટલાક કહે છે કે બાળકોની પસંદગીનું પણ ધ્યાન રાખવું પડે છે. કેટલાક મા-બાપ તો સ્લોગન લખેલા ટી-શર્ટને ફેશન ગણીને ચલાવી લે છે. શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા એક આગેવાન તો સ્લોગન લખેલા ટી-શર્ટનો એટલી હદે વિરોધ કરે છે કે તેમના મતે દ્વિઅર્થી, અર્થવગરના અને સાવ બકવાસ સ્લોગન લખેલા ટી-શર્ટ પર પ્રતિબંધ મુકાવો જોઈએ. તેમનું કહેવું છે કે યુવાનો આ સમાજનું ભવિષ્ય છે, એ જ જો આવા અર્થવગરના સ્લોગનોવાળા ટી-શર્ટ ધારણ કરશે તો સમાજમાં શું સંદેશ જશે, સમાજનું ભવિષ્ય કેવું નિર્માણ થશે!એક બાજુ યુવા વર્ગ વિવિધ પ્રકારના ટી-શર્ટ દ્વારા તન-બદનના પ્રદર્શન સાથે બિભત્સ સ્લોગન લખેલા ટી-શર્ટ પહેરવા પસંદ કરે છે ત્યારે સમાજમાં એવો પણ સૂર છે કે યુવાઓ પોતાને અલગ દેખાડવાની હોડમાં એ જોતા નથી કે જે સ્લોગન તેના ટી-શર્ટ પર લખ્યું છે તેનો પ્રભાવ તેમના વ્યક્તિત્વ પર પણ પડે છે. શોખ હોય અને ફેશન હોય તો સારા પ્રેરણાદાયી સ્લોગનવાળા ટી-શર્ટ પહેરવા જોઈએ.
મોટા ભાગની શિક્ષણ સંસ્થાઓ આવા દ્વિઅર્થી સ્લોગનોવાળા ટી-શર્ટના વિરોધમાં છે. તેમનું કહેવું છે કે શિક્ષણ સંસ્થાઓમાં તો તેઓ આવા ટી-શર્ટ પહેરવા પર પ્રતિબંધ મુકી શકે છે પરંતુ કેમ્પસની બહાર આવા ટી-શર્ટ પહેરતા યુવાવર્ગને રોકશે કોણ?


