Get The App

સોનમ બાજવા: ફિલ્મોની સંખ્યા કરતાં રોલની ગુણવત્તા વધુ મહત્ત્વની

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
સોનમ બાજવા: ફિલ્મોની સંખ્યા કરતાં રોલની ગુણવત્તા વધુ મહત્ત્વની 1 - image

- 'ઓટીટી મહિલા કલાકારોને વધુ દમદાર અને જટિલ ભૂમિકાઓ ઓફર કરે છે. સતત વિકસી રહેલા આ ડિજિટલ પ્લેટફોર્મ પર કલાકારોને કથાનકો અને બહુસ્તરીય પાત્રો સાથે પ્રયોગ કરવાની તક મળે છે.'

સોનમ બાજવા રચનાત્મક જોખમો લેવાની ઈચ્છા સાથે આત્મવિશ્વાસનું મિશ્રણ કરીને ભારતીય સિનેમામાં એક ગતિશીલ બળ તરીકે ઊભરી રહી છે. તેની છેલ્લી ફિલ્મ 'એક દીવાને કી દીવાનિયત' તેની સફરમાં એક નવો કીર્તિમાન બની છે. 

સોનમ  જણાવે છે કે તે એક ગાઢ રીતે ડ્રામાટીક અને ભાવનાત્મક પ્રોજેક્ટ હતો જેણે તેને તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢી. અદાના પાત્રના ચિત્રણ માટે તેણે અગાઉ ક્યારેય ન અપનાવી હોય એવી તીવ્રતા દર્શાવવાની હતી. એક કલાકાર તરીકે અપરિચિત ક્ષેત્રમાં ડગ માંડવા ભયાવહ હોય છે, પણ સોનમે આ પડકાર ખુલ્લા દિલે ઝીલી લીધો. સોનમ કબૂલ કરે છે કે ફિલ્મમાં ઊંચા ભાવનાત્મક સ્તર માટે હિંમતની જરૂર હતી, પણ આખરે આ ફિલ્મે તેને સંતોષકારક અનુભવ આપ્યો. આ રોલમાં તેની કુશળતાની પરીક્ષા થવા ઉપરાંત તેની વિવિધ શૈલી અને જટિલ પાત્રો સાથે પ્રયોગ કરવાની ઈચ્છા પણ પ્રબળ બની.

પોતાની પ્રારંભિક કારકિર્દીને યાદ કરતા સોનમ કબૂલ કરે છે કે એ સમયે કેટલી અનિશ્ચિતતા અને આત્મ-સંશયની પળો આવી હતી.  આ તબક્કા દરમ્યાન ધૈર્ય તેનો સૌથી મહત્વનો સાથી બન્યો. તેણે પોતાની ઈચ્છા મુજબના રોલ મળે ત્યાં સુધી રાહ જોતી વખતે પોતાની કળાને ધારદાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.  સોનમ બાજવાની કારકિર્દીમાં સૌથી નિર્ણાયક પાસુ હતુ કે તેનું પ્રાદેશિક સિનેમા અને  બોલીવૂડ વચ્ચે સાહજિક રીતે સંક્રમણ.  તેને બંને ક્ષેત્રોમાં વિશિષ્ટ રચનાત્મક સંતોષ મળ્યો. ખાસ કરીને પંજાબી પ્રાદેશિક ફિલ્મોએ તેને સંસ્કૃતિમાં મૂળ ધરાવતી વાર્તાઓ ઓફર કરી જે વિશિષ્ટ દર્શકોને પસંદ આવી. આ કથાનકો મોટાભાગે પરિચિત સેટિંગ અને શૈલી આસપાસ ફરતા, ખાસ કરીને તેમાં કોમેડી મુખ્ય રહેતી, જેને બાજવાએ અનેકવાર અપનાવી.

બીજી તરફ બોલિવુડમાં તેને વધુ વ્યાપક મંચ અને વૈવિધ્યસભર વાર્તાઓ ઓફર થઈ. હિન્દી સિનેમામાં ભૂમિકાઓનો વ્યાપ, વિવિધતા અને જટિલતાએ તેને એક પરફોર્મર તરીકે પ્રયોગ કરવાની તેમજ પ્રગતિ કરવાની તક આપી. આ વધારાના મંચે તેની કલાત્મક સફરને વધુ સમૃદ્ધ કરી.

સોનમ જેમ જેમ પ્રગતિ કરી રહી છે તેમ તે પોતાના રોલની પસંદગી બાબતે વધુને વધુ ચિવટ રાખતી થઈ છે. સોનમના મતે અર્થસભર કાર્ય ન હોય તો વિઝિબિલિટી અને પ્રસિદ્ધિ ટકતા નથી. તેનું કેન્દ્ર દર્શકો પર કાયમી છાપ છોડે તેવા પાત્રોની પસંદગી તરફ વળ્યું છે. સોનમ કબૂલ કરે છે કે સ્ક્રીન હાજરી ઉપરાંત કોન્ટેન્ટ પણ મહત્વનો છે. આથી જ તે ફિલ્મની તાત્કાલિક સફળતાથી આગળ યાદ રહે તેવા પરફોર્મન્સનું લક્ષ્યાંક રાખે છે. આ અભિગમ નિર્ણય કરવામાં તેની પરિપકવતા દર્શાવે છે જેમાં તે ટૂંકા ગાળાની માન્યતાના સ્થાને લાંબા ગાળાના પ્રભાવને પ્રાથમિકતા આપી રહી છે.

સોનમ બાજવાની અભિનય ફિલસૂફીનું મહત્વનું ઘટક છે ભાવનાત્મક મૌલિકતા વિશે  તેનો આગ્રહ.  સોનમના મતે પડદા પર અને પડદાની બહાર ભાવનાઓ સાથે પ્રમાણિક રહેવું વાસ્તવિક પાત્રોની રચના માટે મહત્વનું છે. મજબૂત સ્ક્રીન હાજરી સાથે ભાવનાત્મક સંવેદનશીલતાનું મિશ્રણ કરવાની તેની ક્ષમતા જ તેને એક પરફોર્મર તરીકે અલગ પાડે છે.

વર્ષો દરમ્યાન સોનમ બાજવા માટે સફળતાની વ્યાખ્યામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. અગાઉ તેના મતે સફળતાનો અર્થ બહુવિધ પ્રોજેક્ટો પર સતત કામ કરવું અને વ્યસ્ત રહેવાનો થતો. જો કે તેના અનુભવે આ અભિગમ બદલી નાખ્યો છે. આજે સોનમ માને છે કે કાર્યની સંખ્યા કરતા રચનાત્મક સંતોષ વધુ મહત્વનો છે. સોનમ માટે અર્થસભર વાર્તા અને અંગત સંતોષ મળતા હોય તો એક ફિલ્મ પણ પૂરતી છે. આ પરિવર્તનમાં સોનમની કળાની સમજ અને કલાત્મક મૂલ્યો સાથે કારકિર્દીને જોડવાની તેની ઈચ્છા વ્યક્ત થાય છે.

આગળ જોતા સોનમ ઓટીટી મંચ પર પણ તકો શોધવા તત્પર છે. સોનમ માને છે કે ઓટીટી મંચ મહિલા કલાકારોને વધુ દમદાર અને જટિલ ભૂમિકાઓ ઓફર કરે છે. સતત વિકસતા ડિજિટલ લેન્ડસ્કેપે વાર્તા કહેવાના અનેક માર્ગ શોધી કાઢ્યા છે જેના કારણે કલાકારોને બિનપરંપરાગત કથાનકો અને બહુસ્તરીય પાત્રો સાથે પ્રયોગ કરવાની તક મળે છે. સોનમ આ પરિવર્તનનો હિસ્સો બનવા બદલ ઉત્સાહી છે અને તેને અર્થસભર તેમજ પ્રભાવશાળી કાર્ય પ્રત્યે તેની પ્રતિબદ્ધતાના એક વિસ્તરણ તરીકે જુએ છે.