કેટલાંક જરૂરી કામ માટે ખાસ તાલીમની જરૂર રહે છે એ વાત તમે જાણો છો જ. બહુ ઓછા લોકો એવા મળશે જેમને પૈસાની દેખભાળ અથવા ખર્ચ કરવાના સંદર્ભમાં તાલીમ અપાઈ હોય તથા તેનાથી પણ ઓછા એવા લોકો મળશે જેને લગ્ન સફળ બનાવવા માટેની પ્રાથમિક તાલીમ કે અભ્યાસ કરાવાયો હોય. આ બધી વાત આપણે આપણા વડીલો પાસેથી શીખીએ છીએ જે તેમના વડીલો પાસેથી તાલીમ પામેલા હોય છે.
સફળ લગ્નજીવનની ઇચ્છા ભલા કોને ન હોય? આજનો યુવા વર્ગ જેને એક પડકાર માની બેઠો છે એવી પણ આ વાત નથી. જ્યારે લગ્ન સફળ થાય છે તો તેને આનંદ આવે છે, જેનાથી પતિ-પત્ની બંને વચ્ચે ઊર્જાનો સંચાર થાય છે. પરંતુ લગ્નજીવન થોડાં વર્ષોમાં રેતીના મહેલની જેમ તૂટી પડે છે ત્યારે બંને એકાકીપણાનો અને અપમાનનિત થયાનો અનુભવ કરવા લાગે છે.
તમે તમારા લગ્નને કેટલાક સફળ કે નિષ્ફળ બનાવો છો એનો આધાર સ્વયં તમારા પર નિર્ભર કરે છે, જેની સીધી અસર તમારાં બાળકોના આત્મવિશ્વાસ તથા કેવા પ્રકારની સ્થિતિમાં તેઓ તાલમેળ બેસાડી શકે છે તેના પર રહે છે.
વાતનો દોર ચાલુ રાખતા ચાલો તમને કેટલીક કિંમતી ચાવી બતાવી એ જે તમારા જીવનને સરળ, સફળ અને સુખી બનાવી શકે.
સમય તેની આંગળી પર સૌને નચાવતો રહે છે. સમયસર ઓફિસે જવું, કામ પૂરું કરવું, ઓફિસમાં મીટિંગમાં હાજરી આપવા જેવી અગણિત વાતોમાં માનવી ફસાઈ જતો હોય છે. લગ્ન, ઘર તથા બાળકો તેમના સૂચિક્રમમાં છેક છેલ્લે આવે છે. એટલે કાર ચલાવતી વખતે પતિપત્ની એકબીજા સાથે સમય કાઢી શકે છે, જેનાથી અંતર વધતું જાય છે.
વડીલોનું કહેવું છે કે જો તમે ઇચ્છો કે વૃક્ષ સારું ફળ આપે તો તેની દેખરેખ પણ આવી જ કરો. એટલા માટે લગ્નને સફળ બનાવવા માટે એકબીજા માટે સમય ફાળવવો રહ્યો. તમે સંયુક્ત કુટુંબમાં ભલે રહેતાં હો, અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર તો બિલકુલ એકલાં મતલબ બાળકોને પણ સાથે ન રાખીને, ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ બનાવી કાઢો.
યાદ રાખો, સમય જ મહત્ત્વનો છે એટલે અત્યારથી જ સાવધાન થઈ જાવ.
આજના ભૌતિકવાદના જમાનામાં માનવી એ ભૂલી ગયો છે કે તે અસલમાં ઇચ્છે છે શું? ખાસ કરીને લગ્ન પછી જીવન કે જીવનસંગિની પાસેથી એની શું અપેક્ષાઓ રહે છે.
જો તમારી સાથે એવું કશુંક બની રહ્યું હોય તો આવો તે માટે તમને એક સરળ ઉપાય બતાવું. એક કાગળ પર તમે તમારું ધ્યેય સ્પષ્ટ લખો. તે એવી જગ્યાએ ચિપકાવો જ્યાં રોજ તમારી નજર પડે. જેમ કે ડ્રેસિંગ ટેબલના અરીસા પર અથવા બાથરૂમમાં કશીક જગાએ. એ રીતે તમે રોજ તેને વાંચતા રહેશો તો ઊંડો અભ્યાસ કરવા લાગશો તથા તમને એ સ્પષ્ટ થઈ જશે કે તમે જીવનમાં શેની ઇચ્છા રાખો છો. બસ, આ રીતે તમારું વર્તન એની સમાન બનતું જશે.
તેની આખી ઉંમર પ્રેમભર્યા સપનાં જુઓ છો. પતિ અને બાળકો સાથે ખુશખુશાલ કુટુંબજીવનની ઇચ્છા રાખો છો તો તમે એને સંપૂર્ણ કરવાનો પ્રયાસ કરો. આવી સ્થિતિમાં માર્ગ આપોઆપ ખુલ્લો થતો જશે. તમે તમારા પતિની ટીકા નહીં કરો. ટીકા માત્ર ગુસ્સો વધારે છે, જેનાથી સંબંધોમાં અંતર પેદા થાય છે. પછી સંબંધો તૂટીને વિખરાવા લાગે છે જેને ક્ષણની પણ વાર લાગતી નથી.
સૌથી મહત્વની વાત તમારા જીવનસાથી પર ધ્યાન આપવાની છે. તમે તમારા જીવનસાથી પાસેથી શેની અપેક્ષા રાખો છો, એ વાત તમારા મનમાં સ્પષ્ટ કરી લો તથા એ પ્રમાણે બનવાનો પ્રયાસ કરો અને સફળ લગ્નજીવન જીવવાનો આનંદ મેળવો.
મોટા ભાગે એવું બનતું હોય છે કે આપણે જેવું વિચારીએ છીએ તેવું બીજી વ્યક્તિને જાણ્યા સમજ્યા વિના તેના પર અભિપ્રાય આપવાનું શરૂ કરીએ છીએ. જો આપણે એવું વિચારતા હોઈએ કે મારો પતિ કે મારી પત્નીને મારી જરા પણ પરવા નથી (આ એક ભ્રમ માત્ર છે) તો વરગવિચાર્યે ગુસ્સો કરવા લાગીએ છીએ અને ચીડિયા બની જઈએ છીએ. એવામાં બીજાને આપણે વગર વાંકે ભાંડવા લાગીએ છીએ.
હા, જો તમે એવું માનીને ચાલો કે તમારા પતિ અથવા પત્ની ખૂબ જ સારા છે અને તેના પ્રત્યેક કાર્યને સહર્ષ લેશો તો એવું પણ બને કે તેનો પ્રતિભાવ સારો મળે.
પ્રત્યેક વ્યક્તિની આવી ઇચ્છા હોય છે કે એ એ જ સાંભળે છે જે એ વિચારે છે પછી ભલે એ વિચાર નકારાત્મક કેમ ન હોય, આવું મનોવૈજ્ઞાાનિકોનું માનવું છે. કાયમ તમારા જીવનસાથી વિશે સકારાત્મક દ્રષ્ટિકોણ જ રાખો.
ભેટ આપો :- કહે છે કે હનીમૂનથી પાછા ફરેલાં યુગલ બીજી વાર યુવાવસ્થાનો અનુભવ કરે છે તથા બાળક જેવી હરકત કરવા લાગે છે તે એક બીજા પાસેથી 'પહેલા તું..... પહેલાં તું'ની ઇચ્છા રાખવા લાગે છે જેમ કે પત્ની પોતાના પતિને ભેટ આપવા ઇચ્છે છે, પરંતુ એ વિચારે છે કે ભેટ આપવાની પહેલ પતિ કરે, પરંતુ આ વિચાર ખોટો છે. આ રીત તો રમતમાં જે રીતે રાહ જોવાની રહે છે એવું બને છે. જે મહિના તો શું ઘણાં વરસો સુધી ચાલી શકે છે. 'હું સાચો છું, સાચી છું' એવો વિચાર પણ યોગ્ય નથી. જેના કારણે લગ્નજીવન તૂટી શકે છે. પોતાના સંબંધને યોગ્ય રાખવા માટે સક્રિય ભૂમિકા અદા કરવી રહી, તો જ લગ્ન જીવનનો પાયો મજબૂત બનશે.
લગ્નને સફળ બનાવવા માટે એક ખાસ ચાવી છે પરસ્પર વાર્તાલાપ. પતિપત્ની વચ્ચે વાતચીત થવી ખૂબ જરૂરી છે. જો બંનેમાં નિરંતર વિચારોની આપેલ થતી રહે તો લગ્નનું નાજુક બંધન વધુ મજબૂત થઈ શકે છે.
એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ એવું તારણ બહાર આવ્યું છે કે મોટા ભાગના લગ્ન ભાંગી પડવાનાં મુખ્ય કારણોમાં પતિપત્ની વચ્ચે વાતચીતનો અભાવ, વિચારોમાં મતમતાંતર ગેરસમજ દૂર કરવા વાતચીત દ્વારા ફરીથી સંબંધોને નવો ઓપ આપી શકાય છે. ઉત્તમ એ બની રહેશે કે જો તમારા જીવનસાથીની વાત પૂરી રીતે સાંભળીને જ કશો જવાબ આપો જો કશી ગેરસમજ હશે તો તે જ સમયેસ્પષ્ટ કરી લેશો. ક્યારે પણ બીજાના મનને વાંચવાનો પ્રયાસ કરશો નહીં. એવું પણ ન પ્રગટ થવા દેશો કે તમે બધું સમજો છો.
સમાન અધિકાર : એક બીજાના પૂરક બનો. લગ્ન પછીના આરંભના દિવસોમાં ખાસ કરીને આવો અહેસાસ ખૂબ જરૂરી છે કે તમે એકબીજાનો આદર કરો છો. આ વાત વિશ્વાસને મજબૂત બનાવે છે તથા એક અતૂટ બંધનમાં બાંધે છે. પ્રયાસ કરજો કે એકબીજાને નીચા જોવાનો વારો ન આવે. તમારા અરસપરસના વિશ્વાસને દાવ પર લગાવશો નહીં.
સકારાત્મક નજરથી જોશો : એ વાત નક્કી માનજો કે તમારા કહેવાથી કોઈ તેમનો વ્યવહાર બદલશે નહીં. વિચારો, પચ્ચી-છવ્વીસ વરસથી ચાલ્યો આવતો વ્યવહાર શું તમે એક કે બે દિવસમાં બદલી શકશો? ઉત્તમ તો એ રહેશે કે જ્યારે તમે તેને કશુંક સારું કામ કરતા જુઓ તો તેની પ્રશંસા કરશો અને પ્રોત્સાહન આપો. પછી ભલેને દસમાંથી એ બે જ કેમ ન હોય. તેના સકારાત્મકતા પર વધુ ધ્યાન આપો. આમ કરવાથી તેના નકારાત્મક ભાવ પર ધ્યાન જશે નહીં અને એવું પણ બની શકે કે પ્રોત્સાહન મેળવી તે પોતાને બદલી નાખે. આનંદમાં રહેજો : નાજુક સંબંધોને સારા વર્તનથી તથા સંયમિત વ્યવહારથી વધુ મજબૂત બનાવો. હસીમજાક તથા થોડી મશ્કરીનો માહોલ ઘરમાં બનાવી રાખવો જરૂરી છે. તાણભરી સ્થિતિમાં પણ સંયમથી કામ લેવું.
લગ્ન પહેલાંના દિવસોમાં લગ્ન જીવનને ખુશખુશાલ બનાવવાના વિચાર કર્યા હોય તો તેને યાદ કરજો, તમે સૌથી છુપાવીને ફિલ્મ જોવા જતા હતા, ફરવા જતા હતા, રેસ્ટોરન્ટમાં જતા હતા વગેરે.
વિચારો કેટલો આનંદ મળશે લગ્ન પહેલાંના કરેલા આચરણને યાદ કરીને? લગ્ન પછી વિતેલા દિવસોને ફરી તાજા કરી મજા લૂંટી શકશો.
- હિમાની વૈદ્ય


