Get The App

નરમ-મુલાયમ-સુંવાળુ મખમલ

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
નરમ-મુલાયમ-સુંવાળુ મખમલ 1 - image


- વૈભવી-સેક્સી લુકનો પર્યાય

ફેશન ડિઝાઈનરોએ તેમની પ્રથા-પરંપરા-ટેવ અનુસાર ફેશનના ચક્રને ગુમાવ્યું અને આ વર્ષે તે વેલ્વેટ પર આવીને અટક્યું. અલબત્ત, રાજસી ઠાઠ આપતું આ ફેબ્રિક હમેશાંથી લોકોને આકર્ષતું રહ્યું છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે વેલ્વેટ ફક્ત શ્રીમંતોની જાગીર ગણાતું. સામાન્ય લોકો આ ફેબ્રિકના વસ્ત્રો પહેરવાનું વિચારી સુધ્ધાં નહોતા શકતાં. પણ બદલાયેલા સમય સાથે મખમલ હવે ધનવાનોની ચુંગાલમાંથી બહાર આવીને જનસામાન્ય સુધી પહોંચ્યું છે. થોડાં વર્ષ પહેલા આ સુંવાળા-સેક્સી મટિરિયલે લોકોને ઘેલું લગાડયું હતું. અને આ વર્ષે વેલ્વેટે ફેશનનો રાજમાર્ગ સર કર્યો છે.

ફેશન ડિઝાઈનરો કહે છે કે વેલ્વેટના પોશાક હવે માત્ર ઈવનિંગવેઅર સુધી સીમિત નથી રહ્યાં. આ મટિરિયલમાંથી બનાવેલા પરિધાન ઇવનિંગ પાર્ટીોથી લઈને ફોર્મલવેઅર સુધી ફેલાયાં છે. તમે તે બ્રંચ તેમ જ લંચ પાર્ટીમાં પણ પહેરી શકો છો. દિવસ દરમિયાન વેલ્વેટના ટોપ ડેનિમ સાથે અને વેલ્વેટની બોટમ લેસ ફેબ્રિકના ટોપ સાથે ધ્યાનાકર્ષક બની રહેશે. તેઓ વધુમાં કહે છે કે એક તબક્કે વેલ્વેટમાંથી માત્ર ઈવનિંગ ગાઉન, ચુસ્ત પેન્ટ, ડિઝાઈનર સાડી ઇત્યાદિ બનાવવાની પ્રથા હતી. પણ હવે તેમાંથી દિવસ દરમિયાન પહેરવા એકદમ ખુલતા શર્ટ, શોર્ટ્સ, સ્કર્ટ્સ બનાવવામાં આવે છે.

જોકે આ ફેબ્રિકની મઝા તેના રંગોમાં છે. શાહી લુક આપતાં મરૂન, લાલ, ઘેરા લીલા, જાંબુડી, શ્યામ જેવા રંગના ઇવનિંગ ગાઉન તો પામેલાઓની પ્રથમ પસંદ રહ્યાં જ છે. સાથે સાથે હવે પુરૂષો પણ ઈવનિંગ  પાર્ટીઓ, વેડિંગ રીસેપ્શન તેમ જ લગ્નને લગતાં સંગીત જેવા કાર્યક્રમોમાં વેલ્વેટની જેકેટ, બંધ ગળાની શેરવાની, હળવા ફેબ્રિકના શર્ટ સાથે વેલ્વેટની પેન્ટ ઇત્યાદિ પહેરવા માંડયું છે.

અહીં હળવા ફેબ્રિકની વાત ચાલી રહી છે ત્યારે એ સમજવું જરૂરી છે કે વેલ્વેટ સ્વયં અત્યાકર્ષક ફેબ્રિક હોવાથી તેની સાથે ઉપયોગમાં લેવાતું કે પહેરાતું અન્ય ફેબ્રિક હળવું જ હોવું જોઈએ. બે ભારે ફેબ્રિક એકસાથે પહેરવા જતાં બંને પોતાના આકર્ષણ ગુમાવી બેસશે. જેમ કે તમે વેલ્વેટમાં લેયરવાળો પોશાક ડિઝાઈન કરવા માગતા હો તો લેયર માટે લેસ મટિરિયલ, નિયમિત રીતે પહેરવામાં આવતું અન્ય કોઈ ફેબ્રિક ઉપયોગમાં લઈ શકો. પરંતુ તેને સિલ્ક સાથે લેયર ન કરી શકાય. સાડીમાં પણ પાટલી-પાલવ ડિઝાઈન કરતી વખતે પાટલી અને પાલવના હિસ્સામાં વેલ્વેટ મટિરિયલનો ઉપયોગ કરવા સાથે બાકીના હિસ્સામાં ઓરગેન્ઝા અચ્છો વિકલ્પ ગણાય.

મખમલની આ પ્રકારની સાડીમાં તમે એક અથવા બે લાઈન ધરાવતી સ્વરોસ્કીની કિનારી લગાવી શકો. તમે ચાહો તો બંનેમાંથી એક ફેબ્રિકમાં સ્વરોસ્કીની છૂટીછવાઈ, નાની નાની બુટ્ટીનું ભરતકામ પણ કરાવી શકો. આવી સાડી સાથે ગળામાં એક સેરનું હીરાનું નેકલેસ, હળવી ડિઝાઈનનું હીરાનું બ્રેસલેટ અથવા બંગડી અને કાનમાં એક એક હીરાની બુટ્ટી પહેરીને ગજબનું આકર્ષણ ઊભું કરી શકો. આ સઘળી એક્સેસરી રોયલ લુક આપશે છતાં વેલ્વેટના શાહી ઠાઠને ઝાંખો નહીં પડવા દે.

ઈવનિંગ ગાઉનમાં પણ ગળામાં એક સેરની ડાયમંડ બોર્ડર પૂરતી થઈ પડશે. જોકે સામાન્ય રીતે મરૂન કે ઘેરા લીલા રંગના ગાઉનમાં કોઈપણ પ્રકારનું વર્ક કરવામાં નથી આવતું. આ ફેબ્રિક સ્વયં જ વૈભવી દેખાવ આપવા પૂરતું થઈ પડે છે.

વેલ્વેટની પેન્ટમાં જોકે જરદોશી વર્ક ખૂબ જચે છે. ખાસ કરીને શ્યામ રંગની વેલ્વેટની પેન્ટ પર સિલ્વર જરદોશી વર્ક લાજવાબ દેખાય. આવી રાજસી પેન્ટ તરૂણીઓ માટે પરફેક્ટ વેડિંગવેઅર ગણાય. તેની સાથે પ્લેન વાઇટ ટોપ અને લેધરના વાઈટ શૂઝ બેસ્ટ ચોઈસ બની રહેશે.

મખમલ સ્વયં રાજસી હોવાથી તેનો ઠાઠ જાળવી રાખવા તેની સાથે અન્ય એક્સેસરી નજીવી હોવી ઘટે. ચાહે તે ઘરેણાં હોય, પર્સ હોય કે જૂતાં કોઈપણ એક્સેસરી આ ફેબ્રિક પર છવાઈ ન જાય તેની ખાસ કાળજી લેવી. વાસ્તવમાં વેલ્વેટ સાથે વધારે પડતી ભારે એક્સેસરીઝ માત્ર મખમલની મઝા જ નહીં મારી નાખે, તમને પણ સૌંદર્યવાન બનાવવાને બદલે કારણ વગરનો ઠઠારો કર્યો હોય એવી દેખાડશે. તો પછી નરમ-મુલાયમ-સુંવાળા મખમલને સેક્સી જ રહેવા દો ને.

- વૈશાલી ઠક્કર

Tags :