Get The App

પૃથ્વી પર એલિયન બની જશે સોશ્યલ મીડિયા ઇન્ફલુઅન્સર્સ

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
પૃથ્વી પર એલિયન બની જશે સોશ્યલ મીડિયા ઇન્ફલુઅન્સર્સ 1 - image

- અવિરતપણે રીલ્સ બનાવવાની સાઈડ ઇફેક્ટ્સ

છેલ્લા કેટલાક સમયમાં રીલ બનાવતાં રહેવાનો ટ્રેન્ડ ઘેલછાની હદ વટાવી ગયો છે. એક તબક્કે જે ક્રેઝ જાણીતા કલાકારો માટે હતો તે પાગલપન હવે સોશ્યલ મીડિયા ઇન્ફલુઅન્સર્સ અને કન્ટેન્ટ ક્રીએટર્સ માટે જોવા મળી રહ્યો છે. પરંતુ વિશેષજ્ઞાો કહે છે કે આજે જે લોકો પાછળ નેટિઝનો ઘેલાં થયાં છે, આવતી કાલે તેમને જોઈને મોં મચકોડશે.

આનું કારણ સમજાવતાં તેઓ કહે છે કે કેટલાંક સંશોધકોએ એઆઈની મદદથી સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સનું ભાવિ મોડેલ તૈયાર કર્યું છે તે ચોંકાવનારું છે. એ લોકો અન્ય કોઈ ગ્રહ પરથી આવ્યાં હોય એવાં દેખાઈ રહ્યાં છે. ૨૦૫૦માં તેમના ચહેરા પર ડાઘ-ધાબા, શુષ્કતા આવી ગઈ હશે. તેમનો ચહેરો કુબડા જેવો લાગતો હશે. તેમની ગરદનમાં સતત પીડા થતી હશે અને તે ખેંચાઈને આગળ આવી ગઈ હશે. સતત સુંદર અને પ્રભાવશાળી દેખાવાનું દબાણ અને અવિરત કન્ટેન્ટ સર્જનની સ્પષ્ટ અસર તેમના તન અને મન પર જોવા મળશે. સંશોધકોએ આ મોડેલને 'એવા' નામ આપ્યું છે. લાંબા સમય સુધી સોશ્યલ મીડિયા અને સ્માર્ટ ફોનના ઉપયોગ તેમ જ રિંગ લાઈટ્સ નીચે કલાકો સુધી પોઝ આપવાને કારણે તેના ખભા ગોળ થઈ ગયાં છે. 'એવા'નું માથું હમેશાં આગળ તરફ નમેલું રહે છે અને તેની ગરદન સતત દુખતી રહે છે. આ સમસ્યાને 'ટેક નેક' કહેવામાં આવે છે. ન્યુરોસર્જનો કહે છે કે લાગલગાટ સ્માર્ટપોનનો ઉપયોગ કરવાથી ગરદનની મુદ્રા અસંતુલિત થઈ જાય છે. જ્યારે ત્વચા નિષ્ણાતો કહે છે કે રીલ બનાવવાના ભારણ હેઠળ રહેતાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સના વાળના મૂળ હમેશાં ખેંચાયેલા રહે છે જેને કારણે ટ્રેક્શન એલોપેસિયા નામની સ્થિતિ પેદા થઈ શકે. ચિંતાજનક બાબત એ છે કે સમય સાથે આ સમસ્યા કાયમી બની જાય છે.

તજજ્ઞાો આ ચિંતાજનક સ્થિતિ સામે લાલબત્તી ધરતાં કહે છે કે દરરોજ લાંબા કલાકો સુધી વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરનારાઓએ પણ ચેતીને ચાલવાનો સમય પાકી ગયો છે. તેમના ચહેરા પર પણ રતાશ આવવી, ત્વચા શુષ્ક થઈ જવી, આંખો નીચે ઊંડા કાળા કુંડાળા અને સોજા આવવા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. બહેતર છે કે તેઓ પોતાના કામ વચ્ચેથી વારંવાર બ્રેક લે. દર ૨૦ મિનિટે ૨૦ સેકન્ડ સુધી ૨૦ ફૂટ દૂર જૂએ. તેઓ વધુમાં કહે છે કે સમયની માગ અનુસાર આપણે વિવિધ ઉપકરણોનો ઉપયોગ ટાળી શકીએ તેમ નથી. પરંતુ તેને મર્યાદિત કરવાનો અને કામ વચ્ચે બ્રેક લેવાનો ઉપાય અચૂક અજમાવી શકાય.

- વૈશાલી ઠક્કર