સ્વસ્થ રહેવા કેળવો આટલી ટેવો
છેલ્લાં કેટલાંક દશકમાં લોકોનું સ્વાસ્થ્ય જીવનશૈલીને લગતાં રોગોથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. ડાયાબિટિસ, હાઇપર ટેન્શન, હૃદય રોગ, થાઇરોઇડ જેવી સંખ્યાબંધ વ્યાધિ ઓ ધરાવતાં દરદીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે.જોકે હવે લોકો આ બાબતે જાગૃત થતાં જાય છે. નિષ્ણાતો આ બાબતે કહે છે કે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવી એટલે પોતાની ખોટી ટેવોને તિલાંજલિ આપવી. મોટાભાગના રોગો ખોટી આદતોને કારણે જે તે દરદીના શરીરમાં ઘર કરી જાય છે. તેથી જો તેઓ પોતાની જીવનશૈલી, એટલે કે ખાનપાન, સુવા-ઉઠવાની આદતો બદલે તો અડધી વ્યાધિઓ આપોઆપ દૂર થઇ જાય.તેને માટે તેમને કોઇ પરેજી પાળવાની પણ જરૂર નથી. તેઓ આરોગ્યની જાળવણી માટે શું શું કરવું જોઇએ તેના વિશે જાણકારી આપતાં કહે છે....,
* મોસમી ફળો ખાઓ: સારા સ્વાસ્થ્યની વાત આવે ત્યારે મોસમી ફળો લેવાની ટેવ સૌથી શ્રેષ્ઠ ગણાય. ફળોમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે જે તમારું વજન જાળવી રાખવામાં સહાયક બને છે અને જ્યારે તમારું વજન ન વધે ત્યારે તેને લગતાં રોગો તમારાથી દૂર જ રહે તે સ્વાભાવિક છે. હા, ફળો ખાવાની પણ એક રીત હોય. તેના વિશે સમજ આપતાં તેઓ કહે છે કે ફળો માત્ર ખાલી પેટે જ ખાવાં. વળી એ પણ જરૂરી નથી કે તમને ચોક્કસ ફળો જ ખાવા જોઇએ. વાસ્તવમાં મોસમી ફળો શરીરને વધુ ફાયદો કરે છે.તેથી આખા દિવસમાં બેથી ત્રણ ફળો અચૂક લેવા.
* ચોક્કસ માત્રામાં સલાડ લો : દરરોજ ભોજનથી પહેલા એક બાઉલ ભરીને સલાડ લેવાથી ભૂખ સંતોષાય છે પરિણામે ભોજન મર્યાદિત પ્રમાણમાં જ લેવાય છે. વળી સલાડ ખાવાથી લીલા શાકભાજીના ગુણો પણ મળી રહે છે. તેમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર અને ક્ષાર તત્વો હોય છે. તેથી ચોક્કસ માત્રામાં સલાડ લેવાથી શરીરને પોષક તત્વો ઉપરાંત ક્ષાર તત્વો પણ મળી રહે છે.
*સમયસર ભોજન લો : જેવી રીતે ચોક્કસ પ્રકારનો આહાર આપણા સ્વાસ્થ્ય માટે લાભકારક બને છે તેવી જ રીતે યોગ્ય સમયે ભોજન લેવું પણ આરોગ્ય માટે ફાયદાકારક પુરવાર થાય છે. જો તમને રાત્રે મોડા જમવાની ટેવ હોય તો તે બદલો. રાત્રિ ભોજન ૭-૦૦થી ૭-૩૦ વાગ્યા સુધી લઇ લો.રાત્રે મોડેથી જમવાથી પાચન ક્રિયાને અસર પહોંચે છે.
* ૧૨ કલાક કાંઇ ન ખાઓ: આપણું શરીર સ્વયં પોતાનું સમારકામ કરવા સક્ષમ હોય છે. માત્ર તેને આ સમારકામ કરવા જેટલો સમય આપો. આને માટે પાચનતંત્રને ૧૨ કલાક આરામ આપો. જેમ કે રાત્રે ૮-૦૦ વાગે જમી લીધા પછી ૧૨ કલાક સુધી કાંઇ ન ખાઓ.
* પ્રક્રિયા કરેલા ખાદ્ય પદાર્થોથી દૂર રહો: છેલ્લા ત્રણેક દશક દરમિયાન આપણને જીવનશૈલી સંબંધિત જે વ્યાધિઓ લાગૂ પડી છે તેમાં સૌથી મોટો ફાળો ચિપ્સ,બિસ્કિટ્સ, ચોકલેટ,ઠંડા પીણાં તેમ જ પેકેટમાં મળતાં અન્ય ખાદ્ય પદાર્થોનો છે. આ બધા તૈયાર ખાદ્ય પદાર્થો પ્રક્રિયા કરેલા હોવાથી આરોગ્યને મોટું નુક્સાન પહોંચાડે છે. પરંતુ તેની લાલચ રોકવી સહેલી નથી. જો તમે આવા પદાર્થો ખાવાનું સાવ બંધ ન કરી શકો તો તેને મર્યાદિત પ્રમાણમાં લો. જેમ કે અઠવાડિયામાં એકાદ વખત એક પેકેટ લો. આમ કરવાથી તમારી જીભના ચટાકા પણ પોષાશે અને તમારા આરોગ્યને થતાં નુક્સાનથી પણ બચી શકાશે.
* રાત્રે વહેલા સુઓ : આરોગ્ય માટે પૂરતી ઊંઘ અત્યાવશ્યક છે. ભૂખને રોકવામાં લેપ્ટિન મહત્વનો ભાગ ભજવે છે. લેપ્ટિનનો સ્ત્રાવ થવાથી આપણને સમજાય છે કે હવે આપણને વધુ ખાવાની જરૂર નથી. પરંતુ જ્યારે આપણે પૂરતી ઊંઘ નથી લેતાં ત્યારે લેપ્ટિનનો સ્ત્રાવ ધીમો પડે છે. તેથી પૂરતી નીંદર લેવી સ્વાસ્થ્ય માટે સૌથી વધુ જરૂરી છે. આજની તારીખમાં લોકો રાત્રે સુવા જાય ત્યારે પણ મોબાઇલ છોડતા નથી. બહેતર છે કે સુવા જવાથી એકાદ કલાક પહેલા જ મોબાઇલ, લેપટોપ, કમ્પ્યુટર જેવા ઉપકરણોથી દૂર થઇ જાઓ.
* હળવા રહેવાનો પ્રયાસ કરો : આજની તારીખમાં માનસિક તાણમાંથી ભૂલકાઓ પણ નથી બચી શક્તાં એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય.એક સંશોધન મુજબ દરેક વ્યક્તિને દિવસભરમાં ૬૦,૦૦૦થી ૭૦,૦૦૦ વિચારો આવે છે. અને પ્રત્યેક વિચાર કોઇને કોઇ સંવેદના,ચિંતા ઇત્યાદિ સાથે જોડાયેલો હોય છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કેવા વિચારો કરવા છે. ખુશ રહેવા માટે તમારી પાસે જે છ ે તે બદલ ઇશ્વરનો પાડ માનો. બાકી જ્યારે આપણે સતત તાણ હેઠળ રહીએ છીએ ત્યારે આપણા શરીરમાંથી વધારાનું પ્રોટીન સ્ત્રવે છે જે છેવટે આપણા આરોગ્યને હાનિ પહોંચાડે છે.
- વૈશાલી ઠક્કર