Get The App

હૃદયની બિમારીનું નિદાન હાથવેંતમાં સ્માર્ટ સ્ટેથોનો અજબનો કમાલ

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
હૃદયની બિમારીનું નિદાન હાથવેંતમાં સ્માર્ટ સ્ટેથોનો અજબનો કમાલ 1 - image

- આપણો દેશ પણ તબીબી ક્ષેત્રની આવી સિદ્ધિ મેળવવામાં પાછળ નથી

આપણામાં  કહેવત  છે  કે  રોગ અને  શત્રુને   ઉગતા જ ડામી દેવા.અર્થાત્  આ બન્નેનો  ઈલાજ  શરૂઆતમાં  જ  કરવામાં  આવે તો વધુ નુકસાનથી બચી શકાય.કેટલાક  રોગ એવા છે કે તે ગંભીર  સ્વરૂપ  ધારણ કરે ત્યાં સુધી તેનાં લક્ષણો  દેખાતાં  નથી અને દર્દી   તેના વિશે સાવ અંધારામાં રહે છે.લક્ષણો દેખાતાં તેને રોગનો ભોગ બન્યાનો  ખ્યાલ આવે  છે.પણ  ત્યાં  સુધીમાં  તો ક્યારેક  ઘણું મોડંે  થઈ  ગયું હોય છે અને તેની કિંમત દર્દીએ   ચૂકવવી પડતી હોય છે.  હૃદયરોગ પણ આવો જ એક રોગ છે. 

હૃદય સંબંધી  વિવિધ બીમારીઓની વહેલાસર જાણ થાય તો તેની સારવાર શરુ થઇ શકે અને દર્દીનો જીવ  બચી જાય.ઈસીજી અને અન્ય ટેસ્ટ દ્વારા હૃદયની બીમારીઓનું નિદાન થાય છે.પરંતુ  આવા  ટેસ્ટમા ં લાગતા  સમયને બચાવવા  અને   સારવાર  શક્ય  તેટલી વહેલી શરુ કરી શકાય તે માટેનાં સંશોધનોમાં તાજેતરમાં એક સ્માર્ટ  સ્ટેથોસ્કોપ તૈયાર કરવામાં આવ્યું છે.હૃદય શરીર માટે જોઈતા પ્રમાણમાં લોહીને ધકેલતું  (અભિસરણ-Pumping-કરતું) નથી  તેની ભાળ આ સ્ટેથોસ્કોપ માત્ર ૧૫ સેકન્ડમાં મેળવી શકે છે. એઆઈ (આટફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારીત આ સ્ટેથોસ્કોપ  અમેરિકન  હેલ્થ-ટેક કંપની એકો હેલ્થએ  મેયો ક્લિનિકના સહયોગમાં તૈયાર કર્યું છે. અમેરિકાના એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન)એ તાજેતરમાં જ આ ઉપકરણને માન્યતા આપી છે.યુકે(બ્રિટન)નાં અનેક ક્લિનિકોમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યાં આ સ્ટેથો દ્વારા દસમાંથી નવ કેસમાં હૃદયની કામગીરી નિષ્ફળ (Heart failure) ગયાની ભાળ સચોટ રીતે મેળવવામાં આવી  હતી.

સમગ્ર વિર્શ્વમાં થતાં માનવ મોત માટેનાં મુખ્ય કારણોમાંનું એક કારણ હૃદયરોગનું છે.નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરોની માહિતી મુજબ ભારતમાં હાર્ટ એટેકના  કેસમાં  અગાઉના  વર્ષની તુલનાએ ૧૨.૫ ટકાનો વધારો થયો હતો.નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ પોર્ટેબલ  ઉપકરણ  એટ્રિઅલફિબ્રિલેશન, હાર્ટ મરમર્સ તથા  હાર્ટ ફેલિયર જેવી હૃદય (કાડયોવસક્યુલર - રુધિરાભિ-સરણ)ની બીમારીઓનું સચોટ નિદાન કરવામાં સહાયરુપ બની શકે છે.

રોચેસ્ટર સ્થિત  મેયો ક્લિનિકના કાડયોવસક્યુલર મેડિસિન વિભાગના વડા ડા.પૌલ ફ્રાઈડમેને  જણાવ્યું  હતું  કે  સૌ  પરિચિત  છે  એવા  સ્ટેથોસ્કોપની મદદથી  હૃદયની જીવન માટે જોખમરૂપ  છૂપી બીમારીઓની ભાળ મેળવવાનું હવે શક્ય બનતાં એના નિદાન માટે દર્દીઓએ હોસ્પિટલ ભેગા થવું નહીં પડે.સ્ટેથોસ્કોપ એક નાનું અને  જ્યાં લઈ જવું હોય ત્યાં સહેલાઈથી લઈ જવાય તેવું ઉપકરણ હોવાથી આ ટેકનોલોજીનો  ઉપયોગ  શહેરી  તથા અંતરિયાળ વિસ્તારોમાં  કરી શકાશે.

 મેયો ક્લિનિકે અભ્યાસ માટે  આ  સ્ટેથોનો  ઉપયોગ નાઈજીરીયામાં સગર્ભા મહિલાઓ પર કર્યો હતો. પ્રસૂતિ સંબંધી રાબેતા મુજબના તબીબી ટેસ્ટમાં ગર્ભાવસ્થા સાથે સંબંધીત હાર્ટ ફેલિયરના જેટલા કેસની ભાળ મળે તેના કરતાં બમણા કેસનો પત્તો સ્ટેથોની આ અજમાયશ દરમિયાન લાગ્યો હતો.

  આ ઉપકરણ કઈ રીતે કામ  કરે છે  તે  જોઈએ તો  તેને   બ્લુટૂથ દ્વારા સ્માર્ટફોન એપ  સાથે જોડવામાં આવે છે.આ એપ રાબેતા મુજબના એકો મશીનની જેમ હૃદયના ધબકારાને વેવફોર્મ્સ તથા રેખાના સ્વરુપે દર્શાવે છે.અલ્ગોરિધમ  (યાંત્રિકૃગણતરી વિ.ની પ્રક્રિયા કે નિયમો) હૃદયધ્વનિમાંની   અનિયમિતતાની  ભાળ મેળવે  છે.જ્યારે ફોનોકાડયોગ્રામ હૃદયધ્વનિ અને હૃદયરવનો આલેખ તૈયાર કરે છે.આ રીતે હૃદયની કામગીરીમાંની  ખામીઓનો પત્તો  લગાવવામાં આવે છે.

ગૌરવની બાબત એ કે આપણો દેશ પણ તબીબી  ક્ષેત્રની  આવી સિદ્ધિ મેળવવામાં  પાછળ  નથી. ભારતીય  મેડટેક  સ્ટાર્ટ અપ એઆઈ હેલ્થ હાઈવે ઈન્ડિયાએ  એઆઈસ્ટેથ   નામે  આવું  જ  ઉપકરણ  તૈયાર કર્યું  છે.

જે માત્ર બે જ મિનિટમાં હૃદયની સમસ્યાઓની ભાળ  મેળવી  શકે  છે.આ સ્ટાર્ટઅપના  સ્થાપક, સીઈઓ અને  લશ્કરના  ભૂતપૂર્વ   ડોક્ટર  સતીષ સોમૈયા   જીવનાવરે  જણાવ્યું  છે કે  મહારાષ્ટ્ર  અને કર્ણાટકની મેડિકલ કોલેજો અને ક્લિનિકોના મોખરાના આરોગ્ય કર્મચારીઓ હજારો દર્દીઓને સ્ટેથોસ્કોપથી તપાસતા હોય છે.શહેરોમાં વસતા  લોકોને  તબીબી નિષ્ણાતોની  સેવા  સહેલાઈથી મળી રહે છે.પરંતું  દેશનાં  સાત  લાખ ગામડાં પૈકી તમામમાં કાડઓલોજિસ્ટ હોય તે શક્ય નથી.આ સ્થિતિમાં  એઆઈસ્ટેથ  જેવું   ઉપકરણ   અત્યંત   ઉપયોગી  બની  શકે. 

 જોકે, કોલકાતાના કાડયાક સર્જન ડો. કુણાલ સરકારે કહ્યું છે કે આવાં ઉપકરણોની કાર્યક્ષમતા વિશે  પૂર્ણપણે ખાતરી થવી  જરુરી છે. હૃદયની  કામગીરીની  નિષ્ફળતા તથા  અન્ય સમસ્યાઓની ભાળ મેળવવામાં અત્યંત મહત્વના ઉપકરણ એકોકાડઓગ્રામ (એકો) મશીનનું  કદ ઉત્તરોત્તર ધટાડાતું જાય છે.પણ આપણે  બે  બાબત ધ્યાનમાં રાખવાની છે અને તે એકોની  ચોક્કસાઈ અને તેના  દ્વારા મળતી  વિસ્તૃત  માહિતી.એકો એ માત્ર ઈમેજ નથી.એની  સાથે કલર  ડોપલર દ્વારા  લેવાયેલું  રક્તના પ્રવાહન ું વિશ્લેષણ  પણ હોય છે.

શું  નાનાં કદનાં ઉપકરણો પૂરતી માહિતી આપે છે?

ઈમેજીસ તથા માહિતી,બન્ને મહત્વનાં છે.  પરંતુ એઆઈ આધારીત સ્ટેથોસ્કોપ  ઉપયોગી બની શકે. આપણા દેશમાં લાખો લોકોને હૃદયની રુમેટિક અથવા વાલ્વ  સંબંધી  બિમારીઓ છે  તો  જન્મથી જ  હૃદયરોગ હોય એવાં બાળકો પણ છે.પણ આમાંના મોટા ભાગના લોકોને હૃદયરોગ હોવાનું નિદાન થયું નથી.આ સ્થિતિમાં એઆઈ સ્ટેથોસ્કોપ આવા દર્દીઓનું વહેલાસર નિદાન કરવામાં સહાયરુપ બની શકે.પરંતુ ભારતમાં ૧૯૯૪નો  પ્રિ-કન્સેપ્સન  એન્ડ  પ્રિ-નેટલ  ડાયોગ્નોસ્ટિક  ટેકનિક્સ (પીસી -પીએનડીટી) એક્ટ  આવા  ઉપકરણના  ઉપયોગ  સામે  અવરોધ  બને તેવી  શક્યતા  છે.

આ કાયદા હેઠળ પોર્ટેબલ એકો મશીનના વિશેષ સંજોગો સિવાયના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયેલો છે.પ્રતિબંધનું કારણ સમજાવતાં તેમણે કહ્યું હતું કે પ્રત્યેક પોર્ટેબલ એકો મશીન એક તરફ એબડોમિનલ અલ્ટ્રાસાઉન્ડ  મશીન તરીકે કામ કરે છે તો બીજી તરફ ગર્ભનું લિંગ જાણવા તેનો ઉપયોગ થવાની પણ શક્યતા છે.ભારતમાં ગર્ભનું લિંગ જાણવા પર પ્રતિબંધ છે.

આવા ઉપકરણોનો દુરુપયોગ ન  થાય  તેની  તકેદારી  રાખવા  સાથે  હૃદયરોગનું  જોખમ  ધરાવતા  દર્દીઓને આવા ઉપકરણ   દ્વારા કઈ રીતે તપાસવા તે વિશે હજુ સુધી અમે  કંઈ વિચાર્યું  નથી એમ ડા.સરકારે ઉમેર્યુ  હતું.

અન્ય ક્ષેત્રોની જેમ  હેલ્થ ક્ષેત્રમાં  પણ  ટેકનોલોજીએ હરણફાળ  ભરી છે.પરિણામે વિવિધ રોગોનું  નિદાન  હવે  અગાઉની તુલનાએ  વહેલાસર  થઈ  શકે છે  તથા સારવાર પણ  અત્યાધુનિક  રીતે થઈ શકે છે.

આમ,રોગને ઉગતાંમાં જ ડામી દેવાની સેંકડો વર્ષ જૂની કહેવત યથાર્થ સ્વરૂપે ચરિતાર્થ થતી જાય છે. 

- મહેશ ભટ્ટ