તમે તમારા દિવસની જે રીતે શરૂઆત કરો છે તે તમારા એકંદર આરોગ્ય, પાચનક્રિયા અને ઊર્જાના સ્તર નિર્ધારીત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આજની ઝડપી જીવનશૈલીમાં અનેક લોકો પોતાના શરીર પર શું પ્રભાવ પડશે તેનો વિચાર કર્યા વિના સવારે હાથમાં જે આવે તે આરોગી લેવા ઉતાવળા હોય છે. જો કે ખાલી પેટ પર ખાવુ અને ભોજન પછી ખાવું બંને સમાન બાબત નથી. સવારે પેટ ખાલી હોય ત્યારે તેની આંતરિક લાઈનિંગ વધુ સંવેદનશીલ હોય છે અને અમુક ખોરાક તેને પોષણ આપી શકે તો અમુક તેમાં વિકૃતિ પણ સર્જી શકે છે. માટે જ યોગ્ય આહાર પસંદગી અસ્વસ્થતા ટાળવા તેમજ બાકીના દિવસ માટે સકારાત્મક ટોન સ્થાપિત કરવામાં મદદ કરી શકે.
ખાલી પેટે ટાળવા જેવા ખોરાક
સૌથી સામાન્ય ભૂલ લોકો કરતા હોય છે વહેલી સવારે ગળ્યો ખોરાક પ્રથમ ખાવાની. તેનાથી તાત્કાલિક ઊર્જા તો મળી શકે, પણ શરીરમાં ઈન્સ્યુલીનના સ્તર ઝડપથી વધી જવાથી સ્વાદુપિંડ પર વધુ પડતુ દબાણ આવી શકે. એનાથી દિવસના પછીના ભાગમાં ઊર્જા ઝડપથી ઘટી જાય છે. એવી જ રીતે વહેલી સવારે ખાલી પેટે સોડા જેવા પીણા લેવાથી પેટમાં રહેલી મ્યુકસ લાઈનિંગને નુકસાન પહોંચે છે જેનાથી રક્ત પરિભ્રમણ અને પાચન ક્રિયા ધીમી પડે છે.
ફળો સામાન્યપણે આરોગ્યવર્ધક હોવા છતાં ખાલી પેટે કાયમ ઉચિત નથી હોતા. ઉદાહરણ તરીકે કેળા મેગ્નેશિયમથી સમૃદ્ધ હોય છે પણ ખાલી પેટે તેના સેવનથી લોહીમાં મેગ્નેશિયમના સ્તર વધી જતા હૃદયના સંતુલનને અસર કરે છે. એવી જ રીતે નાસપતીમાં મોજૂદ રેષા પેટની લાઈનિંગમાં બળતરા કરે છે અને ખાલી પેટે ખાવાથી અસ્વસ્થતા સર્જી શકે.
દૂગ્ધ પદાર્થો પણ ખાલી પેટ પર એકલા ખાવાની બાબતમાં ટાળવાના વર્ગમાં આવે છે. દહીંમાં અનેક લાભદાયી પ્રોબાયોટિક્સ હોવા છતાં પેટનું હાઈડ્રોક્લોરિક એસિડ આવા લાભકારી બેક્ટેરિયા કોઈ લાભ આપે તે પહેલા જ તેનો નાશ કરી નાખી શકે. વધુ એક સામાન્યપણે ખાલી પેટે ખવાતી વસ્તુ ટમેટા પણ તેમાં રહેલા ટેનિક એસિડને કારણે એસિડિટી સર્જી શકે અને સંભવિતપણે ગેસ્ટ્રીક દાહ અથવા અલ્સરનું પણ કારણ બની શકે.
તીખા મસાલેદાર ખોરાક ખાલી પેટે કદાચ સૌથી વધુ નુકસાનકારક સાબિત થાય છે. તેનાથી પાચનતંત્રમાં બળતરા સર્જાઈ શકે જેનાથી એસિડિટી, હૃદયમાં બળતરા અને અસ્વસ્થા થઈ શકે. હળવી અને આરોગ્યપ્રદ ગણાતી કાકડી પણ ખાલી પેટે ખાવામાં આવે તો ગેસ, પેટ ફૂલવું અને હળવી પીડાનું કારણ બની શકે.
દિવસની શરૂઆત માટેના સ્વસ્થ ખોરાક
મુખ્ય ભોજન પહેલા સેવન કરાતા ખોરાકની યોગ્ય પસંદગી પાચનક્રિયા અને ઊર્જાના સ્તરમાં નોંધપાત્ર સુધારો કરી શકે. પલાળેલી બદામ એક ઉત્તમ વિકલ્પ છે. તે સ્વસ્થ ચરબી, પ્રોટીન અને જરૂરી પોષક તત્વોથી યુક્ત હોય છે અને પલાળેલી બદામ પચવામાં પણ હળવી હોવાથી પોષક તત્વોનું શોષણ સરળતાથી થાય છે.
સ્હેજ લીંબુના રસ સાથેના હૂંફાળા પાણીથી દિવસની શરૂઆત પણ વધુ એક લાભકારી આદત છે. તેનાથી ચયાપચયની ક્રિયા શરૂ થાય છે, પાચનમાં મદદ મળે છે અને શરીરને દોષમુક્ત કરે છે. આ સરળ અને સાદી આદતથી રાત્રિના લાંબા આરામ પછી હાઈડ્રેશન પણ સુધરે છે પાચન તંત્રને દિવસભરના કાર્ય માટે તૈયાર કરે છે.
એવોકાડો ટોસ્ટ પણ એક સંતુલિત અને સ્વસ્થ પસંદગી છે. તાજા એવોકાડો સાથે આખા ધાન્યની બ્રેડ રેષા, સ્વસ્થ ચરબી અને સાતત્યભરી ઊર્જાનું ઉત્તમ મિશ્રણ સર્જે છે. તેનાથી લાંબો સમય ભૂખ નથી લાગતી અને લોહીમાં સુગરના સ્તર જળવાઈ રહેતા ઊર્જામાં અચાનક ઘટાડો નથી થતો.
કંઈક હળવુ પણ પોષક ઈચ્છતા લોકો માટે સ્મૂધી પણ આદર્શ પસંદગી છે. બેરી અથવા લીલા સફરજન સાથે પાલક જેવી ભાજીનું મિશ્રણ એક તાજગીભર્યું અને પોષક સમૃદ્ધ પીણુ બને છે. સ્મૂધી પચવામાં સરળ હોય છે, હાઈડ્રેશન માટે ઉત્તમ હોય છે અને વ્યક્તિગત સ્વાદ અને ખોરાકી જરૂરીયાત મુજબ તેને બનાવી શકાય છે.
સવારની સારી આદતો
સવારે ભોજન પહેલાની સારી આદતો કેળવવા માટે કોઈ નાટયાત્મક ફેરફારની જરૂર નથી પડતી. નાનકડી પણ સાતત્યભરી પસંદગી સમય જતા મોટો ફાયદો કરે છે. પેટમાં બળતરા કરે તેવો ખોરાક ટાળીને તેના સ્થાને પાચન ક્રિયાને મદદ કરે અને લાંબો સમય ઊર્જા પૂરી પાડે તેવો ખોરાક પસંદ કરીને શરૂઆત કરી શકાય. વિવિધ ખોરાક પ્રત્યે તમારુ શરીર કેવા પ્રતિભાવ આપે છે તેનું નિરીક્ષણ કરવું અને તે પ્રમાણે ફેરફાર કરવા.
ખાલી પેટ પર શું આરોગવામાં આવે છે તે કેટલું મહત્વનું છે તેનો હજી ઘણા લોકોને અહેસાસ નથી. યોગ્ય પસંદગી પાચન ક્રિયા સુધારી શકે, ચયાપચય વધારી શકે અને દિવસભર તમને ઊર્જાવાન રાખી શકે. બીજી તરફ ખોટી પસંદગી અસ્વસ્થતા અને લાંબા ગાળાની આરોગ્ય સમસ્યા તરફ દોરી જાય. યોગ્ય ખોરાક આદતો અને યોગ્ય ખોરાકની પસંદગી કરવાથી દિવસની શરૂઆત સંતુલિત અને સ્વસ્થ રીતે થઈ શકે છે.
- ઉમેશ ઠક્કર


