ઊનાળા ઋતુમાં બધા જ ફેશન ડિઝાઈનરો સફેદ, ગુલાબી, આકાશી, ભૂરો, ક્રીમ, પીળો, આછો લીલો, ગ્રે તથા કેટલાક અન્ય લાઈટ ઈંગ્લીશ રોડના રંગને જ પ્રાધાન્ય આપીને ગળુ નીચું તથા બાંય વગરના એટલે કે સ્લીવલેસ ડ્રેસ જ મોટેભાગે બનાવે છે. આજકાલ ટી.વી.સિરિયલોમાં પણ મોટાભાગના સ્ત્રીપાત્રો સ્વીવલેસ બ્લાઉઝ કે ડ્રેસ પહેરે છે અને આ જ ફેશનની અસર મધ્યમવર્ગ ઉપર પણ થઈ છે. જોકે, ગ્રીષ્મમાં પડતી કાળઝાળ ગરમીમાં આવા પરિધાન થોડી રાહત જરૂર આપે છે. ફેશન સાથે શરીરનું રક્ષણ પણ આ પ્રકારના વસ્ત્રોમાં થાય છે. અને એટલે જ હમણાં ચોરેને ચૌટે આપણને સ્વીવલેસ બ્લાઉઝ, વેસ્ટર્ન ડ્રેસ કે સલવાર કમીઝ પહેરેલી કોલેજીયન, નોકરિયાત સ્ત્રી કે ગૃહિણીઓ દેખાય છે.
આજ સુધી ફેશન જગતમાં થયેલા ફેરફારોમાં ખભાને લક્ષમાં રાખીને ઘણી ડિઝાઈનો બનાવવામાં આવી છે, સાદી સ્લીવલેસથી લઈને ખુલ્લા ખભાની બાંય તથા સ્પેગેટી સ્ટ્રીપ્સ જેવી વિવિધ ફેશનનું ચલણ ચાલતુ જ રહ્યું છે. અને ઉનાળામાં તો લગભગ બધા જ ડિઝાઈનરો ખુલ્લા ખભાની ફેશનના જ કપડા બનાવે છે.
જોકે આ વાત સાથે હાલમાં નવા બનેલા ફેશન ડિઝાઈનરો સહમત નથી, તેઓ કહે છે કે, વર્ષોથી ફેશનવર્લ્ડમાં ખભાને હંમેશા ગણકારવામાં ન આવતા જ્યારે સેક્સી ડ્રેસની વાત આવે તો તે બેકલેસ (પીઠ વગરનું) અથવા મીની સ્કર્ટ જ પહેરાવવામાં આવે છે. તેમના મતે સોલ્ડર પણ સેક્સી દેખાવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ખભાના હાડકા પણ શરીરનો અતિ સંવેદનશીલ ભાગ છે. તે ઉપરાંત ખભા ખુલ્લા હોય તો તમારે વધારે જ્વેલરી પણ પહેરવી પડતી નથી, કારણ કે ખુલ્લા ખભાનું એક અનોખુ સૌંદર્ય હોય છે.
આ ઋતુમાં 'કીચી' ક્લેક્શન પણ ધૂમ મચાવી રહ્યું છે. દરવખતની જેમ સ્પેનગલ અને બીકેડ ટોપ્સ, પેન્ટ એની સાથે રંગીન ટાઈ-અપ, તથા જીપ્સી જેવા સોલ્ડર વગરના ડ્રેસ પણ ધૂમ મચાવી રહ્યા છે. તે ઉપરાંત ખુલ્લા ખભાનું કાઠીયાવાડી કલેક્શન પણ અત્યંત પ્રચલિત બન્યું છે તેના કલેક્શનમાં કટઓફ સ્લીવ, જીપ્સી ટોપ્સ અને ખભા વગરના બ્લાઉઝની બોલબાલા છે.
ઉચ્ચ મધ્યમ વર્ગ તથા શ્રીમંત વર્ગની સ્ત્રીઓ કીટી પાર્ટી, રેવ પાર્ટી તથા અન્ય ફંક્શનમાં ખુલ્લા ખભાના પરિધાનો જ પહેરવાનું પસંદ કરે છે. શરીરના અન્ય ભાગને ખુલ્લા રાખવા સારું ફીગર હોવું જરૂરી છે પરંતુ ખભાને કે સ્લીવલેસ ડ્રેસ માટે પાતળા ફીગરની બહુ આવશ્યક્તા રહેતી નથી. ઘણી સ્ત્રીઓના મતે ખભાને સ્ત્રી શરીરનો સૌથી સેક્સી ભાગ છે અને ખભા ખુલ્લા રાખવાથી તમે સેક્સી દેખાવ છો બિભત્સ નહીં અને તેથી જ તેઓ સ્લીવલેસ કે ઓફ સોલ્ડર ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે.
'દિલ તો પાગલ હૈ', 'કુછ કુછ હોતા હૈ' અને 'મોહબ્બતે' માં સ્લીવલેસ સલવાર કમીઝ પહેરવામાં આવ્યા હતા. માધુરી દિક્ષીત, કાજોલ અને રાની મુખર્જીએ આ સ્ટાઈલને ફરીથી અપનાવીને સામાન્ય લોકોમાં લોકપ્રિય કરી દીધી તે ઉપરાંત આજકાલ આવતી સિરિયલ 'કુસુમ', 'ઘર ઘર કી કહાની', 'કુટુંબ', 'સાંસ ભી કભી બહુ થી' માં દેખાડાતી સ્લીવલેસ તથા શોર્ટ સ્લીવની ફેશન પણ સામાન્ય વર્ગમાં પ્રસિધ્ધ થઈ છે. આજે કોલેજ જતી છોકરી જીન્સ ઉપર સ્લીવલેસ અને શોર્ટ ટોપ જ પહેરે છે. તો આજની નોકરિયાત આધુનિકા સ્લીવલેસ સલવાર કમીઝ પહેરીને મુંબઈની લોકલ ટ્રેનની ભીડમાં થોડી રાહત અનુભવે છે અને લેટેસ્ટ ફેશન અનુરૂપ કપડાં પહેર્યાનો આનંદ પણ મેળવે છે.
મોટા મોટા બ્રાન્ડેડ સ્ટોર્સથી માંડીને મુંબઈના દાદર, ભૂલેશ્વર, ગ્રાન્ટરોડ કે ફાઉન્ટનનાં ફેરિયાવાળાઓ પાસે આજે સ્લીવલેસ, સોલ્ડર લેસ, બટરફ્લાય સ્લીવ કે સ્મોકીંગ બ્લાઉઝની તદ્દન નવી વેરાયટીઓ જોવા મળે છે, અને પ્રત્યેક સ્ત્રી પોતાની સગવડતા પ્રમાણે આ કપડા ખરીદી લેટેસ્ટ ડિઝાઈનના કપડાં પહેર્યાનો સંતોષ મેળવે છે, અને આ ટ્રેન્ડ દર્શાવે છે કે આ સીઝનમાં ખુલ્લા હાથ કે ખભા ફેશન બની ગયા છે.
આજસુધી ખુલ્લુ ગળુ, ખુલ્લા પગ કે ખુલ્લી પીઠ (બેકલેસ) ને જ સેક્સી ગણવામાં આવતાં હતાં મોટાભાગના ફેશન ડિઝાઈનરો પણ આ પ્રમાણેની માન્યતા પ્રમાણે જ ડ્રેસ બનાવતા હતા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ આ જ આ ટ્રેન્ડ અનુસાર જ ડ્રેસ ડિઝાઈન કરવામાં આવે છે અને ફેશન શોમાં પણ આ પ્રકારના વસ્ત્રો જોવા મળે છે પરંતુ હવે આખા શરીરને ઢાંકીને હાથ કે ખભા ખુલ્લા રાખવાનું ચલણ વધી ગયું છે અને તેમાં ફેશનનો એક નવો અંદાઝ દેખાઈ રહ્યો છે. આ ગ્રીષ્મના તાપમાં આ પ્રકારના વસ્ત્રો રાહત તો આપે જ છે તે પ્રમાણે આ વસ્ત્રોથી લેટેસ્ટ ડિઝાઈનરવેર પહેર્યાનો આનંદ પણ પ્રાપ્ત થાય છે.


