- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- તમે દિવસ દરમિયાન મળતા નથી અને સ્વસ્થ રહો છો અને રાત્રે સાથે રહો છો અને તમારા સ્વાસ્થ્ય ઉપર તેની ખરાબ અસર પડે છે. આવું કેવી રીતે બની શકે. એકબીજાને ગમતા રહેવાની આ સફરમાં એકબીજાથી વિમુખ રહેવાનો આ નવો ટ્રેન્ડ ખરેખર લગ્નજીવનને દુષ્કર બનાવી દે તેવો છે.
પ્રેરક અને મૈત્રી ઘણા વખતે અમદાવાદ આવ્યા હતા. મનોજ અને વર્ષાની જિદના કારણે તેઓ તેના ઘરે રોકાયા હતા. દિવસ દરમિયાન તો ચારેય જણાએ આનંદ કર્યો, અલક મલકની વાતો કરી અને બહાર ફરી આવ્યા, ડિનર કરી આવ્યા અને મોજ કરી. રાત પડી અને લગભગ દસ વાગ્યા ત્યાં જ મનોજ ઊભો થઈને બેડરૂમની બહાર જવા લાગ્યો. તેણે બાકીના ત્રણેયને કહી દીધું કે, ભાઈ મારે સુઈ જવું પડશે કારણ કે મારે સવારે વહેલા જાગવાનું હોય છે. હું હવે વધારે વાતો કરી શકીશ નહીં. તમે લોકો બેસો હું ઉપરના માળે જઈને સુઈ જાઉં છું. પ્રેરક અને મૈત્રી તથા વર્ષા ત્રણેય વાતો કરતા હતા.
વર્ષાએ ફોડ પાડયો કે, અમારે દરરોજ આવું જ હોય છે. મનોજને સવારે વહેલા ઓફિસ જવાનું હોય છે તેથી તે રાત્રે પણ વહેલો સુઈ જાય છે. મને સવારે વહેલા જાગવામાં વાંધો આવતો નથી. હું રાત્રે મોડે સુધી જાગીને પણ સવારે વહેલી જાગી શકું છું. મનોજની ઉંઘ પૂરી ન થાય તો તેને સમસ્યા થાય છે. મને રાત્રે મોડે સુધી ઉંઘ આવતી નથી. અમે લોકો લગભગ છેલ્લાં ત્રણ વર્ષથી અલગ અલગ જ ઉંઘીએ છીએ. તે રાત્રે ઉપરના માળે જઈને સુઈ જાય છે અને હું નીચે આ રૂમમાં સુઈ જાઉં છું. પ્રેરક અને મૈત્રી તો આ વાત સાંભળીને આશ્ચર્યમાં મુકાઈ ગયા.
આવો જ એક કિસ્સો કોમલ અને વૈભવનો હતો. કૌમલને મોડે સુધી ફોન સ્ક્રોલ કરવાનો અને સોશિયલ મીડિયા જોતા રહેવાનો ક્રેઝ હતો. તે અડધી રાત સુધી જાગતી હોય. તેના કારણે વૈભવની ઉંઘ ડિસ્ટર્બ થતી હતી. કોમલ હેડફોન કે ઈયરફોનનો ઉપયોગ પણ નહોતી કરતી. તેના કારણે બેડરૂમમાં જોર જોરથી અવાજ આવે એટલે વૈભવની ઉંઘ બગડતી હતી. બીજી તરફ કોમલની દલીલ હતી કે, વૈભવ જોર જોરથી નશકોરા બોલાવે છે અને તેના કારણે કોમલને ઉંઘ આવતી નથી. તેના નશકોરાનો અવાજ દબાવવા તે જોર જોરથી મોબાઈલમાં ગીતો સાંભળે છે કે રીલ્સ જૂએ છે. તેનાથી છૂટકારો મેળવવા બંને અલગ અલગ ઊંઘવાનું નક્કી કર્યું હતું. બંને અલગ અલગ રૂમમાં ઉંઘતા હતા.
વર્તમાન સમયમાં આસપાસ નજર કરીએ કે પોતાના ઘરમાં પણ થોડું નિરિક્ષણ કરીએ તો સમજાય છે કે, લોકોમાં લાઈફસ્ટાઈલને લગતી સમસ્યાઓ વધવા લાગી છે. એક તરફ બ્લડ પ્રેશર, ડાયાબિટિસ કે ડિપ્રેશન અને એન્ગ્ઝાઈટી જેવા લાઈફસ્ટાઈલ ડિસિઝ વધ્યા છે ત્યાં બીજી પણ કેટલીક સમસ્યાઓ વધવા લાગી છે. તેની અસર સંબંધો ઉપર થવા લાગી છે. આ સંબંધો બચાવવા માટે કે તેનો ઉકેલ લાવવા માટે લોકો જાતભાતની કામગીરીઓ કરતા હોય છે. તેમાં હવે કપલ્સ દ્વારા સ્લીપ ડાયવોર્સનો ટ્રેન્ડ અપનાવવામાં આવ્યો છે.
કહેવાય છે કે, દિવસભરનો થાક ઉતારવા, આરામી ઉંઘ માટે, કોઈની પડખા ફરતા રહેવાની આદતથી મુક્તિ માટે કે, પતિના જોરશોરથી નશકોરા બોલાવવાની આદતથી છુટવા માટે કે મોડી રાત સુધી જાગતા જીવનસાથીની આદતોથી કંટાળીને કે પછી અલગ અલગ સ્લીપ ટાઈમિંગથી રાહત મેળવવા હવે યુગલો જુદા જુદા ઉંઘવાનું પસંદ કરે છે. નવા જમાનાની પરિભાષામાં તેને સ્લીપ ડાઈવોર્સ કહેવામાં આવે છે. નામ થોડું ચિંતાજનક અને આશ્ચર્યજનક છે પણ નવા ટ્રેન્ડમાં એવું કહેવાય છે કે, જો કપલ્સ સ્લીપ ડાઈવોર્સ લેતા હોય તો તેઓ સંબંધ બચાવવા માટે આવું કરે છે. નવી પેઢીના યુગલો માને છે કે, તેનાથી સંબંધ સ્વસ્થ રહે છે અને બીજા ઘણા ફાયદા થાય છે.
સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે, સ્લીપ ડાયવોર્સમાં પતિ અને પત્ની એકબીજાની સહમતી અને ખુશીથી અલગ ઉંઘતા હોય છે. તેઓ અલગ અલગ રૂમમાં કે પછી એક જ રૂમમાં અલગ અલગ બેડમાં કે એક જ બેડ ઉપર અલગ અલગ દિશામાં મોઢું કરીને એકબીજાને ડિસ્ટર્બ કર્યા વગર ઉંઘતા હોય છે. તેનો આશય એકબીજાથી દૂર થવાનો કે પર્સનલ સ્પેસ આપવાનો નહીં પણ સારી ઉંઘ મળે તે હોય છે. આજની બદલાયેલી લાઈફસ્ટાઈલમાં લોકોને યોગ્ય ઉંઘ મળે તેના માટે પણ તેઓ કોન્સિયસ હોય છે. તેના કારણે ઘણી વખત સાથે ઉંઘવાથી સમસ્યા થતી હોય છે. આ સમસ્યાના કારણે સંબંધોમાં ખટાશ આવે કે અન્ય કોઈ મુશ્કેલી થાય તેના કરતા સમહતીથી અલગ ઉંઘવાનું યુગલો વધારે પસંદ કરી રહ્યા છે.
લોકોની સામાન્ય ફરિયાદ એવી છે કે, છેલ્લાં કેટલાક વર્ષોથી તમામની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે. લોકોની રોજિંદી જિંદગી જ નાસભાગ અને વ્યસ્તતાવાળી થઈ ગઈ છે. તેના કારણે મોટાભાગે લોકોની ઉંઘ પૂરી થતી નથી. સામાન્ય સાત કલાકની પણ લોકોને ઉંઘ મળતી નથી. આ સંજોગોમાં જો જીવનસાથીના કારણે પણ ઉંઘ ખરાબ થાય કે યોગ્ય ઉંઘ ન મળે તો સ્વાભાવિક છે કે તેની અસર રોજિંદા કામ અને ત્યારબાદ સંબંધો ઉપર પણ પડે છે. તેના કારણે વારંવાર મૂડ સ્વિંગ થવા કે ગુસ્સો આવવો કે થાકેલા રહેવું કે ચિડચિડિયું વર્તન કરવું જેવી સમસ્યાઓ આવતી હોય છે. આ ઉપરાંત ઘણા લોકોને ઉંઘમાં ભયાનક નસકોરા બોલતા હોય છે. તેના કારણે પણ જીવનસાથીને પૂરતી ઉંઘ મળતી નથી. તે સિવાય કોરોનાકાળ બાદ સ્લીપ એપનિયાના કેસમાં પણ ખૂબ જ વધારો થયો છે જેમાં વારંવાર ઉંઘ ઉડી જાય છે. તેના કારણે જીવસાથની ઉંઘ પણ ડિસ્ટર્બ થાય છે.
બીજી એક સમસ્યા એવી છે કે, આજકાલ લોકોના રૂટિન જુદા જુદા છે. તેમના કામના કલાકો, તેમના શિફ્ટના ટાઈમિંગ અને બીજી ઘણી બાબતો પણ બદલાયેલી હોય છે. ઘણી વખત કોઈ મોડી રાત સુધી જાગીને કામ કરતું હોય છે તો કોઈ વહેલા સવારે જાગીને કામ કરવા ટેવાયેલું હોય છે. તેના કારણે ઘરમાં રહેલા દરેક વ્યક્તિ અને ખાસ કરીને કપલ્સ એક જ સમયે ઉંઘી જાય તેવું શક્ય નથી. તેના કારણે પણ ઉંઘ ખરાબ થાય છે. આ સિવાય ઘણા લોકોને ઉંઘમાં પડખા ફરવાની આદત હોય છે. તેના પગલે પણ જીવનસાથીની ઉંઘ ખરાબ થતી હોય છે. આવી નાની-નાની સમસ્યાઓ ગમે ત્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે.
ચિંતાજનક બાબત એ છે કે, થોડા સમય પહેલાં આ વિશે સર્વે પણ કરવામાં આવ્યો હતો. તેમાં જે આંકડા આવ્યા તે ભયાનક હતા. અંદાજે ૩૦ ટકા લોકો સ્લીપ ડાઈવોર્સ અપનાવી રહ્યા છે. તેમાંય ખાસ કરીને ૩૫થી ૪૫ વર્ષની ઉંમરના યુગલો દ્વારા તેનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉંમરે કામનું દબાણ, પરિવારની જવાબદારીઓ, સ્વાસ્થ્યની સમસ્યાઓ વચ્ચે લોકોની ઉંઘ પણ ખરાબ થઈ રહી છે. તેના કારણે યુગલો એકબીજા સાથે સમજદારી દાખવી રહ્યા છે. તેઓ એકબીજાને મદદ કરવા અને સંબંધ સાચવવા માટે અલગ ઉંઘવાનું આ પગલું લઈ રહ્યા છે.
હકિકતે જોવા જઈએ તો, આવી લાઈફસ્ટાઈલ ખરેખર એક મનોવિકૃતિ જ કહી શકાય. મનના નબળા માણસો આવા વિચારો કરતા હોય છે અને તેને અમલમાં મુકતા હોય છે. પતિ અને પત્ની એકબીજાની સાથે ઉંઘવાના સ્થાને અલગ અલગ ઉંઘવાનું પસંદ કરે છે કારણ કે સારી ઉંઘ આવે. સદીઓથી સહજીવનની જે રીત ચાલી આવી છે તે ખોટી છે કે, પછી નવા જમાના પ્રમાણે નવા તૂત આવી રહ્યા છે તે સમજાતું નથી. એક પતિ અને પત્ની પોતાના જીવનસાથીના રૂટિનથી પરિચિત જ હોય છે. તેઓ એકબીજાને એડજસ્ટ થઈને જ રહેતા હોય છે. તેઓ એકબીજાના ગમા-અણગમા, આદતો, સ્થિતિ વિશે જાણતા હોય છે તો પછી માત્ર ઉંઘ માટે થઈને જુદા શા માટે પડે.
સદીઓથી સમાજ વ્યવસ્થામાં જોવામાં આવ્યું છે કે, પુરુષો નસકોરા બોલાવતા હોય છે અને તેમની પત્નીઓ અને સંતાનો તેમની સાથે આરામથી રહેતા જ આવ્યા હોય છે. હવે નવી લાઈફસ્ટાઈલના નામે નસકોરા બોલાવવા તે લાઈફ પાર્ટનરની ઉંઘ ખરાબ કરવા સમાન છે કે તેની લાઈફસ્ટાઈલ ડિસ્ટર્બ કરી દેશે તેવું માની લેવું ભુલ ભરેલું છે. કોઈ વ્યક્તિ મોડે સુધી જાગે કે કોઈ વ્યક્તિ વહેલી સુઈ જાય તો તેમાં કોઈ જ નવાઈ નથી. તેના કારણે દંપતી અલગ અલગ સુવે કે એકબીજાને અવગણીને પોતાની ઉંઘને મહત્ત્વ આપે તે વાત ગળે ઉતરે તેમ નથી.
દિવસ દરમિયાન કામગીરી કરીને થાકેલો માણસ ઘરે આવે ત્યારે જ પોતાના સંતાનો, માતા-પિતા કે જીવનસાથીને મળે છે. તેવી જ રીતે વકગ કપલ્સ પણ દિવસના અંતે રાત્રે જ ભેગા થતા હોય છે. આ સંજોગોમાં એકબીજાની હળવી પળો, રોમાન્સ, રોમાંચ, આનંદ, અંગત વાતચીતો અને બધું જ બાજુએ રાખીને માત્ર ઉંઘવાને પ્રાધાન્ય આપે તે કેવી રીતે શક્ય છે. તેમાંય પત્ની વહેલી ઉંઘી જાય કે પતિ મોડે સુધી જાગે કે પછી પતિ બીજા રૂમમાં જઈને આરામ કરે અને પત્ની બાળકો સાથે ઉંઘી જાય તેવું ખરેખર અવિચારી પગલું જ ગણી શકાય.
દિવસભરના થાક પછી એકબીજાની હુંફ, રોમાન્સ, સહવાસ, રોમાંચ અને હળવાશની પળો છોડીને માત્ર ઉંઘવા ઉપર ફોકસ કરવું ખરેખર ગળે ઉતરે તેવી વાત નથી. તેમાંય આજના કહેવાતા લાઈફસ્ટાઈલ કોચ અને કાઉન્સેલરો દ્વારા ઊભું કરાયેલું આ તુત ફાયદો કરાવતું હોય તેમ લાગતું નથી. તમે દિવસ દરમિયાન મળતા નથી અને સ્વસ્થ રહો છે અને રાત્રે સાથે રહો છો અને તમારા સ્વાસ્થ્ય ઉપર તેની ખરાબ અસર પડે છે. આવું કેવી રીતે બની શકે. એકબીજાને ગમતા રહેવાની આ સફરમાં એકબીજાથી વિમુખ રહેવાનો આ નવો ટ્રેન્ડ ખરેખર લગ્નજીવનને દુષ્કર બનાવી દે તેવો છે.


