Get The App

ધુળેટીમાં રંગોની છાકમછોળ સામે ત્વચાની સંભાળ

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
ધુળેટીમાં રંગોની છાકમછોળ સામે ત્વચાની સંભાળ 1 - image

- હોળી રમવા પહેલાં અને પછી જરૂરી ત્વચા-કેશની સારસંભાળ

આજકાલ બજારમાં મળતા હોળીના રંગોમાં કેટલીક વાર એવાં તત્ત્વો હોય છે જે આપણી ત્વચા અને વાળને નુકસાન કરે છે. જો સંભાળ ન રાખવામાં આવે તો રંગોનો તહેવાર તમારી ત્વચાને બેરંગ બનાવી દે છે. આવું ન થાય એ માટે શું કરશો?

હોળી રમવા જતાં પહેલાં શું કરશો?

હોળી રમવા જાઓ એ પહેલાં તમારી ત્વચા, વાળ અને આંખની સલામતીની પૂરી તકેદારી લઈ લો. એવાં કપડાં પહેરો જેમાં શરીરનો મોટા ભાગનો ભાગ ઢંકાઈ જાય. શરીર પર ક્રીમ, ઑલિવ ઑઈલ, નાળિયેરનું તેલ કે વેસલિન લગાવી લો એથી રંગ તમારા શરીર પર ચોંટે નહીં. નખની ઉપર નેઈલપોલિશ લગાવી લો. હોઠ પર લિપગ્લોસનું જાડું લેયર લગાવી દો. હોળી રમતાં-રમતાં બપોર તો થઈ જ જાય છે માટે તડકાનો સામનો કરવા માટે સારું વૉટરપ્રૂફ સન સ્ક્રીન લોશન લગાવવાનું ન ભૂલાય, વાળમાં તેલ લગાડવાથી રંગોની વાળ પર વધારે અસર નહીં થાય.

કેવા રંગ ખરીદશો?

જે રંગ પાણીમાં ભેળવીએ તો એકદમ મિક્સ થઈ જાય એવા રંગ ખરીદો. ખૂબ જ ચળકતા, ચાંદી જેવા રંગ ન ખરીદો. રંગ ખરીદતી વખતે  એને ચપટીમાં મસળી જુઓ. હાથમાં મસળતી વખતે એકદમ લીસા અને ટેલ્કમ પાઉડર જેવા રંગ લાગે તો જ ખરીદો. હાથમાં લેતા કરકરા અને દાણાદાર લાગે એવા રંગ ન ખરીદો.

હોળીના રંગોમાં ઘણીવાર એવા પદાર્થો મિક્સ કરવામાં આવે છે જે શરીરમાં ઘૂસી જાય તો ગંભીર નુકસાન પહોંચાડે છે એટલે કુદરતી રંગોની પસંદગી કરો. તમે ચાહો તો ઘરે જ ગલગોટાનાં ફૂલ, ચંદન, બેસન, હળદર જેવા પ્રાકૃતિક પદાર્થોમાંથી રંગ દબનાવી શકો છો. પર્મેનન્ટ કલર અવૉઈડ કરો, કારણ કે એનાથી સ્કિન-એલર્જી થઈ શકે છે. ગ્લિટર્સવાળા કલર અવૉઈડ કરો.

હોળી રમ્યા પછી ત્વચાની દેખભાળ

હોળી રમી લીધા પછી બને એટલા જલદી ત્વચા પરના રંગ દૂર કરવાની કોશિશ કરો. સૌપ્રથમ જે રંગ જલદીથી દૂર થઈ શકતા હોય એને દૂર કરવા માટે મોઈશ્ચરાઈઝરયુક્ત શેમ્પૂ વડે વાળ ધોઈ લો. હવે જે રંગ નથી નીકળ્યા એને દૂર કરવાની કોશિશ કરો. બચેલા રંગને દૂર કરવા માટે તેલ લગાવીને હલકા હાથે માલિશ કરો અને થોડી વાર પછી ચણાના લોટ વડે ઘસીને ધોઈ લો અથવા તો સારા સાબુ વડે ધોેઈ લો.

પ્રાકૃતિક ઉપાય

* હોળીનો રંગ કાઢી લીધા પછી ત્વચા ડ્રાય લાગે તો ચહેરા પર થોડું પાકું પપૈયું ઘસી લો.

* સોયાબીનના લોટમાં દહીં અથવા દૂધ ભેળવીને એની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી લો અને અડધા કલાક પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

* વાળ ધોઈ લીધા પછી એમાં જૈતૂનના તેલથી મસાજ કરી લો  અથવા સારું હેરપેક લગાવીને થોડી વાર પછી વાળ પાછા ઘોઈ લો.

* હોળીનો રંગ કાઢી લીધા પછી ડ્રાય થયેલી ત્વચાને મુલાયમ બનાવવા માટે પાકેલા કેળામાં બે ચમચી મધ અને બે ચમચી મલાઈ મિક્સ કરીને બનાવેલો પેક લગાડવાથી ત્વચા સ્મૂધ બને છે.

* તડકામાં હોળી રમવાથી ટેન  થયેલી ત્વચા પર ટમેટાંનો પલ્પ ઘસવાથી ટેનિંગ દૂર થાય છે.