Get The App

તન-મન-મગજને તરોતાજા કરવા ક્યારેક સાવ ઠાલા બેસી રહો

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
તન-મન-મગજને તરોતાજા કરવા ક્યારેક સાવ ઠાલા બેસી રહો 1 - image

- થેરેપ્યૂટિક લેઝીનેસ માઇન્ડફુલ રેસ્ટ

આજની તારીખમાં મલ્ટિટાસ્કિંગ સાવ સામાન્ય બાબત ગણાય છે. ખાસ કરીને મહાનગરોમાં વસતા લોકો સાગમટે બે-પાંચ કામ કરવામાં પ્રાવિણ્ય કેળવી ચૂક્યાં છે. ઘર અને નોકરી-વ્યવસાય, રોજિંદો પ્રવાસ, સોશ્યલ મીડિયા, સામાજિક વ્યવહાર અને સંસારની સઘળી જવાબદારીઓ તેઓ એકસાથે બખૂબી નિભાવી જાણે છે. પરંતુ અવિરતપણે ચાલતી આ જીવનશૈલી તેમના શરીર જ  નહીં, મન અને મગજને પણ થકવી નાખે છે. આ બધું સંભાળવા પાચળ તેઓ પોતાની જાતને જ વિસરી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે તેમનું સ્વાસ્થ્ય જવાબ આપવા માંડે ત્યારે તેઓ વ્યાયામ, યોગ, મેડિટેશન, ડાયટિંગ જેવા ઉપાયો અજમાવવાનો પ્રયાસ કરે છે. અલબત્ત, તેમાં કાંઈ ખોટું નથી. પરંતુ આવી નોબત જ ન આવે તેના માટે શું કાંઈ ન કરી શકાય?

મનોચિકિત્સકો કહે છે કે તમારા આ પ્રશ્નમાં જ તેનો જવાબ રહેલો છે. કહેવાનો અર્થ એ છે કે કેટલીક વખત ખરેખર જ બિલકુલ કાંઈ ન કરવું એ જ શરીર સાથે મન-મગજને પણ ફરીથી તરોતાજા કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તબીબી ભાષામાં તેને થેરેપ્યૂટિક લેઝીનેસ કે માઇન્ડફુલ રેસ્ટ કહેવામાં આવે છે. ઇરાદાપૂર્વક લેવામાં આવતો આ આરામ કે બ્રેક સતત દોડતી રહેતી વ્યક્તિ માટે અત્યાવશ્યક છે. તેમાં તેને કોઈ પ્રકારની ગુનાઇત લાગણી અનુભવવાની જરૂર નથી.

તેઓ વધુમાં કહે છે કે થાકેલા શરીર અને મૂંઝાયેલા મન-મગજને આરામ આપવો એ યોગ કે ધ્યાન ધરવાથી જરાય ઓછું ન કહેવાય. કોર્પોરેટ કંપનીમાં કામ કરતાં ઘણાં લોકો થાકીને લોથ થઈ જાય, તેમને એવું લાગે જાણે તેમનું મગજ બહેર મારવા માંડયુ છે. તેમના કામની ઝડપ ઘટવા લાગી છે ત્યારે ગભરામણના માર્યાં અમારી પાસે આવે છે. તેમને તેમની કારકિર્દીને લૂણો લાગવાની ભીતિ સતાવે છે. આવી સ્થિતિમાં  અમે તેમને માત્ર ઠાલા બેસી રહેવાની સલાહ આપીએ છીએ. અને અમારી સલાહનો અમલ કરનારાઓ ખરેખર રાહત પણ અનુભવે છે.

મનોચિકિત્સકો તેમના દરદીઓ વિષયક કેટલાંક ઉદાહરણો આપતાં કહે છે કે અમારા ઘણાં દરદીઓ બે-ત્રણ દિવસ માટે નજીકના કોઈક શાંત સ્થળે જતાં રહે છે. ત્યાં તેઓ માત્ર આરામ કરવા સિવાય બીજું કશું નથી કરતાં. આરામના આ વખત દરમિયાન તેઓ સોશ્યલ મીડિયાથી પણ દૂર જ રહે છે. જો તેમના પરિવારજનો તેમની સાથે ન હોય તો તેમના સિવાય અન્ય કોઈ સાથે ફોન પર વાત સુધ્ધાં નથી કરતાં. આમ કરવાથી તેમની નર્વસ સિસ્ટમ હળવી બનતાં તેઓ માનસિક તાણમાં રાહત અનુભવે છે. આ રીતે હળવા થવાને આળસ ગણવું આપણી સૌથી મોટી ભૂલ કહેવાય. ઇરાદાપૂર્વક ઠાલા બેસવું ે નવી ઊર્જા પામવાનો સૌથી સોંઘો અને સરળ ઉપાય છે.

કોર્પોરેટ કંપનીમાં કામ કરતી નીતા કહે છે કે મને ઉપરાઉપરી મીટિંગ લેવાની હોય ત્યારે હું બે મીટિંગ વચ્ચે ૧૦થી ૧૫ મિનિટનો બ્રેક લઉં છું. તે વખતે હું મારી કેબિનમાં આંખો બંધ કરીને બેસી રહેવા સિવાય કાંઈ નથી કરતી. આ નાનકડો બ્રેક મને બીજી મીટિંગ લેવા માટે નવી ઊર્જાથી ભરી દે છે. તે વધુમાં કહે છે કે આ બાબતે મારી ઓફિસમાં ઘણી વખત ગુસપુસ થાય છે. કેટલાંક લોકો મને આળસુ પણ ગણે છે. પરંતુ હું તેની પરવા નથી કરતી. જે રીતે યુધ્ધ જીતવાની વ્યુહરચનાના ભાગરૂપે સૈનિકોને પીછેહઠ કરવાનું કહેવામાં આવે જેથી તેઓ પછીથી બમણાં જોશથી આક્રમણ કરી શકે, બિલકુલ એવી જ રીતે કામમાંથી થોડીવાર માટે પીછેહઠ કરવી બમણાં જોશથી કામ કરવાની મારી પધ્ધતિનો ભાગ છે.

મનોચિકિસ્તકો પણ નીતાની વાતને સમર્થન આપતાં કહે છે કે આ રીતે જે તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આવો હેલ્ધી બ્રેક તમને બર્નઆઉટથી બચાવે છે. થોડીવાર માટે કે થોડાં દિવસ માટે આરામ કરવો એ સમયનો વ્યય નહીં, બલ્કે મગજને નવેસરથી વ્યવસ્થિત રીતે કાર્યરત કરવાનો/રાખવાનો ઉપાય છે. ક્યારેક ક્યારેક થોડીવાર માટે થંભી જવાથી આગળ વધવાની ગતિને  બળ મળે છે.

ઠાલા બેસી રહેવું તન-મન-મગજ માટે શી  રીતે લાભપ્રદ છે તેના વિશે તજજ્ઞાો કહે છે કે મગજને સતત દોડાવ્યા રાખવાથી તે પણ થાકે છે. તેથી માઇન્ડફુલ રેસ્ટ  લેવામાં આવે તો માઇન્ડ પણ રિલેક્સ થાય છે. તેમાં ગુનાઇત લાગણી અનુભવવાની જરૂર નથી.

- વૈશાલી ઠક્કર