આદુ તુલસી પેક
આદુ-તુલસીના ફુદીનાના પાનને સપ્રમાણ માત્રામાં લઈ તેની પેસ્ટ બનાવવી. તેમાં લીંબુનો રસ થોડો ભેળવી ચહેરા પર લગાડવો. બે કલાક બાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખવો. આ પેકથી ચહેરા પરની ઝાંય દૂર થાય છે.
અડદ દાળપેક
એક ચમચી અડદની દાળ અને ચાર બદામને રાતના પલાળી સવારે સાથે જ વાટવી. મુલાયમ પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. ૩૦ મિનિટ બાદ ચહેરો ધોઈ નાખવો. આ પ્રોટીન માસ્ક સાબિત થાય છે. ત્વચાને પોષણ મળવાની સાથે સાથે તે બ્લીચનું પણ કામ કરે છે.
અળસી-પેક
એક ચમચી અળસીને થોડીવાર પાણીમાં ભીંજવી રાખીને પેસ્ટ બનાવવી. ચહેરા પર લગાડી સુકાઈ જાય બાદ ઠંડા પાણીથી દૂર કરવું. આ પેકના ઉપયોગથી ત્વચા મુલાયમ તેમજ ચળકતી થાય છે.
ઈંડુ - બદામનો પેક
એક ઈંડાની સફેદીમાં ચાર-પાંચ બદામની પેસ્ટ અને મધ ભેળવવું. આ મિશ્રણ ચહેરા તથા ગરદન પર લગાડવું. આ પેક ત્વચાને વિખારવામાં ફાયદાકારક છે.
પોટેટો માસ્ક
એક ચમચો ખમણેલું બટાટુ અને અડધો ચમચો દહીં ભેળવી ૧૫-૨૦ મિનિટ ચહેરા પર લગાડી રાખી ધોવું. રૂક્ષ ત્વચા માટેનો ઉત્તમ પેક સાબિત થશે.
બદામનો પેક
ચાર પલાળેલી બદામ, બે-ત્રણ ગુલાબની પાંખડી બે ટેબલસ્પુન ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા અને ગરદન પર લગાડવી.
કોબીનો માસ્ક
કોબીના પાનને વાટી તેનો રસ કાઢવો. તેમાં એક ચમચી મધ ભેળવી ચહેરા અને ગરદન પર લગાડવું. ૧૫ મિનિટ પછી પાણીમાં ભીંજવેલા રૂ થી ચહેરા પરની પેસ્ટ દૂર કરવી. આ પેક લગાડવાથી ચહેરો તાજગીસભર બને છે અને ચહેરા પરની કરચલી દૂર થાય છે તેમજ ત્વચાને સુરક્ષા પ્રદાન થાય છે.
કોળાનો માસ્ક
કોળાને બાફી છુંદવું. બે ચમચી કોળાની પેસ્ટમાં એક ચમચી મધ અને પા ચમચી દૂધ ભેળવી ચહેરા પર લગાડવું. ૧૦-૧૫ મિનિટ પછી હુંફાળા પાણીથી ધોઈ નાખવું. ત્વચાને કોમળતા અને ઠંડક પ્રદાન થાય છે.
મસૂરની દાળના વિવિધ પેક
મસૂર દાળને રાતના પાણીમાં પલાળી સવારે વાટી કાચા દૂધમાં ભેળવી ચહેરા પર લગાડવું. ૨૦ મિનિટ બાદ ચહેરો ધોઈ નાખવો. આ પેસ્ટ ત્વચા માટે ક્લિજનિંગનું કામ કરે છે. ઉપરાંત ખીલથી છુટકારો અપાવે છે. તેમજ ત્વચાને મુલાયમ કરે છે.
એક ચમચો મસૂર દાળ પાવડર, બે ચમચા દૂધ અને ચપટી હળદર ભેળવી ચહેરા પર લગાડવું. બે-ત્રણ મિનિટ પછી હળવે હળવે રબ કરતા કરતા ચહેરા પરથી પેસ્ટ દૂર કરવી. રૂક્ષ ત્વચા હોય તો કોપરેલ ભેળવવું. આ એક ઉત્તમ ફેશવૉસ સાબિત થશે.
મસૂરની દાળને રાતના પલાળી સવારે તેમાં ૧-૧ ચમચી કાચુ દૂધ અને બદામનું તેલ ભેળવી ચહેરા પર લગાડવું. ૨૦ મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો. આ પેસ્ટથી ત્વચા કાંતિમય બને છે અને રંગત નિખરે છે.
ચારોળીનો માસ્ક
એક ચમચી ચારોળી. બારીક વાટી તેમાં એક ચમચી દૂધ અને ચપટી હળદર ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. સુકાઈ જાય બાદ ચહેરો ધોઈ નાખવો. આ પેસ્ટ ક્લિંજરનું કામ કરે છે.
- મીનાક્ષી


