આજે રસોડામાં ગેસ, ઓવન, મિક્સર, બ્લેન્ડર જેવા ઉપકરણો જોવા મળે છે. આનાથી માનુનીઓના સમયની બચત થાય છે તથા કડાકૂટ પણ ઓછી થાય છે. જોકે આ તમામ વસ્તુઓનો યોગ્ય ઉપયોગ આવડવો જરૂરી છે. જો ઉપકરણોના સંચાલનમાં જરાસરખી ગફલત થાય તો દુર્ઘટના સર્જાઈ શકે છે. સુરક્ષિત રહેવાનો અર્થ એમ નહિ કે માત્ર મોટી મોટી જીવલેણ દુર્ઘટનાઓથી જ સલામત રહેવું. આપણા રોજીંદા જીવનમાં પણ નાની નાની વાતોનું ધ્યાન રાખી સુરક્ષિત રહેવાની જરૂર હોય છે.
રસોડામાં રહેલા ગેસ વગરના જીવનની કલ્પના કરવી પણ શક્ય નથી. પણ જો ગેસના વપરાશ બાબતે સાવધાની ન રાખવામાં આવે તો આગ લાગી શકે છે. આથી પ્રત્યેક માનુનીએ નીચે જણાવેલી કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી.
- નાયલોનના વસ્ત્રો પહેરી રસોઈ બનાવવી નહીં. સાડી કે દુપટ્ટાનો છેડો ગેસના બર્નરને લાગે નહિ તેની તકેદારી રાખવી.
- ગેસના ચૂલા કે સિલિન્ડરને અકારણ ખોલવાની કોશિશ કરવી નહિ. તે જ પ્રમાણે ગેસ રિપેર કરનારા નકલી મેકેનીકથી પણ સાવધ રહેવું.
- દર બે વર્ષે એકવખત ગેસ કંપનીના અધિકૃત મેેકેનીકને બોલાવી ગેસના ચૂલા અને સિલિન્ડરની તપાસ કરાવવી.
- ગેસના ચૂલાની નજીક પડદા હોય તો તેની લંબાઈ ટૂંકી રાખવી. લાંબા પડદા હવામાં ઊડતા આગ પકડાઈ શકે છે.
- સિલિન્ડરની ડિલીવરી લેતાં પૂર્વે તેની સરખી તપાસ કરી લેવી.
- ગેસના ચૂલાને જમીન પર મૂકવા નહિ. તે જ પ્રમાણે એસ્બેસ્ટોસ શીટ ન લગાડી હોય તેવા લાકડાના ટેબલ પર પણ ગેસનો ચૂલો મૂકવો નહિ.
- ગેસના ચૂલાને સિલિન્ડરની ઊંચાઈ કરતાં ઊંચી જગ્યાએ મૂકવા.
- ઓછી હવા ધરાવતાં રૂમમાં ગેસનો ઉપયોગ કરવો નહિ.
- ગેસને બેઝમેન્ટમાં મૂકવો નહિ.
- હમેશાં સિલિન્ડરને ઊભો રાખવો જેથી વાલ્વ ઉપરની તરફ રહે.
- ગેસના ચૂલાથી એક મીટરના અંતરે ઓવન કે કેરોસીનથી ચાલતાં સ્ટેવને ન મૂકવો.
- ગેસના ચૂલાને સિલિન્ડરની સાથે જોડતી રબર ટયુબની ઉપર કવર લગાડવું નહિ કે ટી જોઈન્ટ પણ લગાડવું નહિ.
- રસોઈ બની ગયા પછી તથા દરરોજ રાતે ગેસનો રેગ્યુલેટર નોબ બંધ કરવો.
- રબરની ટયુબ પર તારીખ લખેલી હોય છે બે વર્ષ જુની રબર ટયુબ કે તૂટેલી રબર ટયુબનો ઉપયોગ કરવો નહિ.
- સિલિન્ડરનો ઉપયોગ ન કરવાનો હોય ત્યારે રેગ્યુલેટર બંધ રાખવું.
- જો સિલિન્ડર પ્લેટફોર્મ પાસેના ખાનામાં મૂકો તો તેમાં હવાની અવરજવરનો માર્ગ હોવો જોઈએ.
ખાલી થયેલો સિલિન્ડર કાઢી ભરેલો સિલિન્ડર બેસાડતી વખતે :
- રસોડા કે રૂમમાં દીવો કે અન્ય પ્રકારની જ્યોત પ્રગટતી હોય તો તે બંધ કરો.
- ગેસના બર્નરના બટન બંધ કરો.
- રેગ્યુલેટરના નોબને ફેરવી 'ઓન'માંથી 'ઓફ્ફ' કરો.
- રેગ્યુલેટરને પકડી તેની નીચે રહેલી કાળી પ્લાસ્ટિકની રીંગને ઉપરની તરફ ખેંચો અને તેને થોડી ફેરવી રેગ્યુલેટરને ઉપરની બાજુ ખેંચો અને તેને સિલિન્ડરના વાલ્વથી અલગ કરો.
- વાલ્વના ઉપરના ભાગ પર સેફ્ટી કેપ (સફેદ ઢાંકણ)ને મૂકો અને તેને જોરથી નીચે દબાવો. એટલે 'ક્લિક' અવાજ આવશે. ત્યારબાદ ખાલી થયેલા સિલિન્ડરને અલગ મૂકો.
- ભરેલા સિલિન્ડરને ખોલવા માટે તેના સેફ્ટી કેપ સાથે જોડાયેલી દોરી ખેંચો અને તેને વાલ્વથી ઉપર કરી અલગ કરો.
- ભરેલા સિલિન્ડરને રેગ્યુલેટર સાથે જોડતાં પૂર્વે રેગ્યુલેટરનો નૉબ ઓફ છે કે નહિ તે તપાસો. રેગ્યુલેટર પકડી કાળી પ્લાસ્ટિકની રીંગને દબાવી પહેલાં ઉપરની તરફ લો અને પછી વાલ્વ પર બેસાડી નીચેની તરફ દબાવો એટલે 'ક્લિક' અવાજ આવશે.
- રેગ્યુલેટર લાગી જતાં સ્વિચ નોબને ઉલ્ટી દિશામાં ફેરવી 'ઓન' કરો.
- દિવાસળી પેટાવીને ગેસના બર્નર પાસે લઈ જઈ તેના બટનને ફેરવી 'ઓન' કરો.
- ગેસનું કામ પૂરું થયા બાદ બર્નરના બટન સરખી રીતે બંધ કરો.
- ગેસ સિલિન્ડર બદલાઈ ગયા પછી ગેસની વાસ આવે છે કે નહિ તે તપાસો. રસોડા કે રૂમના બારી-દરવાજા ખોલી નાંખો. જો ગેસની વાસ આવે તો ગેસ વિતરક કંપનીના મેકેનીકને બોલાવો.


