એસિડિટી, ગેસ અને અપચાને દૂર કરવાના સરળ ઉપાયો
અનિયમિત ભોજન, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું, તાણ વગેરેના કારણે એસિડિટી, ગેસ તેમજ અપચાની સમસ્યા હવે સામાન્ય થઇ ગઇ છે. વારંવાર દવા ખાવા કરતાં ઘરગત્થુ ઉપાયથી રાહત મેળવી શકાય છે.
બેકિંગ સોડા
અડધો ગ્લાસ પાણીમાં પા ચમચી બેકિંગ સોડા ભેળવી પીવાથી થોડી જ સેકન્ડોમાં રાહત થાય છે.
પાણી પીવું
પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે.તો વળી પાણીની કમીથી પણ સ્વાસ્થ્ય સંબંધી તકલીફો થાય છે. પાણીની કમીથી એસિડિટીની તકલીફ થવાની શક્યતા રહેલી છે. આમ પણ દિવસ દરમિયાન આઠ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. ગેસની તકલીફ જે વ્યક્તિને વધારે હોય તેમણે વધુ પાણી પીવું જોઇએ. પાણી શરીરમાંથી એસિડ દૂર કરવામાં મદદ કરે છે, જેથી રાહત મળે છે.
આદુનું સેવન
આદુવાળી ચા પીવાનું લોકોને પસંદ છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે આદુનો ઉપયોગ એસિડિટી દૂર કરવામાં પણ થાય છે. થોડો સુકો આદો ચામાં નાખીને પીવાથી ગેસથી તરત જ રાહત થાય છે. આદુમાં એન્ટી-બેકટેરિયલ અને એન્ટીરઇન્ફ્લામેન્ટ્રી તત્વો સમાયેલા છે. જે ગેસથી રાહત આપે છે.
આ ઉપરાંત આદુના નાના-નાના ટુકડાને ઘીમાં સેકીને સંચળ નાખી ખાવાથી ગેસથી છૂટકારો મળેે છે.
સ્પાઇસ મિક્સ વોટર
એક પેનમાં થોડુ પાણી ઉકાળી લેવું. તેમાં જીરૂ,એલચી, તજ અને સૂંઠનો પાવડર ભેળવી એક ઊભરો આવે એટલે ઊતારી લેવું. ઇચ્છો તો તેમાં ગોળ પણ ભેળવી શકાય છે. હુંફાળું થાય એટલે પીવાથી એસિડિટીમાં રાહત થાય છે.
છાશ
ગેસની સમસ્યાથી છુટકારો પામવા માટે છાશનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. થોડા મેથીદાણા, હળદર,હીંગ, અને જીરૂ ભેળવીને પાવડરબનાવવો. સવારના નાસ્તા પછી એક ગ્લાસ છાશમાં આ પાવડર ભેળવીને પીવાતી ગેસની તકલીફથી છૂટકારો મળે છે.
વરિયાળી
સામાન્ય રીતે ભોજન પછી વરિયાળી ખાવાનો રિવાજ છે. હોટલ-રેસ્ટોરન્ટ તેમજ પાર્ટીઓમાં પણ ભોજન પછી મુખવાસ તરીકે વરિયાળી આપવામાં આવતી હોય છે. વરિયાળીની ચા પીવાથી એલિડિટીમાં રાહત થતી હોય છે.એક ગ્લાસ પાણી ગરમ કરવું તેમાં ચા અને અધકચરી ખાંડેલી વરિયાળી નાખવી એક મિનિટ સુધી ઉકાળવું. ત્યાર બાદ તેમાં થોડુ ંદૂધ અને ગોળ નાખી થોડી વાર ફરી ઉકાળવું અને તેને ગાળીને શક્ય હોય તેટલું ગરમ પીવાથી રાહત થાય છે.
લીંબુ
એસિડિટી પર જલદી ઇલાજ કરનાર લીંબુ છે. એક ગ્લાસ હુંફાળા પામીમાં લીંબુ નિચોવીને પીવાથી રાહત થાય છે. લીંબુ રક્તને સાફ કરે છે અને પેટની બીમારીઓથી છુટકારો અપાવે છે.
- મીનાક્ષી