શું તમે તમારે મિત્રો, સહકર્મીઓ અથવા પરિચિતો પ્રત્યે ઈર્ષ્યા અનુભવો છો? આ એક સ્વાભાવિક લાગણી છે જે આપણને શ્રેષ્ઠ બનવા પ્રેરે છે. પણ ક્યારેક તે હાનિકારક અને ઝેરી પણ બની જાય છે. મનોચિકિત્સકો ચેતવણી આપે છે કે જ્યારે ઈર્ષ્યા કાબુ બહાર થઈ જાય ત્યારે તે વિકૃત સ્વરૂપ ધારણ કરે છે. આવી વ્યક્તિઓમાં સહાનુભૂતિનો અભાવ હોય છે અને તેમને અન્ય કોઈની લાગણીની પરવા નથી હોતી.
અલ્પ પ્રમાણમાં ઈર્ષ્યા સકારાત્મક પ્રેરણા આપી શકે છે. તે આપણને વધુ મહેનત કરીને આપણા લક્ષ્યાંકો હાંસલ કરવા પ્રેરણા આપે ત્યાં સુધી સારુ છે પણ જ્યારે તે અનિયંત્રિત થઈ જાય ત્યારે ગંભીર સમસ્યા સર્જાય છે. અતિશય ઈર્ષ્યાથી આપણી વર્તણૂંક સામાજિક અનિષ્ટ બની શકે છે જે આપણા સંબંધો અને વ્યક્તિગત જીવન પર હાનિકારક અસર પાડે છે. સંબંધોમાં અથવા કામના સ્થળે તમને ઈર્ષ્યાનો અનુભવ થતો હોય તો તમારે અંત:સ્ફૂરણાને અનુસરીને આવી વ્યક્તિને ઓળખી કાઢીને તેની સાથેના તમારા સંબંધોનું પુન:અવલોકન કરવું જોઈએ.
મનોચિકિત્સકોના મતે સમાજવિરોધી વર્તનને સામાન્ય ગણીને તેની અવગણના ન કરવી જોઈએ. સમાજવિરોધી વર્તન અથવા સોશિયોપેથિક વર્તનમાં કોઈનો પીછો કરવો, સતામણી કરવી, તોડફોડ કરવી, ભાવનાત્મક બ્લેકમેલ, જૂઠુ બોલવું અને પરિસ્થિતિ અથવા કોઈ વ્યક્તિ પર કાબુ મેળવવા કાવાદાવા રચવા જેવા વર્તનનો સમાવેશ થાય છે. તમને તમારી આસપાસ કોઈપણ વ્યક્તિમાં આવા લક્ષણો દેખાય તો તેની સાથેના સંબંધમાં પાછા હઠીને પુન:વિચાર કરવો. સોશિયોપેથિક વર્તનના કેટલાક લક્ષણો પ્રત્યે ખાસ ધ્યાન આપવું જોઈએ -
તમારી અંગત બાબતોની નકલ કરનારા- આ હાનિકારક પરિચિતો તમારા જીવનના વિવિધ પાસાઓનું અનુકરણ કરીને તેનો મહોરા તરીકે ઉપયોગ કરે છે. આવું કરવાનો હેતુ તેઓ જેવા નથી તેવા રજૂ કરવાનો છે. આમ કરીને તેઓ પોતાની અસલીયત છુપાવે છે. આ નકલખોરો લોકોનું ધ્યાન દોરવા અથવા કદર મેળવવા તમારા કાર્યો અને વર્તનની નકલ કરે છે જેથી સફળ થવા તેમને વધુ પ્રયાસ નથી કરવો પડતો. તેમનામાં સ્વઓળખનો અભાવ હોવાથી તેઓ માને છે કે તમારી નકલ કરીને તેઓ લોકોની માન્યતા મેળવી શકશે.
અસ્વસ્થ સ્પર્ધા:
આવી વ્યક્તિઓ પોતાના મનમાં જ તમારી સાથે સ્પર્ધા કર્યા કરે છે. આવી અવિરત સરખામણી એક જોખમી સ્થિતિનું નિર્માણ કરે છે જેમાં તેમણે પોતાના અહંને સંતોષવા પોતાની જાતને સતત સાબિત કરવી પડતી હોય છે અથવા અન્યોને ઉતારી પાડવા પડતા હોય છે.
કટાક્ષ અને વ્યંગ:
તમને ઉતારી પાડવા અને અસુરક્ષિત મહેસૂસ કરાવવા તેઓ કટાક્ષયુક્ત ટિપ્પણી કર્યા કરે છે. આવી કપટી પદ્ધતિનો ઉપયોગ વિષયુક્ત સંબંધોમાં વારંવાર કરવામાં આવે છે અને તેનો હેતુ મિત્રો, સહકર્મીઓ અને પરિચિતોના અપમાન કરીને પોતાની મહત્તા સાબિત કરવાનો હોય છે.
કૃત્રિમ પ્રેમની લાગણી વ્યક્ત કરવી:
તેઓ ઢોંગી મિત્રતા દર્શાવે છે જેમાં તેઓ અતિશય હેત વ્યક્ત કરે છે અને તમારી સાથેની મિત્રતા વિશે અતિશય ઉત્સુક્તા દેખાડે છે. જો કે આવું કરવાનો હેતુ તમારા પર નજર રાખવાનો અને તમારી સફળતા અથવા ખુશીને ઓછી કરવાનો હોય છે. તેઓ તમારી વર્તણૂંકની નકલ કરે છે અને પોતાની વાસ્તવિક લાગણી છુપાવીને તમારા પ્રત્યે નફરત રાખે છે.
પીઠ પાછળ ટીકા:
તમારી પીઠ પાછળ તેઓ તમારી ટીકા કરે છે અને અન્યોને તમારો વિરોધ કરવા ઉશ્કેરે છે. તમારા પ્રત્યે તેમના મનમાં વેરભાવ હોવાથી આવો અસ્પષ્ટ પ્રતિભાવ તેઓ વ્યક્ત કરે છે. તેમના આવા આશયની તમને જાણ ન હોઈ શકે પણ તમારી અંત:સ્ફૂર્ણા તમને ખરી હકીકત જણાવી શકશે.
તમારા પર નજર રાખશે:
આવી વ્યક્તિઓ તમારા પર બારીકાઈથી દેખરેખ રાખશે કારણ કે તેમના મનમાં તમારા માટે દોષયુક્ત લાગણીઓ ધરબાયેલી છે. તેઓ તમારાથી અંતર જાળવશે જેથી તમારા પ્રત્યેની ઈર્ષ્યાને છુપાવી શકે પણ એવો દાવો કરશે કે તેમના આવા વર્તન પાછળ તમારો જ કોઈ દોષ છે.
ભાવનાત્મક બ્લેકમેલ:
તેઓ તમારા શત્રુઓ સાથે મિત્રતા કેળવશે અને જ્યારે તમે આ બાબતે પૂછપરછ કરશો તો તમારી સાથે લાગણીયુક્ત પ્રપંચ કરશે. આ રક્ષણાત્મક અને આક્રમક પદ્ધતિ તમને મૂંઝવણમાં મુકવા અને તમારી પાસે ધાર્યું કામ કરાવવા ઉપયોગમાં લેવાય છે. આ પદ્ધતિથી તમે તેના કૃત્યોનો સહેલાઈથી શિકાર બનો છો. ઈર્ષ્યાળુ બનવું ક્યારેક એક સામાન્ય પ્રક્રિયા છે પણ આવી લાગણી ક્યારે હાનિકારક બની રહી છે તે જાણવું જરૂરી છે જેથી તે અનિયંત્રિત બની જાય તે પહેલા તેનો ઉકેલ આવી શકે. ઈર્ષ્યાની લાગણી સામાજિક અનિષ્ટ વર્તન ન બને અને તમારા જીવન પર નકારાત્મક પ્રભાવ ન પાડે તેની તકેદારી રાખવી જરૂરી છે.
- ઉમેશ ઠક્કર


