Get The App

ગળપણના છટકામાં સપડાવાના સંકેત અને એમાંથી ઉગરવાના ઉપાય

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
ગળપણના છટકામાં સપડાવાના સંકેત અને એમાંથી ઉગરવાના ઉપાય 1 - image

ખાંડ (સુગર, સાકર) નાના-મોટા બધાને ભાવે છે. સાકરવાળી ચાથી લઈ વારે-તહેવારે ખવાતી જાતજાતની મિઠાઈઓ બધાની ફેવરીટ છે કારણ કે એમાં સુગરનો મીઠડો સ્વાદ હોય છે, પરંતુ એ જાણીને નવાઈ લાગે કે સાકર આજે માનવજાતની સૌથી મોટી શત્રુ બની ગઈ છે. એટલા માટે કે એનું વધુ પડતું સેવન અનેક રોગોને આમંત્રણ આપે છે. કમનસીબે, ખાંડ જેટલી લિજ્જતદાર છે એટલી જ બંધાણ લગાડનારી છે એટલે જ બજારમાં મળતા મોટાભાગના ફુડ પેકેટ્સમાં ચોરીછુપીથી સુગર ઉમેરી દેવાય છે.

રંગેરૂપે સાકર ભલે એકદમ નિર્દોષ લાગે, પરંતુ આપણી હેલ્થ પર થતી એની લાંબા ગાળાની અસર બહુ જ ગંભીર છે એટલે એનાથી મુક્તિ મેળવવી બહુ જરૂરી છે. એ માટે સૌથી પહેલા એ જાણી લેવું પડે કે વ્યક્તિ વધુ પડતી સુગર ખાય છે એની નિશાનીઓ શું છે. એ જાણી લીધા બાદ ખાંડ ખાવાની તીવ્ર ઇચ્છા પર કઈ રીતે કન્ટ્રોલ કરવો એ જાણીશું.

સાકરના વધુ પડતા સેવનના આઠ સંકેત

૧. આપણને વારેવારે ગળ્યું ખાવાની ઇચ્છા થયા કરે છે. એના બે કારણો છે. એક તો સાકર આપણને જેનું ઝડપથી બંધાણ થઈ જાય એવો પદાર્થ છે અને બધા વ્યસની દ્રવ્યોની જેમ આપણું શરીર એનો ઉપયોગ કરી લે પછી આપણને એ ફરી લેવાની ઇચ્છા થયા કરે છે. બીજુ, આપણી સ્વાદેન્દ્રિયોને સમય જતા એનો સ્વાદ કોઠે પડી જાય છે. એને પગલે આપણને વધુને વધુ ગળ્યું ખાવાની અદમ્ય ઇચ્છા થતી રહે છે.

૨. માનવીનું શરીર સુગરને બહુ ઝડપથી શોષી લે છે. એટલે જ આપણે જ્યારે કંઈક ગળ્યું ખાઈએ કે પીઈએ ત્યારે શરીરમાં તરત સ્ફુર્તિ આવી જાય છે. મેડિકલ જારગોનમાં એને બ્લડ સુગર સ્પાઈક કહેવાય છે અને એનાથી દેહમાં એકાએક હાથી જેવું બળ આવી જાય છે. શરીર ઝાઝા બ્રેકડાઉન વિના સુગરનો ત્વરિત ઉપયોગ કરી લેતું હોવાથી શરૂઆતની સ્ફુર્તિ બાદ તરત આપણી બ્લડ સુગરમાં ઘટાડો થાય છે અને આપણું વર્તન તરંગી અને ધુની બની જાય છે. વારંવાર મૂડ બદલાયા કરે છે.

૩.  તમે કાયમ ખોરાકમાં વદુ પડતી સાકર લ્યો છો ત્યારે તમારું શરીર આખો દિવસ એકલી સુગરમાંથી મળતી એનર્જી પર જ આધાર રાખવા માંડે છે. એને લીધે અવારનવાર આધાશીશી અને માથાનો દુખાવો થાય છે. એટલા માટે કે ઉર્જાના તાત્પુરતા સંચાર બાદ જ્યારે પણ આપણું બ્લડ સુગર લેવલ ઘટે છે ત્યારે બૉડી એનર્જી માટે સંગ્રહ કરાયેલી ફેટ (ચરબી)નો ઉપયોગ નથી કરતી અને એને બદલે એ સીધુ હાયપોગ્લીસેમિયાના સ્ટેજમાં આવી જાય છે. હાયપોગ્લીસેમિયા એ તબક્કો છે જેમાં લોહીમાં સુગરનું પ્રમાણ સામાન્ય કરતા એકદમ નીચે ચાલ્યું જાય છે.

૪. નાની વયમાં જ ચામડી ફાટી જાય છે. ટીનેજરો રાત-દિવસ વધુ પડતી ચોકલેટ્સ અને ડોનટ્સ આરોગ્યા કરે છે. એની આડઅસર સીધી એમની ત્વચા પર પડે છે. યુવાન વયે જ ચામડીમાં કરચલીઓ ઉપસી આવે છે. એનું એકમાત્ર સુગર છે.

૫. પાંચમી નિશાની છે શરીરમાં સર્જતુ હોર્મોન્સનું અસંતુલન. એ વધુ પડતી ખાંડ ખાવાનું અને સ્ટ્રેસનું પરિણામ છે. ખાસ કરીને સ્ત્રીઓને અવારનવાર અનિયમિત અને વધુ પડતું માસિક આવતું હોય તો એનું એક કારણ સાકરનું વધુ પડતું સેવન પણ હોઈ શકે.

૬. તમે રેગ્યુલર એકસરસાઇઝ કરતા હો અને તમારું ડાયટ હેલ્ધી હોય છતાં પણ તમારું વજન ઘટતું ન હોય તો સમજી લો કે એમાં સુગર આડી આવે છે. અમુક ફળોમાં વધુ પ્રમાણમાં નેચરલ સુગર સામેલ હોય છે અને આવું ફ્રુટ પણ આપણને નડે છે. સમસ્યા એ છે કે વધુ પડતી સાકર ખાનાર વ્યક્તિનું શરીર એનર્જી  માટે ફેટનો વપરાશ કરવાનું જ ભૂલી જાય છે. એને લીધે ચરબી ઘટતી નથી અને વજન ઉતરતું નથી.

૭. ઘણી બધી પિપર કે ચોકલેટ ખાવાથી માત્ર બાળકોના દાંતમાં કેવિટીઝ (પોલાણ) નથી સર્જતી, મોટેરાના દાંત પણ વધુ પડતું ગળ્યું ખાવાથી પોલા થઈ જાય છે. આપણાં દાંત પર કાળી છરી બાજી ગઈ હોય અને કંઈ પણ ખાઈએ ત્યારે દાંતમાં દુખાવો થાય તો સમજી લેવું કે આપણે શરીરમાં પડતી સાકર છાલવી રહ્યા છીએ. આપણી જીભની જેમ મોઢાના બેક્ટીરિયાને પણ ગળ્યું ભાવે જ છે. ગળ્યું ખાઈને એ પણ દાંતમાં સડો વધારે છે.

૮. સૌથી છેલ્લો મુદ્દો એ કે પોતાની જાતને છેતરતી કોઈ હઠીલી વ્યક્તિને જ પોતે વધુ પડતી સાકર ખાય છે એ જાણવા અહીં અગાઉ આપેલા સંકેતો જાણવાની અહીં અગાઉ આપેલા સંકેતો જાણવાની જરૂર પડે. બાકી સામાન્ય વ્યક્તિ તો રોજ ચોકલેટ્સ, ડોનટસ અને પુડિંગનો પેટ ભરીને સ્વાદ લેતી હોય તો મનમાં જાણે જ છે કે આપણે વધુ પડતી સુગર ખાઈ રહ્યા છીએ.

જો કોઈને સમજાઈ જાય કે આપણે ખાંડના ખતરનાક છટકામાં સપડાઈ ગયા છીએ તો ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. એમાંથી છુટવાના ઉપાયો છે. હવે આપણે સુગરમાં કાપ મુકવાના સરળ અને અસરકારક ઉપાયો વિશે ચર્ચા કરીશું. આવા એવા ઉપાયો જે તમને રોજ સ્વસ્થ હોવાનો અહેસાસ કરાવશે :

૧. ગળ્યું ખાવાનું રાતોરાત છોડી દેવાનો પ્રયાસ ન કરો. સોડા, કેન્ડી અને બેકરી ઉત્પાદનો જેવા ખાંડના જે દેખીતા સ્ત્રોત છે એના પર કાપ મુકવાથી શરૂઆત કરો. એની સાથોસાથ તમારી ચા, કોફી કે સિરીયલમાં ક્રમશ: સાકર ઓછી નાખતા થાવ.

૨. સ્નેક્સના પેકેટ્સ પરના લેબલ્સ ધ્યાનથી વાંચવાની ટેવ પાડો એટલા માટે ફુડ પેકેટ્સ પર જે ગ્લુકોઝ, માલ્ટોઝ, કોર્ન સિરપ અને કેન જ્યુસ જેવા શબ્દો લખેલા છે એ હકીકતમાં સુગરના જ છદ્મ નામો છે. પેકેટ પર લખેલી સામગ્રીમાં સુગરનો ઉલ્લેખ ટોપ થ્રીમાં હોય તો એ સ્નેક્સ ન ખાવામાં જ શાણપણ છે.

૩. ફૂડ (ખોરાક) જેટલો ઓછો પ્રોસેસ થયો હોય એટલી એમાં છદ્મ નામે વપરાતી સુગર ઓછી હોવાની. તાજા ફળો, લીલા શાકભાજી અને છડયા વગરનું અનાજ ખાવાથી ખોટી ભૂખ નથી લાગતી અને બ્લડ સુગર લેવલમાં રહે છે.

૪. ભોજનમાં કાર્બોહાઇડેટનું પ્રોટિન કે હેલ્ધી ફેટ્સ સાથે બેલેન્સ રખાય તો ખોરાકનું પાચન ધીમુ થાય અને બ્લડ સુગર સ્થિર રહે. દાખલા તરીકે, સફરજનનો જ્યુસ પીવાને બદલે એના ટુકડા કરી પીનટ બટર સાથે ખાવ.

૫. શરીરરમાં પાણી ઓછું થઈ જાય ત્યારે ડિહાઇડ્રેશનને લીધે ગળ્યું ખાવાની લાલસા થઈ શકે છે એટલે દિવસમાં અવારનવાર પાણી, હર્બલ ટી કે લીંબુ પાણી પીવાનું રાખો.

૬. પુરતી ઊંઘ  લેવાનું રાખો. એટલા માટે ઊંઘ પુરી ન થાય ત્યારે આપણું થાકેલું મગજ ઝડપથી એનર્જી મેળવવા વલખાં મારે છે અને એ સુગરમાંથી જ મળે છે. વારંવાર ખોટી ભૂખ લાગવાનું ટાળવા સારી નિદ્રાને તમારી દિનચર્યાની ટોપ પ્રાયોરિટી બનાવો.

૭. અને છેલ્લી પણ સૌથી મહત્ત્વની વાત એ કે શરીરને બને એટલું ફરતું રાખો. નિયમિત એક્સરસાઇઝ કરો અને વોક પર જાવ. શારીરિક પ્રવૃત્તિઓ ઇન્સ્યુલિન અને બ્લડ સુગર લેવલ્સનું નિયમન કરવા ઉપરાંત સ્ટ્રેસ પણ ઓછી કરે છે. આજની જીવનશૈલી માટે એ સૌથી  અગત્યની બાબત છે.

- રમેશ દવે