- વાઘેરોના એક ફાંટામાં વર્ષો સુધી શ્રાધ્ધપક્ષના દિવસોમાં કરાચી જઈને નાથા-ઘરામની દેરીએ નૈવેદ્ય ધરવાની પ્રથા હજુ પાંચ દાયકા પૂર્વે સુધી હતી. વિભાજન પછી પણ કેટલાંક વર્ષો સુધી એ પ્રથા ચાલી હશે. અહીં હજારો માઈલ દૂર એક અંગ્રેજના નામે પિતૃતર્પણ થાય તે ઘટના જ આ ભૂમિની વિચિત્રતા અને વિશિષ્ટતા દર્શાવે છે.
કરાંચીની ઉત્તર ભાગોળે પાહેઝાબ નામનું એક નાનકડું ગામડું છે. આજે તો કરાંચી શહેર વિસ્તરીને પાહેઝાબ ફરતો આંટો મારી ચૂક્યું છે પણ એક દાયકા પહેલાં પાહેઝાબની સીમના ખુલ્લાં ચરિયાણમાં એક નાનકડી દેરી હતી. ભૂરા રંગનો ચૂનો ધોળેલી આ દેરીમાં બે પાળિયા. એક પાળિયાનો અસવાર તો કાઠિયાવાડના ગામેગામ જોવા મળતાં પાળિયા જેવો જ પરિચિત લાગે પણ બીજા પાળિયા પર ચિતરેલા અસવારના માથા પર ટોપી છે. ઘોડાની પાગથ પર વિંટળાયેલા પગમાં પાટલૂન બતાવાયું હોય તેવા અણસાર પણ સ્પષ્ટ દેખાય. કોણ હશે આ અસવાર બેલડાં? એ પણ છેક પાકિસ્તાનમાં? લોકકથાનક કહે છે, આજે પાળિયા બનીને અહીં પૂજાતા એ બંને અસવારો પૈકી એક છે નાથો વાઘેર અને બીજો અસવાર છે ગ્રેહામ કનિંગહામ. ભાવુક લોકકથાનક જોકે તેને ઘરામ તરીકે ઓળખાવે છે. એક વાઘેર અને બીજો અંગ્રેજ અને બંનેના સહિયારા પાળિયા પૂજાય એ વિચિત્ર તો ખરૃં જ. પણ વિચિત્રતા એ જ કેટલાંક પંથકની વિશિષ્ટતા બનતી હોય છે.
વાતના મૂળિયા પહોંચે છે ઓગણીશમી સદીના બીજા-ત્રીજા દાયકામાં. નાથો મૂળ કેર શાખાનો ઓખા-સુરજકરાડી પંથકનો વાઘેર. દરિયો ખેડવામાં ભારે પાવરધો. એ અરસામાં ગાયકવાડી ફોજની સાથે આવેલી અંગ્રેજ સેનામાં હતો આ ગ્રેહામ કનિંગહામ. ખરેખર તો, ઓખાપંથકમાં ગાયકવાડ સામે શિંગડા ભરાવતા માથાભારે વાઘેરોને ઝબ્બે કરવાનું તેનું કામ હતું. તેને બદલે ગ્રેહામ અહીંની માટીના રંગમાં એવો રંગાયો કે અંગ્રેજ ફોજ સામે બગાવત કરીને અહીં જ વસી ગયો. સ્થાનિક પહેરવેશ પહેરીને સવાયા વાઘેર બની ગયેલા ગ્રેહામને નાથા વાઘેર સાથે દોસ્તી બંધાઈ અને ઓખા-કરાચીના દરિયામાં બંનેની એવી હાક વાગવા લાગી કે વિલાયત જતા અંગ્રેજોના વહાણને હિંદ મહાસાગર હેમખેમ પસાર કરાવવા માટે સ્વયં અંગ્રેજો નાથા-ઘરામને વળાવિયા તરીકે દાણ ચૂકવતા હતા. એવા જ એક દરિયાઈ ધિંગાણામાં નાથો અને ગ્રેહામ માર્યા ગયા. તેમની સ્મૃતિ આજે ૧૯૦૯ના ઈમ્પિરિયલ ગેઝેટિયર વોલ્યૂમ-૨માં સચવાયેલી છે. એ સિવાય પાહેઝાબની સીમમાં એક દેરી સ્વરૂપે જો હજુ ય હોય તો. જોકે ઓખા પંથકની લોકસ્મૃતિમાં આજેય દુહા સ્વરૂપે નાથા-ઘરામની જુગલજોડીનું સ્મરણ થાય છે.
ઘરામે કિધો સાદ, ગગન ગાજે હાથિયો
પ્રત પલોટે પતવાર રણઘેલુડો નાથિયો
વાઘેરોના એક ફાંટામાં વર્ષો સુધી શ્રાધ્ધપક્ષના દિવસોમાં કરાચી જઈને નાથા-ઘરામની દેરીએ નૈવેદ્ય ધરવાની પ્રથા હજુ પાંચ દાયકા પૂર્વે સુધી હતી. વિભાજન પછી પણ કેટલાંક વર્ષો સુધી એ પ્રથા ચાલી હશે. ગ્રેહામ કનિંગહામના વંશજો, ભાઈ-ભાંડુ તો ઈંગ્લેન્ડમાં ક્યાં હશે, તેમને પોતાના આ પૂર્વજની કેટલી માહિતી અને કેવી ખેવના હશે એ તો રામ જાણે પણ અહીં હજારો માઈલ દૂર એક અંગ્રેજના નામે પિતૃતર્પણ થાય તે ઘટના જ આ ભૂમિની વિચિત્રતા અને વિશિષ્ટતા દર્શાવે છે.
આ એકમાત્ર કિસ્સો નથી. અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ વચ્ચે ભેરાઈ નામના સાવ નાનકડા ગામ તરફ એક પાતળી-કાચી સડક છે.
સડકની એક તરફ દરિયો ઘૂઘવાટા કરે છે અને બીજી તરફ લીલીછમ હરિયાળી મ્હોરી છે. જંગલી બાવળ, કાંટાળા કેરડાં અને હાથિયા થોરના બબ્બે માથોડાં ઊંચા મોલની બીજી તરફ ઘૂઘવતો દરિયો તદ્દન અલગારી લાગે. અહીં ઉછળતા મોજાંઓનો નજારો નથી. રેતાળ, ભીનો કાંઠો નથી. મનોરમ્ય આસમાની ઝાંય રેલાવતો સોહામણો માહોલ પણ નથી. અહીં પથરાળ, મેલા અને છીછરા કાંઠા પર પગ પછાડતો દરિયો ડહોળાયેલા પાણી જેવો ધૂળિયા રંગનો છે. દૂર કાંઠા તરફ હાથિયા થોરના અડાબીડ મોલની વચ્ચે દરિયાની દિશામાં ખૂલતી દેરી છે. સાધારણ રીતે દેવ-દેવીની દેરીની દિશા કદી દરિયા તરફની ન હોય. દેરીમાં શિવલિંગ હોય, હનુમાનજીની દેરી હોય તો પ્રતિમા હોય અને માતાજીની દેરી હોય તો ચૂંદડી હોય અને કોઈ શૂરાપૂરા પૂર્વજોની દેરી હોય તો તેમાં પાળિયો અને સ્થાપન હોય. પણ અહીં તો દેરીમાં પથ્થરનું વજનદાર કડું ગોળ થાળામાં જડયું છે. થાળા પાસે એક તલવાર કોતરેલી છે. બસ આટલું જ. આખું વર્ષ આ ભેંકાર વિસ્તારમાં ભાગ્યે જ કોઈની આવનજાવન રહે એટલે દેરી પણ મોટાભાગે અપૂજ હોય. પણ શ્રાદ્ધપક્ષના દિવસોમાં અહીં આસપાસના અબૂધ ગ્રામજનોની આવ-જા ચાલુ થઈ જાય. દેરીના ઓટલે ધૂપદીપ થાય, પથ્થરના કડા પર અબીલગુલાલ ચઢે, થાળાના મોરા આગળ લાડુ ધરાવાય અને પછી ગળા ફરતો વિંટાળેલો ખેસ માથા પર ઓઢીને બે હાથે પાયલાગણ કરીને કહેવાય, હે ભૂરિયાબાપજી, તમારૃં શ્રાદ્ધ સ્વીકારજો અને અમારા કુટુંબ-કબીલાની રક્ષા કરજો.
એ ભૂરિયાબાપજી એટલે કોણ તેનો જવાબ શ્રાદ્ધ કરી રહેલો ગ્રામજન કદાચ ન જાણતો હોય તેમ બને પણ તેનો ઐતિહાસિક જવાબ ભાવનગર સ્ટેટના ગેઝેટમાં નીકળે છે.
૧૮૮૯માં ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમના કાકા પ્રિન્સ આલ્બર્ટ વિક્ટર ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમની સાથેના જહાજી કાફલાને ખરેખર તો મુંબઈ લાંગરવાનું હતું પણ ત્યાં દરિયાઈ તોફાનને લીધે કશીક અડચણ થઈ અને તેમના જહાજો છેક તળ સૌરાષ્ટ્રના વેરાન સાગરકાંઠા ભણી ખેંચાઈ આવ્યા.
એક છીછરી ખાડી નજીક પ્રિન્સ આલ્બર્ટ વિક્ટરે ઉતરાણ કર્યું એ સ્થળે આજે તેમના નામે મહુવા અને રાજુલાની વચ્ચે પોર્ટ આલ્બર્ટ વિક્ટર નામનું એક મજાનું ગામ વસે છે, જેમાંથી પોર્ટ આલ્બર્ટની બાદબાકી થઈને હવે તે વિક્ટર તરીકે જ ઓળખાય છે. તાજુબીની વાત હવે આવે છે. પ્રિન્સના કાફલામાં આવેલા અંગ્રેજ ખલાસીઓ પૈકીનો એક નાવિક અહીંની ભાતીગળ સરજમીનમાં ફરવા નીકળ્યો અને આ ભૂમિની ગામઠી સુવાસ અને બરછટ બોલી અને લાગણીભીના માણસોથી એવો તરબતર થઈ ગયો કે બસ, અહીં જ રહી પડયો. ભાવનગર સ્ટેટ ગેઝેટ તેને આર્થર મોન્ટરોઝ તરીકે ઓળખાવે છે. આર્થર આ વિસ્તારમાં લગભગ અઢી-ત્રણ દાયકા જેટલો સમય રહ્યો. તેણે સ્થાનિક તળ કાઠિયાવાડી લઢણની બોલી પણ શીખી લીધી અને સ્થાનિકો સાથે એવો હળીમળી ગયો કે તેનું સમગ્ર અંગ્રેજપણું ઓગળી ગયું. તેણે સ્થાનિક રહેવાસીઓને વિલાયતી પદ્ધતિએ દવા-દારૂ શીખવ્યા. પાકા મકાનો બાંધવાની તરકીબ પણ શીખવી. આજેય આ પંથકમાં ક્યાંક હજુ જોવા મળી જતાં સ્કોટિશ હાઈલેન્ડ સ્ટાઈલના ઊંચી ચીમની વાળા મેડીબંધ ઘરો એ આર્થર મોન્ટરોઝની નિશાની છે. સ્થાનિક વિસ્તારના સાધુસંતો અને બાવાઓ સાથે નિરુદ્દેશે ભમતો આર્થર કોઈક કારણસર પગમાં પથ્થરનું ગોળાકાર કડું પહેરતો અને કમર પર નાનકડી તલવાર બાંધતો.
આયુષ્યની આખરી અવસ્થામાં તો તેણે ભગવા પહેરી લીધા હતા અને દરિયાકાંઠે નિર્જન વેરાની વચ્ચે તદ્દન અલગારી અવસ્થામાં પડયો રહેતો. એ આર્થર મોન્ટરોઝ, ઈંગ્લેન્ડના શાહી નૌકાકાફલાનો નાવિક તેના વતનથી હજારો કિલોમીટર દૂર અહીં તદ્દન અજાણ્યા ગ્રામજનોના પૂર્વજ તરીકે શ્રાધ્ધનો ભાવ પામે છે.
શ્રાદ્ધપક્ષ ચાલે છે. પિતૃતર્પણનો ધાર્મિક મહિમા કંઈપણ હોય, એ તર્કશુદ્ધ બુદ્ધિને સ્વીકાર્ય હોય કે ન હોય પરંતુ હજારો કિલોમીટર છેટે તદ્દન અજાણ્યા લોકોનું સદીઓ પછીય તર્પણ થતું રહે એ પરંપરાનો ભાવનાત્મક મહિમા તો નતમસ્તકે સ્વીકારવો જ રહ્યો.


