Get The App

'શોર્ટ્સ': ગરમીના ઉત્તમ કેઝ્યુઅલ વેર

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
'શોર્ટ્સ': ગરમીના ઉત્તમ કેઝ્યુઅલ વેર 1 - image

- બજારમાં ક્લાસિક કટવાળા રંગબેરંગી શોર્ટ્સની ભરમાર

ગરમીમાં પારો જેમ જેમ ઊંચો ચઢતો જાય છે તેમ તેમ અકળામણ વધતી જાય છે. અને શરીર પર પહેરેલા કપડાંથી પણ બેચેનીનો અનુભવ થાય છે. આ જ કારણે નાના-મોટા સહુ ઓછા કપડાં પહેરવાનો આગ્રહ રાખે છે. યુવાનોને તો જાણે ગરમીના નામે ફેશન કરવાની છૂટ મળી જાય છે. આથી તેઓ શોર્ટ્સ પહેરવાનું પસંદ કરે છે. 

આજની ફેશનપરસ્ત તરુણીઓ કોટનના લોંગ સ્કર્ટ સાથે મિની સ્કર્ટ પણ પહેરતી થઈ ગઈ છે. આ  જ કારણે બજારમાં સ્કર્ટસ અને શોર્ટ્સની અવનવી ડિઝાઇનો જોવા મળે છે. નિતંબ પાસેથી ટાઇટ ફિટિંગ ધરાવતાં શોર્ટ્સ પહેરવાથી લુક સેક્સી બની જાય છે. એટલે પ્રત્યેક માનુનીને તે પસંદ હોય છે, પરંતુ મોટે ભાગે કિશોરીઓ જ શોર્ટ્સ પહેરેલી જોવા મળે છે. તેમના મતે શોર્ટ્સ એકદમ સુવિધાજનક પરિધાન છે અને ગરમીમાં તે ઉત્તમ કેઝ્યુઅલ વેર ગણાય છે. ડેનિમ, કોટન, કેન્વાસ, સ્ટ્રેચ ફેબ્રિક, કોટન નિટ જેવા તમામ કાપડમાંથી બનેલા આગવી ડિઝાઇનના શોર્ટ્સનો ટ્રેન્ડ નવા યુગની તરુણીઓમાં જોવા મળે છે.

ડેનિમ કાપડમાંથી બનેલા શોર્ટ્સ જુદા જુદા આકાર અને કદમાં મળે છે. ડેનિમનું કપડું જાડું હોવા છતાં ઠંડક પ્રદાન કરે છે. જો તમારે શોર્ટ્સ ખરીદવા પૈસા ન ખર્ચવા હોય તો ડેનિમની જુની જિન્સને ઘૂંટણ સુધીની લંબાઇની કાપો અને શોર્ટ્સની જેમ વાપરો. ડેનિમ શોર્ટ્સ પર ફૂલોની ડિઝાઇન ધરાવતાં પ્રિન્ટેડ કપડાંના કે પ્લેન કપડાંના ટોપ સરસ દેખાય છે. જો શોર્ટ્સ પ્રિન્ટેડ હોય તો પ્લેન ટોપ પહેરવું જોઈએ. પ્રિન્ટેડ અને પ્લેનનું કોમ્બિનેશન સેક્સી દેખાય છે. ઘેરા રંગની ટૂંકી શોર્ટ્સ પણ સુંદર દેખાય છે. જો તેમાં સાઇડ પોકેટ હોય તો ત્યાં સેલફોન મૂકી શકાય છે. શોર્ટ્સ સાથે જોડાયેલો જ બેલ્ટ હોય અથવા તો કોન્ટ્રાસ્ટ બેલ્ટ પહેરવાથી સોનામાં સુગંધ ભળ્યા જેવું થશે. આજકાલ બેલ્ટના બકલોમાં જાતજાતની ડિઝાઇનો જોવા મળે છે. આકર્ષક બકલ ધરાવતો બેલ્ટ શોર્ટ્સની શોભામાં ચાર ચાંદ લગાડે છે. આવા શોર્ટ્સ સાથે લાંબી બાંયવાળા કે પોલોનેક ટી-શર્ટ પણ સરસ દેખાય છે. શોર્ટ્સ ટોપ અને કેન્વાસ શૂઝ ઉનાળામાં આપવામાં આવતી સ્વિમિંગ પુલ પાર્ટી માટે ઉત્તમ પરિધાન ગણાય છે. 

આજકાલ બજારમાં ક્લાસિક કટવાળા, ઘણા પોકેટવાળા રંગબેરંગી શોર્ટ્સ મળે છે. શોર્ટ્સના ખિસ્સામાં ચેન, બકલ કે ડિઝાઇનર બટન હોય તો તેનું લુક આગવું બની જાય છે. તેમ છતાં મોટે ભાગે શોર્ટ્સ પહેરનાર વ્યક્તિ સેક્સી જ દેખાય છે. ગ્રીષ્મની ગરમીમાં શોપિંગમાં જવા કે પિકનિક પર પહેરવા માટે શોર્ટ્સ ઉત્તમ પરિધાન ગણાય છે. શોર્ટ્સના ખિસ્સા મોટા હોવાથી પૈસા-પાકિટ, મોબાઇલ વગેરે તેમાં સહેલાઇથી મૂકી શકાય છે.

૭૦ અને ૮૦ના દાયકામાં શોર્ટ્સ પહેરવાનું ચલણ નહોતું. તે સમયે બાસ્કેટ બોલની મહિલા ખેલાડીઓ જ ટૂંકી ચડ્ડીઓ જેવા શોર્ટ્સ પહેરતી હતી. બાદમાં સમય સાથે ફેશનમાં પણ બદલાવ આવતો ગયો અને કોલેજ જતી છોકરીઓ શોર્ટ્સ પહેરતી થઈ ત્યારે મહિલા ખેલાડીઓ દ્વારા પહેરવામાં આવતી ટૂંકી ચડ્ડીમાં થોડો ફેરફાર કરીને શોર્ટ્સના રૂપે ફેશનજગતમાં લાવવામાં આવી હતી. આજની તરુણીઓ તો ટૂંકી લંબાઈની શોર્ટ્સને જ પસંદ કરે છે. અને તે પહેરીને સેક્સી દેખાવાનો હરખ પૂરો કરે છે.