લગ્નની ખરીદી વેળા ચીવટ જરૂરી .
- નવવધૂના બ્રાઈડલ ટ્રૂઝોમાં કપડાં, જ્વેલરી અને એસેસરીઝ સંબંધિત નાની-નાની બાબત ભૂલાઈ ન જવી જોઈએ
સગપણ અને લગ્નની વચ્ચેનો સમયગાળો જીવનનો શ્રેષ્ઠ તબક્કો હોય છે. આ દરમિયાન ભાવિ દંપતી એકબીજાને મળે છે તથા ઓળખવાનો પ્રયાસ કરે છે. તેમની વચ્ચે પ્રેમ પાંગરે છે. જોકે આ ગાળામાં જ કન્યાએ લગ્નની તૈયારીઓ કરવાની હોય છે અને કપડાં, જ્વેલરી, અન્ય એસેસરીઝ સંબંધિત નાની-નાની વાતો ભૂલાઈ ન જવાય તેની ખાસ તકેદારી રાખવાની હોય છે. નવવધૂના બ્રાઈડલ ટ્રૂઝોમાં શું શું હોવું જોઈએ તે આપણે જાણીએ.
આજની યુવતીઓ ભારતીય અને પાશ્ચાત્ય બન્ને શૈલીના પોશાક પહેરવાનું પસંદ કરે છે અને લગ્ન બાદ પણ પોશાક સંબંધિત કોઈ બંધન તેના પર લાદવમાં આવતું નથી. એટલે સૌૈથી પહેલાં 'ઇન્ડિયન ફોર્મલ'માં ક્યા ક્યા વસ્ત્રો લઈ જઈ શકાય તે જોઈએ.
- સંગીત ફંકશન : લગ્ન સમયે રાખવામાં આવેલા સંગીત ફંકશનમાં નેટની જરદોશી વર્કવાળી પારદર્શક સાડી, લ્હેંગો અથવા એથનિક અનારકલી ડ્રેસ પહેરી શકાય. આ પ્રસંગે પેસ્ટલ શેડ્સ સુંદર લાગે છે.
- મહેંદી ફંકશન : આ અવસર વાઈન રંગની બનારસી કે કાંજીવરમ સાડી અથવા સ્ટ્રકચર્ડ (રેડીમેડ) સાડી સુંદર દેખાય છે. નવવધૂ ઇચ્છે તો સેમી રેડીમેડ સાડી પણ પસંદ કરી શકે છે.
- લગ્નનું રિસેપ્શન : રિસેપ્શનમાં બધાની નજર નવવધૂ પર જ હોય છે. આથી આ પ્રસંગ માટે ખૂબ સમજી વિચારીને પરિધાનની પસંદગી કરવી. લાલ, લીલા, બરગંડી, ગુલાબી કે વાઈન રંગના હેવી વર્કવાળા લહેંગા-ચોલી પહેરવા. આના પર જડાઉ જ્વેલરી સુંદર દેખાશે.
- સાડી : નવવધૂએ પોતાના ટ્રૂઝોમાં બનારસી, બાંધણી અને સિલ્કની સાડીઓ ખાસ લેવી. આ પારંપરિક સાડીઓ ક્યારેય આઉટ ઓફ ફેશન થાય નહિ અને નવોઢા પર સુંદર પણ લાગે. પાર્ટી-ફંકશન માટે પર્પલ, વાઈન, ઇલેકટ્રીક બ્લુ જેવા વાઈબ્રન્ટ રંગની સાડી ખાસ ખરીદવી. પ્લેન શિફોનની સાડી એમ્બ્રોઇડરી કરેલા બ્લાઉઝ સાથે ખૂબ જ સુંદર દેખાશે. પ્રિન્ટેડ ક્રેપ અને જ્યોર્જટની સાડી પણ અત્યંત સ્ટાઈલીશ લાગશે. આજકાલ તો ક્રિસ્ટલ વર્કની સાડીઓની પણ ફેશન છે.
- સલવાર સૂટ : લગ્ન બાદ સગા-સંબંધીઓના ઘરે જમવા અને મળવા જવાનો સિલસિલો લાંબા સમય સુધી ચાલે છે. આવા વખતે ટ્રેન્ડી સલવાર-સૂટ સારા દેખાશે. આજકાલ અનારકલી ડ્રેસનો ટ્રેન્ડ છે. અને તે ખૂબ જ સારા દેખાય છે. આથી થોડાક હેવી અને થોડાક લાઈટ વર્કવાળા અનારકલી ડ્રેસને રાખવા. 'એ' લાઈનની કેટલીક કુર્તીઓ પણ સાથે રાખવી જેને લેગિંગ્સ સાથે પહેરી શકાય. ફ્રેન્ડસ અથવા સાથે કામ કરનારાઓને ત્યાં લંચ કે ડિનર પર જઈ રહ્યા હો તો શોર્ટ કુર્તી અને પેન્ટ ફ્યુઝન લુક આપી શકશે. આથી એવા આઉટફિટ પણ સાથે રાખવા.
- વેસ્ટર્ન આઉટ ફિટ : પાશ્ચાત્ય શૈલીના પરિધાન પહેરનાર યુવતીએ એક ફોર્મલ બ્લેક ટ્રાઉઝર, બ્રાઈટ રંગના કેટલાક ફોર્મલ સેટ, કેટલાક રંગીન સ્ટૉલ, એક જેકેટ અને ટ્રાઉઝર સેટ તથા બોડી ફિટિંગવાળા ગોઠણ સુધીની લંબાઈના ડ્રેસની ખરીદી અવશ્ય કરવી.
નાઈટવેરમાં સાટિનની એક નાઈટી સાથે કૉટનના આરામદાયક નાઈટવેર પણ રાખવા.
અન્ય સામગ્રીમાં મેકઅપ કિટ મૂકવાનું ભૂલવું નહિ. આ કિટમાં આઈ અને ફેસ મેકઅપ રિમુવર, ટોનર, મોઈશ્ચરાઈઝર, સનસ્ક્રીન, લિપસ્ટિક, ડેલી સુફલે અથવા ફાઉન્ડેશન, કોમ્પેક્ટ, કાજળ, લિપકલર, કાંસકો અને બ્રશ હોવા જોઈએ.
આ ઉપરાંત એક કિટમાં ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, માઉથવૉશ, શેમ્પૂ, ફેસવૉશ, પરફ્યુમ શાવરજેલ અને લોશન મૂકવું.
એક જ્વેલરી બોક્સમાં સોનાના તથા અન્ય કિંમતી ઘરેણાં મૂકવા. બીજા એક જ્વેલરી બોક્સમાં બધા ડ્રેસ સાથે મેચ થતી જ્વેલરી અને એસેસરીઝ મૂકવી.
હાઈ હિલ્સના સેન્ડલ, કેટલાક રંગીન ચંપલ અને સુવિધાજનક હોય તેવા શુઝ પણ ખરીદવા. આ ઉપરાંત એક કલચ, એક નાનું પર્સ અને એક મોટું પર્સ રાખવું. એટલે જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરી શકાય.
- ધ્યાનમાં રાખવા જેવી વાતો
* લગ્ન પછી કયા દિવસે શું પહેરવું તે પહેલેથી નક્કી કરી લેવું.
* બધા જ ડ્રેસ અને સાડી સાથે મેચીંગ એસેસરીઝ મૂકવી.
* સાસરિયાઓને આપવાની વસ્તુઓને અલગ બેગમાં મૂકવી જેથી ગોટાળો ન થાય.
* ભાવિ પતિની પસંદને પણ ધ્યાનમાં રાખવી. તેમની પસંદના રંગ અને ટ્રેન્ડને ખરીદી કરવાથી તેઓ ખુશ થશે.
* ભારે આભૂષણો ઉપરાંત કેટલીક લાઈટ જ્વેલરી પણ રાખવી.
* ફેશન ટ્રેન્ડ અનુસાર વેસ્ટર્ન લુકના ઇયરરીંગ્સ તથા પાર્ટીવેર રાખવા.
* કપડાં સાથે મેચ થતી ઇમિટેશન જ્વેરરી પણ રાખવી.
ન ઇમરજન્સી કિટ : ઇમરજન્સી કિટમાં સોય-દોરો, સેફટી પીન, નાની કાતર, રૂના પૂમડાં રિફ્રેશર ટિસ્યુ, સેનેટરી નેપકીન, એન્ટાસિડ, બામ તથા પેઈન કિલર્સ ગોળી, મોબાઈલ ચાર્જર, પેન-પેડ, વોટર આઈ-ડી અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ મૂકવું.