Get The App

નેત્રમાં નાથ છે... .

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
નેત્રમાં નાથ છે...                                 . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- 'ધ્યાન' એટલે સાદી ભાષામાં મનની ચિત્તની એકાગ્રતા છે, મલિન વૃત્તિઓને તિલાંજલિ આપો, અંદરના કાદવ-કીચડને બહાર કાઢો

પ તંજલિના અષ્ટાંગ યોગ વિશે જ્યારે વાંચી રહ્યો હતો ત્યારે યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ જેવાં તેનાં વૈજ્ઞાાનિક પગથિયાંથી હું આશ્ચર્યચકિત થયો હતો. ખાસ તો તેમાં ઉત્ક્રાન્ત થતી આવતી સાધનાનાં પરિરૂપો જોઇને. સામાન્ય માણસ ઇચ્છે તો અષ્ટાંગના એ ક્રમે સમાધિ સુધી જરૂર પહોંચી શકે. એ વાચનવેળા સમાન્તરે પતંજલિની સાથે મને બુધ્ધનું અને તેમણે દર્શાવેલ વિપશ્યનાના માર્ગનું પણ એટલું જ આકર્ષણ હતું. ખાસ તો એટલા માટે કે આપણા પ્રબુધ્ધ પૂર્વજોએ કેટલી સૂક્ષ્મતાથી આપણા જીવનને, તેના નકશાને, તેની ઝીણી ઝીણી રેખાઓને અને તે વડે આપણા જીવનને શાંતિ-સંતોષ પ્રાપ્ત થઇ રહે તે માટે મથામણ કરી છે, સાથે તેવું જીવન સંસિદ્ધ પણ કરી બતાવ્યું છે એ સંદર્ભે.

વિપશ્યનાને હું અષ્ટાંગથી જુદી રીતે જોવાને બદલે બંનેના પ્રશસ્ત માર્ગોને સમન્વિત રૂપે નિહાળવામાં રસ દાખવું છે. વિપશ્યના એક માર્ગ છે. બુધ્ધ સાથે એને જોડવો હોય તો જોડો. ખરું તો એ છે કે બુધ્ધનું એ આંતરખનન છે. દુ:ખ, મૃત્યુ, આસક્તિ તુષ્ણાદિથી પીડાતો માણસ એ ગર્તમાંથી બહાર નીકળીને જુએ, વિપશ્યના ભાવે, ઉચિત રૂપે જુએ, તો આખું વિશ્વ અને માનવજીવન એક જુદા જ પ્રકારની અનુભૂતિ કરાવી રહેશે. જીવન ખરું પણ ક્રિયાકાંડોથી દૂર, જીવન ખરુંપણ વિધિનિષેધના કળણથી ભિન્ન, જીવન ખરું પણ તેની ગતિ અકળા પ્રતિની નહીં, પ્રવૃત્તિ ખરી, પણ દૂષિત કે દુર્ગતિ વિનાની જો આ કે એવા પ્રકારની દ્રષ્ટિનો ભીતરમાં ઉદય થાય તો બારે અને બત્રીશે દિવસ અંદરનો સૂર્ય ઝળહળ્યા કરે. મતિ અને ગતિ બંને બદલાઈ જાય. બુધ્ધની એવી વિચારણા પાલિભાષાના 'ધમ્મ' શબ્દમાં સમાવિષ્ટ થઇ છે. સામાન્યત: 'ધમ્મ'ને આપણે 'ધર્મ' કહીને અટકી જઇએ છીએ. અથવા 'જે ધારી રહે તે ધર્મ' એવી સમજ લગભગ દાખવીએ છીએ. પણ બુધ્ધ જે 'ધમ્મ' સંજ્ઞાા પ્રયોજે છે તે કંઇક પૃથક્ છે. ત્યાં 'ધમ્મ' અસ્તિત્વની જ ઓળખ લેખાય છે. સ્વયમ્ ત્યાં 'ધમ્મ'માં રૂપાન્તરિત થઇ રહે છે. ઉપનિષદના કથનનું સ્મરણ કરીએ તો 'તે તું જ છે,' તું જ તારું વારણ અને મારણ પણ છે. સ્વયં સિવાય કોઈ બહિર્તત્ત્વ નથી, જે વ્યક્તિને ધારી રહે. એટલે સ્વયંને જાણો, ધમ્મને ઓળખો, તમે તમારો દીપક બનો. વિપશ્યના એમ એવા 'ધમ્મ' વડે વિશિષ્ટ રીતે પોતાને અન્યને અને જગતને જોવાની એક વિશેષ રીતિ છે. અહીં બુધ્ધ કંઇ ઇશ્વર થઇ રહેવાની વાત નથી કરતા ખુદની ચેતનાને, સમજને, પરિષ્કૃત કરવાનું કહે છે. બુધ્ધનો ખુદનો આ પ્રયોગ છે. તેમણે આપણી સામે તેની યથાર્થતા દર્શાવી છે. 'ધમ્મ' કોઈ સંપ્રદાય, કોઈ જાતિ કે જૂથ સાથે પણ સંકળાયેલ નથી. કોર-કિનાર વિનાનો એનો વિસ્તાર છે. ઇચ્છે તે તેમાંથી આચમન કરી શકે, એની સ્વ-ઉદય કે સ્વ-વિસ્તાર માટે અજમાયેશ કરી શકે.

વિપશ્યના એ માટે 'ધ્યાન' ધરવાનું કહે છે આ 'ધ્યાન' એટલે સાદી ભાષામાં મનની ચિત્તની એકાગ્રતા છે, મલિન વૃત્તિઓને તિલાંજલિ આપો, અંદરના કાદવ-કીચડને બહાર કાઢો, ખાલી થતા જાવ, જે જળોની માફક વળગેલું છે તેને દૂર કરો, જે બધ્ધ કરે કે બંધનમાં નાખી પીડા ઉત્પન્ન કરે છે તેનાથી મુક્ત થાવ. અર્થાત્ ઓપ વિનાનું, વરખ વિનાનું જે સહજ છે, યથાર્થ છે તેને ઓળખતા થાવ. 'મારું-તારું' જવું જોઇએ. પેલું ધ્યાન એ રીતે શ્વાસને જોવાનું - સમજવાનું કહે છે, પ્રાણની ગતિ પર નજર રાખવાનું કહે છે. આવેગો, સંવેગો, સંવેદનાઓ, આ કે તે એવી ઘટનાઓ પ્રાણની ને શ્વાસની ગતિને ધીમી કે ઝડપી બનાવી દે છે અથવા વધુ સાચું કહીએ તો તેની ગતિને અણસરખી કરી મૂકે છે. મન-હૃદયને પણ તે વિચલિત કરી રહે છે.ક્યારેક એવી પળો ગુસ્સા તરફ દોરી જાય છે, ક્યારેક કામાતુર બનાવી રહે છે, ક્યારેક હિંસક કરી મૂકે છે તો ક્યારેક ધનાતુર પણ બનાવીને ન કરવાયોગ્ય એવાં અનુચિત કાર્યો વ્યક્તિ પાસે કરાવી રહે છે. પળ-વિપળમાં જ તે દુ:ખના કે વેદનાના ગર્તમાં સદાને માટે ધકેલી દે છે. આપણાં પ્રલોભનો, આસક્તિ, ભય, ધૃણા, સ્પૃહા આ બધાં આપણને, પ્રાણ-શ્વાસને ખોરવી નાખવા ટાંપીને જ બેઠાં હોય છે. આવાં તત્ત્વોથી માણસે સાવધ રહેવાનું છે, તેમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાની છે. બસ, આ સર્વને ગાળી નાખે, તેને ઓળંગી રહે તેવી વ્યક્તિ સાચા અર્થમાં પ્રબુધ્ધ વ્યક્તિ. આવી પ્રબુધ્ધતા સાર-અસાર, વિવેક-અવિવેક, શ્રધ્ધા-અંધશ્રધ્ધા વચ્ચેનો ભેદ તરત પારખી રહે છે. બુધ્ધને ગુરુ થવામાં, શિષ્ટ મંડળ રચવામાં કે કોઈ પંથ સંપ્રદાય સ્થાપવામાં લગીરે રસ નહોતો. એ રીતે 'બૌદ્ધ ધર્મ' એ શબ્દ પણ ક્યારેક ખોટી રીતે યોજીએ છીએ. બુદ્ધનો રસ તો સંસારને, માનવજીવનને ઓળખી રહો, એના સમ્યક્ રૂપે એમાં રસ હતો. જીવન એક કલા છે, એક ભેટ કે વરદાન છે, તેને ઊજવી રહો, એક પ્રબુધ્ધ માનવ થઇને, દુ:ખોને, પીડાને, વાસ્તવને સમજી લઇને જીવો એ તેમની ઉમેદ હતી. કહો કે જીવન જીવવાની એક કલાકીય રીત તેમણે મનુષ્યજાતને, માનવમાત્રને સંપડાવી આપી છે. વિપશ્યના અંદર વળવાનું ને અંદરનું અવલોકન કરવા કહે છે. સારું વિચારવું એ સારું જીવવા માટેનું સહજશાસ્ત્ર છે. અંદરની સ્ફુરણા વિધાયક તો જીવનનું બંસીગાન પણ એટલું જ વિધાયક બની રહેસે. શ્વાસ-પ્રાણ એ શારીરિક સાથે એટલી જ માનસિક ઘટના છે. પરસ્પરને તે પ્રભાવિત કરે છે. ધ્યાન એ સમજને સ્પષ્ટરેખ કરી રહે છે. જો મનની વિકૃતિઓને ન સમજી શકીએ તો જીવન આખું નિષ્ફળ બની રહે છે. શ્વાસને સમજતાંવેંત પ્રજ્ઞાા, નૈતિકતા, પ્રામાણિકતા, 

જીવનનો ઉત્સાહ, યોગ્ય દિશાની ચાલના-બધું ઊઘડી રહે છે. વિપશ્યના એમ પ્રત્યેક ક્ષણની પર પહેરો ભરી રહેતી કલા છે. એવી કલા આપણા બધા જ પ્રચલિત માર્ગો, માન્યતાઓ, વ્યસનો, બદીઓ મનનો ગંદવાડ વગેરે જ સફાઈ કરી રહે છે. વિપશ્યના વિશે જાણવું જરૂરી છે પણ જાણવાથી અટકી જવાનું નથી. તેને અમલમાં મૂકવાની, ક્ષણે ક્ષણની જાગૃતિ દાખવવાનો મુદ્દો મહત્ત્વનો છે. સંસાર વચ્ચે રહીને, ફરજપાલન કરીને પણ વિશુધ્ધ જીવન જીવવાનો એ કીમિયો છે. એકવાર મન એની કલાને પામી રહે પછી તે એ દિશામાં જ ડગ ભરતું થઇ રહે છે. વિકારરહિત ચેતના બની રહે છે. પછી આપણા દુ:ખ સુખની આપણે પીડા લીલાની સમજ બદલાઈ જાય છે. કહો કે બુધ્ધનું આ અજાયબ હથિયાર એક રીતે સાચકલા જીવનનું શિક્ષણ છે. વસ્તુને યથાર્થ રૂપે જોવાનું સ્વીકારવાનું તે શીખવે છે. બાહ્ય ભપકા, પ્રતિષ્ઠાના ખ્યાલો કે દંભથી તે ઉગારી લે છે. આપણાં સુખ કે દુ:ખની ભૂમિકા આપણી અંદર જ પડી છે. તેનાં કારણો પણ ભીતરમાં જ જડી આવે, માર્ગ પણ ત્યાં મળી રહે. એવાં કારણોને નિર્મૂળ કરવાનું કામ વિપશ્યનાનું છે.

ઉપનિષદનો ઋષિ પણ આ વિશિષ્ટ કે વિશેષરૂપે જોવાની વાતને તેથી જ પોતાની રીતે મૂકતાં કહે છે : આ આખુંય વિશ્વ ઇશનો આવાસ છે. તેને તારે તજીને ભોગવવાનું છે. અહીં 'ભોગવવાનો' નિષેધ નથી પણ તજતાં-અર્થાત્ સમજી લેતાં, તેનાથી મુક્ત થઇ તેને ભોગવવાની વાત છે. જાતને જોવી એજ વિપશ્યના, જાતને જોનાર પછી વિશ્વને કે અન્ય માનવને પણ ઉમદા દ્રષ્ટિકોણથી જ નિહાળી રહે. ખોવાઈ ગયેલી સુખ-સંતોષની ચાવી એમ વિપશ્યના પાસે છે.

'ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે' - કહો આ વિપશ્યના છે ને વારુ?