- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- ઈન્સલ્ટ ઘણી વાર કરનાર કે બોલનારમાં ભાવનાત્મક પરિપક્વતાનો અભાવ ઇર્ષ્યા કે એની પોતાની અસુરક્ષિતતાને કારણે હોય છે
मिरे हमराह भी रुसवार्इयां है मेरे माजी की
तुम्हारे साथ भी गुजरी हुउ रातों के साए हैं
चलो इक बार फिर से अजनबी बन जाएं हम दोनों
- साहिर लुधियानवी
रुसवाईयां - બેઈજ્જતી, અપમાન माजी -અતીત, ભૂતકાળ)
અ તીતના અપમાનો ભાજપાના સાથી છે અને કોંગ્રેસ સહિત વિરોધ પક્ષ પાસે વીતી રાતોના પડછાયા છે. આમાં મેળ ક્યાંથી પડે?! અને મહિલા આરક્ષણ થઇ ન શક્યું. નારી જન્મદાતા છે, પણ એ સાથે એ મતદાતા પણ છે. અને એટલે વડાપ્રધાને પછી કહ્યું કે વિરોધપક્ષોનો વિરોધ એ નારીશક્તિનું અપમાન છે. અને થયેલું અપમાન નારી ક્યારેય ભૂલતી નથી. એ માફ નહીં કરે. નારીઓને જો કે આ વાતની ખબર નહોતી જ્યાં સુધી વડાપ્રધાને કીધું નહોતું! અને જો આ અપમાન હોય તો પણ અપમાન અપરાધ નથી. અપમાન અપરાધ છે- એવો કાયદો લાવો તો તો ઘણાં પ્રોબ્લેમ્સ થાય. ટીકા, હાંસીમજાક, વ્યંગ કે પછી રૂઢિચુસ્તતા સામે અપાતો વૈલ્કપિક અભિપ્રાય પણ ગુનો ગણાઈ જાય. અને તમે જ વિચારો, આ સાંસદોની સંખ્યા દોઢી કરવાની શી જરૂર છે? તેઓની સરભરા પાછળ મોટો અને ખોટો વધારાનો ખર્ચ શીદને કરવો? અને લટકાંમાં વધારાનો વાણીવિલાસ પણ સાંભળવાનો? આખરે તો બધું પ્રજા પર જ ને? ભાર તો બધો કન્યાને જ કેડે, હેં ને? અને સાહેબ, મારું ચાલે તો સાંસદોની સંખ્યા ૫૦% ઘટાડી દઉં અને ૩૩% મહિલા આરક્ષણ પણ લાગુ કરી દઉં. પણ મારા ક્રાંતિકારી વિચાર જાણીને ભક્તની કેટેગરીમાં આવે એવા મારા એક મિત્રએ મારું ઈન્સલ્ટ કરતા મને નસીહત આપી કે મારે લિમિટમાં રહેવું, ડિલિમિટેશનની વાત ન કરવી, રાજકારણમાં ચંચૂપાત ન કરવો, હાલી હું નીકળ્યા? અને એટલે..... થૂંકેલું ચાટીને હું મારું નિવેદન પાછું ખેંચું છું. હવે માત્ર શબ્દ-એ-ઈન્સલ્ટની જ વાત!
ગુજરાતી લેક્સિકન અનુસાર ઇંગ્લિશ શબ્દ ઈન્સલ્ટ (Insult) એટલે અપમાન, માનભંગ, અનાદર, તિરસ્કાર, અપકીર્તિ, ઉપેક્ષા. 'ઈન્સલ્ટ' હવે અધિકૃત ગુજરાતી શબ્દ પણ છે. 'સાર્થ' અને 'ભગવદ્ગોમંડલ' અનુસાર ગુજરાતી શબ્દ 'ઈન્સલ્ટ'નો અર્થ અપમાન ઉપરાંત બેઅદબી અને ગેરઆબરૂ પણ થાય છે. મૂળ લેટિન શબ્દ 'ઇન્સલ્ટેર' એટલે તૂટી પડવું, છલાંગ મારવી. શબ્દોથી ઘમંડપૂર્વક કોઈ ઉપર તૂટી પડો એ ઇન્સલ્ટ. ઇંગ્લિશ શબ્દ એસોલ્ટ (Assault) એટલે કે હુમલો કરવો પણ આ જ મૂળ લેટિન શબ્દ પરથી આવ્યો છે. એસોલ્ટ આંગિકમ છે, ઇન્સલ્ટ વાચિકમ છે. ક્યાંક તોછડું વર્તન ઈન્સલ્ટ થઇ જાય છે. ક્યાંક અવગણના કરો, મને-પૂછયું-ય-નહીં તો એ ય ઈન્સલ્ટ ગણાય. તું જાડીપાડી છો, એ ડાયરેક્ટ ઈન્સલ્ટ છે. લાગી આવે. એ જ રીતે ધર્મ, જાતિ કે પ્રાંતને લગતા અપમાનજનક શબ્દો વધારે ખરાબ ઈન્સલ્ટ ગણાય. ગયે અઠવાડિયે રશિયન ટીવી પર ઈટાલીના મહિલા પ્રધાનમંત્રી મેલોનીને 'સર્ટિફાઇડ ઈડિયટ' કહ્યા, લો બોલો! પણ હા, મેં લોચો માર્યો હોય અને કોઈ વ્યંગમાં કહે કે બહુ બુદ્ધિવાળું કામ કર્યું ભાઈ તે તો.. એ માઈલ્ડ ઈન્સલ્ટ ગણાય. મને લાગે કે મારા વખાણ થઇ રહ્યા છે પણ આડકતરી ટીકા હોય. જેમ કે- તું હેન્ડસમ છે, તારી ઉંમરના પ્રમાણમાં. અથવા ભણ્યો નથી પણ સ્માર્ટ છે. આમાં હું યુવાન નથી અથવા હું અભણ છું- એવું ઇનબિલ્ટ ઈન્સલ્ટ થયું. ક્યારેક બોલ્યા વિનાના સાયલન્ટ ટ્રીટમેન્ટ ઈન્સલ્ટ પણ હોય. માત્ર હાવભાવ કે વચલી આંગળી....
ઈન્સલ્ટ થાય તો શું થાય? મગજ એકદમ એલર્ટ થઇ જાય. માનસિક સ્ટ્રેસ થાય, જે સરેરાશ ૨૬ કલાક સુધી મનમાં તોફાન મચાવે. અપમાનના શબ્દોને મગજ બરાબર પકડી લે છે. કારણ કે મગજને લાગે છે કે જીવવા માટે, ટકવા સામે આ એક ખતરો છે. વખાણ ભૂલી જવાય પણ અપમાન ભૂલાતું નથી. વખાણનો આનંદ ત્રીસ દિવસમાં ઓસરી જાય પણ અપમાનનું આયુષ્ય ત્રીસ વર્ષ સુધીનું હોય છે. મહિલા અપમાન ક્યારેય ભૂલતી નથી એવી વડાપ્રધાનની વાતમાં દમ છે કારણ કે પુરુષ અને સ્ત્રીના મગજનું વાયરિંગ અલગ છે. સ્ત્રી અપમાનના શબ્દોને વારંવાર પ્રોસેસ કરીને મગજની તિજોરીમાં સ્ટોર કરે છે. પુરુષ 'આ પાર યા તે પાર' માનસિકતા રાખીને ભૂલી જતો હોય છે.
ઈન્સલ્ટ થાય તો શું કરવું? સુખ-દુ:ખ, નિંદા-સ્તુતિ, માન-અપમાન એક સમાન. મન શાંત રાખવું. ગુસ્સો કે દેખીતી હતાશા ઝઘડો વધારશે. અને ઈન્સલ્ટ ઘણી વાર કરનાર કે બોલનારમાં ભાવનાત્મક પરિપક્વતાનો અભાવ ઇર્ષ્યા કે એની પોતાની અસુરક્ષિતતાને કારણે હોય છે. આપણે ચૂપ રહેવું, હસી કાઢવું અથવા સાફ સાફ કહી દેવું કે આ બરાબર નથી, અથવા કહી દેવું કે મને કાંઈ પડી નથી, આ એક બે 'ને ત્રણ. અથવા ઈન્સલ્ટકા બદલા ઈન્સલ્ટ!
તત્ત્વચિંતકો માને છે કે બે ઇન્સલ્ટ્સ અસહ્ય છે. એક તો કોઈ તમને કહે કે 'તારામાં સેન્સ ઓફ હ્યુમરનો છાંટો પણ નથી' અને બીજું કે 'મુશ્કેલી કેવી હોય?-એનું તને ભાન નથી'. બીજા વિશ્વયુદ્ધના બેહદ મુશ્કેલીભર્યા સમયમાં તત્કાલીન બ્રિટિશ પ્રધાનમંત્રી ચર્ચિલનાં સેન્સ ઓફ હ્યુમરમાં ઝબોળેલા ઇન્સલ્ટ્સ ચર્ચામાં રહ્યાં, આજે એમાં થોડો ઉમેરો કરું છું. વિરોધ પક્ષના નેતા માટે તેઓએ કહ્યું હતું કે 'તેઓમાં એ બધા સદ્ગુણ છે, જેને હું ધિક્કારું છું અને મને ગમે એવા એક પણ દુર્ગુણ તેઓમાં નથી'! એક વાર એક કંટાળાજનક ભાષણ કરનાર માટે તેઓએ કહ્યું હતું કે 'જ્યારે બોલવા ઊભા થાય ત્યારે એ જાણતા નથી કે શું બોલશે, જ્યારે બોલે ત્યારે એને ખબર નથી કે શું બોલી રહ્યા છે અને જ્યારે બેસી જાય ત્યારે એને યાદ નથી હોતું કે શું બોલી ગયા'. આ ઈન્સલ્ટ નથી, હું તો તમારું વર્ણન કરી રહ્યો હતો- એવું કોઈ મને કહે એ ય ઇન્સલ્ટ જ છે, ભાઈ!
શબ્દ શેષ
'ક્યારેય પણ ભૂલથી કોઈનું ઈન્સલ્ટ કરવું નહીં.'
- રોબર્ટ હેઇનલિન


