Get The App

બર્ન્ટ ટોસ્ટ થીયરી : ઇષ્ટાપત્તિ .

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
બર્ન્ટ ટોસ્ટ થીયરી : ઇષ્ટાપત્તિ                              . 1 - image


- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- જીવનમાં વિઘ્ન આવે, પીછેહઠ કરવી પડે, પણ કશું સારું થવાનું હશે એટલે આવું થયું

જે થયું સારું થયું ને જે થશે સારું થશે;                                                                                    

એટલી સમજણ હશે તો આ જગત તારું થશે.           

- કિરીટ ગોસ્વામી                                                            

ગ યા અઠવાડિયે 'ઇકોનોમિક્સ ટાઈમ્સ'માં બે શબ્દો ધ્યાને ચઢયા. 'પોપ સાયકોલોજી' (Pop Psychology) અને 'બર્ન્ટ ટોસ્ટ  થીયરી'  (Burnt Toast Theory). પોપ સાયકોલોજી એટલે 'પોપ્યુલરાઈઝેશન ઓફ સાયકોલોજી' જે માનસશાસ્ત્રને ઇન્ટરનેટ ઉપર લોકપ્રિય બનાવવાના નવા ટ્રેન્ડની વાત કરે છે. મનનું શાસ્ત્ર પેચીદું છે. પોપ સાયકોલોજી દાખલા આપીને અઘરી વાત સરળ રીતે સમજાવે છે. અહીં રીઅલ સ્ટોરી અને અંગત અનુભવની વાત હોય છે. લોકો પાસે આજકાલ ધીરજ નથી, સમય પણ નથી. એટલે ટૂંકાણમાં રજૂ થતી પોપ સાયકોલોજી વર્ચ્યુઅલ મીડિયા ઉપર વાઇરલ થઈ રહી છે. 'બર્ન્ટ ટોસ્ટ  થીયરી' એ પોપ સાયકોલોજીનું એક ઉદાહરણ છે.

અમદાવાદની ગમખ્વાર વિમાની દૂર્ઘટના ઘટી. ફ્લાઇટ ચૂકી ગયેલી એક વ્યક્તિનાં સમાચાર ટાંકીને ફિલિપાઈન્સનાં એક નાગરિકે ફેસબૂક ઉપર 'બર્ન્ટ ટોસ્ટ થીયરી'ની ફિલોસોફી સમજાવવાની કોશિશ કરી તો નેટિઝન્સ નારાજ થયા. મૃત્યુ અલબત્ત સર્વદા દુ:ખદાયી હોય છે. મૃત્યુનો મલાજો જાળવવો જોઈતો હતો. ધૂરંધર માનસશાીઓના મતે પોપ સાયકોલોજી  ઓવરસિમ્પ્લિફિકેશન (વધુ પડતુ સરળીકરણ)  અને મિસઇન્ફર્મેશન (ખોટી માહિતી) છે. અમે માનીએ છીએ કે ક્યારેક એ ઇનસેન્સિટિવ (અસંવેદનશીલ) પણ હોય છે.

અમદાવાદનાં ટ્રાફિકમાં અટવાયેલા બિઝનેસ મેનેજમેન્ટ સ્ટુડન્ટ ભરૂચના ભૂમિ ચૌહાણ, એરપોર્ટ ઉપર દસ મિનિટ્સ મોડા પહોંચ્યા એટલે બોર્ડિંગ પાસ ન મળ્યો. ઊડવાનાં ઓરતાં હતા પણ ભૂમિબેન ભૂમિ પર રહી ગયા. નાસીપાસ થયા પણ જિંદગીની પરીક્ષામાં નાપાસ થતાં બચી ગયા. વિમાન તૂટી પડયું. તેઓ બચી ગયા. ઈંગ્લેંડમાં નોકરી કરતાં યમન વ્યાસ બે વર્ષ બાદ  માદરેવતન વડોદરા આવ્યા હતા. તેઓને હવે પરત જવાનું હતું. જવા ટાણે માતાને પગે લાગ્યા ત્યારે માતાએ કહ્યું કે 'થોડાં દિવસ રોકાઈ જા ને'. 'ને યમનભાઈ રોકાઈ ગયા. 'યમન' એટલે જ રોકવું, નિષિદ્ધ કરવું અને યમન યમનાં પંજામાંથી બચી ગયા. જરૂરી ડોક્યુમેન્ટ્સ ન હોવાના કારણે અમદાવાદનાં જયમીન પટેલ અને પ્રિયા પટેલને વિમાનમાં બેસવા ન દીધા. વિદેશમાં ફરવાનાં ઓરતાં ઉપર પાણીઢોળ થઈ ગયું. હતાશ થયા. પણ બચી ગયા. જય હો. પ્રિય હો. જીવન મુબારક. સવજીભાઈ ટીંબડિયાં તો દીકરાને ત્યાં લંડન જવાના હતા, બેગ તૈયાર હતી પણ તે દિવસે સવારે તેઓને થોડી બેચેની લાગી. કશું ય ગંભીર નહોતું. દીકરાએ કારણ પૂછયું પણ એવું કોઈ કારણ પણ નહોતું. પણ બસ, પ્રોગ્રામ રદ કરી દીધો. અને જીવતરનાં પ્રોગ્રામમાંથી રદ થતાં બચી ગયા. 'સવ'નો એક અર્થ થાય છે 'સારું' અથવા 'ઘટિત'. આજનો શબ્દ 'બર્ન્ટ ટોસ્ટ થીયરી' આવા કિસ્સાઓ સાથે સુસંગત છે. 

કહે છે કે ન્યૂયોર્ક શહેરમાં એક જણે સવારે ટોસ્ટરમાં બ્રેડની સ્લાઈસ ટોસ્ટ કરવા મૂકી. ધ્યાન રહ્યું નહીં. બળી ગઈ. બર્ન્ટ ટોસ્ટ, યૂ સી! ફરી બ્રેડ સ્લાઈસ મૂકી, ટોસ્ટ બનાવ્યો. ખાધો. નીકળતા મોડું થયું. વર્લ્ડ ટ્રેડ સેન્ટર સ્થિત એની ઓફિસ જતાં ટ્રાફિકમાં અટવાયો. વીસ મિનિટ્સ મોડો પડયો. ત્યાં જઈને જોયું તો વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં ટ્વીન ટાવર્સ ઉપર વિમાન તૂટી પડયું હતું. એ તારીખ ૯/૧૧ હતી. અનેક મર્યા. એ બચી ગયો, પેલા બર્ન્ટ ટોસ્ટને કારણે. સાધારણ અસુવિધા કે અડચણ જેમ કે ટોસ્ટનું બળી જવું, તમને બચાવી શકે છે. આ તો ઇષ્ટાપત્તિ થઈ. 'સાર્થ' અનુસાર 'ઇષ્ટાપત્તિ' એટલે પ્રથમ નજરે આપત્તિ રૂપ જણાતું હોય પણ છેવટે વ્યક્તિનાં હિતમાં હોય એવું. 'બર્ન્ટ ટોસ્ટ થીયરી' એક મેટાફર (રૂપક અલંકાર) છે. આપણાં રોજિંદા જીવનમાં વિઘ્ન આવે, નડતર થાય, પીછેહઠ કરવી પડે, આડખીલી નડે પણ કશું સારું થવાનું હશે એટલે આવું થયું. જે થાય તે સારા માટે થાય છે. 

એક પ્રાચીન વાર્તા છે. એક રાજા અને એનો પ્રધાન કાફલા સાથે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં કાંટાથી રાજાની આંગળી લોહીલુહાણ થઈ ગઈ. ઇન્જરી થઈ. પ્રધાન બોલ્યો : ભગવાન જે કરે એ સારા માટે કરે. રાજા તો ગુસ્સામાં રેડ યલો થઈ ગયો. સૈનિકોને કહ્યું : પ્રધાનને લઈ જાઓ અને નાંખો જેલમાં. પછી કાફલો આગળ વધ્યો ત્યાં જંગલના નરભક્ષીઓએ હુમલો કર્યો. રાજાને પકડયો. થાંભલે બાંધ્યો. હવે બત્રીસલક્ષણા રાજાનો બલિ ચઢાવવાની વિધિ શરૂ થઈ પણ પૂજારીએ જોયું કે રાજાની આંગળી છોલાયેલી હતી. ટેકનિકલ પ્રોબ્લેમ. હવે આ એકત્રીસ લક્ષણાની બલિ તો ચઢે નહીં. રાજા બચી ગયો. પાટનગર પહોંચીને રાજાએ પ્રધાનને જેલમુક્ત કર્યો. સોરી ય કીધું. પ્રધાને કીધું : જો તમે મને જેલમાં ન નાંખ્યો હોત તો હું તમારી સાથે હોત અને તો મારો બલિ ચોક્કસ ચઢી જાય. ઇન્જર્ડ ફિંગર થીયરી!

આ તો મનને મનાવવાની, સમજાવવાની, મૂરખ બનાવવાની વાત છે. ધાર્યું ન થાય તો અફસોસ કરવા કરતાં એવું માનવું કે કોઈ ઘાત આવવાની હતી, એ ટળી. સૌભાગ્યવાદી મનોસ્થિતિ એકંદરે સારી. જે થાય છે એનો સ્વીકાર કરીને આગળ વધી જવું. ટેન્સન નહીં લેનેકા.. ક્યા? રોજ કાંઈ ને કાંઈ ન થવાનું થાય છે. સમાચાર હંમેશા માઠાં જ હોય છે. યુદ્ધ થાય છે. બોમ્બ ઝીંકાય છે. અકસ્માત થાય છે. કેટલાંય ઘાયલ થાય છે. ઘણાં મરે છે. મનને કશું ય સારું લાગતું નથી. ચિંતા ચિતા સમાન થાય ત્યારે મારી માનસિક અતિસતર્કતા મને હેરાન કરે છે. આવા સમયે બર્ન્ટ ટોસ્ટ થીયરી મારી વ્યગ્ર વિચાર પ્રક્રિયાને એક નવી રીતે રજૂ કરે છે. મનનો ઉદ્વેગ શાંત કરે છે. પોઝિટિવ રહેવું, એ આમ જુઓ તો સારી વાત છે. 

શબ્દ શેષ :

'ધીરજ એક જ રસ્તો છે આ ધૂંધળાં સમયમાં ટકી રહેવા માટે.' -ટેરી હેચર,  બર્ન્ટ ટોસ્ટ : એન્ડ અધર ફિલોસોફીસ ઓફ લાઈફ

Tags :