Get The App

હાથનાં કર્યાં, હૈયે વાગ્યા .

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
હાથનાં કર્યાં, હૈયે વાગ્યા                                . 1 - image

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- લલિત મસાલેદાર પાણીપુરી એક પછી એક અમીને ખવડાવતો રહ્યો. આકાશને તો આવું કરતા શરમ આવતી હતી.

'બે ટા, છોકરાના રૂપ જોવાના ન હોય. તેના ગણતર, ભણતર અને આવક સારા હોય તો એક વસ્તુ જતી કરવી પડે.' અનુરાધાબેન પોતાની યુવાન પુત્રી અમીને સમજાવી રહ્યા હતા. 

દેખાવે લાવણ્યમય, રૂપાળી, ચબરાક અમીએ અત્યાર સુધી દશથી અગિયાર છોકરાઓ જોઈ કાઢયા હતા, પણ દરેકમાં અમીની ના જ પડતી. કોઈ ઠીંગણો લાગે તો કોઈ બાડો લાગે. આજે જોયેલા આકાશમાં બધું જ સરસ હતું, માસ્ટર્સ ઓફ કોમ્પ્યુટરનો અભ્યાસ, સુંદર ઘર, એકનો એક દીકરો, પણ દેખાવે જરા શ્યામ હતો. તેથી અમી હા પાડતા અચકાતી હતી. 

માંબાપે બહુ સમજાવી, તેથી અમીએ દેખાવને જતો કરી માંડ હા પાડી.. બીજે દિવસે રવિવારે સવારે હોટલ રેડ ડાયમંડમાં સો માણસોની હાજરીમાં રીંગ સેરેમની આનંદભેર સપન્ન થઇ. 

આકાશ તો આવી રૂપાળી, હીરોઈન જેવી અમીને પામીને ખુશખુશાલ થઇ ગયો. કન્યાપક્ષના અને વરપક્ષના તમામ સગાઓ બોલી ઉઠયા, 'કાગડો દહીંથરું લઇ ગયો.'

લગ્ન ચાર મહિના પછી નક્કી થયા હતા તેથી એન્ગેજડ કપલને ફરવાનો સારો સમય મળી ગયો. આકાશને તો અભ્યાસ અને કેરિયર સિવાય બીજા કશાયમાં રસ નહોતો. દરરોજ સાંજ પડે ને અમીનો ફોન આવે 'આકાશ, આજે ક્યાં ફરવા જવું છે ?' આકાશને કાઈ સમજ પડે જ નહીં, તેણે ક્યારેય કોલેજ લાઈફમાં કોઈ છોકરી સામે જોયું પણ નહોતું, તેથી હાથ પકડવાનો તો સવાલ જ ક્યાં હતો? આકાશે તેના સ્કુલ મિત્ર લલિતનો સંપર્ક કર્યો. લલિત રખડું, લવર બોય અને ભણવામાં બેદરકાર છોકરો હતો, પણ હતો એક્દમ સ્માર્ટ અને લવગુરુ! તેણે અત્યાર સુધી ચારથી પાંચ છોકરીઓને ફેરવી કાઢી હતી, પણ એકેય સાથે એન્ગેજમેન્ટ નહીં ! 

'બોલ, આકાશ કેમ યાદ કર્યો?' લલિતે હસતા હસતા પુછયું.

'યાર, મારા એન્ગેજમેન્ટ થયા પછી અમીનો ફોન આવે છે, ક્યાં ફરવા લઇ જાય છે?'

'તો એમાં વાંધો શું છે ? લઈ જા અમીને અને લહેર કર.' લલિતે ખુશ થતા કહ્યું.

'મને આ બધું ન ફાવે, તું પણ અમારી સાથે આવે તો સારું.' આકાશે વિનંતી કરી.

'ભલે મને વાંધો નથી.' તેને મફતીયા ખાવાપીવા અને ફરવા મળે એટલે હા પાડી.

'અમી, આ મારો લંગોટીયો મિત્ર લલિત' આકાશે અમીને ઓળખાણ કરાવી. અહીં ભોળપણમાં આકાશ ભૂલ ખાઈ ગયો. આ સંજોગોમાં વિજાતિય પાત્ર સાથે ઓળખાણ કરાવાય જ નહીં.

ડાર્ક જરસી અને ગોગલ્સમાં સ્માર્ટ લલિત સોહામણો લાગતો હતો. અમી તેને જોતી જ રહી ગઈ.

'ચાલો, આજે કાંકરિયા ગાર્ડનમાં ફરવા, પછીથી પાણીપુરી અને રગડાપેટીસ ખાઈશું' લલિતે કહ્યું, અને અમીએ તરત જ હા પાડી વધાવી લીધું.

લલિત મસાલેદાર પાણીપુરી એક પછી એક અમીને ખવડાવતો રહ્યો. આકાશને તો આવું કરતા શરમ આવતી હતી. 

બીજા દિવસે ત્રણેય સેટેલાઈટના થીયેટરમાં 'પ્યાર ક્યાં કિયા' પિક્ચર જોવા ગયા. લલિતે અમીને વચ્ચે બેસાડી, એક બાજુ આકાશ અને બીજી બાજુ લલિત ગોઠવાયા. આકાશને તો હજી હાથ પકડતા જ ડર લાગતો હતો. થીયેટરમાં ચાલુ દિવસે પબ્લીક જ નહોતી. લલિતે અંધારું થતાં અમીનો હાથ પકડી લીધો. આકાશને વચ્ચે વોશરૂમમાં જવાનું થયું, ત્યાં લલિતે અંધારામાં જ અમીને આલિંગન કરી, તેના કોમળ હોઠો પર ચુંબન ચોડી દીધું. અમી ઉત્તેજિત થઇ ગઈ. તે પણ લલિતને વળગી પડી. આકાશ વોશરૂમમાંથી આવી, પોપકોર્ન લાવી અમીને આપી. પિકચરના રોમેન્ટિક દ્રશ્યો જોઈ અમી હજી ઉત્તેજિત થતી હતી, પણ આકાશને બદલે લલિત અંધારામાં તેના હાથ દબાવતો હતો, જે અમીને બહુ ગમવા લાગ્યું. તેણે વિચાર્યું આ મારો મંગેતર આકાશ તો સાવ બોચિયો જ છે, એને પ્રેમ અને રોમાન્સની ખબર જ પડતી નથી. તેને મનમાં લલિત ગમવા લાગ્યો. 

બીજા દિવસથી અમી અને લલિત વચ્ચે મોબાઈલમાં લવનું સેટિંગ શરૂ થઇ ગયું. 

બિચારો આકાશ !! તેને હજુ ખબર જ પડતી નહોતી કે તેની મંગેતર બીજાના પ્રેમમાં લપટાઈ ગઈ છે.

તેણે ભોળપણમાં લલિતને પુછયું 'અમીનો હાથ પકડતાં મને તો ડર લાગે છે.' લલિત હસવા લાગ્યો, 'એ તો લગ્ન પછી આવડી જશે.' આકાશ વિચારતો રહ્યો, કાઈ નહીં, લગ્ન પછી અમી મારી જ છે ને !

અંતે લગ્નનો દિવસ આવી પહોચ્યો. ભારે ઠાઠમાઠથી આકાશના પપ્પાએ જાન જોડી. ત્યાં વેવાઈનો ફોન આવ્યો, 'માફ કરજો વેવાઈ અમારી અમી ભાગી ગઈ છે, જાન જોડીને આવશો નહીં, આ લગ્ન કેન્સલ સમજજો.'

આ સાંભળતા જ આકાશ બેસી પડયો 'કોની સાથે ?' 

'મુરખ, તારા જ મિત્ર લલિત સાથે ભાગીને અમીએ લગ્ન પણ કરી લીધા.' કહેતા આકાશના પપ્પા સમસમી ગયા. આકાશ પણ ભાંગી ગયો, તેને પોતાની ભૂલ સમજાઈ. 

સમયનું પંખી ઉડી રહ્યું હતું. બે વરસમાં મહેનતુ આકાશ ક્રિયેટીવ કોમ્પ્યુટર કંપનીનો માલિક બની ગયો. 

જ્યારે રખડું, છેલબટાઉ લલિતને તેના માબાપે કાઢી મુક્યો હતો. જુગાર અને દારુમાં તે સાવ ખાલી થઇ ગયો. અમીને ઘેર ખાવાના પણ ફાંફા પડી ગયા. અંતે તેણે ઓપરેટર માટે કોમ્પ્યુટર કંપનીમાં જઈ સેક્રેટરીને વિનંતી કરી, 'મને, શેઠને નોકરી માટે મળવા દો.' માંડમાંડ અંદર જવા મળતાં આકાશને શેઠ તરીકે જોતા અમી છોભીલી પડી ગઈ, 'અરે, આકાશ તું ?'

'અમી અહીં કેમ આવી છે?' આકાશ ચિડાયો. 

'આકાશ, મેં લલીતના બાહ્ય દેખાવ અને હિરોગીરીથી આકર્ષાઈ મોટી ભૂલ કરી છે, અત્યારે અમારે ઘર ચલાવાના પણ પૈસા નથી. ઓપરેટરની નોકરી માટે આવી છું.' કહેતા અમી રડી પડી.

'શું વાત કરે છે ? તું તો આ કંપનીની શેઠાણી હોત. પણ મેં તને લલિત જોડે ઓળખાણ કરાવી, વિશ્વાસ મૂકી, વધારે છૂટ આપી ભૂલ કરી છે.' આકાશ પસ્તાવો થતા રડમસ થઇ ગયો.

બન્ને પોતપોતાની ભૂલ પર પસ્તાઈ રહ્યા હતા. પણ હવે શું થાય? પોતપોતાના હાથના કર્યાં, હવે હૈયે વાગી રહ્યાનો ગમ બન્નેનાં ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.

લાસ્ટ સ્ટ્રોક : ફક્ત બાહ્ય દેખાવ અને પ્રેમભરી ચાપલુશી ને બદલે સામા પાત્રની લાયકાત અને હોંશિયારી પર લગ્ન જેવી ગંભીર બાબત પર વિચાર કરી વધુ ધ્યાન આપવું જરૂરી છે.