For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શરીરમાં રહેલો પ્રાણાગ્નિ રહસ્યમય આગ ઉત્પન્ન કરી શરીરને વિચિત્ર રીતે બાળી પણ નાંખે છે!

Updated: Apr 23rd, 2024

શરીરમાં રહેલો પ્રાણાગ્નિ રહસ્યમય આગ ઉત્પન્ન કરી શરીરને વિચિત્ર રીતે બાળી પણ નાંખે છે!

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- શરીરમાંથી આપમેળે આગ પ્રકટ થવાના અને તેમાં બળી જવાના આવા અનેક બનાવો બન્યા છે જેનું રહસ્ય વિજ્ઞાનીઓ પણ ઉકેલી શક્યા નથી

મા નવ શરીર કુદરતનું એક અદ્ભુત, અકલ્પ્ય સર્જન છે. તેની ભીતર પ્રાણ ઊર્જાના અગાધ ભંડાર ભરેલા હોય છે. પ્રાણને અગ્નિ પણ કહેવામાં આવે છે. તે જ જીવનશક્તિ તરીકે કામ કરે છે. તે નસો અને નાડીઓમાં વિદ્યુતની જેમ જ તમામ કાર્યો કરે છે. જ્ઞાનતંતુઓ એના જ માધ્યમથી મસ્તિષ્ક અને શરીર સાથે સંબંધ સ્થાપિત કરાત રહે છે. વિજ્ઞાનીઓ કહે છે કે શરીર તંત્ર લગભગ ૧ લાખ વૉટ (Volt) વિદ્યુત શક્તિથી ચાલે છે. શરીરનું તંત્ર એક મોટા ઔદ્યોગિક સંકુલ જેવું છે. શરીરનું તંત્ર એક મોટા ઔદ્યોગિક સંકુલ જેવું છે જેમાં અનેક કારખાના ધમધમતા રહે છે. જેમ ભૌતિક વિજ્ઞાનીઓ કહે છે કે પરમાણુના કેન્દ્રમાં અપાર શક્તિ ભરેલી હોય છે તેમ શરીર વિજ્ઞાનીઓ કહે છે કે શરીરના કોષોમાં અગાધ ઊર્જા ભરેલી હોય છે. કોષોની અંદર રહેલી આ ઊર્જા અને વિદ્યુત કેટલી પ્રચંડ છે તેની જાણ બહુ ઓછાને હોય છે. શરીરના કોષોનું આવરણ ઢીલું પડે કે એકદમ હટી જાય ત્યારે આ વિદ્યુત અને અગ્નિ બહાર નીકળે છે. એ વખતે તેની પ્રચંડ શક્તિનો ખ્યાલ આવે છે. પ્રાણીઓના શરીરમાં રહેલી વિદ્યુત શક્તિ પર ઊંડું સંશોધન કરનારા અમેરિકન વિજ્ઞાની ડૉ. ફ્રેન્ક બ્રાઉન જણાવે છે કે આપણી શારિરીક એન માનસિક પ્રક્રિયા ચલાવવા જેટલી વિદ્યુત જોઇએ તેનાથી એક મોટી કાપડની મિલ ચાલી શકે છે. એક નાના બાળકના શરીરની વિદ્યુત શક્તિથી રેલવેનું એન્જિન ચાલી શકે છે.

ફ્રાન્સની સ્ટ્રસબર્ગ યુનિવર્સિટીના વિજ્ઞાની ડૉ. ફ્રેડબ્લેજે માનવશરીરમાં રહેલી વિદ્યુત શક્તિ વિશે 'ધ બાયોલોજિકલ કન્ડિશન્સ ક્રિએટીડ બાય ધ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટિઝ ઓફ ધ એટમોસ્ફિયર' નામનું પુસ્તક લખ્યું છે. તેમાં તે લખે છે - 'માનવ શરીર એ એક પ્રકારનું હરતું ફરતું વીજળીઘર જ છે. જો આ વીજળીને અન્ય કામમાં ઉપયોગમાં લેવામાં આવે તો શક્તિશાળી પાવર હાઉસથી થતા મોટા ભૌતિકકાર્યો જેવા કાર્યો પણ થઇ શકે છે.'

શરીરમાં ૧ સેન્ટિમીટરે ૧ લાખ વૉટનું વિદ્યુત દબાણ રહે છે. આ વિદ્યુત શક્તિ ઝાટકો મારનારી કે કાયમ મૃત્યુ નિપજાવી દે તેવી નથી. તે જુદા પ્રકારે કાર્ય કરે છે. તે શરીરની ગ્રંથિઓ, અવયવો, જીવકોષ અને ચેતાતંત્રની અંદર ગૂંચળા રૂપે છુપાઈ રહે છે. તેનું સીધેસીધું નિર્ગમન થતું નથી. જ્યારે તેના ઉપરનું 'ઇન્સ્યુલેશન' તુૂટી જાય કે હટી જાય ત્યારે વિચિત્ર પ્રકારના આગ લાગવાના બનાવો બને છે. આવા બનાવોને સહજ માનવદહન (Spontaneous Human Combustion) ના બનાવો તરીકે ઓળખવામાં આવે છે. શરીરમાંથી આપમેળે આગ પ્રકટ થવાના અને તેમાં બળી જવાના આવા અનેક બનાવો બન્યા છે જેનું રહસ્ય વિજ્ઞાનીઓ પણ ઉકેલી શક્યા નથી. 'સ્પાન્ટેનિયસ હ્યુમન કમ્બશન'ના આવા કેટલાક રહસ્યમય બનાવો જોઇએ.

સેંટ પીટર્સબર્ગ, ફ્લોરિડા, યુ.એસ.એ.ની મેરી હાર્ડી રીસર (Mary Hardy Resser) નામની ૬૭ વર્ષની મહિલાનું આ રીતે ૨ જુલાઈ ૧૯૫૧ના રોજ વિચિત્ર આગથી મરણ થઇ ગયું હતું. સવારે લગભગ ૮ વાગે રીસરની મકાનમાલિક પેન્સી કારપેન્ટર એક ટેલિગ્રામ આપવા તેના એપાર્ટમેન્ટમાં ગઇ તો અંદર જે દ્રશ્ય જોયું તેનાથી હેબતાઇ ગઈ. સ્પ્રિંગવાળી ખુરશી પર બેઠેલી મેરીનું શરીર રાખ રૂપે ફેરવાઈ ગયું હતું. ભારે વિસ્મય ઉપજાવે એવી બાબત એ હતી કે મેરીના શરીરના ૧ મીટરના ઘેરાવા સિવાયનો ભાગ તથા બાકીનો આખો એપાર્ટમેન્ટ એકદમ સહી સલામત, આગની અસરથી બિલકુલ મુક્ત હતો. મેરીનું ૮૦ કિલો વજન ધરાવતું શરીર પૂરેપૂરું બળી જઇને ૪ કિલો જેટલી રાખમાં ફેરવાઈ ગયું હતું. તે રાખથી થોડેક જ દૂર રહેલો એક કાગળનો વીંટો આગની અસરથી રહિત હતો એને એક ડાઘ સુધ્ધાં લાગ્યો નહોતો. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના ફોરેન્સિક સાયન્ટિસ્ટ ડૉ. વિલ્ટન ક્રેગમેને આ વિચિત્ર આગથી થયેલા મૃત્યુનું ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવ્યું હતું. તેઓ મેરીની ખોપડીની હાલત જોઈ દિગ્મૂઢ બની ગયા હતા. મેરીની ખોપડી બળીને, સંકોચાઈને 'ચાના કપ' જેટલા આકારની બની ગઈ હતી. વિજ્ઞાનના નિયમ પ્રમાણે ક્યાં તો તે ફૂલી જવી જોઇતી હતી અથવા ફાટી જઇને ટુકડે ટુકડા થઇ જવી જોઇતી હતી. મેરીના હાડકાં પણ રાખ થઇ ગયા હતા તે પણ અસામાન્ય બાબત હતી. ક્રેગમેને જણાવ્યું કે ૧૨ કલાક સુધી ૩૦૦૦ ફેરનહીટ ટેમ્પરેચરમાં રાખવા છતાં શરીરના તમામ હાડકાં રાખ થઇ જતા નથી. શરીરને આટલી હદે બાળી નાંખે એવી આગથી તો આખું એપાર્ટમેન્ટ બળીને રાખ થઇ જવું જોઇતું હતું.

૭ ડિસેમ્બર ૧૯૫૩ના રોજ હવાઈ ટાપુ હોનોલૂલૂમાં આવી ઘટના બની હતી. માર્ગારેટ કોમેટ નામની સ્ત્રીને મળવા કેટલાક લોકો તેના ઘેર આવ્યા. બારણે ટકોરા મારતાં તેણે તે ખોલ્યા નહીં એટલે બારણાને સહેજ ધક્કો મારી જોયો. બારણુું ખૂલી ગયું. તે અંદર જઇને જુએ છે તો માર્ગારેટના શરીરમાંથી ભૂરા રંગની અગનજ્વાળા નીકળી રહી છે જેનાથી એનું શરીર ધીમે ધીમે સળગી રહ્યું છે. તેના શરીરના નીચેના અડધા ભાગને બાળી જ્વાળા ઉપરની તરફ જઇ રહી છે. તે અર્ધજાગૃત અવસ્થામાં હતી. તેને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે આગ એની મેળે જ એના પગના અંગૂઠામાંથી પ્રકટ થઇ હતી. બીજી અત્યંત અચરજભરી બાબત તેણે તે જણાવી કે એના શરીરને એ આગ અત્યારે પણ બાળી રહી હોવા છતાં તેને જરા પણ પીડા, વેદનાનો અનુભવ થઇ રહેલો નથી. આગંતુક વ્યક્તિઓએ એ આગ બુઝાવવાના તમામ પ્રયાસો કર્યા પણ તે ન જ બુઝાઈ. ધીરે ધીરે એ બધાની આંખો સામે જ માર્ગારેટના શરીરનો ઉપરનો ભાગ પણ તે ભૂરા રંગની અગનજ્વાળામાં બળીને રાખ થઇ ગયો. ઇ.સ. ૧૯૬૬ની પાંચમી ડિસેમ્બરે પેન્સિલ્વેનિયાના ક્રાઉડર સ્પોર્ટ ખાતે રહેતા ડૉ. જહોજ ઇરવીંગ બેન્ટલીના શરીરમાંથી નીકળેલ પ્રચંડ વિદ્યુત શક્તિની આગથી બળી ગયા હતા. એમાંય આશ્ચર્યની બાબત એ હતી કે તેમનું આખું શરીર બળીને રાખ થઈ ગયું હતું પણ જમણા પગનો બૂટ સાથેનો ભાગ બિલકુલ બળ્યા વિનાનો હતો ! એમના રૂમમાં બીજે ક્યાંય આગથી નુકસાન થવાની કોઈ નિશાની નહોતી. બળેલા શરીરની રાખના ધૂમાડામાંથી માંસ બળવાની દુર્ગંધ નહીં, પણ મીઠી સુગંધ આવતી હતી.

વિજ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય શરીરમાં એના વજનના ૬૫% જેટલું એટલે કે અંદાજે ૪૫ લીટર જેટલું પાણી હોય છે. એને બાષ્પીભૂત કરી શરીરના અવયવોને સળગાવવા ૫૦૦૦ ડીગ્રી ફેરનહીટ જેટલો અગ્નિ જોઇએ. એટલો અગ્નિ અંદરથી કેવી રીતે પ્રગટ થઇ જતો હશે ? શરીરના લગભગ ૬૦ ખર્વ જેટલા જીવકોષોના દરેક કોષમાં અગ્નિતત્ત્વ પ્રોટોપ્લાઝમામાં છુપાયેલું હોય છે. જ્યાં સુધી પ્રોટોપ્લાઝમાને વિખંડન પ્રક્રિયા દ્વારા ઉચ્ચ પ્લાઝમામાં બદલવામાં ન આવે ત્યાં સુધી અંદરથી અગ્નિનું આપમેળે સળગી ઉઠવું સંભવ નથી. કેટલાક વિજ્ઞાનીઓ શરીરમાંથી આપમેળે પ્રકટેલી આગથી સળગી જવાની ઘટનાઓ માટે સ્પોન્ટેનિયસ હ્યુમન કમ્બશન (SHC)  ને નહીં, પણ વિક ઇફેક્ટ (Wick Effect) ને કારણભૂત સમજે છે. આવી રહસ્યમય આગથી સળગી જવાની બે-ચાર નહીં, પણ સેંકડો ઘટનાઓ બનેલી છે.

Gujarat