- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- તમારે લશ્કરી શિસ્તથી તમારા આહાર પર નજર રાખવી પડશે. તો જ તમે આરોગ્ય પ્રાપ્ત કરી શકશો.
આ ખરે ડોલીનો જીવનદીપ બુઝાઇ ગયો. એ પહેલીવાર અમેરિકન ટેલિવિઝન પર રજૂ થઇ ત્યારેજ એનું વજન પાંચસો ત્રાણું રતલ (આશરે ૨૬૯ કિલો) હતું. એને સતત ડોક્ટર નાઉનું માર્ગદર્શન મળતું હતું કે તમારે લશ્કરી શિસ્તથી તમારા આહાર પર નજર રાખવી પડશે. તો જ તમે આરોગ્ય પ્રાપ્ત કરી શકશો. ડોલી ડોક્ટર સમક્ષ ડાયેટ પર નજર રાખવાની સંમતિ આપતી પરંતુ સાચું પૂછો તો સ્વાદગ્રંથિ (જીભ એમ વાંચો) પર એનો કોઇ કાબુ નહોતો. માત્ર ત્રીસ વર્ષની વયે ડોલીએ અંતિમ શ્વાસ લીધા. ટેક્સાસ નિવાસી આ યુવતીએ પોતાની જીભ પર થોડો કાબુ રાખ્યો હોત, થોડો સંયમ દેખાડયો હોત તો એ જીવી જાત.
ડોલી વિશે વધુ વાત કરવા પહેલાં આ કથાનું મૂળ જાણી લઇએ. દુનિયાભરના દેશોમાં ટેલિવિઝન પર વિવિધ મનોરંજક કાર્યક્રમો થાય છે. એની સાથોસાથ સમાજને ઉપયોગી થાય એવા કાર્યક્રમો પણ યોજાય છે. આપણે પ્રિયા તેંડુલકર હતી ત્યારે આવતા કાર્યક્રમનો હેતુ વધુ પડતું વજન ધરાવતી વ્યક્તિઓને વજન ઘટાડીને તંદુરસ્તી બક્ષવાનો હતો. ૨૦૧૦-૧૧માં આ કાર્યક્રમ શરૂ થયેલો તે છેક ૨૦૨૫માં સંપન્ન થયો. શરૂઆતમાં માત્ર પાંચ એપિસોડ આવતા. ધીમે ધીમે એની લોકપ્રિયતા વધતાં એપિસોડ વધતા ચાલ્યા. સાથોસાથ પ્રોગ્રામ મોનોટોનસ (એકવિધતા ધરાવતો) ન રહે એ માટે એના બે ભાગ કર્યા. પહેલો ભાગ માય ૬૦૦ પાઉન્ડ્સ લાઇફના નામે શરૂ થયેલો. અઢીસો કિલોથી વધુ વજન ધરાવતી વ્યક્તિઓમાંથી એકની પસંદગી થતી. એને દરેક એપિસોડમાં સૂચનો અપાતાં. કેવો ડાયેટ લેવો, શું ન ખાવું, ક્યારે કેટલું ખાવું, કેવી રીતે ખાવું અને વજન કેટલું અને કેવી રીતે ઘટતું જાય છે એની નોંધ કેવી રીતે રાખવી વગેરે માર્ગદર્શન ડોક્ટર નાઉ અને એમના સાથી ડોક્ટરો આપતા. એક વ્યક્તિનો કેસ શરૂઆતમાં એક વર્ષ સુધી ચાલતો. ત્યારબાદ બીજી વ્યક્તિને પસંદ કરાતી.
કાર્યક્રમ વધુ લોકપ્રિય થયો ત્યારે બીજો ભાગ શરૂ થયો. વ્હેર આર ધે (વધુ પડતા વજનવાળી એ વ્યક્તિ આજે ક્યાં છે ?) આ ભાગમાં અગાઉ કોઠી જેવા શરીરે આવેલી વ્યક્તિ લશ્કરી શિસ્તથી ડાયેટિંગ કરીને શી રીતે પોતાની કાયાને કામણગારી કરી શકી એ વાત સંબંધિત વ્યક્તિને હાજર રાખીને થતી. આ કાર્યક્રમની દસમી સિઝનમાં ટેક્સાસની આ ડોલી માર્ટિનેઝ આવેલી. એ આવી ત્યારે એનું વજન બસો અડસઠ કિલો હતું. એણે શિસ્તબદ્ધ રહેવાનું કરોડો દર્શકોની વચ્ચે કબૂલ કરેલું છતાં એક મહિના પછી એનું ફરી વજન કરાયું ત્યારે ૨૭૨ કિલો હતું. એટલે કે એ સ્વાદવૃત્તિ પર કાબુ રાખી શકી નહોતી. એને સતત ટીવી ચેનલના લાખો દર્શકો અને કાર્યક્રમના સંચાલકો હળવા શબ્દોમાં ઠપકો આપતા. ડોલી દરેક વખતે સોરી કહીને છટકી જતી. આખરે એના એપિસોડની મુદત પૂરી થઇ. ડોક્ટરની અપેક્ષા મુજબ એ વજન ઘટાડી શકી નહોતી. આ સિરિયલની દસમી સિઝન ૨૦૨૧ના નવેંબરની ત્રીજીએ શરૂ થયેલી અને ૨૦૨૨ના ફેબ્રુઆરીની નવમીએ પૂરી થઇ. ડોલી પોતે આપેલા વચન મુજબ શિસ્તબદ્ધ રહી નહીં. એની કાયા પહેલાં જેવી જ અદોદળી અને બેડોળ બની રહી.
અત્રે એક ભારતીય યુવાનને યાદ કરીએ. આપણા સૌના જાણીતા અનંત અંબાણીની કાયા પણ અગાઉ આવી જ ભારેખમ હતી. અનંતે સતત શિસ્તબદ્ધ ડાયેટિંગ અને વ્યાયામ દ્વારા પોતાનું વજન ઘટાડીને પુરવાર કર્યું કે મનોબળ અડગ હોય તો અદોદળી કાયાને સુડોળ બનાવી શકાય છે.
ટીવી સિરિયલ દ્વારા પોતાને પ્રચંડ લોકપ્રિયતા મળી છે એવા ભ્રમમાં એ જીવતી રહી અને મન ફાવે એવું ખાતી રહી. એક સમય એવો આવ્યો જ્યારે એ પોતાના પગ પર બે પાંચ સેકંડથી વધુ ઊભી પણ રહી શકતી નહોતી. ઊભી હોય ત્યારે પોતાના પગની આંગળીઓ જોઇ શકતી નહોતી. એના કુટુંબીજનો, સ્નેહીઓ, સગાંસંબંધીઓએ એને ખૂબ સમજાવી. વારવાની કોશિશ કરી. પરંતુ હવે ડોલી મનોબળ ગુમાવી ચૂકી હતી. એના હાર્ટ પર જબરો બોજો આવ્યો હતો. એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. એને સતત ઓક્સિજન પર રાખવી પડતી.
ગયા મહિને સમાચાર પ્રગટ થયા કે ડોલી માર્ટિનેઝ ઇઝ નો મોર. ફક્ત ત્રીસ વર્ષની ઉંમરે ડોલીનો જીવનદીપ બુઝાઇ ગયો. ટીએલસી ટેલિવિઝને પણ આ સમાચાર પોઆતાની ચેનલ પર રજૂ કરેલા અને ડોક્ટર નાઉની આરોગ્યલક્ષી સિરિયલ માય ૬૦૦ પાઉન્ડસ લાઇફ કાર્યક્રમને યાદ કર્યો હતો.


