Get The App

સમય એ મહાન શિક્ષક છે .

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
સમય એ મહાન શિક્ષક છે                                                           . 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- પરિવર્તન એ જીવનનો પરાજય નથી, પણ સચ્ચાઈ છે. પરિવર્તનને આવકારતાં શીખો

એ ક વૃધ્ધ માણસ પોતાના નાનકડા પૌત્રને લઈને ગાર્ડનમાં ફરવા નીકળ્યો છે. બાળક રમતું રમતું દોડવા માંડે છે, પણ દાદાજી એની પાછળ દોડી શકતા નથી. તેઓ ભયભીત થાય છે... પગથિયાં પાર કરીને બાળક સડક સુધી પહોંચી જશે તો ? દાદાજી બૂમ પાડે છે, દોડતાં બાળકને રોકવા માટે. એક પરોપકારી માણસ બાળકને પકડીને દાદાજી સમક્ષ હાજર કરી દે છે. દાદાજી પેલા માણસનો આભાર માનતાં કહે છે : 'ભગવાન, તમારું ભલું કરે ભાઈ ! હવે પગમાં દોડવામાં હામ નથી, દોડવાનો સમય વહી ગયો. હવે તો માત્ર બેસી રહેેેવાની સજા ભોગવવાનો સમય શરૂ થઈ ગયો છે, હવે કશુંક નવું કરવાનો નહિ. સહેવાનો સમય શરૂ થઈ ગયો છે, ભાઈ ! સમય આ બાળકની જેમ દોડતો રહ્યો છે. અને હું પકડવા પીછો કરતો રહ્યો...'

...મારી ઉમ્મરના ઘણા લોકો ખાઈપીને તાગડધિન્ના કરે છે અને મારે નસીબે આ બાળકની પુરુષ આયા બનવાનું લખાયું.

આવી ફરિયાદ એ વૃધ્ધ માણસ એકલાની નથી. આપણા સૌની છે.

સમય આપણે માટે વરદાનરૂપ કે સુખદાતા સિધ્ધ ન થયો એવી ચિંતા, વેદના કે વસવસો વ્યક્ત કરવાની એક પણ તક આપણે કરતા નથી. ગમતો સમય બાંધી રાખવાની અને અણગમતો સમય એક જ ઝાટકે ખતમ કરી નાખવાની આરઝુનું આપણે જતન કરતાં હોઈએ છીએ. આ આંખે ઘણું બધું જોઈ લીધું, હવે જગત જોવા કે જીરવવા જેવું રહ્યું નથી, એવા બળાપાની ફિલ્મપેટી સાચવીને કેટકેટલી આંખો નિસાસા નાખતી હોય છે.

આપણે સમય પાસે શિશિરની શીતળતા માગીએ છીએ. ઝાકળનું સૌંદર્ય ઝંખીએ છીએ, નિર્ઝરનું સંગીત યાચીએ છીએ, હેમંતના સવારના તડકાની મૃદુતા માગીએ છીએ, સમય અકૃપણ બનીને સુખની લોટરી આપણી તરફેણમાં ખોલી નાખે એવી સરળતા અને સાનુકૂળતા માટે આપણે તડપડતાં હોઈએ છીએ, પણ સમયને પોતાનો મિજાજ માણવાનો હક્ક છે. એ વાત આપણે સરળતાથી કબૂલતા નથી.

સમયના વહેતા પ્રવાહથી આપણને ખોબોએક પાણી ભરીને પરિતૃપ્ત થવાનું પસંદ હોય તો વાત જુદી હતી પણ આપણે સમય-નીરના વૈજ્ઞાનિક પરીક્ષક બનીને સમયને તપાસીએ છીએ. ભેદનછેદન અને વિશ્લેષણ કરીએ છીએ. પરિણામે સમય આપણી સમક્ષ નિરાવરણરૂપે ઉભો રહે છે, ત્યારે આપણે હેબતાઈ જઈએ છીએ. સમયની ત્વચા પર કશું ય અંકીત થતું જ નથી. આપણી સુખદ ક્ષણોને સાચવી રાખવા માટે સમય પર છૂંદણાં ત્રોફાવીને છીએ, પણ સમય આપણો ગુલામ નથી ! એ છૂંદણાંની સોયને પોતાની ત્વચા પરથી ફેરવીને આપણી સ્મૃતિની સંવેદનશીલ ત્વચા પર મૂકી દે છે. અને પોતે સરી જાય છે, દૂર દૂર કોઈ અનાસક્ત યોગીની જેમ. સમયને યોગીને બદલે આપણે ભોગી માનીએ છીએ, એ જ આપણી ભ્રાન્તિ છે.

મને સ્વ. સુરેશ જોષીના શબ્દોનું સ્મરણ થાય છે. એમણે એક વિચારણીય મુદ્દો આપણી સમક્ષ રજુ કરતાં કહ્યું છે કે 'સમયને નાથવાનું છોડો, સમયથી ભાગવાનું છોડો, એને બદલે સમયને ભોગવો. સમય આપણા ઉપભોગના આનંદથી પુષ્ટ બને છે. આપણા ભયથી નહીં. સમય આપણી વેદના ઠાલવવાનું પાત્ર નથી, એને ઉત્સવની ધજાપતાકાની જેમ પવનમાં દૂરદૂર ફરકવા દો. સમય શ્વાસોચ્છવાનું કારાગાર નથી આપણા જીવનની ક્રીડાનું પટાંગણ છે. જેને ક્ષિતિજોની સીમા નથી, સમય એ લોભથી ચોરવાની વસ્તુ નથી, ઉદાર બનીને લૂંટાવાની વસ્તુ નથી, સમય અનેક સાંધાવાળી ફકીરની ગોદડી નથી. એ નવસ્ત્રા નરવા શિશુના દેહની કાન્તિ છે. સમયની અવળી છબી જોનાર મૃત્યુનું રૂપ જોઈ છળી મરે છે. પણ સમયને સવળે રૂપે જોનારા બહુ ઓછા હોય છે. સમય જીર્ણ થતો નથી. આપણી દરિદ્રતા જ એને જીરાજીર્ણ બનાવે છે.'

સમય તો શિક્ષકની જેમ બાળકની સ્લેટમાં એકડો લખીને ચાલ્યો જાય છે. આપણે એકડો લખવાનું કૌશલ્ય કેળવવાને બદલે એકડો ઘૂંટવાને જ શિક્ષણ માની લઈએ છીએ. માણસ સંઘરે છે, સમય ઠાલવે છે. માણસ પરિગ્રહ કરે છે. સમય ખેરાત કરે છે. સમય લખે છે, માણસ એને ભૂંસવાની કોશિશ કરે છે. સમયને ભૂતકાળ વાગોળવાનું મન થાય છે, ત્યારે એ નવા માણસ પાસે જૂનો રાગ આલાપડાવે છે... આપણે કહીએ છીએ સમયનું પુનરાવર્તન થયું.

સમયને ભાગ્યવિધાતા માનીને એની સામે ઝૂકી જનારા એની કરુણા અને કૃપાની યાચના કરી હેમખેમ રહેવા માટે ભયગ્રસ્ત રહેનારાઓની આ દુનિયામાં ખોટ નથી. સમયને બાંધવાની કોશિશ કરવી એ સમયનું અપમાન છે.

જેઓ સમયનો પડછાયો જોવાને બદલે સમયની શક્તિને પિછાણે છે તેઓ જીવનમાં ક્યારેય આકસ્મિક પરિવર્તનો કે આંધીથી ગભરાતા નથી. સમય પોતે દૃઢ છે. એટલે માણસ પણ ગમે તેવી પરિસ્થિતિમાં દૃઢ રહે એ તેને મંજૂર છે. સમયને બુજદિલ શસ્ત્રધારીઓ કરતાં શૂરવીર લડવૈયા વધુ પસંદ છે.

સમય સંહારક નથી, એ તો છે માણસને સામનો કરવાનો સબક શીખવનાર કુસ્તીબાજ ! સમય એ મંદિરના શાન્ત વાતાવરણમાં ગર્ભગૃહમાં ઝળહળતો દીવો નથી પણ બહારના ગોખલામાં મૂકેલો દીવો છે. એમાં પાવનતા પણ છે. 

અને ક્ષણમાં બુઝાવાનો સંકેત પણ. સમય કોઈને મોઢું જોઈને તિલક કરતો નથી કે મેશની ડબ્બી લઈને મોં કાળું કરતો નથી. જેને આપણે સમયનો પુરસ્કાર કે દંડ ગણતાં હોઈએ છીએ. એનું મૂળ આપણા સદ્વર્તન કે કુવર્તનમાં જાણે અજાણે રહેતું હોય છે.

સમય આજનો આગ્રહ કરે છે, માણસ કાલનો. આવતી કાલને હંમેશા સુસ્તી, પ્રમાદ અને બહાનાબાજીનો મખમલી ગાલીચો શોધવાની આદત છે. જ્યારે આજને વિજયી બની રાજ કરવાની ઉતાવળ હોય છે. સમય બહાનાખોરોને માફ કરતો નથી.

સમય તો એક વહેતું ઝરણું છે. એ સમયની પ્રતીક્ષા કરીને વહેતું નથી. સવાર, બપોર, સાંજ, રાત્રી અને વળી પાછું પ્રભાત એ તો આપણે સમયને આપણા ચોકઠામાં ગોઠવીને ઉભા કરેલા પાર્ટીશન છે.

સમય તો એક આદેશ છે, કૃષ્ણ પણ તમે બનો અને અર્જુન પણ તમે. સમય પોતે પરાવલંબી નથી. ભૂલો કરો, પછડાઓ, પશ્ચાત્તાપ કરો, આત્મદર્શન કરો આંસુ લૂછો અને પુન: હામ કેળવો. સમય માણસના આત્મવિશ્વાસની કસોટી કરે છે. સમય બદલાતો રહે છે. પરિવર્તનએ જીવનનો પરાજય નથી, પણ સચ્ચાઈ છે. પરિવર્તનને આવકારતાં શીખો.

પરિવર્તનને આવકારવા માટે મહત્વની છ બાબતો કઈ ?

૧. પરિવર્તનનો દૃઢતાપૂર્વક સામનો કરતાં શીખો. મનમાંથી ડર કાઢી નાખો. ઝઝૂમવા માટે શ્રદ્ધાવાદી બનો. સમય કદિ પાછો આવતો નથી. વર્તમાનમાં જીવો.

૨. આજનું કામ આજે જ કરવા દૃઢ નિર્ધાર કરો. કલ કરે સો આજ કર, આજ કરે સો અબ.

૩. આ કાર્ય મારાથી નહીં થાય, મારો સમય ખરાબ ચાલે છે. એવો ડર અને ભ્રમ મનમાંથી હાંકી કાઢો.

૪. હાથમાં આવેલી ક્ષણને તત્કાલ ઝડપી ન્યાય આપો. એ સમય દેવતાને મંજૂર હોય છે.

૫. જીત અને હાર, સુખ અને દુ:ખ- બન્ને પચાવવાની શક્તિથી પરિવર્તનને આવકારો.

૬. સમય પરિવર્તનથી વિચલિત થયા વગર યાદ રાખો. 'તૂ એક દિન ભી જી શહેનશાહ બન કે જી.'