સેતૂર સ્વાદ-સ્વાસ્થ્ય-સૌંદર્યનો ત્રિવેણી સંગમ
એ વાતમાં બે મત ન હોઈ શકે કે ફળો આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફળદાયી છે. પ્રત્યેક ફળ આગવી રીતે આપણા આરોગ્યને અકબંધ રાખવામાં મહત્વનો ફાળો આપે છે. આજે આપણે મલબેરી, એટલે કે સેતૂરના ગુણો વિશે જાણીશું.
ગરમીના દિવસોમાં મળતું સેતૂર પોષક તત્વોથી ભરપૂર હોવાથી તેનું નિયમિત સેવન સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓમાં રાહત આપે છે. સેતૂરમાં પ્રચૂર પ્રમાણમાં વિટામીન સી, વિટામીન કે, લોહ તત્વ, કેલ્શિયમ અને ફાઇબર હોવાથી તે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા સાથે ત્વચાને પણ નવી ચમક બક્ષે છે. નિષ્ણાતો તેના એક એક ગુણ વર્ણવતાં કહે છે..,
- સેતૂરમાં રહેલું વિટામીન 'સી' રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. પરિણામે છાશવારે થતી શરદી, ખાંસી તેમ જ અન્ય મોસમી વ્યાધિઓથી દૂર રહેવામાં મદદ મળે છે.
- સેતૂરમાં રહેલાં ફાઇબર પાચન ક્રિયા સુધારે છે. આ રેષાં કબજિયાત દૂર કરે છે. એટલું જ નહીં, તેને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહેતું હોવાથી વારંવાર ખાવાની ઇચ્છા અંકુશમાં રહે છે, પરિણામે વજન પણ ઘટે છે.
- તેમાં રહેલાં એન્ટિઑક્સિડંટ્સ અને રેસ્વેરાટ્રૉલ જેવા તત્વો હૃદયને સ્વસ્થ રાખે છે. વળી આ પદાર્થો કૉલેસ્ટરોલને અંકુશમાં રાખવા ઉપરાંત બ્લડ પ્રેશરને પણ સામાન્ય રાખવામાં સહયક બને છે.
- સેતૂરમાં ભરપૂર માત્રામાં લોહ તત્વ હોવાથી તે હિમોગ્લોબિન વધારીને એનિમિયાને દૂર રાખે છે.
- આ ફળમાં રહેલાં પ્રાકૃતિક તત્વો શરીરમાં રહેલી શર્કરાને યોગ્ય રીતે પચાવવામાં સહાયક બનતાં હોવાથી તેનું સેવન બ્લડ શુગર અંકુશમાં રાખે છે.
- સેતૂરમાં રહેલાં એન્ટિઑક્સિડન્ટ્સ તેમ જ અન્ય વિટામીન ત્વચાને ઊંડે સુધી પોષણ આપી શકતાં હોવાથી આ ફળનું સેવન ચામડીને કાંતિવાન બનાવે છે તેવી જ રીતે તેમાં રહેલા એન્ટિ-એજિંગ તત્વો ચામડી પર કરચલીઓ પડવાની પ્રક્રિયા ધીમી પાડીને યુવાવસ્થા ટકાવી રાખવામાં મહત્વનું યોગદાન આપે છે.
- સેતૂરનો રસ ત્વચા પર પડેલા ડાઘ-ધાબા તેમ જ તડકાને કારણે કાળી પડી ગયેલી ત્વચાને સામાન્ય બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે.
- આ ફળમાં રહેલા એન્ટિબેકટેરિયલ ગુણો ત્વચા પર બેક્ટેરિયાને વિકસતાં અટકાવે છે, પરિણામે ખિલમાં રાહત મળે છે.
આમ સેતૂર માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતું, બલ્કે સ્વાસ્થ્યપ્રદ અને સૌંદર્ય નિખારનારું પણ પુરવાર થાય છે.
- વૈશાલી ઠક્કર