Get The App

તલનું તેલ - સ્વાસ્થ્ય અને આયુર્વેદ

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
તલનું તેલ - સ્વાસ્થ્ય અને આયુર્વેદ 1 - image

- આરોગ્ય સંજીવની

આજકાલ આપણે રોજિંદા ખાદ્યતેલ તરીકે મગફળી કે કપાસીયાનું તેલ વાપરીએ છીએ, પણ આજથી ૪૦-૫૦ વર્ષ પહેલાં આપણે ત્યાં ખાવામાં-રસોઈમાં બધે જ તલનાં તેલની જ બોલબાલા હતી. સમય જતા જેમ અસલી ઘીનું સ્થાન વનસ્પતિજન્ય ઘી (ડાલ્ડા ઘી) એ લીધું તેમ તલનાં તેલનું સ્થાન મગફળી અને બીજા તેલોએ પડાવી લીધું.

આયુર્વેદ વિજ્ઞાાન મુજબ ગુણોની દ્રષ્ટિએ 'તલનું તેલ' શ્રેષ્ઠ છે. જ્યારથી આપણા સમાજમાં મગફળી તેલનો વ્યાપક ઉપયોગ થવા લાગ્યો છે, ત્યારથી આપણા સમાજમાં રોગોનું એકંદર પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. તેમાં બીજા અનેક કારણો છે, પણ એક મહત્વનું કારણ તલના તેલને સ્થાને વપરાતા અન્ય ખાદ્યતેલનું પણ છે. ઘણીવાર સ્ત્રીઓ માથાનું કેશ-તેલ બનાવવા મગફળનું તેલ લે છે. પરંતુ તલનું તેલ લે તો પરિણામ વધુ ઉમદા આવશે. તલના તેલમાં ચીજ-વસ્તુ તળવાથી તેલમાં ઉભરો આવે છે, જ્યારે મગફળીનાં તેલમાં ઉભરો આવતો નથી. તેથી મોટાભાગે બહેનો તો ધંધામાં તલનું તેલ નથી વાપરતા પરંતુ રોટલી-ભાખરીનાં મોણમાં તથા વઘાર વગેરેમાં તલનું તેલ વાપરે છે.

ઘી કરતાં પણ તેલ વધુ લાંબો સમય સુધી સારું રહે છે. જ્યારે તેલમાં ખોરી વાસ આવે છે અને તે બેસ્વાદ લાગે છે, તેમજ વધુ પડતું ચીકણું-ઘટ્ટ બની જાય ત્યારે તે ખાવા કે વાપરવા યોગ્ય ન સમજવું. શહેરોમાં ગ્રામોદ્યોગ અને ખાદીહાટવાળાને ત્યાં યાંત્રિક ઘાણીનું શુદ્ધ તલનું તેલ મળે છે. તલના તેલના ડબ્બા પણ તેલની સીઝનમાં મળે છે. તેલ જેટલું તાજું તેમ ખાવામાં તથા દવામાં વધુ ગુણકારી જાણવું. તલનું તેલ ખાવા કરતા માલીશ કરવાથી આઠગણો ફાયદો કરે છે. તલનું તેલ મેદસ્વી લોકોને પાતળા કરે છે, અને દુબળા-પાતળા ને જાડા અને હૃષ્ટ-પુષ્ટ કરે છે. તલનું તેલ નબળા લોકોને ઉત્તમ તાકાત આપે છે. અને જે મેદસ્વી, કદપ્રધાન પુરુષોના વીર્યમાં જંતુઓ ઉત્પન્ન ન થતાં હોય કે શુક્રાણુઓની સંખ્યા સંતાન ઉત્પન્ન કરી શકે તેટલી ન હોય તેમણે ખોરાકમાં બીજા તેલો બંધ કરી તલનું તેલ ૧-૨ વર્ષ વાપરી જોવું. તેમણે શિયાળામાં બાજરીનાં તાજા રોટલાને ચોળીને, તેમાં ગોળ નાખી, તેમાં (ઘી ને બદલે) તલનું તાજુ તેલ ખૂબ સારી રીતે નાખીને, રોજ સવારે નાસ્તા રૂપે લેવાનો પ્રયોગ કરી જોવો.

ત્રણ માસનાં પ્રયોગથી, શુક્ર જંતુઓમાં ચોક્કસ સારો એવો વધારો થશે. ભારતમાં પ્રાપ્ત તમામ ખાદ્યતેલમાં આજે પણ તલનું તેલ જ સર્વોત્તમ છે. ઓલિવ ઓઈલ કરતાં તે પૌષ્ટિકતામાં સહેજ ઉતરતું છે. પણ ઓલિવ તેલ સ્વાદે જરા કડવાશવાળું છે. સ્વાદમાં તલનું તેલ તેનાથી યે ચડિયાતું છે.

ગુજરાતમાં નાતવરામાં પીરસાતા વાલ-વટાણાનાં કઠોળ પર ઉપરથી તલનું તેલ કાચું પીરસવાનો રિવાજ હતો. સુરત જિલ્લામાં આ રિવાજ હજી ઘેર ઘેર પ્રચલિત છે. તે ભૂલાઈ ગયેલા રિવાજ ને આપણે ફરી ચાલુ કરવાની જરૂરત છે. આજકાલ આપણે તલનાં તેલનો ઉપયોગ બહુ ઘટાડી નાખ્યો છે તે ખોટું છે.

તલનાં તેલના અન્ય ઔષધ : 

પ્રયોગો જોઈએ તો

(૧) દાઝી જવું :- તલનું તેલ અને ચૂનાનું નીતર્યું પાણી બંને એક શીશીમાં સરખે ભાગે લઈ, ખૂબ જ હલાવાથી તૈયાર થતા ંસફેદ લોશનને મોરપીંછા વડે દાઝ્યા પર વારંવાર લગાડવાથી ઠંડક થાય છે ને રૂઝ આવે છે.

(૨) દાંત ખરવા કે હાલવા :- તલનું તાજું તેલ હથેળીમાં લઈ આંગળી વડે હલતાં પેઢા પર હળવે હળવે હાથે રોજ ઘસવું અથવા તો તલનું તેલ મોમાં થોડીવાર ભરી રાખીને કોગળા કરી નાખો, વારંવાર તેમ કરવાથી તકલીફ દૂર થઈ જશે.

(૩) દાંત અંબાઈ જવા : તલના તેલમાં વાટેલું બારીક મીઠું નાખી, તે અંબાઈ જતા દાંત ઉપર આંગળી વડે રોજ સવાર-સાંજ ઘસવાથી તકલીફ મટશે.

(૪) શરદીથી નાક બંધ થઈ જવું :- તલના તેલમાં અજમો તથા મરી પ્રમાણસર નાખી, ગરમ કરીને ગાળી લો. તે તેલના નાકમાં ટીપા નાખવાથી શરદીથી બંધ થઈ જતું નાક ખૂલી જાય છે.

(૫) પગના વાઢિયા-ચીરા :- તલનું તેલ, દીવેલ તથા કોકમનું તેલ ત્રણેય સરખે ભાગે લઈ, સાથે ગરમ કરી, શીશી ભરી લો. હાથ-પગના ચીરા-વાઢીયા પર માલીશ કરવાથી ચોક્કસ લાભ થશે.

(૬) વાયુનાં દર્દો :- તલના તેલમાં થોડો અજમો નાખી ગરમ કરવાથી કેડનો દુ:ખાવો, આમવાત, સંધિવાત, લકવો જેવા વા ના રોગો મટે છે.

(૭) કર્ણશૂલ :- તલના તેલમાં લસણની ફોલેલી કળી નાખી કકડાવી લેવું તે તેલ ગરમ હોય ત્યારે કાનમાં ટીપા પાડવાથી કાનના સણકા તથા કાનમાં ગયેલ જંતુની પીડા મટે છે.

(૮) વાગવું :- મૂઢવાર, અંગ કચડાવું, મરડાવું કે જખમ પડી લોહી નીકળતું હોય ત્યારે તાજું તલનું તેલ ચોપડવું કે તેનો પાટો બાંધવો.

(૯) પિત્તનાં ફોલ્લા :- પિત્તનાં દોષથી શરીર પર ઉઠેલા ફોલ્લા ઉપર સાપની કાંચળી બાળી, તલના તેલમાં તેની ભસ્મ કાલવીને ચોપડવાથી લાભ થાય છે.

(૧૦) ધતૂરાનું ઝેર :- ધતૂરો ખાવાથી કોઈને તેનું ઝેર ચડયું હોય તો તલનું તેલ થોડા ગરમ પાણી સાથે પીવાથી તે ઝેર ઉતરે છે.

(૧૧) હડકવા :- હડકાયા કૂતરાનાં કરડવાથી થયેલ હડકવામાં તલનુ તેલ, ખાંડેલા તલ, ગોળ અને આકડાનું દૂધ એકઠા કરી દર્દીને પાવાથી હડકવામાં લાભ થાય છે.

નિષેધ :- પિત્ત-ગરમીનાં દર્દો, નવો તાવ, અજીર્ણ, રેચ લીધો હોય ત્યારે, ઊલટી થઈ હોય ત્યારે અને જેમને પિત્તની તાસીર માફક ન આવતું હોય તે તે સ્થિતિમાં તલનું તેલ ન વાપરવું અથવા તો વૈદ્યની સલાહ લઈને વાપરવું.

- જહાનવીબેન ભટ્ટ