- અંતર- રક્ષા શુક્લ
હોવાપણાના ભારથી હાંફી જવાય છે.
દોડી શકે નાં આ ચરણ થાકી જવાય છે.
મારાપણાનાં ભાવથી આઘાત એ મળ્યો,
રોવા મથું જો, હોઠથી મલકી જવાય છે.
સાકી મહીં દુ:ખો બધા એવા ડુમાય છે,
પીવાય ના બેહદ ભલે લથડી જવાય છે.
માણસ અહીં ટોળું બની પથ્થર ઝીંકી ગયો,
ઘાવો ભરી થાકી ગયો, જીવી જવાય છે.
-જ્યોતિ ભટ્ટ
મહારાષ્ટ્રની વારકરી પંથની ભક્તિ પરંપરા અનોખી છે. આ સંપ્રદાય જ્ઞાાનેશ્વર પહેલાનો હતો. પંઢરપુરમાં વિઠ્ઠલનું મંદિર મૈસુરના એક રાજાએ બનાવેલું હતું. મરાઠી સાહિત્યમાં નામદેવથી તુકારામ સુધી કૃષ્ણપ્રીતિ વ્યક્ત થઈ છે. 'ગાસી તરી એક વિઠ્ઠલ ચી ગાઈ, નાહી તરી ઠાયી રાહે ઉગા' ગીત માત્ર કૃષ્ણનું ગાવું, નહીંતર અબોલાના અરણ્યમાં રહેવું. આવો ગહન ગોપીભાવ પ્રેમના પરમ પ્રાદુર્ભાવનું નિમિત્ત બને છે. કૃષ્ણના જીવનમાં આઠનું મૂલ્ય હંમેશા રહ્યું છે. કૃષ્ણના અષ્ટદર્શન હોય કે જગમંગલ કાજે આઠે દિશાઓનું પરિભ્રમણ હોય. દેવકીનું આ આઠમું સંતાન આઠ હજાર વર્ષ પછી પણ 'સંભવામિ યુગે યુગે'ની સંકલ્પના સિદ્ધ કરે છે. એમને પટરાણીઓ પણ આઠ હતી. આ પટરાણીઓમાં બટમોગરા જેવી બટકબોલી સત્યભામાનું એક આગવું અને અલાયદું સ્થાન હતું.
સત્યભામા ભગવાન શ્રીકૃષ્ણના સાતમી પટરાણી હતા. શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ તેને રીઝવવાનો કોઈ મોકો હાથમાંથી જવા ન દેતી. સત્યભામા પણ પતિને પ્રિય થવા ગમે તે કરવા તૈયાર રહેતી. 'દ્રૌપદી-સત્યભામા સંવાદ'માં તેની આ આતુરતા સુપેરે દેખાઈ આવે છે. એક વાર ભગવાન શ્રીકૃષ્ણ પત્ની સત્યભામા સાથે પાંડવોને મળવા ગયા. ત્યારે સત્યભામાએ જોયું કે પાંચ પતિઓની પત્ની હોવા છતાં પણ દ્રૌપદી કેવી રીતે પાંચેય પતિઓ સાથે એક સરખો વ્યવહાર કરી પ્રેમપૂર્વક ધ્યાન રાખી રહ્યા છે. શ્રીકૃષ્ણને અત્યંત પ્રેમ કરનાર સત્યભામાએ આ બધુ જોઈને દ્રૌપદીને ખુશહાલ દામ્પત્ય જીવન જીવવાના રહસ્યો પૂછયા હતાં.
એકવાર શ્રીકૃષ્ણ દ્વારિકામાં રાણી સત્યભામા સાથે સિંહાસન પર બિરાજમાન હતા. નજીક જ ગરૂડ અને સુદર્શન ચક્ર પણ બેઠા હતા. ત્રણેયના ચહેરાઓ પર દિવ્ય તેજ ઝળહળી રહ્યું હતું. વાતો વાતોમાં રાણી સત્યભામાએ શ્રીકૃષ્ણને પૂછયું કે 'હે પ્રભુ, તમે ત્રેતાયુગમાં રામના રૂપમાં અવતાર લીધો હતો ત્યારે સીતા તમારા પત્ની હતા.
શું તે મારા કરતાં પણ સુંદર હતા ? ત્યારે ગરૂડે કહ્યું કે 'ભગવાન, શું દુનિયામાં મારા કરતા પણ વધારે ઝડપી ગતિથી કોઈ ઉડી શકે છે ?' તો બાજુમાં બેઠેલા સુદર્શન ચક્રથી પણ રહેવાયું નહીં અને તે પણ બોલી ઉઠયો કે'ભગવાન, મેં મોટા-મોટા યુદ્ધોમાં તમને વિજયશ્રી અપાવ્યા છે, શું સંસારમાં મારા કરતાં પણ શક્તિશાળી કોઈ છે ? ભગવાન તેમની વાતો સાંભળીને મનમાં જ હસી રહ્યાં હતા. તેઓ જાણી ગયા હતા કે ત્રણેય ભક્તોને અહંકાર થઈ ગયો છે અને તેમના અહંકારને નષ્ટ કરવાનો સમય આવી ગયો છે.
કંઇક વિચારીને તેમણે ગરૂડને કહ્યું કે 'હે ગરૂડ, તમે હનુમાન પાસે જઈને કહો કે માતા સીતા સાથે ભગવાન રામ તેમની પ્રતીક્ષા કરી રહ્યાં છે. ગરૂડ પણ ભગવાનની આજ્ઞાા લઈને હનુમાન પાસે જવા ઉપડયો. બીજી તરફ શ્રીકૃષ્ણએ સત્યભામાને કહ્યું કે 'દેવી, તમે સીતાના રૂપમાં તૈયાર થઈ જાઓ.' સ્વયં દ્વારકાધીશે રામનું સ્વરૂપ ધારણ કરી લીધું. કૃષ્ણે સુદર્શન ચક્રને પણ આજ્ઞાા આપી દીધી કે 'તમે મહેલના પ્રવેશ દ્વાર પર પહેરો આપો અને ધ્યાન રાખો કે મારી આજ્ઞાા વગર મહેલમાં કોઈ પ્રવેશ ના કરે.' પણ મહેલમાં પહોંચીને ગરૂડે જોયું કે હનુમાનજી તો તેનાથી પહેલા પ્રભુ સામે આવીને બેઠા હતા. ગરૂડનું માથું શરમથી નીચે ઝૂકી ગયું. ત્યારે શ્રીરામે હનુમાનજીને કહ્યું કે 'પવનપુત્ર, તમે આજ્ઞાા વગર મહેલમાં પ્રવેશ કરી લીધો ? શું તમને કોઈએ પ્રવેશદ્વાર પર રોક્યા નહીં ?' હનુમાનજીએ હાથ જોડીને, માથું નમાવીને પોતાના મોઢામાંથી સુદર્શન ચક્રને બહાર કાઢીને તેમની સામે મૂકી દીધું.
હનુમાનજીએ કહ્યું 'પ્રભુ, તમને મળવાથી મને આ ચક્રએ રોક્યો હતો તેથી તેને મોઢામાં દબાવીને જ તમને મળવા માટે આવી ગયો. મને ક્ષમા કરો.' ભગવાન મનમાં જ હસવા લાગ્યા. હનુમાને હાથ જોડતા શ્રીરામને પ્રશ્ન કર્યો કે, 'હે પ્રભુ, આજે તમે માતા સીતાના સ્થાન પર કોઈ દાસીને એટલું બધું સન્માન આપ્યું છે કે તે તમારા સાથે અહીં સિંહાસન પર બિરાજમાન છે !' સત્યભામાને સુંદરતાનો અહંકાર હતો એ હનુમાનજીના શબ્દો સાંભળીને ક્ષણભરમાં ચૂર થઈ ગયું હતું. રાણી સત્યભામા, સુદર્શન ચક્ર અને ગરૂડજી ત્રણેય ભગવાનની લીલા સમજી ગયા હતા. ત્રણેય આંખોમાં આંસુસાથે ભગવાનના ચરણોમાં ઝૂકી ગયા હતા.
એકવાર પ્રાગજ્યોતિષપુરના દૈત્યરાજ ભૌમાસુરના અત્યાચારથી દેવતાગણ ત્રાસી ગયા હતા. ત્યારે સ્વર્ગલોકના રાજા દેવરાજ ઇન્દ્રએ કૃષ્ણને જણાવ્યું કે ભૌમાસુરે પૃથ્વીના અનેક રાજાઓ અને સામાન્ય લોકોની સુંદર પુત્રીઓનું હરણ કરી પોતાની ગુલામ બનાવીને રાખી છે. આ વાત સાંભળી કૃષ્ણ પોતાની પત્ની સત્યભામા સાથે ત્યાં પહોંચ્યા અને ભૌમાસુરનો સંહાર કર્યો. આ રાક્ષસને ીના હાથે મરવાનો શ્રાપ મળ્યો હતો. તેથી કૃષ્ણે સત્યભામાની મદદથી તેનો વધ કર્યો.
પ્રેમાનંદના 'સુદામાચરિત્ર'માં કૃષ્ણ, સુદામા, સુદામાપત્ની અને સત્યભામાના ચરિત્ર અવિસ્મરણીય જોવા મળે છે. એકવાર જમ્યા પછી શ્રીકૃષ્ણને સત્યભામા પાનનું બીડું ખવડાવે છે. એના રસનું પાન કરતા કૃષ્ણ સાંભળે છે કે મિત્ર સુદામો મળવા આવ્યો છે. તો કૃષ્ણ મિત્રપ્રેમમાં સઘળા ભાન-સાન ખોઈને ઉઘાડા પગે તેને મળવા દોડે છે. ત્યારે પ્રેમાનંદ સત્યભામાને વાંકાબોલી કહીને 'કડવું-૭'માં વર્ણવે છે કે...
'જોઇ હાસ કરે સહુ નારી રેત'
આ શી રૂડી મિત્રાચારી રે!'
ઘણું વાંકાબોલી સત્યભામા રેથ'
આ શા ફૂટડા મિત્ર સુદામા રે!'
હરિ આને ઊઠી શું ધાયા રે?
ભલી નાનપણાની માયા રે!
ભલી જોવા સરખી જોડી રે,
હરિને સોંઘો, આને રાખોડી રે!
જો બાળક બહાર નીસરશે રે,
તે તો જોઈ કાકાને છળશે રે.'
તવ બોલ્યાં રુક્મિની રાણી રેત '
તમે બોલો છો શું જાણી રે?'
એકવાર જ્યારે નારદ મૂનિ શ્રીકૃષ્ણને મળવા આવ્યા ત્યારે તેમણે શ્રીકૃષ્ણને તેમની સાથે લઇને આવેલા પારિજાતના ફૂલો ભેટ કર્યા. શ્રીકૃષ્ણએ આ ફૂલ તેમની સાથે બેઠેલી પત્ની રૂક્મણીને આપ્યા હતા. આ વાતની ખબર શ્રીકૃષ્ણની પત્ની સત્યભામાને થઇ ત્યારે તેઓ કૃષ્ણ પર ખૂબ ગુસ્સે થયાં હતા. તેમણે કૃષ્ણને કહ્યુ કે 'મારે પણ સ્વર્ગથી આવેલા પારિજાતના ફૂલ જોઇએ છીએ.' શ્રીકૃષ્ણના ઘણું સમજાવ્યાં પછી પણ તેમણે આ જીદ છોડી નહી. પછીથી શ્રીકૃષ્ણએ ઇન્દ્ર પર વિજય મેળવીને પારિજાતના વૃક્ષને જીતી લીધું. શ્રીકૃષ્ણએ સ્વર્ગથી લાવેલા આ પારિજાતના વૃક્ષને સત્યભામાની વાટિકામાં વાવ્યું પણ સત્યભામાને પાઠ ભણાવવા માટે તેમણે એ એવી રીતે વાવ્યું કે પારિજાતના વૃક્ષ પર જે ફૂલો આવે એ રુક્ષમણીની વાટિકામાં ખરે.
શ્રીકૃષ્ણના રાધાજી પ્રત્યેના અવિચળ પ્રેમ માટે રુકમણીની માફક સત્યભામાને પણ ઈર્ષા થયેલી. એકવાર જમ્યા પછી સત્યભામાએ સોનાના વરખવાળું પાનબીડું શ્રીકૃષ્ણને આપ્યું. સોનાના વરખવાળું પાનબીડું સસ્નેહ સત્યભામા પાસેથી લઈ, મુખમાં મૂકી જરા શ્રીકૃષ્ણે વામકુક્ષી માટે લંબાવ્યું. શ્રીકૃષ્ણે અર્ધમિલિત ચક્ષુએ પાનના રસનો એકાદ ઘૂંટડો ગળામાં ઉતાર્યો કે તરત જ - 'રાધા ! હા, રાધા !' એવા સુમધુર શબ્દો શ્યામકુંવરના મુખમાંથી સરી પડયા.
સૌ રાણીઓ ઈર્ષાવશ ભગવાન સામે જોવા લાગી. આખાબોલા સત્યભામા રુક્મિણીનો હાથ પકડી શ્રીકૃષ્ણ ન સાંભળે તેટલી દૂર લઈ ગઈ અને બંને હાથના લહેકા સાથે લળીલળીને કહેવા લાગ્યાં,'અરે, પટરાણીજી, જોયું ને? શ્રીકૃષ્ણના શબ્દો સાંભળ્યા ને! આપણે અષ્ટરાણીઓ તો યદુનંદનની સેવામાં ખડે પગે હાજર હોઈએ છીએ અને સેવામાં કંઈ કચાશ આવવા દેતાં નથી, છતાં જોયું ને ? પેલી જાડા અને મેલાઘેલા ચણિયાચોળી અને માથે પણ જાડી ઊનની કામળી ઓઢતી, નાકમાં પૈડાં જેવી જાડી ગોળ વાળી અને હાથ-પગમાં બશેર વજનના રૂપાનાં કડલા પહેરતી. નિરંતર છાણવાસીદાં કરતી ગોકુળની એ ગોવાલણમાં એવું તે ક્યું કામણ ભર્યું છે કે જ્યારે ને ત્યારે આ નંદકિશોર એનું જ નામ સંભાળી આપણને સૌને પાછાં પાડે છે ! આજે તો બાઈ મારે એનો અંત જ લેવો છે. ચાલો, હું જ પૂછી જોઉં.' આમ કહી સત્યભામા ધીમે પગલે પીતાંબરધારી પરમાત્મા પાસે આવી પૂછવા માંડયાં, 'નાથ, આપ તો કમલાપતિ કહેવાઓ છો, એ સુંદર કમળાને યાદ કરો તો ક્ષમ્ય છે, પણ બાલ્યાવસ્થાની સાવ નાની ઉંમરે આપ વૃંદાવનમાં એ ગામડિયણ ગોપીઓ સાથે રાસ રમ્યા ! રાસ-સંચાલિકા, રસરાજ્ઞાી રાધા સાથે પ્રેમ બંધાણો.પણ એ વાતને આજે એંસી એંસી વરસ વીતી ગયાં છતાં એ રસરાજ્ઞાી રાધાને વીસર્યા નહીં.
કહો તો ખરા કે આ રાજેશ્વરી રાધા તે કઈ વાડીનો મૂળો છે કે જ્યારે ને ત્યારે બસ તેને જ સંભાળી અમને અષ્ટ પટરાણીઓને છોભીલાં પાડો છો?' બટકબોલાં સત્યભામાની અવળ વાણીની વક્રતા જોઈ, નટખટ નટવરે માયા આદરી. શ્રીકૃષ્ણે પોતાનું પેટ પકડી ઊંહકારા કરવા માંડયા. પીડાના ઉપાય તરીકે કહ્યું કે ''રાણીઓ, આ રોગ ગમે તેટલા ઉપચારો કરશો તો પણ નહીં મટે. જો મારું માનો તો, કોઈ પણ સુંદરી પોતાના ચરણની રજ મારી છાતીએ ચોળવા આપે તો મારું દર્દ શમે.' શ્રીકૃષ્ણના આ શબ્દો સાંભળી રાણીઓ મનોમન સમસમી રહી. રુક્મિણી બોલ્યાં : 'ભગવન્, તમે શું બકી રહ્યા છો ? પત્નીના ચરણની રજ પતિને આપવાથી નરકગામી થવાય, માટે એ તો કેમ બને ?' પછીની વાત તો પ્રચલિત છે કે રાધાજીએ હજાર નરક મળે તો પણ શ્રીકૃષ્ણની પીડા દૂર કરવા ઉદ્ધવજીને પોતાના પગની ચરણરજ આપી અને ભગવાનનું દર્દ દૂર થયું. શ્રીકૃષ્ણએ પટરાણીઓને કહ્યું કે ''જોયું સુંદરીઓ, તમને સૌને નરકગામી થવાની બીક લાગી, પણ મારા ખાતર રાધાજીએ નરકને તુચ્છ ગણ્યું.'
અષ્ટ પટરાણીઓ પણ શ્રીરાધાજીનો પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા પરનો અપાર અને અગાધ પ્રેમ જોઈ રસસાગરમાં ડૂબી નતમસ્તક બની !


