Get The App

સાડીમાં સાડી, જામદાની સાડી: હસ્તકલાનું બેનમૂન સૌંદર્ય

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
સાડીમાં સાડી, જામદાની સાડી: હસ્તકલાનું બેનમૂન સૌંદર્ય 1 - image

- જામદાની શબ્દ  જામ એટલે કે ફૂલ અને દાની એટલે ફૂલદાન(પુષ્પ રાખવાનું પાત્ર) એવા બે પર્શિયન શબ્દનો બનેલો  છે  :  જામદાની સાડીમાં  રંગબેરંગી પુષ્પ સહિત  ભૂમિતિની  વિવિધ પ્રકારની આકર્ષક ડિઝાઇન હોય છે  :  સુતર, રેશમ, મલમલમાંથી બનતી જામદાની સાડી વજનમાં બહુ હલકી અને હવાદાર હોય છે : 10,000 થી ચાર લાખ રૂપિયાની ભારે કિંમત હોય છે

મોહિની મહેતા ( નામ કાલ્પનિક છે) નાં લગ્ન નો  શુભ પ્રસંગ  સંપન્ન થયો.  મોહિનીએ  લગ્નની શુભ અને શુકનવંતી વિધિ વખતે  સુંદર, આકર્ષક, રંગબેરંગી  સાડી પહેરી હતી. રૂપરૂપના અંબારસમી  મોેહિની તે વિશિષ્ટ પ્રકારની સાડીમાં સ્વર્ગની કોઇ અપ્સરા જેવી શોભતી હતી. સગાં,સંબંધીઓ, બહેનપણીઓ તો   મોેહિનીને   આવી અનોખી સાડીમાં   જોઇને આશ્ચર્યચકિત  થઇ ગયાં. મોહિની મહેતાએ વળી આટલી સુંદર  કઇ સાડી પહેરી  હતી   એવી ચર્ચા  શરૂ થઇ.  

મોહિની મહેતાએ  જે  નવતર સાડી પહેરી હતી તેનું નામ હતું જામદાની સાડી.  હા, જામદાની  સાડી. આમ તો  મોહિની મહેતાએ  જુદા જુદા ઘણા પ્રકારની સાડીઓ જોઇ હતી. આમ છતાં  તેણે જામદાનીને જ પસંદ કરી હતી.   

  આમ તો ભારતમાં   કાંજીવરમ(દક્ષિણ ભારત), બનારસી (બનારસ), પૈઠણી (મહારાષ્ટ્ર), ચંદેરી (મધ્ય પ્રદેશ), પટોળાં (પાટણ -ગુજરાત), મુગા સિલ્ક(આસામ), લહેરિયું(રાજસ્થાન) વગેરે પ્રકારની સાડીઓ બહુ પ્રસિદ્ધ  છે. આ બધી સાડીઓ પણ ભારે કિંમતી, આકર્ષક, રંગબેરંગી હોય છે. આમ છતાં જેમ  બધા પ્રકારની કેરીઓમાં આફુસ સૌથી સ્વાદિષ્ટ કેરી ગણાય છે તેમ બધા પ્રકારની સાડીઓમાં જામદાની સાડી રૂપ,રંગ, સુંદરતા, બનાવટ, ટકાઉપણું વગેરે બાબતમાં શ્રેષ્ઠ ગણાય છે. 

  જામદાની  સાડીને યાદ કરવાનું ચોક્કસ   કારણ  એ છે કે    હાલ  ભારતમાં  લગ્નની  મોસમ શરૂ થઇ છે.   લગ્નમાં   વર-કન્યાનું મહત્વ અને આદર-સન્માન સૌથી વધુ હોય. ખાસ  કરીને શહેરના કોઇ અમીર કે ધનવાનની દીકરીનાં  લગ્ન હોય ત્યારે  તો આખા પરિવારમાં આનંદ ઉત્સવ ઉજવાતો હોય.  અમીર માતાપિતાઓ    તેમની વ્હાલી  દીકરી   માટે   એક  જુઓ ને એક    ભૂલો   એવી સુંદર, આકર્ષક, રંગબેરંગી સાડીઓ અને સોનાનાં  મોંઘેરાં ઘરેણાં તૈયાર કરે છે. 

 ઉપરાંત, હિન્દી ફિલ્મ જગતની રૂપકડી અભિનેત્રીઓ,  ક્રિકેટરોની , ખાનગી કંપનીઓના ચેરમેનની, દેશના ઉદ્યોગપતિઓની પત્નીઓ અને પુત્રીઓ  પણ  લગ્ન, વિવિશાળ, જન્મ દિન  વગેરે જેવા  શુભ પ્રસંગોએ જામદાની સાડી પહેરવાનું પસંદ કરે છે. 

આ તબક્કે આપણે જામદાની સાડી શા માટે સૌથી  સુંદર, શ્રેષ્ઠ, મોંઘેરી, રૂપકડી, પહેરવામાં સરળ--હલકીફૂલકી હોય છે  ?    ભારતના કયા રાજ્યમાં  બને છે ?  જામદાની  સાડી કઇ પદ્ધતિથી  તૈયાર થાય   છે  ?  તેની રસપ્રદ માહિતી જાણીએ.

   હજી  થોડા દિવસ પહેલાં  નેશનલ ક્રાફ્ટ્સ મ્યુઝિયમ એન્ડ હસ્તકલા એકેડમી દ્વારા  નવી દિલ્હીમાં પ્રદર્શન યોજાયું હતું. પ્રદર્શનમાં ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા  જાણીતા ફિલ્મ સર્જક મુઝફ્ફર અલીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું, મેં   મારી  ફિલ્મ  ઉમરાવ જાન(૧૯૮૧)માં  ની અભિનેત્રી રેખા માટે  જામદાની સાડી પસંદ કરી હતી.  જામદાની સાડીમાં રેખાનું દેહ સૌંદર્ય પૂનમની ચાંદનીની જેમ ખીલી ઉઠયું હતું. 

ભારતના મહાન   ફિલ્મ સર્જક સત્યજિત રે એ   પણ તેમની ક્લાસિક -- યાદગાર ફિલ્મ ચારુલતા(૧૯૬૪)ની   અભિનેત્રી માધબી મુખરજી ને  જામદાની સાડી પહેરાવી હોવાનો સંદર્ભ મળે  છે.  આમ પણ બંગાળમાં કવિવર રવિન્દ્ર ટાગોરના  સમયગાળા દરમિયાન બંગાળી ફિલ્મોનાં સ્ત્રી પાત્રો  આ જ જામદાની સાડી પહેરતાં હતાં.  બંગાળમાં આવી એક વિશિષ્ટ પરંપરા હતી.  

*  જામદાની સાડીનો ઐતિહાસિક  સંદર્ભ : જામદાની શબ્દ  જામ એટલે કે ફૂલ અને દાની એટલે ફૂલદાન(પુષ્પ રાખવાનું પાત્ર) એવા બે પર્શિયન શબ્દનો બનેલો  છે. સરળ રીતે સમજીએ તો  જામદાની સાડીમાં  રંગબેરંગી પુષ્પ સહિત  ભૂમિતિની  વિવિધ પ્રકારની આકર્ષક ડિઝાઇન હોય છે. 

નવમી સદીમાં  ભારત ના પ્રવાસે આવેલા સુલેમાન નામના આરબે તે સમયના અખંડ બંગાળમાં સુતરાઉ વસ્ત્ર બનતાં હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનો સંદર્ભ મળે છે. એ સુતરાઉ વસ્ત્ર એટલાં સુંવાળાં હતાં કે વીંટીમાંથી પણ પસાર થઇ  જતાં. ૧૨ મી સદીમાં તે સુતરાઉ કાપડની બનાવટમાં અમુક ફેરફાર થયા. જોકે સમય જતાં અકબરના સમયમાં   તે સુતરાઉ વસ્ત્ર જામદાની કહેવાયું અને તેને એક ઉત્તમ  વસ્ત્ર કલાનો સન્માનનીય દરજ્જો મળ્યો.  

એક ઉલ્લેખ એવો પણ મળે છે કે ૧૬  મી સદીમાં અખંડ બંગાળના સોનારગાંવ અને રૂપગંજ વિસ્તારમાં  જામદાની સાડી બનાવતા કારીગરો રહેતા હતા.  ઢાકા શહેર નજીકના નારાયણગંજ પાસની  શીતાલક્ષ્ય નદી કાંઠે પણ જામદાની સાડીના કારીગરો વસતા હતા. ઉપરાંત,  આજના  પશ્ચિમ બંગાળમાં પણ  જામદાની સાડીનો મોટો ગૃહ ઉદ્યોગ વિકસ્યો હોવાનો સંદર્ભ મળે છે. 

  જામદાની સાડી   હાથ વણાટકામનો મોટો અને પ્રસિદ્ધ ગૃહ ઉદ્યોગ છે. આ ગૃહ ઉદ્યોગની મૂળ શરૂઆત અખંડ ભારતના બંગાળમાં   બાસક   કોમના હિન્દુ  કારીગરોએ કરી હોવાનો સંદર્ભ મળે છે.  સમય જતાં બાસક  કોમના કારીગરો કોઇક કારણસર સ્થળાંતર કરીને  બીજા પ્રદેશમાં જતા રહ્યા. જોકે સ્થળાંતર પૈેલાં તેઓએ  જામદાનીની વિશિષ્ટ વણાટ  કારીગરી   સ્થાનિક માઝીમારોને અને થોડાક    મસલીન વણકરોને  શીખવી હતી. 

મસલીન એટલે મલમલનું સુતરાઉ વસ્ત્ર. એક તબક્કે  ઢાકાનું મલમલ ભારત સહિત સમગ 

વિશ્વમાં પ્રસિદ્ધ  હતું. જોકે  અંગ્રેજ શાસન દરમિયાન મલમલના ગૃહ ઉદ્યોગને ભારે નુકસાન  થયું હોવાનું પણ કહેવાય છે.

* જામદાની સાડીનું વણાટકામ વિશિષ્ટ કઇ રીતે છે ?  બહુ બહુ મોંઘી પણ હોય  છે :  જામદાની સાડીના ગૃહ ઉદ્યોગના જાણકારોના કહેવા મુજબ જામદાની સાડી સંપૂર્ણપણે   કલા અને સુંદરતાનું અદભુત પ્રતીક છે. જામદાની સાડી સુતર, સિલ્ક(રેશમ), મલમલમાંથી બને છે. 

મહત્વની બાબત તો એ છે કે બંગલા દેશમાં અને ભારતના પશ્ચિમ બંગાળમાં જામદાની સાડીના વણાટકામમાં થોડોક તફાવત છે. સરળ રીતે સમજીએ  તો બંગલા દેશના કારીગરો જામદાની સાડીમાં વણાટના  ૮૦ ટાંકા   ગૂંથે   છે, જ્યારે પશ્ચિમ બંગાળના કારીગરો ૧૨૦  ટાંકા  ગૂંથે  છે. જેટલા ટાંકા વધારે હોય તેટલી સાડી વધુ મુલાયમ બને છે. સાડી દેખાવમાં વધુ સુંદર લાગે છે.  જામદાની સાડી સંપૂર્ણપણે હસ્તકલા હોવાથી   એક સાડી બનાવતાં થોડા   મહિના થાય છે. સાડીમાં વિવિધ પ્રકારનાં રંગબેરંગી પુષ્પ, ફૂલોની વેલ,  ભૂમિતિના ગોળ, ચોરસ,ત્રિકોણ   વગેરે સુંદર આકાર વગેરે હોવાથી તે નયનરમ્ય લાગે છે. પહેલી જ   નજરે   પ્રેમ   થઇ જાય. ગમી  જાય  એટલી અફલાતૂન હોય છે. વળી,  આ સાડી  વજનમાં બહુ હલકી અને હવાદાર પણ હોવાથી પહેરવામાં બહુ જ સરળતા રહે છે.  

    જામદાની  સાડીનાં આટલાં   બધાં  જમાપાસાં  હોવાથી જ તે   બહુ   મોંઘી એટલે કે ૧૦,૦૦૦, ૧૫,૦૦૦, ૫૦,૦૦૦થી  લઇને ચાર(૪) લાખ રૂપિયાની કિંમતની   હોય  છે. 

 બીજીબાજુ આજના નવા યુગની નવી અને વધુ ભણેલી પેઢીને જામદાની સાડીના પરંપરાગત ગૃહ ઉદ્યોગમાં બહુ રસ નથી. વળી, સાડીના વણકારોને વળતર પણ બહુ જ ઓછું મળે છે. જે કોઇ નફો મળે છે તે માલિકો લઇ જાય છે.વળી, આજના આધુનિક યુગમાં વસ્ત્ર ઉદ્યોગમાં જબરી  સ્પર્ધા પણ હોવાથી જામદાની સાડીના ગૃહ ઉદ્યોગના અસ્તિત્વ સામે ઘણા પડકારો પણ છે. 

ગમે તે કહો, પણ જામદાની સાડી એટલે વણાટકામ અને હસ્તકલાનું  બેનમૂન  સૌંદર્ય . 

 - જગદીશચંદ્ર  ભટ્ટ