Get The App

સાડી મે સાડી ... એવરગ્રીન ચંદેરી સાડી

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
સાડી  મે સાડી ... એવરગ્રીન ચંદેરી સાડી 1 - image

- સેલિબ્રિટીઓના જાદુઈ સ્પર્શે 'વૃધ્ધાવસ્થા' ને આરે પહોંચેલા ઉદ્યોગને ફૂટી યુવાનીની પાંખો

ભારતીય માનુનીને ગરિમા બક્ષતું પરિધાન એટલે સાડી. સદીઓથી ચાલી આવતી આપણી આ પરંપરાગત સાડીઓની સંખ્યાબંધ ખૂબીઓમાંથી એક ખાસિયત એ છે કે તે વિવિધ પ્રાંતની ઓળખ બની રહી છે. હા, આપણા દેશના દરેક પ્રાંતમાં વણાતી જુદાં જુદાં પ્રકારની સાડીઓ જોઈને જાણકાર વ્યક્તિ તરત જ પારખી લે કે સંબંધિત સાડી કયા વિસ્તારમાં વણવામાં આવી છે. આવી જ સાડીઓમાંની એક છે ચંદેરી સાડી. એકદમ નાજુક ફેબ્રિક, પહેર્યા પછી શરીર પર સાડીના ભારનું નામોનિશાન ન વરતાય, અને કલાકો સુધી દેહ પર યાથાવત્ સ્થિતિમાં વીંટળાયેલી રહે.આજની તારીખમાં ફેશનેબલ માનુનીઓમાં અત્યંત પ્રિય થઈ પડેલી આ સાડી મધ્યપ્રદેશના વિંધ્યાચલ સ્થિત ચંદેરી ગામમાં વણવામાં આવે છે. જોકે એક સમયમાં ચંદેરીના વણકરો ભારે મુશ્કેલીભર્યા તબક્કામાંથી પસાર થઈ રહ્યાં હતાં. તેમની હાથવણાટની આ હળવીફૂલ સાડીઓની ખાસ માગ નહોતી. પરિણામે આ ઉદ્યોગ માંદગીના બિછાને પડયો હતો. પરંતુ છેલ્લાં થોડાં વર્ષથી ભારતીય ફેશન ડિઝાઈનરોની નજર આ ફેબ્રિક પર કરી છે. તેમણે માત્ર ચંદેરી સાડીઓ જ નહીં, ફેબ્રિકનો પણ પોતાના પરિધાનમાં ભરપૂર ઉપયોગ કરવા માંડયો. વાત આટલેથી ન અટકી, તેમણે ચંદેરી સાડીના કારીગરોને પરંપરાગત ડિઝાઈન અને રંગોમાં ઘણાં ફેરફારો સૂચવીને તેને આધુનિક ઓપ આપ્યો. તેથી જ આજે આ સાડી સેલિબ્રિટી માનુનીઓમાં પ્રિય થઈ પડી છે, ફેશન શોના રેમ્પ વૉકનો ભાગ પણ બની છે. હવે 'વૃધ્ધાવસ્થા' તરફ ઢળી રહેલા આ ઉદ્યોગને જાણે કે નવેસરથી યુવાની ફૂટી હોય તેમ તેનું વાર્ષિક ટર્નઓવર લગભગ ૧૫૦ કરોડ રૂપિયાને આંબી ગયું છે.

અહીંના યુવાન વણકરો ચંદેરી સાડીઓથી ભરેલી સુટકેસો લઈને દેશભરમાં તેનું વેચાણ કરે છે. તેઓ કહે છે કે આ રખડપટ્ટી પણ અમારા માટે આનંદદાયક બની રહે છે. ચંદેરી સાડીઓની વધતી જતી માગે અમારા જીવનમાં સમગ્રપણે પરિવર્તન આણ્યું છે. તેઓ વધુમાં કહે છે કે ચંદેરીમાં મુસ્લિમ અને કોળી જાતિના ૫૦૦૦ જેટલાં વણકરો દિવસરાત તેમની હાથશાળ પર કામ કરે છે.

હવે ચંદેરીમાં લૂમની સંખ્યામાં પણ ઘણી વૃદ્ધિ થઈ છે. થોડાં વર્ષ અગાઉ  જે એકમમાં માંડ બે હાથશાળ ચાલતી હતી ત્યાં છ છ લૂમ પર સંગીતબધ્ધ તાલે મનમોહક રંગોમાં ચંદેરી સાડી અને ફેબ્રિક વણાય છે. જે કારીગરોએ ગ્રાહકોના અભાવે વણાટકામ કરવાનું છોડીને બીજું કામ કરવાનું શરૂ કર્યું હતું  તેઓ પણ પોતાના મૂળ વ્યવસાય તરફ પાછાં વળ્યાં છે. તેઓ કહે છે કે થોડાં વર્ષ પહેલાં અમે અઠવાડિયે ૧૫૦ રૂપિયા જેવી મામૂલી રકમ માંડ કમાવતા હતા. જ્યારે આજે અમારી અઠવાડિયાની આવક ૨,૫૦૦ રૂપિયા જેટલી થઈ ગઈ છે. હવે અમે પૌષ્ટિક આહાર લઈ શકીએ છીએ અને અમારા સંતાનોને સારી શાળામાં અભ્યાસ કરવા પણ મોકલી શકીએ છીએ. વળી મહત્ત્વની વાત એ છે કે તેમના શિક્ષણને પગલે અમારા વ્યવસાયનો વ્યાપ પણ વધ્યો છે.

ચંદેરીને લોકપ્રિય કરવામાં યુનિડો જેવી સંસ્થાઓ, ફેબ ઈન્ડિયા જેવા રિટેલ આઉટફીટ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સ જેવાં હાઈપ્રોફાઈલ ઈવેન્ટોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ ઉપરાંત ચંદેરીને પ્રખ્યાત બનાવવામાં અભિનેતા આમીર ખાને પણ અગત્યની ભૂમિકા ભજવી છે. ચંદેરીના વણકરો કહે છે કે અભિનેતા આમીર ખાને ચંદેરી સાડીની જાહેરાત કરી તેને કારણે તેમના વ્યવસાયને ભારે બળ મળ્યું. સંબંધિત પ્રોજેક્ટને પગલે કારીગરોમાં ડિજિટલ કુશળતા વિકસી.

અત્રે ઉલ્લેખનીય છે કે આમીર ખાન તેની ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ'નું પ્રમોશન કરી રહ્યો હતો ત્યારે ચંદેરી ગામમાં રોકાયો હતો. તેણે મુંબઈ ખાતે ચાલી રહેલા એક પ્રદર્શનમાં ચંદેરી સાડી જોઈ અને તેનાથી એટલો પ્રભાવિત થઈ ગયો હતો કે તેણે ચંદેરી ગામની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો હતો. તે જ્યારે ચંદેરી ગામમાં ગયો ત્યારે ત્યાં થોડાં કલાક રોકાયો અને હાથશાળ પર હાથ પણ અજમાવી જોયો. એટલું જ નહીં, ૨૫,૦૦૦ રૂપિયાની એક ચંદેરી સાડી ખરીદીને 'થ્રી ઈડિયટ્સ'ની અભિનેત્રી કરીના કપૂરને ભેટ આપી. અભિનેત્રીએ આ સાડી પછીથી ભોપાલ ખાતેના એક કાર્યક્રમમાં પહેરી હતી. અને આ કલાકારોના હાથના જાદુઈ  સ્પર્શે જાણે કે આ ઉદ્યોગમાં જાન ફુંકી. કરીનાને જોઈને ફેશનેબલ માનુનીઓમાં પણ આ સાડી પ્રિય થઈ પડી.

છેક ૧૦-૧૨ વર્ષની વયથી હાથશાળ ચલાવીને વૃધ્ધાવસ્થા સુધીની જીવનસફર ખેડનારા અહીંના લોકો કહે છે કે અમારા વ્યવસાયમાં હમણાં જેવી વૃધ્ધિ અગાઉ ક્યારેય જોવા નથી મળી. તેઓ વધુમાં જણાવે છે કે હવે અમે સમગ્ર પરિવાર મળીને ચાર-ચાર, છ-છ લૂમ પર કામ કરીએ છીએ. અગ્રણી ફેશન ડિઝાઈનરોના માર્ગદર્શન હેઠળ અમારા પરંપરાગત રંગો અને ડિઝાઈનોમાં અમે ઘણાં ફેરફાર કર્યાં છે. છેલ્લાં થોડાં વર્ષથી ચંદેરીમાં ઈંગ્લિશ કલર્સ, મજન્ડા, યેલો, ઓરેંજ અને ગ્રીન જેવા ફ્લોરોસંટ રંગો અને આધુનિક ડિઝાઈનની બોર્ડરોનો ઉમેરો થયો છે.

મહત્ત્વની વાત એ છે કે હવે ચંદેરીના વણકરો તેમના એકમની બહાર મહાનગરોની જેમ ગ્લાસ-કેસમાં ચંદેરી સાડીઓ પ્રદર્શિત કરે છે. જ્યારે ઘણાં કારીગરોએ પોતાના હાથ નીચે ૫૦-૬૦ જેટલા વણકરો રાખીને મોટાપાયે  ઉત્પાદન કરવા માંડયુ છે. છેલ્લાં થોડાં વર્ષમાં તેઓ પણ  પાકાં ઘરમાં રહેવા લાગ્યાં છે. એટલું જ નહીં, તેમના ઘરમાં ટી.વી., ફ્રીઝ અને ઘર આંગણે મોટરો સુધ્ધાં જોવા મળે છે. તેઓ કહે છે કે એક વણકર પરિવાર મહિને દહાડે ૪૦,૦૦૦ રૂપિયા રળી લે છે. આટલી કમાણીથી અમે આરામદાયક જીવન જીવી શકીએ છીએ. એક સર્વેક્ષણ મુજબ ચંદેરીના ૪૦ ટકા ઘરોમાં ટી.વી., ૩૭.૫ ટકા લોકો પાસે મોબાઈલ, બે ટકા લોકો પાસે કમ્પ્યુટર છે. જ્યારે ૨૦ ટકા યુવાનો ફેસબુક અકાઉન્ટ ધરાવે છે. ગ્રાહકોના સંપર્કમાં રહેવા તેઓ સ્માર્ટફોનનો ઉપયોગ પણ કરે છે. કારીગરો તેમના ગ્રાહકોને ઈ-મેલ દ્વારા સાડી અને ફેબ્રિકના રંગ-ડિઝાઈન મોકલે છે. જ્યારે કેટલાંક વણકરો તો પોતાના સ્થાનિક લેબલ હેઠળ ચંદેરી સાડીઓનું ઉત્પાદન કરી રહ્યાં છે. અહીં સ્થાનિક વણકરો વચ્ચે જામેલી હરીફાઈએ  પણ ચંદેરીને નવા રંગરૂપ આપવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.

ચંદેરીના કારીગરોએ ભલે આર્થિક વિકાસ કર્યો છે, પણ પોતાનાં સંસ્કાર નથી ત્યજ્યા. તેમણે પોતાના બાપદાદાના ઘર વેંચી નથી માર્યા પણ તેમાં રહેવામાં ગર્વ અનુભવે છે. આર્થિક સમૃધ્ધિ મેળવ્યા પછી પણ તેમણે તેમના પગ જમીન સાથે જડી રાખ્યાં છે.