નિરાધાર નારીની સાચી સહિયર એ જ સન્નારી
ઘરની બાબત હોય કે બહારની રમતગમતની વાત હોય કે કૌટુંબિક સંબંધોની સ્ત્રીઓ સાથે સ્ત્રીઓનો એક ખાસ આત્મીય સંબંધ હોય છે. પરિણીત સ્ત્રીઓ ઘણા કિસ્સાઓમાં સૌથી પહેલાં પોતાના પતિ સાથે ચર્ચા કરે છે ખરી, છતાં આ જ બાબતની તેઓ પોતાની પરિચિત સ્ત્રીઓ કે સાહેલીઓ સાથે પણ મુક્ત મને વાતચીત કરી શકે છે.
લગ્ન પછી મીનુ પહેલીવાર મારા ઘેર આવી હતી. ઘરમાં પગ મૂકતાંની સાથે જ એણે એના હનીમૂન વિશેની રજેરજ વાત મને કહી દીધી. પછી એ બોલી, ''મારે તારી પાસેથી સલાહ જોઈએ છે. વાત એમ છે કે હું હમણાં બાળક નથી ઈચ્છતી, પણ એમને ઊતાવળ છે.''
''તો તું તારા પતિને કેમ સમજાવતી નથી?'' મેં એને કહ્યું.
મીનું મને ભેટી પડતાં બોલી, ''શું કરું? એમની સાથે આવી વાત કરતાં મને શરમ આવે છે, જ્યારે તું તો મારી ખાસ બહેનપણી છે....''
એની વાત પણ સાચી હતી. મીનુ નાનપણથી જ મારી બહેનપણી છે. અમારી બંનેની વચ્ચે કંઈ જ છાનું નથી. ક્યારેક જે વાત અમે ઘરનાંને ન કહી શકીએ, તે એકબીજીને કહીને મનનો ભાર હળવો કરી લઈએ કે કોઈ ઉકેલ શોધી કાઢીએ છીએ.
આ વાત માત્ર મારા કે મીનુનાં સંબંધોની જ નથી આ સિધ્ધાંત આખી સ્ત્રી જાતિને લાગુ પડેે છે. પોતાના પિતા, ભાઈ કે પતિને બદલે સ્ત્રી પોતાની માતા, બહેન કે સાહેલીને વધારે વિશ્વાસપાત્ર વ્યક્તિ માને છે. વળી આશ્ચર્યની વાત એ છે કે સ્ત્રીનો આવો વ્યવહાર વર્ષો જૂની પેલી પ્રચલિત ધારણાને ખોટી ઠેરવે છે કે, 'સ્ત્રી જ સ્ત્રીની સૌથી મોટી દુશ્મન હોય છે.' જે રીતે એક સ્ત્રી બીજી સ્ત્રીની વિશ્વાસપાત્ર હોય છે, તે જોતાં એવું જ લાગે છે કે, ''સ્ત્રી જ સ્ત્રીની સાચી સહેલી હોય છે.
સ્ત્રીઓ સાહજિકપણે બચપણથી જ પુરુષો કરતાં પોતાની સાહેલી સમાન સ્ત્રીને વધારે વિશ્વાસપાત્ર માને છે. નાનપણમાં માતા એની ખાસ સાહેલી હોય છે. માતા દીકરીને જીવનનું ભલૂબૂરું સમજાવે છે. સારા ખરાબની સમજણ આપે છે અને એની સમસ્યાઓને ધ્યાનથી સાંભળી યોગ્ય માર્ગદર્શન આપે છે. આ જ કારણસર છોકરીઓને પિતાને બદલે માતા સાથે વધારે મનમેળ હોય છે. હકીકતમાં કોઈપણ માતા પોતાના પુત્રો કરતાં પુત્રીઓને ઠપકો આપતી અને પુત્રોને લાડ લડાવતી હોય છે છતાં એકબીજાના મનને સમજી શકવાની ક્ષમતા જેટલી માતા-પુત્રીમાં હોય છે તેટલી માતા પુત્ર કે પિતા-પુત્રી વચ્ચે જોવા નથી મળતી.
એક સર્વ સામાન્ય સત્ય એ પણ છે કે ભાઈબહેનના રક્ષણ માટે ભાઈ જીવ આપવા પણ તૈયાર રહે છે. છતાં એવું જોવા મળ્યું છે કે બહેનો વચ્ચે જેટલો મનમેળ હોય છે, એટલો ભાઈ બહેન વચ્ચે નથી હોતો. બહેનો એકબીજી સાથે ગમે એટલી ઝઘડે, પરંતુ એક બહેન બીજીનું રહસ્ય ક્યારેય છતું થવા દેતી નથી. અલબત્ત બહેને જ પોતાની બહેનના ઘરસંસારમાં પલીતો ચાંપ્યો હોય એવા કિસ્સા પણ જોવા મળે છે. છતાં મોટાભાગના બનાવોમાં બહેન પોતાના મનની વાત જણાવવા માટે બહેનને જ સૌથી વધુ વિશ્વાસપાત્ર માને છે.
ઘરની બાબત હોય કે બહારની રમતગમતની વાત હોય કે કૌટુંબિક સંબંધોની સ્ત્રીઓ સાથે સ્ત્રીઓનો એક ખાસ આત્મીય સંબંધ હોય છે. પરિણીત સ્ત્રીઓ ઘણા કિસ્સાઓમાં સૌથી પહેલાં પોતાના પતિ સાથે ચર્ચા કરે છે ખરી, છતાં આ જ બાબતની તેઓ પોતાની પરિચિત સ્ત્રીઓ કે સાહેલીઓ સાથે પણ મુક્ત મને વાતચીત કરી શકે છે. આનું મુખ્ય કારણ એ છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે એક મર્યાદા હોય છે. આથી જ્યારે કોઈ સ્ત્રી પોતાના પુરુષ મિત્રો કે સંબંધીઓ સાથે વાત કરે છે, ત્યારે તેમની વચ્ચે એક પાતળી જાતિની દીવાલ હોય છે, જેને લીધે તે તદ્ન મુક્તપણે વાત કરી શકતી નથી, પરંતુ બે સ્ત્રીઓ વચ્ચે ભલે ગમે તે સંબંધ હોય, તો પણ આવી કોઈ મર્યાદા હોતી નથી. તેથી તેઓ પોતાના મનની વાત મુક્ત રીતે કરી દે છે. તદુપરાંત, સ્ત્રીઓની કેટલીક એવી અંગત સમસ્યાઓ હોય છે, જેના વિશે તેઓ પુરુષોને નથી જણાવી શકતી. પોતાની લાગણીઓને સમજી શકે તે માટે તેમને સ્ત્રીમિત્રની જરૂર હોય છે.
જો કે સંબંધોની નિકટતાની બાબતમાં પુરુષો કાયમ ઊણા જ ઊતરે છે એવું ય નથી. કેટલાક પ્રસંગોમાં તો સ્ત્રીમિત્રો કરતાં પણ પુરુષમિત્રો વધુ સહારારૂપ સાબિત થાય છે, છતાં આપણા સંસ્કાર આપણને એક મર્યાદામાં બાંધેલા રાખે છે. આ જ કારણસર પરિણીત સ્ત્રી પોતાના પતિનો કે પછી પેલા પુરુષ મિત્રની પત્નીનો વિચાર કરીને તે પોતાના પુરુષ મિત્ર સાથે દોસ્તી ક્યારેય બાંધી શકતી નથી. આ દ્રષ્ટિએ ઓફિસ પુરતી મૈત્રી નિભાવવામાં પુરુષ મિત્રો સારા સાબિત થાય છે. પણ મિત્રતાને કૌટુંબિક સંબંધમાં ફેરવવાની દ્રષ્ટિએ તો સ્ત્રીમિત્ર જ સારી સાબિત થાય છે. પુરુષો સાથે વાતો કરવામાં સ્ત્રીઓને એટલી શરમ આવે છે કે કોઈ માંદગી અથવા અંગત બીમારીની તપાસ અને નિદાન માટે તે પુરુષને બદલે સ્ત્રીતબીબ પાસે જ જવાનું પસંદ કરે છે, ભલે ને પછી એ પુરુષ તબીબ સારામાં સારો સ્ત્રીરોગ તજજ્ઞા હોય અને પેલી મહિલાતબીબ સામાન્ય તબીબ કેમ ન હોય!
એક સ્ત્રી સાથે બીજી સ્ત્રીના અંગત સંબંધ હોવાનું મુખ્ય કારણ એ જ છે કે મોટાભાગની સ્ત્રીઓની તકલીફો તથા અનુભવો લગભગ એક સમાન હોય છે. શારીરિક ફેરફારની સમાન પ્રક્રિયામાંથી પસાર થવાને લીધે તેઓ એકબીજા સાથે આ રીતે લાગણીઓનું આદાનપ્રદાન સહેલાઈથી કરી લે છે. સૌથી મોટું કારણ તો એ છે કે નાનપણથી જ છોકરીઓની મૈત્રી છોકરીઓ સાથે હોય છે. આ જ કારણસર વર્ષોથી સ્ત્રીની સાચી બહેનપણી રહી છે.